વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • od પ્રકરણ ૧૦ પાન ૯૮-૧૦૭
  • ભક્તિમાં તમે કઈ રીતે વધારે કરી શકો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ભક્તિમાં તમે કઈ રીતે વધારે કરી શકો?
  • યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
  • મથાળાં
  • સરખી માહિતી
  • મંડળમાં પ્રકાશક તરીકે સેવા આપવી
  • વધારે જરૂર હોય ત્યાં સેવા આપવી
  • બીજી ભાષામાં પ્રચાર કરવો
  • પાયોનિયર સેવા
  • ફિલ્ડ મિશનરીઓ
  • સરકીટ કામ
  • બાઇબલ શાળાઓ
  • બેથેલ સેવા
  • બાંધકામ સેવા
  • ઈશ્વરની ભક્તિમાં તમે કેવા ધ્યેયો બાંધ્યા છે?
  • પૂરા સમયના સેવકોની કદર કરીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
od પ્રકરણ ૧૦ પાન ૯૮-૧૦૭

પ્રકરણ ૧૦

ભક્તિમાં તમે કઈ રીતે વધારે કરી શકો?

ઈસુએ પોતાના શિષ્યોને રાજ્યનો પ્રચાર કરવા મોકલતી વખતે કહ્યું: “ફસલ તો ઘણી છે, પણ મજૂરો થોડા છે.” ઘણું પ્રચારકામ કરવાનું હતું. તેથી, તેમણે ઉમેર્યું: “ફસલના માલિકને વિનંતી કરો કે કાપણી માટે તે વધારે મજૂરો મોકલે.” (માથ. ૯:૩૭, ૩૮) ઈસુએ શિષ્યોને જણાવ્યું કે કઈ રીતે પ્રચાર કરવો. એ કામ કેટલું મહત્ત્વનું છે, એનો રણકાર તેમના આ શબ્દોમાં સંભળાતો હતો: “માણસનો દીકરો આવે ત્યાં સુધી, તમે ઇઝરાયેલનાં બધાં શહેરો અને ગામડાઓમાં કોઈ પણ રીતે તમારું કાર્ય પૂરું કરી શકશો નહિ.”—માથ. ૧૦:૨૩.

૨ આજે પણ પ્રચારમાં ઘણું કરવાનું છે. અંત આવે એ પહેલાં, બધે જ રાજ્યની ખુશખબરનો પ્રચાર થવો જરૂરી છે; હવે, સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે. (માર્ક ૧૩:૧૦) આ દુનિયા ખેતર સમાન છે; એટલે, આપણે પણ ઈસુ અને તેમના શિષ્યો જેવા સંજોગોમાં છીએ. પરંતુ, આપણે ઘણા મોટા પાયે કામ કરવાનું છે. દુનિયાના કરોડો ને કરોડો લોકોની સરખામણીમાં આપણી શું ગણતરી? પણ, આપણે પૂરો ભરોસો રાખી શકીએ કે યહોવા ચોક્કસ મદદ કરશે. રાજ્યની ખુશખબર આખી ધરતી પર જરૂર ફેલાશે અને યહોવાએ નક્કી કરેલા સમયે અંત આવશે જ આવશે. શું આપણે ઈશ્વરનું રાજ્ય જીવનમાં પહેલા મૂકીને, આપણું સેવાકાર્ય દરેક રીતે પૂરું કરીશું? એ માટે આપણે ઈશ્વરની ભક્તિમાં કેવા ધ્યેયો બાંધીશું અને પૂરા કરીશું?

