ડિસેમ્બર
સોમવાર, ડિસેમ્બર ૧
“મરણ પામેલાઓને ઉઠાડવામાં આવે છે.”—લૂક ૨૦:૩૭.
શું યહોવા પાસે ગુજરી ગયેલાઓને જીવતા કરવાની શક્તિ છે? એમાં કોઈ શંકા નથી. તે “સર્વશક્તિમાન” છે. (પ્રકટી. ૧:૮) એટલે તે કોઈ પણ દુશ્મનને હરાવી શકે છે, મરણને પણ. (૧ કોરીં. ૧૫:૨૬) ઈશ્વર ગુજરી ગયેલાઓને જીવતા કરી શકે છે, એમ માનવાનું બીજું પણ એક કારણ છે. એ છે કે યહોવાની યાદશક્તિ ગજબની છે, એની કોઈ સીમા નથી. તે દરેક તારાને નામ લઈને બોલાવે છે. (યશા. ૪૦:૨૬) તે ગુજરી ગયેલાઓને પણ યાદ રાખે છે. (અયૂ. ૧૪:૧૩; લૂક ૨૦:૩૮) તે જેઓને ઉઠાડવાના છે, તેઓની ઝીણામાં ઝીણી માહિતી બહુ જ સહેલાઈથી યાદ રાખી શકે છે. જેમ કે, તે ફક્ત આપણો દેખાવ જ નહિ, આપણાં દિલમાં શું છે એ પણ જાણે છે. તેમને એ પણ ખબર છે કે આપણાં જીવનમાં શું બન્યું છે અને મનમાં કઈ યાદો છે. આપણે પૂરો ભરોસો રાખી શકીએ કે યહોવા ગુજરી ગયેલાઓને જરૂર જીવતા કરશે. કેમ કે એમ કરવાની તેમની ઇચ્છા છે અને તેમની પાસે શક્તિ પણ છે. એ વચનમાં માનવાના બીજા એક કારણ પર ધ્યાન આપો. યહોવાએ પહેલાં પણ અમુક લોકોને જીવતા કર્યા છે. જૂના જમાનામાં તેમણે અમુક વફાદાર ઈશ્વરભક્તોને શક્તિ આપી હતી કે તેઓ ગુજરી ગયેલાઓને જીવતા કરે. એવી શક્તિ તેમણે ઈસુને પણ આપી હતી. w૨૩.૦૪ ૯-૧૦ ¶૭-૯
મંગળવાર, ડિસેમ્બર ૨
“જેમ મીઠું ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે, તેમ સાંભળનારને પસંદ પડે એવા માયાળુ શબ્દો બોલો.”—કોલો. ૪:૬.
બીજાઓને પોતાની માન્યતા વિશે જણાવતી વખતે સમજી-વિચારીને અને કોમળતાથી વાત કરવી જઈએ. એનાથી તેઓ આપણું સાંભળવા તૈયાર થશે અને વાતચીત ચાલુ રહેશે. એ વાત સાચી કે અમુક લોકો બસ આપણી જોડે દલીલો કરવા માંગતા હોય અથવા આપણી માન્યતાઓની મજાક ઉડાવવા માંગતા હોય. એવા લોકો સાથે વાતચીત ચાલુ રાખવી જરૂરી નથી. (નીતિ. ૨૬:૪) પણ મોટા ભાગના લોકો એવા હોતા નથી. કદાચ એવું બને કે ઘણા લોકો આપણી વાત સાંભળવા તૈયાર થાય. એ માટે કોમળતા બતાવવી ઘણું મહત્ત્વનું છે. જ્યારે લોકો આપણી નિંદા કરે અથવા એવા સવાલો પૂછે, જેના પર ઉગ્ર ચર્ચા થઈ શકે, ત્યારે કોમળતા બતાવવા યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગીએ. યાદ રાખીએ કે કોમળ સ્વભાવને લીધે વાતચીત વાદવિવાદ બનતા અટકી જશે. તમે કોમળતાથી અને માનથી જવાબ આપશો તો, બની શકે કે અમુક લોકો આપણા વિશે અને બાઇબલના શિક્ષણ વિશે પોતાના વિચારો બદલે. તમારી માન્યતા વિશે “કોઈ ખુલાસો માંગે તો, તેને જવાબ આપવા હંમેશાં તૈયાર રહો. પણ કોમળતાથી અને પૂરા આદર સાથે જવાબ આપો.” (૧ પિત. ૩:૧૫, ફૂટનોટ) સાચે જ, કોમળતા તમારી કમજોરી નહિ, તમારી તાકાત છે. w૨૩.૦૯ ૧૯ ¶૧૮-૧૯
બુધવાર, ડિસેમ્બર ૩
“ધીરજ પહેરી લો.”—કોલો. ૩:૧૨.
ધીરજ બતાવવાની ચાર રીતો જોઈએ. પહેલી રીત, ધીરજ બતાવનાર વ્યક્તિ જલદી ગુસ્સે થતી નથી. જ્યારે બીજાઓ તેને ગુસ્સો અપાવે છે, ત્યારે તે શાંત રહે છે અને બદલો વાળતી નથી. એટલું જ નહિ, તણાવમાં હોય ત્યારે તે બીજાઓ સાથે ખરાબ રીતે વર્તતી નથી. (નિર્ગ. ૩૪:૬) બીજી રીત, ધીરજ બતાવનાર વ્યક્તિ શાંતિથી રાહ જોઈ શકે છે. જો કોઈ કામ ધારેલા સમયે ન થાય અને એ વધારે સમય લઈ લે, તો તે ઊંચી-નીચી થઈ જતી નથી અથવા અકળાઈ ઊઠતી નથી. (માથ. ૧૮:૨૬, ૨૭) ત્રીજી રીત, ધીરજ બતાવનાર વ્યક્તિ ઉતાવળે કામ કરતી નથી. જ્યારે ધીરજ બતાવનાર વ્યક્તિએ કોઈ જરૂરી કામ કરવાનું હોય છે, ત્યારે તે એને શરૂ કરવામાં અને પૂરું કરવામાં ઉતાવળ કરતી નથી. એના બદલે, તે પહેલા થોડો સમય કાઢીને યોજના બનાવે છે કે કઈ રીતે એ કામ પૂરું કરશે. પછી એ કામ માટે તે પૂરતો સમય ફાળવે છે. ચોથી રીત, ધીરજ બતાવનાર વ્યક્તિ રોદણાં રડ્યા વગર મુશ્કેલીઓ સહન કરે છે. તે મુશ્કેલીઓમાં પણ ખુશીથી યહોવાની ભક્તિ કરવાનો પ્રયત્ન કરશે. (કોલો. ૧:૧૧) યહોવાના સેવકોએ એ બધી રીતોએ ધીરજ બતાવવી જોઈએ. w૨૩.૦૮ ૨૦-૨૧ ¶૩-૬
ગુરુવાર, ડિસેમ્બર ૪
“હૃદયને પારખનાર તો યહોવા છે.”—નીતિ. ૧૭:૩.
આપણાં દિલનું રક્ષણ કરવાનું એક મહત્ત્વનું કારણ એ છે કે, યહોવા આપણાં દિલોને તપાસે છે. એનો અર્થ થાય કે યહોવા ધ્યાન આપે છે કે આપણે બહારથી કેવા દેખાઈએ છીએ. એટલું જ નહિ, તે એ પણ જાણે છે કે આપણે અંદરથી કેવા છીએ. જો આપણે યહોવાની સલાહ પર ધ્યાન આપીશું જે હંમેશ માટેનું જીવન આપી શકે છે, તો તે આપણને પ્રેમ કરશે. (યોહા. ૪:૧૪) આમ, શેતાન અને તેની દુનિયાએ ફેલાવેલાં ઝેર જેવાં જૂઠાણાંથી આપણું રક્ષણ થશે. તેમ જ, આપણે દુષ્ટ લોકો જેવાં કામ કરીશું નહિ. (૧ યોહા. ૫:૧૮, ૧૯) આપણે આપણા પિતાને દુઃખ પહોંચાડવા નથી માંગતા, એટલે પાપ કરવાના વિચારને પણ ધિક્કારીશું. ક્રોએશિયાનાં માર્ટાબહેનનો વિચાર કરો. તેમની સામે વ્યભિચાર કરવાની લાલચ આવી હતી. તેમણે લખ્યું “હું સાફ સાફ વિચારી શકતી ન હતી. પળભરની મજા માણવાની ઇચ્છાને દબાવવી મારા માટે ખૂબ જ અઘરું હતું. પણ યહોવાનો ડર રાખવાને લીધે મારું રક્ષણ થયું.” કઈ રીતે? માર્ટાબહેને કહ્યું કે તેમણે એ વાત પર વિચાર કર્યો કે વ્યભિચાર કરવાનાં કેવાં ખરાબ પરિણામો આવશે. આપણે પણ એવું જ કરી શકીએ છીએ. w૨૩.૦૬ ૨૦-૨૧ ¶૩-૪
શુક્રવાર, ડિસેમ્બર ૫
“‘તમારા લીધે હું બીજી પ્રજાઓમાં પવિત્ર મનાઈશ ત્યારે, બીજી પ્રજાઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”—હઝકિ. ૩૬:૨૩.
