ફિલિપીઓને પત્ર
૪ મારા ભાઈઓ, હું તમને બહુ પ્રેમ કરું છું અને તમને મળવાની ઝંખના રાખું છું. વહાલા ભાઈઓ, તમે મારો આનંદ અને મુગટ છો.+ હું તમને અરજ કરું છું કે તમે ઈશ્વરને* વફાદાર* રહેજો.+
૨ હું યુવદિયાને અને સુન્તુખેને વિનંતી કરું છું કે ઈશ્વરની* સેવિકા તરીકે પોતાના મતભેદો હલ કરે.*+ ૩ મારા સાચા સાથીદાર, હું તને પણ વિનંતી કરું છું કે એ બહેનોને મદદ આપતો રહેજે. તેઓએ ખુશખબર માટે મારી સાથે ખભેખભા મિલાવીને કામ કર્યું છે.* એ બહેનોએ ક્લેમેન્ત અને મારા બીજા સાથીદારો સાથે મળીને મને મદદ કરી છે, જેઓનાં નામ જીવનના પુસ્તકમાં છે.+
૪ ઈશ્વરને* લીધે હંમેશાં આનંદ કરો. હું ફરીથી કહીશ, આનંદ કરો!+ ૫ તમે વાજબી* છો,+ એની બધાને જાણ થવા દો. ઈશ્વર* નજીક છે. ૬ કશાની ચિંતા ન કરો,+ પણ હંમેશાં ઈશ્વરને પ્રાર્થના અને અરજ* કરો, દરેક બાબતમાં તેમનું માર્ગદર્શન માંગો અને કાયમ તેમનો આભાર માનો.+ ૭ જો એમ કરશો, તો ઈશ્વરની શાંતિ,+ જે આપણી સમજશક્તિની બહાર છે, એ ખ્રિસ્ત ઈસુ દ્વારા તમારાં હૃદયનું અને મનનું* રક્ષણ કરશે.+
૮ છેવટે ભાઈઓ, જે વાતો સાચી, મહત્ત્વની, નેક, શુદ્ધ,* પ્રેમાળ, માનપાત્ર, ભલી અને પ્રશંસાને લાયક છે, એનો વિચાર કરતા રહો.*+ ૯ મારી પાસેથી તમે જે વાતો શીખ્યા, સ્વીકારી, સાંભળી અને જોઈ, એ પ્રમાણે કરતા રહો+ અને શાંતિના ઈશ્વર તમારી સાથે રહેશે.
૧૦ તમે ફરીથી મારી ચિંતા કરવા લાગ્યા છો,+ એટલે હું ઘણો ખુશ છું અને ઈશ્વરનો* આભાર માનું છું. ખરું કે તમે મારી ચિંતા તો કરતા હતા, પણ એ બતાવવાની તમને તક મળી ન હતી. ૧૧ મને કશાની ખોટ છે, એટલે હું એવું કહેતો નથી. હું કોઈ પણ સંજોગોમાં સંતોષથી રહેવાનું શીખ્યો છું.+ ૧૨ મારી પાસે થોડું હોય+ કે વધારે હોય, હું ખુશ રહી શકું છું. મને ભરપેટ ખાવાનું મળે કે ભૂખ્યા રહેવું પડે, હું સુખ-સાહેબીમાં હોઉં કે તંગીમાં હોઉં, ગમે એવા સંજોગોમાં સંતોષથી રહેવાનું રહસ્ય હું શીખ્યો છું. ૧૩ કેમ કે ઈશ્વર મને બળ આપે છે અને તેમની મદદથી મને બધું કરવાની શક્તિ મળે છે.+
૧૪ પણ મારી મુશ્કેલીઓમાં* તમે મને સાથ આપ્યો, એ ઘણું સારું કર્યું. ૧૫ ફિલિપીના ભાઈઓ, તમે જાણો છો કે તમે પહેલી વાર ખુશખબર સાંભળી પછી જ્યારે હું મકદોનિયાથી નીકળ્યો, ત્યારે ફક્ત તમારા મંડળે મને મદદ કરી હતી.+ ૧૬ હું થેસ્સાલોનિકામાં હતો ત્યારે પણ, તમે મારી જરૂરિયાતો પૂરી કરવા એક વાર નહિ, બે વાર મદદ મોકલી હતી. ૧૭ હું કોઈ ભેટની આશા રાખતો નથી. પણ હું ચાહું છું કે ઉદાર હાથે આપવાથી જે ઇનામ* મળે છે, એ તમને પણ મળે. ૧૮ મને જોઈએ એ બધું જ મારી પાસે છે અને એથી પણ વધારે છે. એપાફ્રદિતસ+ સાથે તમે જે કંઈ મોકલ્યું, એનાથી મને પૂરેપૂરો સંતોષ થયો છે. તમારી ભેટ એવા બલિદાન જેવી છે, જેની સુવાસથી ઈશ્વર ખુશ થાય છે.+ ૧૯ એ ભેટના બદલામાં, મારા ઈશ્વર પોતાની મહાન સંપત્તિથી ખ્રિસ્ત ઈસુ દ્વારા તમારી સર્વ જરૂરિયાતો પૂરી કરશે.+ ૨૦ આપણા ઈશ્વર અને પિતાને સદાને માટે ગૌરવ મળતું રહે. આમેન.*
૨૧ ખ્રિસ્ત ઈસુ સાથે એકતામાં છે એવા દરેક પવિત્ર જનને મારી યાદ આપજો. મારી સાથેના ભાઈઓ તમને યાદ આપે છે. ૨૨ બધા પવિત્ર જનો અને ખાસ કરીને સમ્રાટના* કુટુંબીજનો+ તમને યાદ આપે છે.
૨૩ તમારા સારા વલણ પર આપણા માલિક ઈસુ ખ્રિસ્તની અપાર કૃપા રહે.