૩ યહોવા પોતાના વિશ્વાસુ ભક્તો પાસેથી શાની આશા રાખે છે? એ વિશે ઈસુએ જણાવ્યું: “તારા ઈશ્વર યહોવાને તું તારા પૂરા હૃદયથી અને તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી અને તારા પૂરા બળથી પ્રેમ કર.” (માર્ક ૧૨:૩૦) આપણે પૂરા દિલથી ઈશ્વરની ભક્તિ કરવી જોઈએ. એનો અર્થ થાય કે આપણે યહોવાની ભક્તિ દિલથી કરીએ છીએ એ કાર્યોથી બતાવીએ; તેમ જ, આપણા સમર્પણ પ્રમાણે જીવવામાં કોઈ કચાશ ન રાખીએ. (૨ તિમો. ૨:૧૫) દરેકનાં સંજોગો અને આવડતો પ્રમાણે બધા માટે ઘણી તક રહેલી છે. વિચાર કરો કે એવી અમુક તક કઈ છે; ત્યાર બાદ, નક્કી કરો કે સેવાકાર્ય સારી રીતે કરવા માટે તમે કયા ધ્યેયો પાછળ સખત મહેનત કરશો.

મંડળમાં પ્રકાશક તરીકે સેવા આપવી

૪ સત્યના માર્ગે ચાલનાર દરેકને ખુશખબર ફેલાવવાનો આશીર્વાદ મળ્યો છે. ઈસુએ પોતાના શિષ્યોને આ કામ સોંપ્યું છે. (માથ. ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) મોટા ભાગે ઈસુ ખ્રિસ્તના પગલે ચાલનારા ખુશખબર સાંભળે કે તરત બીજાઓને જણાવવા લાગે છે. આંદ્રિયા, ફિલિપ, કર્નેલિયસ અને બીજાઓએ પણ એવું જ કર્યું હતું. (યોહા. ૧:૪૦, ૪૧, ૪૩-૪૫; પ્રે.કા. ૧૦:૧, ૨, ૨૪; ૧૬:૧૪, ૧૫, ૨૫-૩૪) શું એનો અર્થ એ થાય કે કોઈ બાપ્તિસ્મા લે એના પહેલાં ખુશખબર જણાવી શકે? હા, ચોક્કસ! મંડળમાં કોઈ બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક બને કે તરત જ તે ઘરે-ઘરે પ્રચાર કરી શકે છે. તે પોતાનાં સંજોગો અને આવડત પ્રમાણે, અલગ અલગ રીતે પ્રચાર કરવાનો આનંદ માણી શકે છે.

૫ બાપ્તિસ્મા લીધા પછી એક પ્રકાશક પોતાનાથી બનતું બધું જ કરવા માંગશે, જેથી બીજાઓને ખુશખબર વિશે શીખવી શકે. ભાઈઓ અને બહેનો બંનેને પ્રચારકામ કરવાનો એકસરખો આશીર્વાદ છે. ઈશ્વરના રાજ્યને લગતું કોઈ પણ નાનું-મોટું કામ મળે, એ મોટો આશીર્વાદ છે. ઈશ્વરની ભક્તિમાં વધારે કરવા જો કોઈ સેવાકાર્યનાં અલગ અલગ પાસાઓમાં ભાગ લે, તો તે હજુ વધારે આનંદ મેળવશે.

વધારે જરૂર હોય ત્યાં સેવા આપવી

૬ બની શકે કે તમારા મંડળના વિસ્તારમાં વારંવાર પ્રચાર થયો હોય અને સંદેશો સારી રીતે જણાવવામાં આવ્યો હોય. એમ હોય તો, તમને કદાચ વધારે પ્રચારકોની જરૂર હોય એવા વિસ્તારમાં જવાની ઇચ્છા થાય. (પ્રે.કા. ૧૬:૯) જો તમે હમણાં વડીલ અથવા સહાયક સેવક હો, તો કોઈ બીજા મંડળમાં જઈને મદદ આપી શકો. સરકીટમાં બીજા કોઈ મંડળને કઈ રીતે મદદ આપી શકાય, એ વિશે તમારા સરકીટ નિરીક્ષક તમને વધારે માહિતી આપી શકે. જો તમે દેશના કોઈ બીજા વિસ્તારમાં જઈને પ્રચાર કરવા માંગતા હો, તો શાખા કચેરી મદદરૂપ માહિતી આપી શકે.