ઈસુ જાણતા હતા કે યહોવાનો હેતુ શું છે. યહોવાનો હેતુ છે કે તેમનું નામ પવિત્ર મનાવવામાં આવે. તેમના નામ પર લાગેલાં બધાં કલંક દૂર કરવામાં આવે. એટલે જ આપણા માલિકે પોતાના શિષ્યોને આ રીતે પ્રાર્થના કરતા શીખવ્યું: “હે સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.” (માથ. ૬:૯) ઈસુ જાણતા હતા કે ઈશ્વરનું નામ પવિત્ર મનાય, એ આખા વિશ્વનો સૌથી મોટો મુદ્દો છે. યહોવાનું નામ પવિત્ર મનાવવા ઈસુએ જેટલું કર્યું છે, એટલું આખા બ્રહ્માંડમાં બીજા કોઈએ કર્યું નથી. તોપણ તેમની ધરપકડ થઈ ત્યારે દુશ્મનોએ તેમના પર ઈશ્વરની નિંદા કરવાનો આરોપ મૂક્યો. ઈસુ જાણતા હતા કે તેમના પિતાના પવિત્ર નામની નિંદા કરવી તો ઘોર પાપ છે. તેમના પર આવો આરોપ મૂકવામાં આવશે અને તેમને ગુનેગાર ઠરાવવામાં આવશે એ વિચારથી જ તેમને અસહ્ય પીડા થતી હતી. કદાચ એ જ કારણે, ધરપકડના અમુક કલાકો પહેલાં “તેમની વેદનાનો કોઈ પાર ન હતો.”—લૂક ૨૨:૪૧-૪૪. w૨૪.૦૨ ૧૧ ¶૧૧
શનિવાર, ડિસેમ્બર ૬
“બુદ્ધિથી ઘર બંધાય છે.”—નીતિ. ૨૪:૩.
જીવનની દોડમાં દોડતા રહેવા જરૂરી છે કે આપણે સૌથી વધારે પ્રેમ યહોવા અને ઈસુને કરીએ, કુટુંબીજનો કરતાં પણ વધારે પ્રેમ કરીએ. (માથ. ૧૦:૩૭) જોકે, એનો અર્થ એ નથી કે આપણે કુટુંબની જવાબદારીઓથી હાથ ઊંચા કરી દઈએ, જાણે એ યહોવા અને ઈસુને ખુશ કરવામાં આડે આવતી હોય. એને બદલે તેઓને ખુશ કરવા જરૂરી છે કે આપણે પોતાની જવાબદારીઓ નિભાવીએ. (૧ તિમો. ૫:૪, ૮) એમ કરવાથી વધારે ખુશ રહી શકીશું. યહોવા જાણે છે કે જ્યારે કુટુંબમાં દરેક જણ પોતાની જવાબદારી નિભાવે છે, ત્યારે કુટુંબ ખુશખુશાલ બને છે. જેમ કે, જ્યારે પતિ-પત્ની એકબીજાને પ્રેમ કરે છે અને માન આપે છે, જ્યારે મમ્મી-પપ્પા બાળકોને પ્રેમ કરે છે અને તાલીમ આપે છે તેમજ જ્યારે બાળકો મમ્મી-પપ્પાનું કહ્યું કરે છે, ત્યારે કુટુંબમાં ખુશીઓ આવે છે. (એફે. ૫:૩૩; ૬:૧, ૪) ભરોસો રાખો કે બાઇબલમાં પતિ-પત્ની, મમ્મી-પપ્પા અને બાળકો માટે જે સરસ સલાહ આપવામાં આવી છે, એ પાળવાથી હંમેશાં ભલું થાય છે. આજે મોટા ભાગના લોકો પોતાને જે ઠીક લાગે એ કરે છે અથવા આજુબાજુના લોકો જે કરતા હોય એ કરે છે. અથવા તેઓ મોટા મોટા સલાહકારોની વાત માને છે. પણ તેઓનું આંધળું અનુકરણ કરવાને બદલે બાઇબલની સલાહ માનો. બાઇબલ આધારિત સાહિત્યનો ઉપયોગ કરો. એમાં સરસ રીતે સમજાવવામાં આવે છે કે બાઇબલના સિદ્ધાંતો કઈ રીતે લાગુ પાડવા. w૨૩.૦૮ ૨૮ ¶૬-૭
રવિવાર, ડિસેમ્બર ૭
“તારે રાત-દિવસ એ વાંચવું અને મનન કરવું, જેથી એમાં જે જે લખ્યું છે એ તું સારી રીતે પાળી શકે. એમ કરીશ તો જ તું સફળ થઈશ અને સમજદારીથી વર્તી શકીશ.”—યહો. ૧:૮.
ખ્રિસ્તી બહેનોએ અમુક આવડતો કેળવવી જોઈએ. જ્યારે એક છોકરી બાળપણથી અમુક આવડતો કેળવે છે, ત્યારે એ તેને આખું જીવન કામ લાગે છે. જેમ કે, સારી રીતે વાંચતાં-લખતાં શીખો. અમુક સમાજમાં સ્ત્રીઓને વાંચતાં-લખતાં શીખવવામાં આવતું નથી, કેમ કે એ સમાજના લોકોને લાગે છે કે સ્ત્રીઓને એની જરૂર નથી. પણ યહોવાના દરેક ભક્તને એ આવડતું હોવું જોઈએ. (૧ તિમો. ૪:૧૩) એટલે ભલે ગમે એવી અડચણ આવે, પણ વાંચતાં-લખતાં શીખવાનું છોડશો નહિ. એમ કરવાનું ચાલુ રાખો. એનાથી કેવા ફાયદા થશે? તમે કદાચ એક સારી નોકરી મેળવી શકશો, જેનાથી તમારું ગુજરાન ચાલે. તમે બાઇબલનો સારી રીતે અભ્યાસ કરી શકશો અને બીજાઓને સારી રીતે શીખવી શકશો. સૌથી મોટો ફાયદો, જેમ જેમ તમે બાઇબલ વાંચતા જશો અને મનન કરતા જશો, તેમ તેમ યહોવા સાથેનો તમારો સંબંધ પાકો થતો જશે.—૧ તિમો. ૪:૧૫. w૨૩.૧૨ ૨૦ ¶૧૦-૧૧
સોમવાર, ડિસેમ્બર ૮
“યહોવા જાણે છે કે તેમના ભક્તોને કસોટીમાંથી કેવી રીતે છોડાવવા.”—૨ પિત. ૨:૯.
લાલચોનો સામનો કરવા યહોવા પાસે મદદ માંગીએ. આપણે ડગલેને પગલે ભૂલો કરીએ છીએ, એટલે લાલચો સામે લડતા રહેવું પડે છે. એટલું જ નહિ, આપણાં મનમાં ગંદા વિચારો ભરવા શેતાન રાત-દિવસ એક કરી રહ્યો છે. એ માટે તે ઘણી વાર મનોરંજનનો ઉપયોગ કરે છે, જેમાં ગંદાં કામો બતાવ્યાં હોય. એવું મનોરંજન આપણાં મનમાં ખરાબ વિચારો ભરી દે છે અને એનાથી આપણે યહોવાની નજરમાં અશુદ્ધ થઈ શકીએ છીએ. આગળ જતાં કદાચ આપણે મોટું પાપ કરી બેસીએ. (માર્ક ૭:૨૧-૨૩; યાકૂ. ૧:૧૪, ૧૫) લાલચોનો સામનો કરવા આપણને ખરેખર યહોવાની મદદની જરૂર છે. ઈસુએ પોતાના શિષ્યોને પ્રાર્થના કરવાનું શીખવ્યું ત્યારે, તેમણે આ વિનંતી કરવાનું પણ કહ્યું: “અમને મદદ કરો કે કસોટીમાં હાર ન માનીએ અને શેતાનથી અમને બચાવો.” (માથ. ૬:૧૩) યહોવા આપણને મદદ કરવા માંગે છે, જોકે આપણે પણ પ્રાર્થનામાં તેમની પાસે મદદ માંગવી જોઈએ. પછી એ પ્રમાણે પગલાં ભરવાં જોઈએ. w૨૩.૦૫ ૬-૭ ¶૧૫-૧૭
મંગળવાર, ડિસેમ્બર ૯
“ત્રણ દોરાથી ગૂંથેલી દોરી સહેલાઈથી તૂટતી નથી.”—સભા. ૪:૧૨.
જ્યારે પતિ-પત્ની યહોવા સાથેના સંબંધને કીમતી ગણે છે, ત્યારે તેઓ સહેલાઈથી યહોવાની સલાહ પાળી શકે છે. એમ કરવાથી તેઓ અમુક હદે એવી મુશ્કેલીઓથી બચી શકશે, જે તેઓનો પ્રેમ ઠંડો પાડી દે. કદાચ એવી કોઈ મુશ્કેલી આવે તોપણ તેઓ એને પાર કરી શકશે. વધુમાં, જેઓનો યહોવા સાથેનો સંબંધ મજબૂત હોય છે, તેઓ તેમને અનુસરવાની અને તેમના જેવા ગુણો કેળવવાની પૂરેપૂરી કોશિશ કરે છે. યહોવાની જેમ તેઓ ધીરજ રાખે છે, એકબીજાને માફ કરે છે અને બીજાઓ સાથે પ્રેમથી વર્તે છે. (એફે. ૪:૩૨–૫:૧) આમ, તેઓ વચ્ચે સાચા પ્રેમની જ્વાળા સળગતી રહે છે. લીનાબહેનના લગ્નને ૨૫થી પણ વધારે વર્ષો થયાં છે. તે કહે છે: “જે વ્યક્તિનો યહોવા સાથે મજબૂત સંબંધ હોય છે, તેને પ્રેમ કરવો અને આદર બતાવવો સહેલું થઈ જાય છે.” ચાલો બાઇબલના એક દાખલા પર ધ્યાન આપીએ. જ્યારે યહોવાએ મસીહ માટે માતા-પિતા પસંદ કરવાના હતા, ત્યારે તે દાઉદના વંશમાંથી કોઈને પણ પસંદ કરી શક્યા હોત. પણ તેમણે યૂસફ અને મરિયમને પસંદ કર્યાં. શા માટે? કેમ કે તેઓનો યહોવા સાથે મજબૂત સંબંધ હતો. યહોવા એ પણ જાણતા હતા કે પતિ-પત્ની તરીકે તેઓ યહોવાને પોતાનાં જીવનમાં સૌથી પહેલા રાખશે. w૨૩.૦૫ ૨૦-૨૧ ¶૩-૪
બુધવાર, ડિસેમ્બર ૧૦
“જેઓ તમારામાં આગેવાની લે છે, તેઓનું કહેવું માનો.”—હિબ્રૂ. ૧૩:૧૭.
આપણા આગેવાન ઈસુમાં પાપની અસર નથી, પણ તેમણે જે ભાઈઓને આગેવાની લેવા પસંદ કર્યા છે તેઓમાં તો છે. એટલે કદાચ તેઓની વાત માનવી આપણને અઘરું લાગી શકે. ખાસ કરીને, જો તેઓ એવું કંઈક કરવાનું કહે, જે આપણે કરવા માંગતા ન હોઈએ, તો વધારે અઘરું બની શકે. પ્રેરિત પિતર સાથે એવું જ બન્યું હતું. તેમને જે માર્ગદર્શન આપવામાં આવ્યું એ પાળતા તે શરૂઆતમાં અચકાતા હતા. એક દૂતે તેમને કહ્યું કે તે એવા પ્રાણીઓનું માંસ ખાય, જે મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે અશુદ્ધ હતાં. એ વખતે પિતરે એક વાર નહિ, પણ ત્રણ વાર એમ કરવાની ના પાડી. (પ્રે.કા. ૧૦:૯-૧૬) શા માટે? આ નવું માર્ગદર્શન પિતરને યોગ્ય લાગતું ન હતું. બીજી બાજુ પ્રેરિત પાઉલે આજ્ઞા પાળી, જ્યારે યરૂશાલેમના વડીલોએ તેને કહ્યું કે તે ચાર માણસો લઈને મંદિરમાં જાય અને નિયમ પ્રમાણે પોતાને શુદ્ધ કરે. એનાથી બધાને ખબર પડશે કે પાઉલ મૂસાનું નિયમશાસ્ત્ર પાળે છે. પાઉલ જાણતા હતા કે ખ્રિસ્તીઓએ હવે મૂસાનું નિયમશાસ્ત્ર પાળવાની કોઈ જરૂર ન હતી. એટલું જ નહિ, એ બધી અફવાઓ સાવ ખોટી હતી, તેમણે એવું કશું કર્યું ન હતું. તોપણ ‘બીજા દિવસે પાઉલે એ માણસોને સાથે લીધા અને નિયમ પ્રમાણે તેઓ સાથે પોતાને શુદ્ધ કર્યા.’ (પ્રે.કા. ૨૧:૨૩, ૨૪, ૨૬) પાઉલે આજ્ઞા પાળી એના લીધે ભાઈઓમાં એકતા જળવાઈ રહી.—રોમ. ૧૪:૧૯, ૨૧. w૨૩.૧૦ ૧૦ ¶૧૫-૧૬
ગુરુવાર, ડિસેમ્બર ૧૧
“જેઓ યહોવાનો ડર રાખે છે, તેઓ જ તેમના પાકા મિત્રો બને છે.”—ગીત. ૨૫:૧૪.
તમે કદાચ એવું વિચાર્યું નહિ હોય કે દોસ્તી ટકાવી રાખવામાં ડરનો ગુણ જરૂરી છે. જોકે, જેઓ યહોવા સાથે પાકી દોસ્તી બાંધવા માંગે છે, તેઓએ તેમનો ‘ડર રાખવો’ જોઈએ. આપણે બધાએ યહોવાનો ડર રાખવાની જરૂર છે, પછી ભલેને ગમે એટલા સમયથી યહોવાની ભક્તિ કરતા હોઈએ. પણ યહોવાનો ડર રાખવો એટલે શું? જે વ્યક્તિ ઈશ્વરનો ડર રાખે છે, એટલે કે પૂરા દિલથી તેમનો આદર કરે છે, તે તેમને ખૂબ જ પ્રેમ કરે છે. તે એવું કંઈ કરતી નથી, જેનાથી ઈશ્વર સાથેની તેની દોસ્તી જોખમમાં આવે. ઈસુ ઈશ્વરનો એવો જ “ડર” રાખતા હતા. (હિબ્રૂ. ૫:૭) તે યહોવાથી ગભરાતા ન હતા. (યશા. ૧૧:૨, ૩) એને બદલે, તે યહોવાને ખૂબ પ્રેમ કરતા હતા અને તેમની આજ્ઞાઓ પાળવા માંગતા હતા. (યોહા. ૧૪:૨૧, ૩૧) ઈસુની જેમ આપણા દિલમાં પણ યહોવા માટે ઊંડું માન અને આદર છે. કેમ કે યહોવા પ્રેમાળ, બુદ્ધિશાળી, ન્યાયી અને શક્તિશાળી ઈશ્વર છે. આપણે જાણીએ છીએ કે યહોવા આપણને પ્રેમ કરે છે, એટલે આપણાં કામોથી તેમને ફરક પડે છે. તેમની આજ્ઞાઓ પાળીએ છીએ ત્યારે તેમનું દિલ ખુશ થાય છે. પણ તેમની આજ્ઞાઓ પાળતા નથી ત્યારે તે દુઃખી થાય છે.—ગીત. ૭૮:૪૧; નીતિ. ૨૭:૧૧. w૨૩.૦૬ ૧૪ ¶૧-૨; ૧૫ ¶૫
શુક્રવાર, ડિસેમ્બર ૧૨
‘તે બળવાન થયો કે તરત ઘમંડથી ફુલાઈ ગયો અને તેની પડતી થઈ. તેણે યહોવા સામે પાપ કર્યુ.’—૨ કાળ. ૨૬:૧૬.