૭ શું તમે બીજા કોઈ દેશમાં સેવા આપવા ચાહો છો? જો એમ હોય તો તમારે બહુ સમજી-વિચારીને પગલાં ભરવાં પડશે. કેમ નહિ કે તમારા મંડળના વડીલો સાથે એ વિશે વાત કરો. બીજા દેશમાં જવાથી તમારા પર અને તમારી સાથે આવનાર પર જરૂર અસર પડશે. (લુક ૧૪:૨૮) જોકે, બહુ લાંબો સમય ત્યાં રહેવાનો વિચાર ન હોય તો, સારું થશે કે તમે રહો છો એ જ દેશમાં બીજી કોઈ જગ્યાએ સેવા આપો.

૮ અમુક દેશોમાં મંડળની દેખરેખ રાખનારા ભાઈઓને સત્યમાં આવ્યાને થોડાં જ વર્ષો થયાં છે. એ નમ્ર ભાઈઓ ખુશીથી એવા અનુભવી વડીલોને આગેવાની લેવા દે છે, જેઓ બીજી જગ્યાએથી મંડળમાં સેવા આપવા આવ્યા હોય. જો તમે વડીલ હો અને એવા કોઈ દેશમાં જવાનું વિચારતા હો, તો યાદ રાખો કે તમારો ધ્યેય એવા ભાઈઓની જગ્યાએ નહિ, પણ તેઓ સાથે સેવા કરવાનો છે. તેઓને મંડળની જવાબદારીઓ ઉપાડવાનું અને સ્વીકારવાનું ઉત્તેજન આપો. (૧ તિમો. ૩:૧) તમે જે દેશથી આવો છો ત્યાં જે રીતે થતું હતું, એ રીતે બધું ન થાય તો ધીરજ રાખો. એ ભાઈઓને જોઈતી મદદ આપવા, વડીલ તરીકેનો તમારો અનુભવ વાપરો. પછી, કોઈ કારણસર તમારે જો પાછા ઘરે જવું પડે, તો આ વડીલો મંડળની સંભાળ રાખવા માટે સારી રીતે તૈયાર હશે.

૯ જે મંડળોને મદદની જરૂર છે, એનાં નામ શાખા કચેરી તમને આપશે. પણ, એ પહેલાં તમારા મંડળની સેવા સમિતિ તરફથી ભલામણ પત્રની જરૂર પડશે. ભલે તમે વડીલ, સહાયક સેવક, પાયોનિયર કે પ્રકાશક હો, છતાં આ પત્રની જરૂર પડશે. સેવા સમિતિ એ ભલામણ પત્ર અને તમે જે દેશમાં જવા માંગો છો એ વિશેની તમારી પૂછપરછ, ત્યાંની શાખા કચેરીને સીધા જ મોકલી આપશે.

બીજી ભાષામાં પ્રચાર કરવો

૧૦ ઈશ્વરની ભક્તિમાં વધારે કરવા કદાચ તમે બીજી કોઈ ભાષા શીખવાનો વિચાર કરો, જેમાં સાઇન લેંગ્વેજ (મૂક-બધિર લોકોની ભાષા) પણ આવી જાય છે. જો તમારો ધ્યેય બીજી ભાષામાં પ્રચાર કરવાનો હોય, તો કેમ નહિ કે વડીલો અને સરકીટ નિરીક્ષક સાથે વાત કરો. તેઓ જરૂરી સૂચનો અને ઉત્તેજન આપશે. શાખા કચેરીના માર્ગદર્શન પ્રમાણે, અમુક સરકીટમાં બીજી ભાષા શીખવાના ક્લાસની ગોઠવણ થઈ છે. એનાથી યોગ્ય પ્રકાશકો અને પાયોનિયરોને બીજી ભાષામાં પ્રચાર કરવાની તાલીમ મળી છે.

પાયોનિયર સેવા

૧૧ બધા જ પ્રકાશકો જાણતા હોવા જોઈએ કે સહાયક, નિયમિત અને ખાસ પાયોનિયર બનવા શું કરવાની જરૂર છે; તેમ જ, પૂરા સમયની બીજી સેવાઓ આપવા શું કરવું જોઈએ. એક પાયોનિયર બાપ્તિસ્મા લીધેલા અને સારી શાખ ધરાવનાર હોવા જોઈએ; તેમના સંજોગો એવા હોવા જોઈએ, જેના લીધે તે દર મહિને અમુક ચોક્કસ કલાકો ખુશખબર જણાવી શકે. સહાયક અને નિયમિત પાયોનિયર સેવા માટેની અરજીઓ મંડળની સેવા સમિતિ મંજૂર કરે છે; જ્યારે કે ખાસ પાયોનિયરોને શાખા કચેરી પસંદ કરે છે.