જ્યારે રાજા ઉઝ્ઝિયા બહુ શક્તિશાળી બન્યો, ત્યારે તે ભૂલી ગયો કે તેને જે તાકાત અને માન-વૈભવ મળ્યાં છે, એ યહોવા તરફથી છે. એમાંથી આપણે શું શીખી શકીએ? આપણે યાદ રાખવું જોઈએ કે આપણને જે આશીર્વાદો અને લહાવા મળ્યા છે, એ યહોવા તરફથી છે. એટલે પોતે જે કંઈ કર્યું છે એના વિશે બડાઈ મારવાને બદલે બધો જશ યહોવાને આપવો જોઈએ. (૧ કોરીં. ૪:૭) આપણે નમ્ર બનવું જોઈએ અને યાદ રાખવું જોઈએ કે આપણે ભૂલભરેલા છીએ અને આપણને શિસ્તની જરૂર પડી શકે છે. સાઠેક વર્ષના એક ભાઈએ લખ્યું: “હું શીખ્યો કે બીજાઓનું ધ્યાન મારી ભૂલો પર જાય ત્યારે મારે ખોટું લગાડવું ન જોઈએ કે નિરાશ થવું ન જોઈએ. ઘણી વાર મારાથી નાની નાની ભૂલો થઈ જાય છે. એ માટે ઠપકો મળે ત્યારે હું સુધારો કરું છું અને આગળ વધું છું.” હકીકત એ છે કે યહોવાનો ડર રાખવાથી અને નમ્ર રહેવાથી જીવનમાં ખુશીઓ આવે છે.—નીતિ. ૨૨:૪. w૨૩.૦૯ ૧૦ ¶૧૦-૧૧
શનિવાર, ડિસેમ્બર ૧૩
“તમારે ધીરજ રાખવાની જરૂર છે, જેથી ઈશ્વરે જે વચન આપ્યું છે એ પૂરું થતાં જોઈ શકો. પણ પહેલા તમારે તેમની ઇચ્છા પૂરી કરવાની છે.”—હિબ્રૂ. ૧૦:૩૬.
પાઉલના સમયમાં ઈશ્વરભક્તોએ ધીરજ રાખવાની ખૂબ જરૂર હતી. તેઓએ એવી મુશ્કેલીઓનો સામનો કર્યો, જે એ સમયના બીજા લોકો પણ કરતા હતા. જોકે, ખ્રિસ્તી હોવાને લીધે તેઓ પર બીજી પણ અમુક મુશ્કેલીઓ આવી. યહૂદી ધર્મગુરુઓ અને રોમન અધિકારીઓએ ઘણા ઈશ્વરભક્તોની સતાવણી કરી. એટલું ઓછું હોય તેમ કુટુંબીજનો પણ તેઓના દુશ્મનો બની બેઠા હતા. (માથ. ૧૦:૨૧) મંડળમાં પણ અમુક લોકો જૂઠું શિક્ષણ શીખવતા હતા અને ભાગલા પાડતા હતા. વફાદાર ઈશ્વરભક્તોએ ધ્યાન રાખવાનું હતું કે એવા ઈશ્વર-વિરોધીઓની અસર તેઓ પર ન થાય. (પ્રે.કા. ૨૦:૨૯, ૩૦) એ બધી તકલીફો છતાં તેઓએ ધીરજથી સહન કર્યું. (પ્રકટી. ૨:૩) કઈ રીતે? તેઓએ શાસ્ત્રમાં આપેલા એવા ઈશ્વરભક્તોના દાખલા પર ધ્યાન આપ્યું, જેઓએ ધીરજથી સહન કર્યું હતું. જેમ કે, અયૂબ. (યાકૂ. ૫:૧૦, ૧૧) તેઓએ હિંમત માટે યહોવાને પ્રાર્થના કરી. (પ્રે.કા. ૪:૨૯-૩૧) તેમ જ, એ યાદ રાખ્યું કે જો તેઓ ધીરજ રાખશે, તો યહોવા જરૂર તેઓને ઈનામ આપશે. (પ્રે.કા. ૫:૪૧) બાઇબલમાં અને આપણા સાહિત્યમાં એવા ઘણા ઈશ્વરભક્તોના દાખલા છે, જેઓએ ધીરજથી સહન કર્યું છે. જો તેઓ વિશે વાંચીશું અને એના પર મનન કરીશું, તો આપણે પણ ધીરજથી સહન કરી શકીશું. w૨૩.૦૭ ૩ ¶૫-૬
રવિવાર, ડિસેમ્બર ૧૪
“એ માટે ઈશ્વરના રાજ્યને અને તેમનાં ધોરણોને જીવનમાં પહેલા રાખો. પછી એ બધું તમને આપવામાં આવશે.”—માથ. ૬:૩૩.
યહોવા અને ઈસુ આપણને કદી છોડી નહિ દે. ઈસુને ઓળખવાની ના પાડી, એ પછી પ્રેરિત પિતરે એક મોટો નિર્ણય લેવાનો હતો: શું તે ખ્રિસ્તને પગલે ચાલતા રહેશે, કે પછી એમ કરવાનું છોડી દેશે? ઈસુએ યહોવાને વિનંતી કરી હતી કે પિતરની શ્રદ્ધા ન ખૂટે. એ પ્રાર્થના વિશે તેમણે પિતરને જણાવ્યું હતું અને ભરોસો બતાવ્યો હતો કે પિતર પાછા ફરશે અને પોતાના ભાઈઓને દૃઢ કરશે. (લૂક ૨૨:૩૧, ૩૨) ઈસુના એ શબ્દો યાદ કરીને પિતરને કેટલી હિંમત મળી હશે! અમુક વાર આપણે પણ બહુ મોટો નિર્ણય લેવાનો હોય છે. એ સમયે યહોવા કદાચ પ્રેમાળ ઘેટાંપાળકો, એટલે કે વડીલોનો ઉપયોગ કરીને આપણને ખાતરી અપાવે કે યહોવા આપણો સાથ કદી નહિ છોડે અને આપણે તેમને વફાદાર રહી શકીએ છીએ. (એફે. ૪:૮, ૧૧) યહોવાએ પિતર અને બીજા પ્રેરિતોની જરૂરિયાતો પૂરી પાડી હતી. એવી જ રીતે, જો પ્રચારકામને જીવનમાં પહેલું રાખીશું, તો યહોવા આપણી પણ જરૂરિયાતો પૂરી પાડશે. w૨૩.૦૯ ૨૪-૨૫ ¶૧૪-૧૫
સોમવાર, ડિસેમ્બર ૧૫
“ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે, તે એવા માણસને તેના કામનું ઇનામ આપશે.”—નીતિ. ૧૯:૧૭.
ભલાઈનું નાનું અમથું કામ પણ યહોવાની નજર બહાર જતું નથી. તે એને કીમતી બલિદાન જેવું ગણે છે, એ તો જાણે યહોવાને ઉછીનું આપવા જેવું છે અને તે એનો બદલો જરૂર વાળી આપશે. બની શકે કે તમે પહેલાં એક વડીલ કે સહાયક સેવક તરીકે સેવા આપતા હતા. પણ શું તમે એ સમયે જે કામ કર્યું અને પ્રેમ બતાવ્યો, એ યહોવા ભૂલી ગયા છે? ના. તે તો તમારાં કામ અને પ્રેમને યાદ રાખે છે. (૧ કોરીં. ૧૫:૫૮) તે એ પણ જુએ છે કે તમે આજેય પ્રેમ બતાવવાનું છોડ્યું નથી. યહોવા ચાહે છે કે આપણે તેમના માટે અને બીજાઓ માટે પોતાનો પ્રેમ વધારતા જઈએ. આપણે બાઇબલ વાંચીને, એના પર મનન કરીને અને નિયમિત પ્રાર્થના કરીને યહોવા માટેનો પ્રેમ મજબૂત કરી શકીએ છીએ. અલગ અલગ રીતોથી ભાઈ-બહેનોને મદદ કરીને તેઓ માટેનો આપણો પ્રેમ વધારી શકીએ છીએ. જેમ જેમ આપણો પ્રેમ વધતો જશે, તેમ તેમ યહોવા અને ભાઈ-બહેનોની વધારે નજીક જઈશું અને તેઓ સાથેની દોસ્તી હંમેશાં રહેશે. w૨૩.૦૭ ૧૦ ¶૧૧; ૧૧ ¶૧૩; ૧૩ ¶૧૮
મંગળવાર, ડિસેમ્બર ૧૬
“દરેકે પોતાની જવાબદારીનો બોજો જાતે ઊંચકવો પડશે.”—ગલા. ૬:૫.