૧૨ સહાયક પાયોનિયરોની પસંદગી ઓછામાં ઓછા એક મહિના માટે, અમુક મહિનાઓ માટે કે સળંગ લાંબા સમય માટે થાય છે. એનો આધાર પ્રકાશકના સંજોગો પર રહેલો છે. રાજ્યનો પ્રચાર કરનારા ઘણાં ભાઈબહેનો અમુક ખાસ પ્રસંગોએ સહાયક પાયોનિયર સેવાનો આનંદ માણે છે. જેમ કે, સ્મરણપ્રસંગના સમયગાળામાં અથવા સરકીટ નિરીક્ષકની મુલાકાતના મહિનામાં. અમુક ભાઈબહેનો રજાઓના મહિનાઓમાં એમ કરે છે. સ્કૂલમાં જતાં બાપ્તિસ્મા લીધેલા પ્રકાશકો વેકેશનમાં સહાયક પાયોનિયર સેવા આપવાનું પસંદ કરી શકે. દર માર્ચ અને એપ્રિલમાં તેમજ સરકીટ નિરીક્ષકની મુલાકાત દરમિયાન સહાયક પાયોનિયર સેવાના કલાકો ઘટાડવામાં આવે છે. પ્રકાશકો ત્યારે પણ એ સેવામાં ભાગ લઈ શકે છે. તમારા વિશે શું? શું તમારાં વાણી-વર્તન અને આદતો સારાં છે? શું તમે અમુક ચોક્કસ કલાકો પૂરા કરી શકો છો? શું તમે એક કે વધારે મહિના સહાયક પાયોનિયર સેવા કરી શકો છો? જો એમ હોય, તો આ સેવાના લહાવા માટેની તમારી અરજી પર વિચાર કરવામાં વડીલોને ખુશી થશે.

૧૩ નિયમિત પાયોનિયર બનવા માટે તમારા સંજોગો એવા હોવા જોઈએ કે તમે વર્ષના કલાકો પૂરા કરી શકો. નિયમિત પાયોનિયર તરીકે તમે તમારા મંડળને પૂરો સાથ-સહકાર આપતા હોવા જોઈએ. ઉત્સાહી પાયોનિયરો મંડળ માટે મોટો આશીર્વાદ છે. તેઓ પ્રચારકામ માટે મંડળની હોંશ વધારે છે. અરે, બીજાં ભાઈબહેનોને પણ પાયોનિયર બનવા ઉત્તેજન આપે છે. જોકે, તમને બાપ્તિસ્મા લીધાને ઓછામાં ઓછા છ મહિના થયા હોય અને તમે સારો દાખલો બેસાડનાર પ્રકાશક હો, તો જ તમે નિયમિત પાયોનિયર માટેની અરજી કરી શકો છો.

૧૪ ખાસ પાયોનિયરોની પસંદગી મોટા ભાગે એવા નિયમિત પાયોનિયરોમાંથી થાય છે, જેઓએ સેવાકાર્યમાં જોરદાર કામ કર્યું છે. શાખા કચેરી જ્યાં મોકલે ત્યાં સેવા આપવા તેઓ તૈયાર હોવા જોઈએ. ઘણી વાર એ છૂટાછવાયા વિસ્તારો હોય શકે, જ્યાં તેઓ સત્યનો પ્રકાશ ફેલાવીને નવાં મંડળ ઊભા કરી શકે. કેટલીક વાર, ખાસ પાયોનિયરોને એવાં મંડળોમાં મોકલવામાં આવે છે, જ્યાં પ્રચારનો વિસ્તાર પૂરો કરવા મદદની જરૂર હોય. વડીલો હોય એવા અમુક ખાસ પાયોનિયરોને નાનાં મંડળોને મદદ કરવાની જવાબદારી મળી છે, ભલે ત્યાં વધારે પ્રચારકોની જરૂર ન હોય. ખાસ પાયોનિયરોને જીવન-જરૂરિયાતો માટે નાની રકમ આપવામાં આવે છે. અમુકને થોડા સમય માટે જ ખાસ પાયોનિયરો તરીકે પસંદ કરવામાં આવે છે.

ફિલ્ડ મિશનરીઓ

૧૫ નિયામક જૂથની સેવા સમિતિ ફિલ્ડ મિશનરીઓની પસંદગી કરે છે. પછી, તેઓને જે તે દેશની શાખા સમિતિ ભરચક વસ્તીવાળા વિસ્તારોમાં પ્રચાર કરવા મોકલે છે. તેઓ પ્રચારકાર્ય અને મંડળનાં કામોને જોરશોરથી આગળ વધારવા તથા મંડળને દૃઢ બનાવવા માટે ખૂબ મહેનત કરે છે. મોટા ભાગે તેઓને રાજ્ય પ્રચારકો માટેની શાળામાં અથવા ગિલયડ શાળામાં તાલીમ મળી હોય છે. તેઓને રહેવાની સગવડ અને જીવન-જરૂરિયાતો માટે નાની રકમ આપવામાં આવે છે.

સરકીટ કામ

૧૬ સરકીટ નિરીક્ષકની પસંદગી નિયામક જૂથ કરે છે. તેઓને તાલીમ આપવામાં આવે છે. પહેલા તો તેઓ થોડા સમય માટે સરકીટ નિરીક્ષક તરીકે અનુભવ લે છે. એવા ભાઈઓને પ્રચારકામ બહુ જ ગમે છે અને તેઓ મંડળનાં ભાઈબહેનોને ખૂબ ચાહે છે. તેઓ જોશીલા પાયોનિયરો, દિલ લગાડીને બાઇબલનો અભ્યાસ કરનારા, સારાં પ્રવચનો આપનારા અને જોરદાર શિક્ષકો છે. તેઓ પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતા ગુણો બતાવવામાં સારો દાખલો બેસાડે છે; તેઓ વાજબી અને સમજુ હોય છે. જો ભાઈ પરણેલા હોય તો તેમની પાયોનિયર પત્ની પોતાનાં વાણી-વર્તનમાં સારો દાખલો બેસાડનારી હોય છે. તે સારી રીતે પ્રચાર કરનારી હોય છે. તે પતિને આધીન રહેનારી પત્ની તરીકે પોતાની જવાબદારી સારી રીતે સમજે છે; પતિના બદલે પોતે બોલ બોલ કરનારી કે પોતાનો કક્કો ખરો કરનારી નથી હોતી. સરકીટ નિરીક્ષકો અને તેઓની પત્નીઓને દરરોજ ઘણું કરવાનું હોય છે. એટલે, આવી સેવા કરવા ચાહનારાઓની તંદુરસ્તી સારી હોવી જ જોઈએ. પાયોનિયરો સરકીટ સેવા કરવા માટે અરજી કરતા નથી. એના બદલે, તેઓ પોતાની ઇચ્છા સરકીટ નિરીક્ષકને જણાવી શકે, જે તેઓને અમુક સૂચનો આપશે.

બાઇબલ શાળાઓ

૧૭ રાજ્ય પ્રચારકો માટે શાળા: બહુ ઓછો પ્રચાર થયો હોય ત્યાં પ્રચાર કરવા અને મંડળોને ઈશ્વરની ભક્તિમાં મક્કમ કરવા વધારે રાજ્ય પ્રચારકોની બહુ જરૂર છે. તેથી, એકલા ભાઈઓ, એકલી બહેનો અને પરિણીત યુગલો ખાસ તાલીમ લેવા રાજ્ય પ્રચારકો માટેની શાળામાં અરજી કરી શકે. તાલીમ પૂરી કરી લીધા પછી, તેઓને પોતાના ઘર નજીકના વિસ્તારમાં જ્યાં વધારે પ્રચારકોની જરૂર હોય, ત્યાં નિયમિત પાયોનિયરો તરીકે મોકલવામાં આવે છે. પરંતુ, જો કોઈ વધારે જવાબદારી ઉપાડી શકતા હોય, તો તેઓને પોતાના દેશના બીજા કોઈ વિસ્તારમાં અથવા બીજા દેશમાં મોકલવામાં આવી શકે. અમુકને થોડા સમય માટે અથવા લાંબા સમય માટે ખાસ પાયોનિયરો બનાવવામાં આવી શકે. જે પાયોનિયરોને આ શાળામાં જવું હોય, તેઓ એના વિશે વધારે માહિતી મહાસંમેલનમાં રાખવામાં આવતી સભામાંથી લઈ શકે.