દરેક ઈશ્વરભક્તે પોતે નક્કી કરવું જોઈએ કે તે કઈ રીતે પોતાની તબિયત સાચવશે. સારવાર લેવાની વાત આવે ત્યારે ઈશ્વરભક્તોએ બાઇબલના આ નિયમો પાળવા જોઈએ: લોહીથી અને મેલીવિદ્યાથી દૂર રહેવું. (પ્રે.કા. ૧૫:૨૦; ગલા. ૫:૧૯, ૨૦) એ સિવાય ઈશ્વરભક્તોએ પોતે નક્કી કરવું જોઈએ કે તેઓ કેવી સારવાર લેશે. ભલે આપણને ગળા સુધી ખાતરી હોય કે સારવારની કોઈ રીત ઉપયોગી છે અથવા એનાથી નુકસાન થાય છે, પણ એ વિચારો બીજાઓ પર થોપવા ન જોઈએ. આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે કઈ સારવાર લેવી એ નક્કી કરવાનો હક ભાઈ કે બહેનનો પોતાનો છે. સારવાર વિશે આપણે આ મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ: (૧) ફક્ત ઈશ્વરના રાજ્યમાં જ આપણી બધી બીમારીઓ દૂર થશે અને એ પણ કાયમ માટે. (યશા. ૩૩:૨૪) (૨) દરેક ઈશ્વરભક્તે “પાકી ખાતરી” કરવી જોઈએ કે કઈ સારવાર તેમના માટે યોગ્ય છે. (રોમ. ૧૪:૫) (૩) આપણે બીજાઓના નિર્ણયો પર સવાલ ઉઠાવવો ન જોઈએ અથવા એવું કંઈ કરવું ન જોઈએ, જેનાથી તેઓને ઠોકર લાગે. (રોમ. ૧૪:૧૩) (૪) ખ્રિસ્તીઓએ પ્રેમ બતાવવો જોઈએ અને યાદ રાખવું જોઈએ કે તેઓના વિચારો કરતાં મંડળમાં એકતા જળવાઈ રહે એ વધારે મહત્ત્વનું છે.—રોમ. ૧૪:૧૫, ૧૯, ૨૦. w૨૩.૦૭ ૨૪ ¶૧૫
બુધવાર, ડિસેમ્બર ૧૭
“તેણે જેટલા દિવસ માટે નાઝીરીવ્રત લીધું હોય, એટલા દિવસ તે યહોવા માટે પવિત્ર છે.”—ગણ. ૬:૮.
શું તમે યહોવા સાથેના સંબંધને કીમતી ગણો છો? ચોક્કસ તમે ગણતા હશો. પ્રાચીન સમયથી અગણિત લોકોએ તમારા જેવું જ અનુભવ્યું છે. (ગીત. ૧૦૪:૩૩, ૩૪) યહોવાની ભક્તિ માટે ઘણા લોકોએ જતું કર્યું છે. એવું જ કંઈક પ્રાચીન ઇઝરાયેલના નાઝીરીઓએ અથવા “સમર્પિત કરાયેલ” લોકોએ કર્યું હતું. એ શબ્દથી જોવા મળે છે કે નાઝીરીઓ ઉત્સાહી ઇઝરાયેલીઓ હતા, જેઓએ યહોવાની ખાસ રીતે સેવા કરવા ત્યાગ કર્યા હતા. મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે કોઈ પુરુષ અથવા સ્ત્રી અમુક સમય માટે યહોવા આગળ ખાસ માનતા લઈને નાઝીરીવ્રત લઈ શકતી હતી. (ગણ. ૬:૧, ૨) એ વ્રત અથવા ખાસ વચનને લીધે નાઝીરીઓએ અમુક માર્ગદર્શન પાળવાનું હતું. એ બીજા ઇઝરાયેલીઓએ પાળવાની જરૂર ન હતી. તો પછી એક ઇઝરાયેલી કેમ નાઝીરીવ્રત લેતો હતો? મોટા ભાગે યહોવા માટેના પ્રેમના લીધે અને તેમણે આપેલા આશીર્વાદોની કદર બતાવવા.—પુન. ૬:૫; ૧૬:૧૭. w૨૪.૦૨ ૧૪ ¶૧-૨
ગુરુવાર, ડિસેમ્બર ૧૮
‘યહોવા, જેઓ તમને પ્રેમ કરે છે અને તમારી આજ્ઞાઓ પાળે છે, તેઓને તમે અતૂટ પ્રેમ બતાવો છો.’—દાનિ. ૯:૪.
બાઇબલમાં ઘણી વાર “વફાદારી” કે “અતૂટ પ્રેમ” શબ્દ વપરાયો છે. મોટા ભાગે એ શબ્દ ઈશ્વર પોતાના લોકોને કેટલો પ્રેમ કરે છે એ બતાવવા વપરાયો છે. એ જ શબ્દ ઈશ્વરના લોકો વચ્ચેનો પ્રેમ બતાવવા પણ વપરાયો છે. (૨ શમુ. ૯:૬, ૭) યહોવા ચાહે છે કે આપણે પણ વફાદારી બતાવીએ. સમય વીતતો જાય તેમ, આપણી વફાદારી મજબૂત થઈ શકે છે. ચાલો જોઈએ કે એ વાત દાનિયેલના કિસ્સામાં કેવી રીતે સાચી સાબિત થઈ. દાનિયેલના જીવનમાં એવા ઘણા પ્રસંગો બન્યા, જ્યારે તેમણે બતાવવાનું હતું કે તે યહોવાને વફાદાર રહેશે કે નહિ. પણ જ્યારે તેમની ઉંમર ૯૦ વર્ષ કરતાં વધારે હતી, ત્યારે એક બહુ મોટી મુશ્કેલી આવી. રાજદરબારના અધિકારીઓને દાનિયેલ દીઠાય ગમતા ન હતા. તેઓ દાનિયેલના ઈશ્વરને પણ માન આપતા ન હતા. એટલે તેઓએ દાનિયેલને મારી નાખવાનું કાવતરું ઘડ્યું. તેઓએ રાજા દ્વારા એક ફરમાન બહાર પડાવ્યું. એનાથી પરખ થવાની હતી કે દાનિયેલ પોતાના ઈશ્વરને વફાદાર રહેશે કે રાજાને. રાજા પ્રત્યેની વફાદારી બતાવવા દાનિયેલે ૩૦ દિવસ સુધી યહોવાની ભક્તિ બંધ કરી દેવાની હતી. પણ દાનિયેલે જરાય તડજોડ ન કરી. —દાનિ. ૬:૧૨-૧૫, ૨૦-૨૨. w૨૩.૦૮ ૫ ¶૧૦-૧૨
શુક્રવાર, ડિસેમ્બર ૧૯
“એકબીજાને પ્રેમ કરતા રહીએ.”—૧ યોહા. ૪:૭.
યહોવા ચાહે છે કે આપણે ભાઈ-બહેનોને પ્રેમ કરતા રહીએ. જ્યારે કોઈ ભાઈ કે બહેન આપણી સાથે ખરાબ રીતે વર્તે, ત્યારે આ વાત યાદ રાખી શકીએ: તે કંઈ જાણીજોઈને આપણને ખોટું લગાડવા માંગતા ન હતા અને તે પણ યહોવાની આજ્ઞાઓ પાળવા પૂરી કોશિશ કરી રહ્યા છે. (નીતિ. ૧૨:૧૮) યહોવા પોતાના વફાદાર સેવકોની ખામીઓ જાણે છે. છતાં તે તેઓને પ્રેમ કરે છે. આપણે ભૂલો કરીએ ત્યારે તે આપણી સાથે સંબંધ તોડી નથી નાખતા અને કાયમ ગુસ્સે નથી રહેતા. (ગીત. ૧૦૩:૯) યહોવાનો આભાર કે તે આપણને માફ કરે છે! તો ચાલો, તેમનું અનુકરણ કરીએ અને બીજાઓને માફ કરીએ. (એફે. ૪:૩૨–૫:૧) આ વાત પણ યાદ રાખો: જેમ જેમ અંત નજીક આવતો જાય છે, તેમ તેમ આપણે ભાઈ-બહેનોની વધારે નજીક રહેવું જોઈએ. આવનાર સમયમાં આપણી સખત સતાવણી થશે. શ્રદ્ધાને લીધે કદાચ આપણને જેલમાં પણ નાખી દેવામાં આવશે. એવું થાય ત્યારે ભાઈ-બહેનોની વધારે જરૂર પડશે.—નીતિ. ૧૭:૧૭. w૨૪.૦૩ ૧૫-૧૬ ¶૬-૭
શનિવાર, ડિસેમ્બર ૨૦
“યહોવા જ માણસનાં પગલાં ખરા માર્ગે દોરી જાય છે.”—નીતિ. ૨૦:૨૪.
બાઇબલમાં યુવાનોના દાખલા છે, જેઓ યહોવાની નજીક રહ્યા હતા, તેમની કૃપા મેળવી હતી અને જીવનમાં ખુશ હતા. દાઉદ તેઓમાંનો એક હતો. ખૂબ નાની ઉંમરે તેણે યહોવાની ભક્તિ કરવાનું નક્કી કર્યું હતું અને સમય જતાં તે એક વફાદાર રાજા બન્યો. (૧ રાજા. ૩:૬; ૯:૪, ૫; ૧૪:૮) તમે કદાચ દાઉદના જીવન પર અભ્યાસ કરવાનું વિચારી શકો. તેના દાખલાથી તમને પણ વફાદારીથી યહોવાની સેવા કરવાનું ઉત્તેજન મળશે. અથવા તમે માર્ક કે તિમોથીના જીવન પર અભ્યાસ કરી શકો. તેઓએ નાનપણથી યહોવાની ભક્તિ કરવાનું શરૂ કર્યું હતું અને જીવનભર વફાદારીથી યહોવાની ભક્તિ કરી. તેઓના એ નિર્ણયથી યહોવાને ખુશી થઈ હશે. તમે હમણાં જે રીતે જીવન જીવો છો અને નિર્ણયો લો છો, એના આધારે નક્કી થશે કે તમારું ભાવિ કેવું હશે. જો તમે પોતાના પર નહિ, પણ યહોવા પર ભરોસો રાખશો, તો તે તમને સારા નિર્ણયો લેવા મદદ કરશે. તમારું જીવન ખુશીઓથી ભરેલું હશે અને તમારા માથે યહોવાનો હાથ હશે. યાદ રાખો, યહોવા માટે તમે જે કંઈ કરો છો એને તે કીમતી ગણે છે. સ્વર્ગમાંના આપણા પ્રેમાળ પિતાની સેવામાં પોતાનું જીવન વિતાવવું, એના કરતાં વધારે સારું બીજું શું હોઈ શકે! w૨૩.૦૯ ૧૩ ¶૧૮-૧૯
રવિવાર, ડિસેમ્બર ૨૧
“એકબીજાને દિલથી માફ કરો.”—કોલો. ૩:૧૩.
મંડળનાં ભાઈ-બહેનોના વર્તનને લીધે પ્રેરિત પાઉલે તરત માઠું ન લગાડ્યું. દાખલા તરીકે, તે ઈસુના શિષ્ય બન્યા એ પછી મંડળના ઘણા લોકો તેમનાથી ડરતા હતા. (પ્રે.કા. ૯:૨૬) પછીથી અમુક લોકોએ પીઠ પાછળ તેમની નિંદા કરી. (૨ કોરીં. ૧૦:૧૦) પાઉલે એક વડીલને એવું કંઈક કરતા જોયા, જેનાથી બીજાઓને ઠોકર લાગી શકતી હતી. (ગલા. ૨:૧૧, ૧૨) અધૂરામાં પૂરું, પાઉલના એક ખાસ મિત્ર માર્કે પણ તેમનું દિલ તોડ્યું. (પ્રે.કા. ૧૫:૩૭, ૩૮) એ બધા સંજોગોને લીધે પાઉલ એવાં ભાઈ-બહેનો સાથે હળવા-મળવાનું બંધ કરી શક્યા હોત, જેઓએ તેમને ઠેસ પહોંચાડી હતી. પણ તેમણે એવું ન કર્યું. તે ભાઈ-બહેનોને પ્રેમ કરતા રહ્યા અને વફાદારીથી યહોવાની ભક્તિ કરતા રહ્યા. પાઉલ શાના લીધે એવું કરી શક્યા? પાઉલ ભાઈ-બહેનોને ખૂબ પ્રેમ કરતા હતા. એના લીધે તેમણે તેઓની ખામીઓ પર નહિ, સારા ગુણો પર ધ્યાન આપ્યું. પ્રેમને લીધે તેમણે બીજાઓને માફ કર્યા, જે આજની કલમના શબ્દોમાં જોવા મળે છે. w૨૪.૦૩ ૧૫ ¶૪-૫
સોમવાર, ડિસેમ્બર ૨૨
“ઈશ્વરના સેવકે લડવાની જરૂર નથી, પણ તેણે બધાની સાથે નરમાશથી વર્તવું જોઈએ.”—૨ તિમો. ૨:૨૪.
બાઇબલના ઘણા દાખલાથી જોવા મળે છે કે કોમળતા બતાવવી કેમ જરૂરી છે. ઇસહાકનો દાખલો લો. તે ગેરારમાં રહેતા હતા ત્યારે શું બન્યું એનો વિચાર કરો. ગેરાર પલિસ્તીઓના વિસ્તારમાં આવેલું હતું. ત્યાંના લોકો ઇસહાકની ઈર્ષા કરતા હતા. ઇસહાકના પિતાએ જે કૂવા ખોદાવ્યા હતા, એને તેઓએ પૂરી દીધા. પોતાના હક માટે લડવાને બદલે ઇસહાક પોતાના કુટુંબને લઈને બીજી જગ્યાએ જતા રહ્યા અને બીજા કૂવા ખોદ્યા. (ઉત. ૨૬:૧૨-૧૮) પણ પલિસ્તીઓએ દાવો કર્યો કે એ પાણી પણ તેઓનું છે, કેમ કે એ જમીન તેઓની હતી. તેમ છતાં ઇસહાક શાંત રહ્યા. (ઉત. ૨૬:૧૯-૨૫) એવું લાગે છે કે પલિસ્તીઓએ ઇસહાક સાથે ઝઘડવાનું નક્કી કરી લીધું હતું. એવા સંજોગોમાં પણ શાંત રહેવા ઇસહાકને ક્યાંથી મદદ મળી? ચોક્કસ તેમણે પોતાનાં માતા-પિતાના દાખલા પર ધ્યાન આપ્યું હશે. તેમના પિતા ઇબ્રાહિમ બધા સાથે શાંતિથી વર્તતા હતા અને તેમની માતા સારાહનો સ્વભાવ “શાંત અને કોમળ” હતો. ઇસહાક તેઓ પાસેથી ઘણું શીખ્યા હશે.—૧ પિત. ૩:૪-૬; ઉત. ૨૧:૨૨-૩૪. w૨૩.૦૯ ૧૫ ¶૪
મંગળવાર, ડિસેમ્બર ૨૩
“મેં જે હેતુ ઘડ્યો છે, એ ચોક્કસ પૂરો કરીશ.”—યશા. ૪૬:૧૧.
પછી નક્કી કરેલા સમયે યહોવાએ પોતાના એકના એક દીકરાને આ પૃથ્વી પર મોકલ્યા, જેથી તે લોકોને રાજ્ય વિશે શીખવે અને માણસજાતને પાપ અને મરણમાંથી છોડાવવા પોતાનો જીવ આપે. પછી ઈસુને સ્વર્ગમાં જીવન આપવામાં આવ્યું અને ઈશ્વરના રાજ્યના રાજા બનાવવામાં આવ્યા. બાઇબલનો મુખ્ય વિષય છે, યહોવાનું નામ પવિત્ર મનાવવામાં આવે. યહોવા પોતાના રાજ્ય દ્વારા પૃથ્વી માટેનો પોતાનો હેતુ પૂરો કરશે ત્યારે એવું થશે. એ રાજ્યના રાજા ઈસુ ખ્રિસ્ત છે. યહોવાનો હેતુ કદી બદલી શકાતો નથી. તેમણે વચન આપ્યું છે કે તેમણે જે કંઈ કહ્યું છે, એનાં કાનો-માત્રા પણ પૂરાં થયાં વગર રહેશે નહિ. (યશા. ૪૬:૧૦, ફૂટનોટ; હિબ્રૂ. ૬:૧૭, ૧૮) સમય જતાં પૃથ્વીને બાગ જેવી સુંદર બનાવવામાં આવશે. આદમ અને હવાના નેક વંશજોમાં પાપની અસર રહેશે નહિ. એ નેક વંશજો સુંદર પૃથ્વી પર “હંમેશ માટે જીવનનો આનંદ” માણશે. (ગીત. ૨૨:૨૬) પણ યહોવાનો હેતુ એટલેથી અટકી જતો નથી. છેવટે યહોવા સ્વર્ગ અને પૃથ્વી પર રહેતા પોતાના બધા સેવકોને એકતામાં લાવશે. પછી વિશ્વમાં દરેક જણ યહોવાને પોતાના રાજા માનશે અને વફાદારીથી તેમને આધીન રહેશે. (એફે. ૧:૮-૧૧) યહોવા જે શાનદાર રીતે પોતાનો હેતુ પૂરો કરે છે, એ જોઈને શું તમને નવાઈ નથી લાગતી! w૨૩.૧૦ ૨૦ ¶૭-૮
બુધવાર, ડિસેમ્બર ૨૪
‘“હિંમતવાન થાઓ, કેમ કે હું તમારી સાથે છું,” એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.’—હાગ્ગા. ૨:૪.