૧૮ ગિલયડ શાળા: આ શાળા માટે પસંદ કરાયેલાં એકલા ભાઈઓ, એકલી બહેનો અને પરિણીત યુગલોને અંગ્રેજી આવડે છે. તેઓ ખાસ પાયોનિયરો, ફિલ્ડ મિશનરીઓ, સરકીટ નિરીક્ષકો અથવા બેથેલ કુટુંબમાંથી હોય છે. તેઓમાં પ્રચારકાર્ય પૂરા જોશથી આગળ વધારવાની અથવા શાખાની ગોઠવણોને વધારે દૃઢ બનાવવાની ધગશ હોય છે. તેઓએ પુરવાર કર્યું છે કે પોતાના ભાઈઓની સેવા કરવા તેઓ રાજી છે. તેમ જ, તેઓ બીજાઓને પ્રેમથી મદદ કરી શકે છે, જેથી લોકો શાસ્ત્રમાંથી ઈશ્વરનું માર્ગદર્શન શીખીને એને જીવનમાં ઉતારે. દરેક દેશની શાખા સમિતિ યોગ્ય વિદ્યાર્થીઓને અરજી કરવા જણાવે છે. આ શાળામાંથી તાલીમ લેનારાઓને પ્રચારકામમાં અથવા બીજા દેશની શાખા કચેરીમાં કે પછી તેઓના પોતાના વિસ્તારમાં મોકલવામાં આવે છે.

બેથેલ સેવા

૧૯ બેથેલમાં સેવા આપવી, એ મોટો આશીર્વાદ છે. બેથેલ નામનો અર્થ થાય, “ઈશ્વરનું ઘર.” એ નામ ઈશ્વરની ભક્તિને માટે થતાં કામોની જગ્યાઓ માટે એકદમ યોગ્ય છે. બેથેલ સેવા આપતાં ભાઈબહેનો બાઇબલ આધારિત સાહિત્ય તૈયાર કરવાનું, ભાષાંતર કરવાનું અને બધે મોકલવાનું મહત્ત્વનું કાર્ય કરે છે. નિયામક જૂથ માટે બેથેલ કુટુંબની સેવા અનમોલ છે; નિયામક જૂથ આખી પૃથ્વી પરનાં બધાં મંડળોની દેખરેખ રાખે છે અને માર્ગદર્શન આપે છે. બેથેલ કુટુંબના ઘણાં ભાઈબહેનો ભાષાંતર કામ કરે છે; તેઓ જે ભાષામાં અનુવાદ કરે છે, એ ભાષા પોતાની શાખાના વિસ્તારમાં જ્યાં બોલાતી હોય ત્યાં તેઓ રહે છે. એનાથી તેઓ રોજબરોજ વપરાતી ભાષા સાંભળી શકે છે. તેમ જ, ભાષાંતર થયેલા સાહિત્યમાં વપરાયેલી ભાષા લોકો સમજે છે કે કેમ, એ પણ તેઓ પોતે જોઈ શકે છે.

૨૦ બેથેલમાં થતું કામ સખત મહેનત માંગી લે છે. એટલે, બેથેલમાં મોટા ભાગે એવા ભાઈઓને બોલાવવામાં આવે છે, જેઓ સમર્પણ કરીને બાપ્તિસ્મા પામેલા, યુવાન, તંદુરસ્ત અને મજબૂત બાંધાના હોય. તમારા દેશની સંભાળ રાખતી શાખા કચેરીમાં જરૂર હોય અને તમે બેથેલમાં સેવા આપવા ચાહતા હો તો શું કરી શકો? મહાસંમેલનોમાં બેથેલ સેવા આપવાં ચાહતાં ભાઈબહેનો માટે સભા હોય છે, એમાં જઈને તમે વધારે જાણી શકો. બેથેલ સેવા વિશે તમે સરકીટ નિરીક્ષકને પણ પૂછી શકો.