જ્યારે અમુક યહૂદીઓએ બાબેલોન છોડ્યું અને તેઓ યરૂશાલેમમાં પહોંચ્યા, ત્યારે તરત જ તેઓને પૈસાની તંગી પડવા લાગી. એ દેશની રાજકીય હાલત ડામાડોળ હતી અને આસપાસની પ્રજાઓ તેઓનો વિરોધ કરતી હતી. યહોવાનું મંદિર પણ ફરી બંધાઈ રહ્યું હતું. પણ એ મુશ્કેલ સંજોગોને લીધે અમુક માટે બાંધકામમાં ધ્યાન પરોવવું અઘરું હતું. પછી યહોવાએ હાગ્ગાય અને ઝખાર્યા નામના બે પ્રબોધકોને મોકલ્યા, જેથી તેઓ લોકોનો ઉત્સાહ ફરી જગાડે. એનાથી લોકોને ઉત્તેજન મળ્યું. (હાગ્ગા. ૧:૧; ઝખા. ૧:૧) જોકે, આશરે ૫૦ વર્ષ પછી એ યહૂદીઓનો ઉત્સાહ ફરી ઠંડો પડી ગયો. પછી એઝરા શાસ્ત્રી બાબેલોનથી યરૂશાલેમ આવ્યા. તે નિયમશાસ્ત્રના લખાણની નકલ ઉતારનાર હતા. તેમણે લોકોને ઉત્તેજન આપ્યું અને યહોવાની ભક્તિને જીવનમાં પહેલી રાખવા મદદ કરી. (એઝ. ૭:૧, ૬, ફૂટનોટ) હાગ્ગાય અને ઝખાર્યાની ભવિષ્યવાણીઓથી એ સમયના ઈશ્વરભક્તોને ઘણી મદદ મળી. તેઓ વિરોધ છતાં યહોવા પર ભરોસો રાખી શક્યા. એ ભવિષ્યવાણીઓથી આજે આપણને પણ ખાતરી મળે છે કે જીવનમાં ભલે ગમે એટલી મુશ્કેલીઓ આવે, યહોવા મદદ કરશે.—નીતિ. ૨૨:૧૯. w૨૩.૧૧ ૧૪-૧૫ ¶૨-૩
ગુરુવાર, ડિસેમ્બર ૨૫
“તમે પ્રેમ પહેરી લો, કેમ કે પ્રેમ એકતાનું સંપૂર્ણ બંધન છે.”—કોલો. ૩:૧૪.
આપણે ભાઈ-બહેનોને કઈ રીતે પ્રેમ બતાવી શકીએ? એક રીત છે, તેઓને દિલાસો આપીએ. જો આપણા દિલમાં કરુણા હશે, તો “એકબીજાને દિલાસો આપતા” રહી શકીશું. (૧ થેસ્સા. ૪:૧૮) એકબીજા માટે પ્રેમ કઈ રીતે વધારી શકીએ? અઘરું લાગતું હોય તોપણ એકબીજાને માફ કરીને. આજે એકબીજાને પ્રેમ કરવો કેમ વધારે જરૂરી છે? પિતરે એનું કારણ આપતા કહ્યું હતું: ‘બધાનો અંત પાસે આવ્યો છે. તેથી એકબીજા માટે ગાઢ પ્રેમ રાખો.’ (૧ પિત. ૪:૭, ૮) જેમ જેમ આ દુષ્ટ દુનિયાનો અંત નજીક આવી રહ્યો છે, તેમ તેમ સંજોગો વધારે ખરાબ થશે. ઈસુએ પોતાના શિષ્યો વિશે ભાખ્યું હતું: “મારા નામને લીધે બધી પ્રજાઓ તમારો ધિક્કાર કરશે.” (માથ. ૨૪:૯, ફૂટનોટ) ધિક્કારનો એ કડવો ઘૂંટ પી જવા આપણી વચ્ચે એકતા હોવી જરૂરી છે. એકતા રાખવા પ્રેમ હોવો જરૂરી છે. જો ભાઈ-બહેનોને પ્રેમ કરતા હોઈશું, તો શેતાન આપણામાં ભાગલા નહિ પાડી શકે.—ફિલિ. ૨:૧, ૨. w૨૩.૧૧ ૧૩ ¶૧૮-૧૯
શુક્રવાર, ડિસેમ્બર ૨૬
“અમે ઈશ્વરના સાથી કામદારો છીએ.”—૧ કોરીં. ૩:૯.
બાઇબલમાં રહેલું સત્ય ખૂબ શક્તિશાળી છે. જ્યારે લોકોને યહોવા વિશે અને તેમના જોરદાર ગુણો વિશે શીખવીએ છીએ, ત્યારે સરસ પરિણામો આવે છે. શેતાને લોકોનાં મન આંધળાં કરવા જે પટ્ટી બાંધી છે, એ ધીરે ધીરે ખૂલી જાય છે. પછી તેઓ પણ આપણી જેમ આપણા વહાલા પિતાના જોરદાર ગુણો જોવા લાગે છે. યહોવાની અપાર શક્તિ વિશે જાણે છે ત્યારે તેઓ મોંમાં આંગળા નાખી જાય છે. (યશા. ૪૦:૨૬) યહોવા ન્યાયના ઈશ્વર છે એ વાત શીખે છે ત્યારે તેઓ તેમનામાં ભરોસો મૂકી શકે છે. (પુન. ૩૨:૪) યહોવાની બુદ્ધિ વિશે શીખે છે ત્યારે તેઓની આંખો ખૂલી જાય છે. (યશા. ૫૫:૯; રોમ. ૧૧:૩૩) યહોવા પ્રેમ છે એ વાત શીખે છે ત્યારે તેઓને રાહત મળે છે. (૧ યોહા. ૪:૮) જ્યારે તેઓ યહોવાની નજીક આવે છે, ત્યારે તેમનાં બાળકો તરીકે હંમેશ માટે જીવવાની આશા વધારે પાકી થાય છે. સાચે, લોકોને તેઓના પ્રેમાળ પિતા યહોવાની નજીક આવવા મદદ કરવી એ કેટલા ગર્વની વાત છે! એ જવાબદારી નિભાવીએ છીએ ત્યારે યહોવા આપણને તેમના “સાથી કામદારો” ગણે છે.—૧ કોરીં. ૩:૫. w૨૪.૦૨ ૧૨ ¶૧૫
શનિવાર, ડિસેમ્બર ૨૭
“તું માનતા લઈને એને પૂરી ન કરે, એના કરતાં તું કોઈ માનતા જ ન લે એ વધારે સારું.”—સભા. ૫:૫.
કદાચ કોઈ તમને બાઇબલમાંથી શીખવી રહ્યું છે અથવા તમારાં મમ્મી-પપ્પા યહોવાનાં સાક્ષી છે અને તેઓ તમને યહોવા વિશે શીખવે છે. તો શું તમે બાપ્તિસ્મા લેવાનું વિચારી રહ્યા છો? એ બહુ સારી વાત કહેવાય. પણ બાપ્તિસ્મા લેતા પહેલાં તમારે પોતાનું જીવન યહોવાને સમર્પિત કરવાની જરૂર છે. સમર્પણ કઈ રીતે કરવું જોઈએ? યહોવાને પ્રાર્થનામાં વચન આપવું જોઈએ કે તમે ફક્ત તેમની ભક્તિ કરશો અને તેમની ઇચ્છાને જીવનમાં પહેલી રાખશો. એમ કરીને જાણે તમે યહોવાને વચન આપો છો કે તમે “પૂરા દિલથી અને પૂરા જીવથી અને પૂરા મનથી અને પૂરા બળથી” તેમને પ્રેમ કરતા રહેશો. (માર્ક ૧૨:૩૦) સમર્પણ તમારી અને યહોવા વચ્ચેની વાત છે. પણ બાપ્તિસ્મા જાહેરમાં થાય છે. એનાથી લોકોને ખબર પડે છે કે તમે યહોવાને પોતાનું જીવન સમર્પિત કર્યું છે. સમર્પણનું વચન બહુ ખાસ છે. એ વચન નિભાવવા બનતું બધું કરજો અને યહોવા પણ તમારી પાસેથી એવું જ ચાહે છે.—સભા. ૫:૪. w૨૪.૦૩ ૨ ¶૨; ૩ ¶૫
રવિવાર, ડિસેમ્બર ૨૮
“દરેક માણસ જેવો પોતાને પ્રેમ કરે છે, એવો જ પ્રેમ પોતાની પત્નીને કરે અને પત્ની પણ પૂરા દિલથી પતિને માન આપે.”—એફે. ૫:૩૩.
ઘરમાં બે વાસણ હોય તો ખખડે પણ ખરાં. એવું દરેક ઘરમાં બનતું હોય છે. બાઇબલમાં પણ જણાવ્યું છે: “જેઓ પરણે છે તેઓના જીવનમાં તકલીફો આવશે.” (૧ કોરીં. ૭:૨૮) શા માટે? કારણ કે પતિ-પત્ની બંનેમાં ખામીઓ છે અને તેઓથી ભૂલો થઈ જાય છે. તેઓનાં સ્વભાવ, પસંદ-નાપસંદ અલગ હોય છે. તેઓનો ઉછેર પણ જુદા જુદા સમાજમાં થયો હોય છે. એવું પણ બને કે લગ્નના અમુક સમય પછી તેઓને પોતાના સાથીની એવી આદતો દેખાય, જે લગ્ન પહેલાં ધ્યાનમાં આવી ન હોય. એ કારણોને લીધે તેઓ વચ્ચે તણખા ઝરી શકે છે. એવું થાય ત્યારે અમુક પતિ-પત્ની પોતાની ભૂલો જોવાને બદલે અને સાથે મળીને મુશ્કેલીનો ઉકેલ લાવવાને બદલે જીવનસાથીનો વાંક કાઢે. તેઓ કદાચ વિચારવા લાગે કે અલગ થવું અથવા છૂટાછેડા લેવા સારું રહેશે. પણ શું એનાથી મુશ્કેલી દૂર થઈ જશે? ના. યહોવા ચાહે છે કે પતિ-પત્ની લગ્નની ગોઠવણને માન આપે, પછી ભલે સાથે જીવવું અઘરું હોય. w૨૪.૦૩ ૧૬ ¶૮; ૧૭ ¶૧૧
સોમવાર, ડિસેમ્બર ૨૯
“આશા આપણને નિરાશ થવા દેતી નથી.”—રોમ. ૫:૫.
સમર્પણ અને બાપ્તિસ્મા પછી બાગ જેવી સુંદર પૃથ્વી પર હંમેશ માટે જીવવાની તમારી આશા મજબૂત થઈ હશે. તેમ જ, તમે યહોવા વિશે વધારે શીખતા રહ્યા અને તેમને વધારે પ્રેમ કરવા લાગ્યા. એનાથી તમારો ભરોસો વધ્યો કે તમે જે આશા રાખો છો એ જરૂર પૂરી થશે. (હિબ્રૂ. ૫:૧૩–૬:૧) કદાચ તમે રોમનો ૫:૨-૪માં જે લખ્યું છે, એનો અનુભવ કર્યો હશે. તમારા પર ઘણી અલગ અલગ મુશ્કેલીઓ આવી હશે, પણ તમે એનો ધીરજથી સામનો કર્યો અને યહોવાની કૃપાનો અનુભવ કર્યો. તમે જાણો છો કે યહોવા તમને બહુ પ્રેમ કરે છે અને તમારાથી ખુશ છે. એનાથી તમને ખાતરી થઈ ગઈ કે યહોવા પોતાનાં વચનોથી ફરી જશે નહિ. તે એને જરૂર પૂરાં કરશે. આમ તમે શરૂઆતમાં જે આશા રાખી હતી, એ વધારે પાકી થઈ ગઈ. એ તમારા માટે ખાસ બની ગઈ. હવે તમે એ આશા પર શંકા કરતા નથી, પણ એ તમારા માટે ખૂબ અનમોલ છે. એ આશાની તમારા જીવન પર ઊંડી અસર થઈ છે. જેમ કે, તમે કઈ રીતે કુટુંબના સભ્યો સાથે વર્તો છો, કઈ રીતે નિર્ણયો લો છો અને કઈ રીતે સમયનો ઉપયોગ કરો છો, એ બધું બદલાઈ ગયું છે. ઈશ્વરની કૃપા મેળવ્યા પછી આશા મળે છે. એ વાત કહ્યા પછી પ્રેરિત પાઉલે બહુ જ મહત્ત્વની વાત પર ધ્યાન દોર્યું. તેમણે ખાતરી અપાવી કે તમારી આશા જરૂર પૂરી થશે.—રોમ. ૧૫:૧૩. w૨૩.૧૨ ૧૨-૧૩ ¶૧૬-૧૯
મંગળવાર, ડિસેમ્બર ૩૦
“[યહોવા] તમને સ્થિર કરશે.”—૧ પિત. ૫:૧૦.
જ્યારે કોઈ કસોટીમાંથી પસાર થતા હોઈએ, ત્યારે કદાચ પહેલાં જેવું ન અનુભવીએ. કદાચ આપણાં વિચારો અને વર્તન બદલાઈ જાય. એવું લાગી શકે કે જાણે લાગણીનાં મોજાં આપણને આમતેમ ફંગોળી રહ્યાં છે. જ્યારે લાગણીઓનું પૂર આપણને ડુબાડવા લાગે, ત્યારે યહોવા કઈ રીતે મદદ કરે છે? તે ખાતરી આપે છે કે આપણને સ્થિર કરશે. જ્યારે વહાણ તોફાનમાં સપડાયું હોય છે, ત્યારે એ જોરજોરથી આમતેમ ડોલા ખાતું હોય છે. વહાણને સ્થિર કરવા ઘણી વાર એની બંને બાજુએ પાંખિયા લગાવવામાં આવે છે. એ પાંખિયાની મદદથી વહાણ અમુક હદે સ્થિર થાય છે. આમ મુસાફરો સલામતી અનુભવે છે અને તેઓને થોડી રાહત મળે છે. પણ પાંખિયા સારી રીતે કામ કરે એ માટે જરૂરી છે કે વહાણ આગળ વધતું રહે. એવી જ રીતે, જો આપણે આગળ વધતા રહીશું, તો યહોવા આપણને સ્થિર કરશે. એનો અર્થ થાય કે મુસીબતો આવે ત્યારે અટકી ન જઈએ, પણ યહોવાની સેવામાં લાગુ રહીએ. w૨૪.૦૧ ૨૨ ¶૭-૮
બુધવાર, ડિસેમ્બર ૩૧
“[ઈશ્વર] પર મને પૂરો ભરોસો છે. હું કોઈથી ડરતો નથી.”—ગીત. ૫૬:૪.
ડર લાગે ત્યારે પોતાને પૂછો: ‘યહોવાએ હમણાં સુધી શું કર્યું છે?’ તેમણે રચેલી સૃષ્ટિનો વિચાર કરો. દાખલા તરીકે, પક્ષીઓ અને ફૂલોને “ધ્યાનથી જુઓ.” યહોવાએ તેઓમાં પોતાના જેવા ગુણો મૂક્યા નથી. તેઓ યહોવાની ભક્તિ કરી શકતા નથી. તોપણ યહોવા તેઓની કાળજી રાખે છે. તો શું યહોવા તેઓ કરતાં તમારી વધારે કાળજી નહિ રાખે? આ રીતે વિચારવાથી યહોવામાં તમારો ભરોસો વધશે. (માથ. ૬:૨૫-૩૨) એ પણ વિચારો કે યહોવાએ પોતાના સેવકો માટે શું કર્યું છે. તમે કદાચ બાઇબલ સમયના કોઈ ઈશ્વરભક્તના દાખલાનો અભ્યાસ કરી શકો, જેમણે જોરદાર શ્રદ્ધા બતાવી હતી. અથવા આજના સમયના કોઈ ઈશ્વરભક્તનો અનુભવ વાંચી શકો. એ પણ વિચારો કે યહોવાએ હમણાં સુધી તમારા માટે શું કર્યું છે. જેમ કે, તે તમને કઈ રીતે પોતાની પાસે દોરી લાવ્યા? (યોહા. ૬:૪૪) તેમણે કઈ રીતે તમારી પ્રાર્થનાઓનો જવાબ આપ્યો છે? (૧ યોહા. ૫:૧૪) તેમના વહાલા દીકરાના બલિદાનથી તમને કઈ રીતે દરરોજ ફાયદો થઈ રહ્યો છે?—એફે. ૧:૭; હિબ્રૂ. ૪:૧૪-૧૬. w૨૪.૦૧ ૪ ¶૬; ૭ ¶૧૭