બાંધકામ સેવા

૨૧ સુલેમાનના મંદિરના બાંધકામની જેમ, ઈશ્વરની ભક્તિ માટે બાંધકામ કરવું, એ પણ પવિત્ર સેવા છે. (૧ રાજા. ૮:૧૩-૧૮) ઘણાં ભાઈબહેનો આ કામમાં ભાગ લેવા માટે પોતાનો સમય અને ધનસંપત્તિ વાપરીને ખૂબ ધગશ બતાવે છે.

૨૨ શું તમે એમાં મદદ કરી શકો? જો તમે બાપ્તિસ્મા પામેલા પ્રકાશક હો અને આવા કામમાં ભાગ લેવા માંગતા હો, તો તમારા વિસ્તારમાં બાંધકામની દેખરેખ રાખતા ભાઈઓ તમારી મદદની ઘણી કદર કરશે; અરે, તમારામાં પૂરતી આવડત ન હોય તો તેઓ શીખવવા પણ તૈયાર છે. તમારા વડીલોને જણાવો કે તમે આવી મદદ કરવા તૈયાર છો. બાપ્તિસ્મા પામેલા અમુક પ્રકાશકોને પોતાના સંજોગો પ્રમાણે, બીજા દેશોમાં જઈને એવાં બાંધકામોમાં સેવા આપવાની તક પણ મળી છે.

૨૩ બાંધકામ સેવામાં ભાગ લેવાની ઘણી તકો રહેલી છે. સારો દાખલો બેસાડતા હોય અને બાંધકામની અમુક આવડત હોય એવા પ્રકાશકો, પોતાના વિસ્તારમાં ચાલતા એવા કોઈ પ્રોજેક્ટમાં ભાગ લેવા સ્થાનિક ડિઝાઇન અને બાંધકામ સ્વયંસેવકો તરીકે સેવા આપી શકે છે. બીજાં ભાઈબહેનો દૂરના વિસ્તારમાં થતા પ્રોજેક્ટ પર થોડા સમય માટે સેવા આપી શકે છે. તેઓને શાખા કચેરી બે અઠવાડિયાંથી લઈને ત્રણ મહિના માટે બાંધકામ સ્વયંસેવકો તરીકે પસંદ કરે છે. આ સેવામાં જેઓને લાંબા સમય માટે પસંદ કરવામાં આવે છે, તેઓ બાંધકામ સેવકો કહેવાય છે. જે બાંધકામ સેવકોને બીજા દેશોમાં મોકલવામાં આવે, તેઓને પરદેશ જઈને બાંધકામ કરતા સેવકો કહેવાય છે. બાંધકામ સેવકો અને બાંધકામ સ્વયંસેવકોથી બનેલા જૂથને બાંધકામ જૂથ કહેવાય છે. તેઓ દરેક પ્રોજેક્ટમાં આગેવાની લે છે. સ્થાનિક ડિઝાઇન અને બાંધકામ સ્વયંસેવકો તેમજ મંડળોમાંના સ્વયંસેવકો પાસેથી તેઓને મદદ મળે છે. બાંધકામ જૂથો પોતાની શાખાના વિસ્તારમાં એક પછી એક બાંધકામ કરતા રહે છે.

ઈશ્વરની ભક્તિમાં તમે કેવા ધ્યેયો બાંધ્યા છે?

૨૪ જો તમે યહોવાને સમર્પણ કર્યું હોય, તો તમારી ઇચ્છા કાયમ માટે યહોવાની ભક્તિ કરવાની છે. એમ કરવા ઈશ્વરની ભક્તિમાં તમે કેવા ધ્યેયો બાંધ્યા છે? એવા ધ્યેયો રાખવાથી તમને તમારી શક્તિ અને ધનસંપત્તિ સમજદારીથી વાપરવા મદદ મળશે. (૧ કોરીં. ૯:૨૬) એવા ધ્યેયો તમને ઈશ્વરની ભક્તિમાં વધારે કરવા મદદ કરશે; તમે સખત મહેનત કરો તેમ, એ ધ્યેયો તમને મહત્ત્વની વાતો પર ધ્યાન લગાડવા ઉત્તેજન આપશે.—ફિલિ. ૧:૧૦; ૧ તિમો. ૪:૧૫, ૧૬.

૨૫ ઈશ્વરની ભક્તિમાં પ્રેરિત પાઊલે આપણા માટે સરસ દાખલો બેસાડ્યો છે. (૧ કોરીં. ૧૧:૧) યહોવાની ભક્તિમાં પાઊલે તનતોડ મહેનત કરી હતી. તેમણે જોયું કે યહોવાએ તેમને સેવાની ઘણી તકો આપી હતી. કોરીંથના ભાઈઓને પાઊલે લખ્યું: “મારા માટે કામ કરવાનું એક મોટું દ્વાર ખોલવામાં આવ્યું છે.” શું આપણા કિસ્સામાં પણ એ સાચું નથી? મંડળમાં આપણી પાસે યહોવાની ભક્તિ કરવાની ઘણી તકો રહેલી છે, ખાસ કરીને ખુશખબર ફેલાવવામાં. પરંતુ, પાઊલના કિસ્સામાં હતું તેમ, ‘મોટા દ્વારમાંથી’ પસાર થવા માટે ‘ઘણા વિરોધીઓ’ સામે લડત આપવી પડે છે. (૧ કોરીં. ૧૬:૯) પાઊલ પોતાને તાલીમ આપવા તૈયાર હતા. તેમણે જે કહ્યું, એના પર ધ્યાન આપો: “હું મારા શરીરને મુક્કા મારું છું અને એને ગુલામ બનાવું છું.” (૧ કોરીં. ૯:૨૪-૨૭) શું આપણે પણ એવું વલણ ન રાખવું જોઈએ?

ઈશ્વરની ભક્તિમાં ધ્યેયો રાખવાથી તમારી શક્તિ અને ધનસંપત્તિ સમજદારીથી વાપરવા મદદ મળશે

૨૬ આપણને દરેકને પોતાના સંજોગો પ્રમાણે ઈશ્વરની ભક્તિમાં ધ્યેયો પૂરા કરવાનું ઉત્તેજન અપાયું છે. ઘણાં ભાઈબહેનો જુદા જુદા પ્રકારની પૂરા સમયની સેવા કરે છે, કારણ કે તેઓએ જીવનમાં પહેલેથી ધ્યેયો બાંધ્યા હતા. અરે, હજુ તો તેઓ નાની ઉંમરના હતા ત્યારથી જ તેઓનાં મમ્મી-પપ્પાએ અને બીજાઓએ એમ કરવાનું ઉત્તેજન આપ્યું હતું. આ રીતે તેઓએ કોઈ અફસોસ વગર યહોવાની સેવામાં ભરપૂર આશીર્વાદોનો આનંદ માણ્યો છે. (નીતિ. ૧૦:૨૨) બીજા આવા ધ્યેયો પણ બાંધી શકાય: દર અઠવાડિયે પ્રચાર કરવો, બાઇબલ અભ્યાસ શરૂ કરવો અને ચલાવવો અથવા સભાઓની તૈયારી કરવા વધારે સમય આપવો. મહત્ત્વનું તો એ છે કે આપણે અડગ રહીએ અને આપણું સેવાકાર્ય સારી રીતે પૂરું કરીએ. એમ કરીશું તો, યહોવાને માનમહિમા આપીશું અને યુગોના યુગો સુધી તેમની ભક્તિ કરવાનો આપણો મુખ્ય ધ્યેય પૂરો કરી શકીશું.—લુક ૧૩:૨૪; ૧ તિમો. ૪:૭ખ, ૮.

    ગુજરાતી સાહિત્ય (૨૦૦૦-૨૦૨૨)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2022 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો