વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • es26 પાન ૧૯-૩૧
  • ફેબ્રુઆરી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફેબ્રુઆરી
  • દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૬
  • મથાળાં
  • રવિવાર, ફેબ્રુઆરી ૧
  • સોમવાર, ફેબ્રુઆરી ૨
  • મંગળવાર, ફેબ્રુઆરી ૩
  • બુધવાર, ફેબ્રુઆરી ૪
  • ગુરુવાર, ફેબ્રુઆરી ૫
  • શુક્રવાર, ફેબ્રુઆરી ૬
  • શનિવાર, ફેબ્રુઆરી ૭
  • રવિવાર, ફેબ્રુઆરી ૮
  • સોમવાર, ફેબ્રુઆરી ૯
  • મંગળવાર, ફેબ્રુઆરી ૧૦
  • બુધવાર, ફેબ્રુઆરી ૧૧
  • ગુરુવાર, ફેબ્રુઆરી ૧૨
  • શુક્રવાર, ફેબ્રુઆરી ૧૩
  • શનિવાર, ફેબ્રુઆરી ૧૪
  • રવિવાર, ફેબ્રુઆરી ૧૫
  • સોમવાર, ફેબ્રુઆરી ૧૬
  • મંગળવાર, ફેબ્રુઆરી ૧૭
  • બુધવાર, ફેબ્રુઆરી ૧૮
  • ગુરુવાર, ફેબ્રુઆરી ૧૯
  • શુક્રવાર, ફેબ્રુઆરી ૨૦
  • શનિવાર, ફેબ્રુઆરી ૨૧
  • રવિવાર, ફેબ્રુઆરી ૨૨
  • સોમવાર, ફેબ્રુઆરી ૨૩
  • મંગળવાર, ફેબ્રુઆરી ૨૪
  • બુધવાર, ફેબ્રુઆરી ૨૫
  • ગુરુવાર, ફેબ્રુઆરી ૨૬
  • શુક્રવાર, ફેબ્રુઆરી ૨૭
  • શનિવાર, ફેબ્રુઆરી ૨૮
દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૬
es26 પાન ૧૯-૩૧

ફેબ્રુઆરી

રવિવાર, ફેબ્રુઆરી ૧

“તકરારથી દૂર રહેનાર માણસ માનયોગ્ય છે, પણ મૂર્ખ માણસ ઝઘડો કર્યા વગર રહેતો નથી.”—નીતિ. ૨૦:૩.

ખ્રિસ્ત જેવા ગુણો કેળવતા ભાઈઓ મંડળ માટે આશીર્વાદ છે. એક વાજબી ભાઈ પોતે શાંતિ જાળવે છે અને બીજાઓને પણ એમ કરવા મદદ કરે છે. તે બીજાઓની વાત ધ્યાનથી સાંભળે છે અને તેઓના વિચારો સમજવાની કોશિશ કરે છે. આ સંજોગનો વિચાર કરો: ધારો કે તમે વડીલ છો. વડીલોના જૂથની સભા ચાલી રહી છે. મોટા ભાગના વડીલો એક નિર્ણય સાથે સહમત છે, પણ તમે કંઈક અલગ વિચારો છો. એ નિર્ણયમાં બાઇબલનો કોઈ નિયમ કે સિદ્ધાંત તૂટતો નથી. શું તમે રાજીખુશીથી એ નિર્ણયને ટેકો આપશો? તમે પોતાની વાત પર અડી જતા નથી. તમે જાણો છો કે બીજાઓની સલાહ લેવી ખૂબ જરૂરી છે. (ઉત. ૧૩:૮, ૯; નીતિ. ૧૫:૨૨) તમે બીજાઓને ઉતારી પાડતા નથી અથવા દલીલો કરતા નથી. એને બદલે, તમે પ્રેમથી અને સમજી-વિચારીને વર્તો છો. તણાવભર્યા સંજોગોમાં પણ તમે શાંતિ જાળવવા મહેનત કરો છો. (યાકૂ. ૩:૧૭, ૧૮) તમારા માયાળુ શબ્દોથી બીજાઓને શાંત રહેવા મદદ મળે છે. અરે, વિરોધીઓનો પણ ગુસ્સો ઓગળી જાય છે.—ન્યા. ૮:૧-૩; નીતિ. ૨૫:૧૫; માથ. ૫:૨૩, ૨૪. w૨૪.૧૧ ૨૩ ¶૧૩

સોમવાર, ફેબ્રુઆરી ૨

“તે દૂતોને મોકલશે અને પૃથ્વીના છેડાથી આકાશના છેડા સુધી ચારેય દિશામાંથી ઈશ્વરના પસંદ કરાયેલાને ભેગા કરશે.”—માર્ક ૧૩:૨૭.

એ વાત સાચી છે કે ઈસુએ “એક જ વાર અને હંમેશ માટે” પોતાના જીવનનું બલિદાન આપ્યું. (રોમ. ૬:૧૦) જોકે, તે આજે પણ આપણા માટે બલિદાનો આપી રહ્યા છે. કઈ રીતે? તેમના બલિદાનથી આપણને ફાયદો થાય એ માટે તે પોતાનાં સમય-શક્તિ આપી રહ્યા છે. ધ્યાન આપો કે તે કયાં કયાં કામ કરે છે. તે આપણા રાજા, પ્રમુખ યાજક અને મંડળના શિર છે. (૧ કોરીં. ૧૫:૨૫; એફે. ૫:૨૩; હિબ્રૂ. ૨:૧૭) તેમની આગેવાની નીચે અભિષિક્તોને અને મોટા ટોળાના લોકોને ભેગા કરવાનું કામ ચાલી રહ્યું છે. એ કામ મોટી વિપત્તિના અંત પહેલાં પૂરું થઈ જશે. (માથ. ૨૫:૩૨) તે વિશ્વાસુ અને સમજુ ચાકરને મદદ કરે છે, જેથી આ છેલ્લા દિવસોમાં આપણને ભક્તિને લગતો ખોરાક મળી રહે. (માથ. ૨૪:૪૫) એટલું જ નહિ, તેમના હજાર વર્ષના રાજમાં પણ તે આપણું ભલું કરતા રહેશે. યહોવાએ સાચે જ પોતાનો દીકરો આપણા માટે આપી દીધો છે! w૨૫.૦૧ ૨૪ ¶૧૨

મંગળવાર, ફેબ્રુઆરી ૩

“ખ્રિસ્ત ઈસુના બલિદાનથી છુટકારાની કિંમત ચૂકવીને ઈશ્વરે તેઓ પર અપાર કૃપા બતાવી છે. એના આધારે તે તેઓને નેક ગણે છે. એ અપાર કૃપા ઈશ્વર તરફથી એક ભેટ છે.”—રોમ. ૩:૨૪.

યહોવા માફ કરે છે ત્યારે તે પૂરી રીતે માફ કરે છે અને ભાવિમાં એ પાપ માટે સજા નહિ કરે. એના લીધે આપણે સ્વર્ગમાંના આપણા પિતા સાથે સારો સંબંધ બાંધી શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે યહોવા પાસેથી જે માફી મળે છે, એ એક ભેટ છે. એવું શાના આધારે કહી શકીએ? એવું નથી કે આપણે માફી મેળવવાના હકદાર છીએ, એટલે યહોવા માફ કરે છે. પણ હકીકત એ છે કે યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે અને અપાર કૃપા બતાવવા માંગે છે, એટલે આપણને માફ કરે છે. યહોવા “દિલથી માફ” કરે છે, એટલે આપણે બધાએ તેમનો આભાર માનવો જોઈએ. (ગીત. ૧૩૦:૪; રોમ. ૪:૮) પણ જો યહોવા પાસેથી માફી જોઈતી હોય, તો આપણે પણ કંઈક કરવાની જરૂર છે. ધ્યાન આપો કે ઈસુએ શું કહ્યું હતું. તેમણે કહ્યું હતું: “જો તમે લોકોના અપરાધો માફ નહિ કરો, તો તમારા પિતા પણ તમારા અપરાધો માફ નહિ કરે.” (માથ. ૬:૧૪, ૧૫) એટલે ખૂબ જરૂરી છે કે યહોવાનું અનુકરણ કરીએ અને બીજાઓને માફ કરીએ. w૨૫.૦૨ ૧૩ ¶૧૮-૧૯

બુધવાર, ફેબ્રુઆરી ૪

“સારા લોકો અને ખરાબ લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે.”—પ્રે.કા. ૨૪:૧૫.

સદોમ અને ગમોરાહના લોકો વિશે વિચારો. તેઓ વચ્ચે લોત નામના એક નેક માણસ રહેતા હતા. પણ શું તેમણે ત્યાંના બધા લોકોને પ્રચાર કર્યો હતો? ના, એ આપણે નથી જાણતા. એ વાત ચોક્કસ છે કે તેઓ દુષ્ટ હતા. પણ શું તેઓ ખરા-ખોટા વચ્ચેનો ફરક જાણતા હતા? યાદ કરો કે ત્યાંના પુરુષોનું ટોળું લોતના મહેમાનો સાથે જાતીય સંબંધ બાંધવા માંગતું હતું. બાઇબલમાં જણાવ્યું છે કે એ ટોળામાં “છોકરાથી લઈને વૃદ્ધ” પુરુષો હતા. (ઉત. ૧૯:૪; ૨ પિત. ૨:૭) શું દયાળુ ઈશ્વર યહોવાએ તેઓનો નાશ કરતી વખતે નક્કી કરી લીધું હતું કે તેઓમાંથી કોઈને પણ ઉઠાડશે નહિ? આપણે એ નથી જાણતા. એ સાચું છે કે એ શહેરોમાં ૧૦ લોકો પણ નેક ન હતા. (ઉત. ૧૮:૩૨) એનો અર્થ થાય કે તેઓ ખરાબ લોકો હતા અને યહોવાએ તેઓનો નાશ કર્યો, એ એકદમ યોગ્ય હતું. પણ શું આપણે ખાતરીથી કહી શકીએ કે “ખરાબ લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે” ત્યારે સદોમ અને ગમોરાહમાંથી કોઈને પણ ઉઠાડવામાં નહિ આવે? ના, આપણે એવું કહી શકતા નથી. w૨૪.૦૫ ૨ ¶૩; ૩ ¶૮

ગુરુવાર, ફેબ્રુઆરી ૫

“ઈશ્વરના રાજ્યને અને તેમનાં ધોરણોને જીવનમાં પહેલા રાખો. પછી એ બધું તમને આપવામાં આવશે.”—માથ. ૬:૩૩.

આર્થિક મુશ્કેલીઓના લીધે અમુક લોકોએ એવી નોકરી સ્વીકારી છે, જેના લીધે તેઓએ કુટુંબથી દૂર જવું પડ્યું છે. પણ ઘણા લોકોએ પછીથી સ્વીકાર્યું કે એ સારો નિર્ણય ન હતો. નવી નોકરી લેતા પહેલાં ફક્ત એટલું જ ન વિચારો કે કેટલા પૈસા મળશે, એ પણ વિચારો કે એ નોકરીને લીધે તમે અને તમારું કુટુંબ યહોવાની વધારે નજીક જશો કે દૂર. (લૂક ૧૪:૨૮) પોતાને પૂછો: ‘જો હું મારા લગ્‍નસાથીથી દૂર જઈશ, તો એની અમારા લગ્‍નજીવન પર કેવી અસર પડશે? શું હું સભાઓમાં અને પ્રચારમાં જઈ શકીશ? શું મારાં ભાઈ-બહેનો સાથે સમય વિતાવી શકીશ?’ જો તમને બાળકો હોય, તો આ મહત્ત્વના સવાલ પર પણ વિચાર કરો: ‘જો હું મારાં બાળકો સાથે નહિ હોઉં, તો “યહોવા ચાહે છે તેમ શિસ્ત અને શિખામણ આપીને” તેઓનો ઉછેર કઈ રીતે કરી શકીશ?’ (એફે. ૬:૪) નિર્ણય લેતી વખતે યહોવાના વિચારો પર ધ્યાન આપો. બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે જીવતાં ન હોય એવાં સગાં-વહાલાં અને મિત્રોની વાતો પર ધ્યાન ન આપો. w૨૫.૦૩ ૨૯ ¶૧૨

શુક્રવાર, ફેબ્રુઆરી ૬

“આપણે બાળકો જેવા ન રહીએ.”—એફે. ૪:૧૪.

ઈશ્વરભક્ત જે પરિપક્વ નથી તે સહેલાઈથી એવા લોકોની વાતોમાં આવી જાય છે, જેઓ “ચાલાકીઓથી અને છેતરામણી યુક્તિઓથી” બધાને ભમાવે છે. તે ઇન્ટરનેટ પર કે છાપાઓમાં આવતા ખોટા સમાચાર કે અફવાઓને સાચી માની લે છે. તે સત્યમાં ભેળસેળ કરતા લોકોની વાતોમાં આવી જાય છે. એટલું જ નહિ, તેમને બીજાઓની ઈર્ષા થાય છે, તે બીજાઓ સાથે ઝઘડે છે અથવા તેમને વાતે વાતે ખોટું લાગી જાય છે. તે ઘણી વાર લાલચોમાં પણ ફસાઈ જાય છે. (૧ કોરીં. ૩:૩) બાળકો ધીરે ધીરે મોટાં થાય છે અને સમજુ બને છે. એવી જ રીતે, બાઇબલમાં જણાવ્યું છે કે આપણે બાળકો નથી રહેવાનું. પણ ધીરે ધીરે પરિપક્વ કે સમજદાર બનવાનું છે. (એફે. ૪:૧૫) એક બાળકને ખબર હોતી નથી કે શું કરવું અને શું ન કરવું અને તેને બીજાઓની દેખરેખની જરૂર પડે છે. દાખલા તરીકે, એક મમ્મી પોતાની નાની છોકરીનો હાથ પકડીને રસ્તો ક્રોસ કરાવશે. એ છોકરી થોડી મોટી થશે પછી કદાચ મમ્મી તેને જાતે રસ્તો ક્રોસ કરવા દેશે. પણ તે જરૂર યાદ અપાવશે, ‘બેટા, આજુબાજુ જોઈને રસ્તો ક્રોસ કરજે.’ તે મોટી થઈ જાય પછી શું? હવે તે જાતે રસ્તો ક્રોસ કરે છે અને મમ્મી પણ તેને ટકોર નહિ કરે. એવી જ રીતે, ઈશ્વરભક્તો પરિપક્વ બને છે ત્યારે, તેઓ જાતે સારા નિર્ણયો લે છે. એ માટે તેઓ બાઇબલના સિદ્ધાંતો પર વિચાર કરે છે અને યહોવાના વિચારો જાણવાની કોશિશ કરે છે. પછી એ પ્રમાણે પગલાં ભરે છે. w૨૪.૦૪ ૩ ¶૫-૬

શનિવાર, ફેબ્રુઆરી ૭

“હે યહોવા, તમારા મંડપમાં કોણ મહેમાન બની શકે?”—ગીત. ૧૫:૧.

વર્ષો સુધી યહોવાની સાથે સ્વર્ગમાં રહેતા લોકો જ તેમના મહેમાનો હતા. સમય જતાં, યહોવાએ ધરતી પર મનુષ્યો બનાવ્યા. તેઓ પણ યહોવાના મહેમાનો બની શક્યા. એવા અમુક મહેમાનો હતા: હનોખ, નૂહ, ઇબ્રાહિમ અને અયૂબ. બાઇબલમાં લખ્યું છે કે તેઓ ઈશ્વરના મિત્રો હતા, કેમ કે તેઓ હંમેશાં ‘સાચા ઈશ્વરની સાથે ચાલ્યા.’ (ઉત. ૫:૨૪; ૬:૯; અયૂ. ૨૯:૪; યશા. ૪૧:૮) સદીઓથી યહોવા લોકોને મહેમાન બનવા પોતાના તંબુમાં બોલાવી રહ્યા છે. (હઝકિ. ૩૭:૨૬, ૨૭) હઝકિયેલની ભવિષ્યવાણીનો વિચાર કરીએ તો શીખવા મળે છે કે યહોવાની ઇચ્છા શું છે. તે ચાહે છે કે તેમના સેવકોનો તેમની સાથે પાકો સંબંધ હોય. તે તેઓની સાથે શાંતિનો કરાર કરવાનું વચન આપે છે. જ્યારે સ્વર્ગની આશા રાખતા સેવકો અને પૃથ્વી પર જીવવાની આશા રાખતા સેવકો ‘એક ટોળા’ તરીકે તેમના તંબુમાં એકતામાં રહેશે, ત્યારે એ ભવિષ્યવાણી પૂરી થશે. (યોહા. ૧૦:૧૬) આજે એ જ સમયગાળો ચાલી રહ્યો છે! w૨૪.૦૬ ૨ ¶૨; ૩ ¶૪-૫

રવિવાર, ફેબ્રુઆરી ૮

“આપણા ઈશ્વરની મદદથી અમે હિંમતવાન બન્યા.”—૧ થેસ્સા. ૨:૨.

આજે યહોવાના લોકો પૂરા દિલથી ઈશ્વરના રાજ્યને ટેકો આપે છે. (માથ. ૬:૩૩) પણ ઘણી વાર એમ કરવા હિંમત જોઈએ. દાખલા તરીકે, આ દુષ્ટ દુનિયામાં યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવા અને ઈશ્વરના રાજ્યની ખુશખબર જણાવવા હિંમતની જરૂર હોય છે. આજે રાજકીય બાબતોને લીધે લોકોમાં ભાગલા પડી રહ્યા છે. એટલે એવી બાબતોમાં અથવા એને લગતી ચર્ચાઓમાં કોઈનો પક્ષ ન લેવા પણ હિંમતની જરૂર હોય છે. (યોહા. ૧૮:૩૬) યહોવાના ઘણા સેવકો આજે આર્થિક તંગીનો સામનો કરે છે. એ ઉપરાંત, રાજકારણમાં કોઈનો પક્ષ ન લેવાને લીધે અથવા સેનામાં ભરતી ન થવાને લીધે ઘણા સાક્ષીઓને મારવામાં આવ્યા છે અથવા જેલમાં નાખી દેવામાં આવ્યા છે. યહોવાને અને તેમના રાજ્યને વફાદાર રહેવા ઘણાએ હિંમત બતાવી છે. તેઓના દાખલા પર વિચાર કરીએ છીએ ત્યારે, આપણને પણ હિંમત બતાવવા ઉત્તેજન મળે છે. જેમ કે, આપણા રાજા ખ્રિસ્ત ઈસુ આ ધરતી પર હતા ત્યારે, તેમણે શેતાનની દુનિયાના રાજકારણમાં ભાગ લેવાની સાફ ના પાડી દીધી હતી. (માથ. ૪:૮-૧૧; યોહા. ૬:૧૪, ૧૫) જે ખરું છે એ કરવા તેમને હિંમતની જરૂર હતી અને એ હિંમત મેળવવા તેમણે હંમેશાં યહોવા પર આધાર રાખ્યો. w૨૪.૦૭ ૨ ¶૪; ૩ ¶૭

સોમવાર, ફેબ્રુઆરી ૯

“તેણે એનું ફળ તોડીને ખાધું. પછી તે અને તેનો પતિ સાથે હતાં ત્યારે, તેણે એ ફળ પતિને આપ્યું અને તેણે પણ એ ખાધું.”—ઉત. ૩:૬.

યહોવાએ એ અહેવાલ આપણા ભલા માટે લખાવી દીધો છે. એનાથી એ સમજવા મદદ મળે છે કે યહોવા કેમ પાપને આટલું ધિક્કારે છે. પાપ આપણને યહોવા પિતાથી દૂર લઈ જાય છે અને એનું પરિણામ મરણ છે. (યશા. ૫૯:૨) શેતાનને યહોવા અને માણસો માટે જરાય પ્રેમ નથી. એટલે તેણે આદમ-હવાને પાપ કરવા લલચાવ્યાં અને આજે પણ તે માણસોને પાપ કરવા લલચાવી રહ્યો છે. કદાચ તેણે વિચાર્યું હશે કે એદન બાગમાં તેને મોટી જીત મળી છે. પણ તે ભૂલી ગયો કે યહોવા કેટલા પ્રેમાળ છે. યહોવાએ આદમ-હવાના વંશજો માટેનો પોતાનો હેતુ કદી બદલ્યો નથી. તે મનુષ્યોને ખૂબ જ પ્રેમ કરે છે. એટલે તેમણે તરત જ તેઓને એક આશા આપી. (રોમ. ૮:૨૦, ૨૧) યહોવા જાણતા હતા કે આદમ-હવાના અમુક વંશજો તેમને પ્રેમ કરશે અને પાપ સામેની લડાઈ લડવા તેમની પાસે મદદ માંગશે. એક પિતા અને સર્જનહાર તરીકે તે તેઓ માટે એક માર્ગ ખોલવાના હતા, જેથી તેઓને પાપથી આઝાદી મળે અને તેઓ યહોવાની નજીક જાય. w૨૪.૦૮ ૩ ¶૩-૪

મંગળવાર, ફેબ્રુઆરી ૧૦

“જે વધારે મહત્ત્વનું છે એ તમે પારખી લો.”—ફિલિ. ૧:૧૦.

યહોવાના મોટા ભાગના સેવકોનું જીવન બહુ વ્યસ્ત છે. પોતાની અને કુટુંબની જરૂરિયાતો પૂરી પાડવા આપણે નોકરી કરીએ છીએ. (૧ તિમો. ૫:૮) ઘણાં ભાઈ-બહેનો પોતાનાં બીમાર કે વૃદ્ધ સગાં-વહાલાંની દેખરેખ રાખે છે. આપણે પોતાની તબિયતનું પણ ધ્યાન રાખવાનું હોય છે. એ પણ ઘણો સમય માંગી લે છે. એ બધા ઉપરાંત મંડળમાં પણ જરૂરી કામ કરવાનાં હોય છે. એવું જ એક જરૂરી કામ છે, ખુશખબર જણાવવી. ઘણાં કામ ‘વધારે મહત્ત્વનાં’ છે અને એમાંનું એક છે, બાઇબલ વાંચવું. એટલે આપણે ધ્યાન રાખવું જોઈએ કે બીજાં જરૂરી કામ કરવામાં બાઇબલ વાંચવાનું રહી ન જાય. સુખી માણસ વિશે જણાવતા ગીતશાસ્ત્રના પહેલા અધ્યાયમાં લખ્યું છે: “તે યહોવાના નિયમશાસ્ત્રથી ઘણો ખુશ થાય છે, તે રાત-દિવસ નિયમશાસ્ત્ર વાંચીને મનન કરે છે.” (ગીત. ૧:૧, ૨) એનાથી સાફ જોવા મળે છે કે બાઇબલ વાંચવા સમય કાઢવો જોઈએ. બાઇબલ વાંચવાનો સૌથી સારો સમય કયો છે? દરેકનો જવાબ જુદો જુદો હોય શકે છે. પણ સાદા શબ્દોમાં કહીએ તો, દરરોજ બાઇબલ વાંચી શકીએ એ સમય સૌથી સારો કહેવાય. w૨૪.૦૯ ૩ ¶૫-૬

બુધવાર, ફેબ્રુઆરી ૧૧

“દરેકે પોતાની જવાબદારીનો બોજો જાતે ઊંચકવો પડશે.”—ગલા. ૬:૫.

શું પરિપક્વ ઈશ્વરભક્તને ક્યારેય કોઈની મદદની જરૂર પડતી નથી? ના, એવું નથી. પરિપક્વ ઈશ્વરભક્ત ક્યારેક બીજાઓની મદદ લઈ શકે છે. પણ તે આવા સવાલો નહિ પૂછે: ‘તમે મારી જગ્યાએ હોત તો શું કર્યું હોત? મારે કયો નિર્ણય લેવો જોઈએ?’ એવા સવાલો તો પરિપક્વ ન હોય એવી વ્યક્તિ પૂછશે. એક પરિપક્વ ઈશ્વરભક્ત કોઈ અનુભવી ભાઈ કે બહેનની મદદ લે છે ત્યારે, યાદ રાખે છે કે નિર્ણય તો તેમણે પોતે લેવાનો છે. કેમ કે યહોવા ચાહે છે કે ‘દરેક પોતાની જવાબદારીનો બોજો જાતે ઊંચકે.’ જેમ બધા લોકો એક જેવા દેખાતા નથી, તેમ પરિપક્વ ઈશ્વરભક્તો પણ એક જેવા નથી. તેઓમાં અલગ અલગ ગુણો છે. અમુક ઈશ્વરભક્તો બુદ્ધિશાળી છે, તો અમુક હિંમતવાન. અમુક દરિયાદિલ છે, તો અમુક બીજાઓની લાગણી સારી રીતે સમજે છે. એવું પણ બની શકે કે બે પરિપક્વ ઈશ્વરભક્ત એક જેવા જ સંજોગોનો સામનો કરે. એવા સમયે તેઓ બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે યોગ્ય નિર્ણય લે, પણ કદાચ તેઓના નિર્ણય એકબીજાથી સાવ અલગ હોય. જ્યારે અંતઃકરણને આધારે નિર્ણય લેવાનો થાય ત્યારે ઘણી વાર એવું બને છે. પરિપક્વ ઈશ્વરભક્તો એ વાત સમજે છે અને બીજાઓના નિર્ણયમાં ભૂલો શોધતા નથી. તેઓ એકબીજાને માન આપે છે અને ભેગા મળીને યહોવાની ભક્તિ કરતા રહે છે.—રોમ. ૧૪:૧૦; ૧ કોરીં. ૧:૧૦. w૨૪.૦૪ ૪ ¶૭-૮

ગુરુવાર, ફેબ્રુઆરી ૧૨

“જ્યારે હું ચિંતાઓના બોજથી દબાઈ ગયો, ત્યારે તમે મને દિલાસો આપ્યો અને મારું મન શાંત પાડ્યું.”—ગીત. ૯૪:૧૯.

જો તમને લાગતું હોય કે તમે નકામા છો, તો તમે શું કરી શકો? બાઇબલમાંથી એવી કલમો વાંચો, જે તમને ખાતરી અપાવે કે યહોવા તમને કીમતી ગણે છે. એ કલમો પર મનન કરો. કદાચ તમે કોઈ ધ્યેય પૂરો નથી કરી શક્યા અથવા યહોવાની સેવામાં બીજાઓ જેટલું નથી કરી શકતા. એ વિચારી વિચારીને તમે નિરાશ થઈ ગયા છો. હવે તમે શું કરી શકો? પોતાની સરખામણી બીજાઓ સાથે ન કરો અને જે નથી કરી શકતા, એના પર ધ્યાન ન આપો. યાદ રાખો, યહોવા તમારી પાસેથી વધારે પડતી અપેક્ષા નથી રાખતા. (ગીત. ૧૦૩:૧૩, ૧૪) જો અગાઉ તમારું શોષણ થયું હોય, તો પોતાને દોષ ન આપો. યાદ રાખો, એમાં તમારો કોઈ વાંક નથી. યહોવા એ વ્યક્તિ પાસેથી જરૂર હિસાબ માંગશે. (૧ પિત. ૩:૧૨) યહોવા તમારો ઉપયોગ કરીને બીજાઓને મદદ કરી શકે છે, એ વાત પર ક્યારેય શંકા ન કરો. યહોવાએ તમને તેમની સાથે પ્રચારમાં કામ કરવાનું સન્માન આપ્યું છે. (૧ કોરીં. ૩:૯) તમારા જીવનમાં જે ઉતાર-ચઢાવ આવ્યા છે, એના લીધે તમે કદાચ બીજાઓનું દુઃખ સહેલાઈથી સમજી શકશો અને તેઓને મદદ કરી શકશો. w૨૪.૧૦ ૭-૮ ¶૬-૭

શુક્રવાર, ફેબ્રુઆરી ૧૩

“શું ઈશ્વર પોતાના પસંદ કરેલાઓને ન્યાય નહિ અપાવે, જેઓ રાત-દિવસ તેમને કાલાવાલા કરે છે? તે તેઓ માટે ધીરજ રાખીને જરૂર એમ કરશે. હું તમને જણાવું છું, તે તેઓને જલદી જ ન્યાય અપાવશે.”—લૂક ૧૮:૭, ૮.

આપણી સાથે અન્યાય થાય ત્યારે, યહોવાને ફરક પડે છે. તેમને ઘણું દુઃખ થાય છે. બાઇબલમાં લખ્યું છે: “યહોવાને ઇન્સાફ પસંદ છે.” (ગીત. ૩૭:૨૮) ઈસુ ખાતરી આપે છે કે યહોવા જલદી જ “ન્યાય અપાવશે” અને એ પણ યોગ્ય સમયે. બહુ જલદી તે આપણાં બધાં દુઃખો દૂર કરી દેશે અને અન્યાયનું નામનિશાન મિટાવી દેશે. (ગીત. ૭૨: ૧, ૨) આપણે એવા સમયની રાહ જોઈએ છીએ, જ્યારે અન્યાય હશે જ નહિ. (૨ પિત. ૩:૧૩) પણ એ સમય આવે ત્યાં સુધી યહોવા આપણને અન્યાયનો સામનો કરવા મદદ કરે છે. દાખલા તરીકે, તે આપણને શીખવે છે કે અન્યાય થાય ત્યારે કઈ રીતે વર્તવું, જેથી વાત વધારે ન બગડે. તેમણે પોતાના દીકરા ઈસુ દ્વારા શીખવ્યું છે કે અન્યાય થાય ત્યારે શું કરવું. એ સિવાય તેમણે બાઇબલમાં ઘણી સલાહ આપી છે, જે અન્યાયનો સામનો કરવા મદદ કરે છે. w૨૪.૧૧ ૩ ¶૩-૪

શનિવાર, ફેબ્રુઆરી ૧૪

“તેઓને કંઈક ખાવાનું આપો.”—માથ. ૧૪:૧૬.

ઈસુએ જે વિનંતી કરી એને પૂરી કરવામાં એક તકલીફ હતી. કેમ કે ત્યાં આશરે ૫,૦૦૦ પુરુષો હતા. સ્ત્રીઓ અને બાળકોને ગણીએ તો આશરે ૧૫,૦૦૦ લોકોને જમાડવાના હતા. (માથ. ૧૪:૨૧) આંદ્રિયાએ કહ્યું: “અહીં એક નાનો છોકરો છે. તેની પાસે જવની પાંચ રોટલી અને બે નાની માછલી છે. પણ એમાંથી આટલા બધાને કઈ રીતે પૂરું થઈ રહે?” (યોહા. ૬:૯) એ જમાનામાં લોકો મોટા ભાગે જવની રોટલી ખાતા હતા અને નાની માછલી કદાચ મીઠું લગાવીને સૂકવેલી હતી. છતાં એ જરાક અમથા ખોરાકથી આટલા બધા લોકોનું પેટ કઈ રીતે ભરાય? ઈસુ લોકોને મહેમાનગતિ બતાવવા માંગતા હતા. એટલે તેમણે તેઓને નાનાં નાનાં ટોળાંમાં લીલા ઘાસ પર આરામથી બેસવા કહ્યું. (માર્ક ૬:૩૯, ૪૦; યોહા. ૬:૧૧-૧૩) પછી તેમણે રોટલી અને માછલી લઈને ઈશ્વરનો આભાર માન્યો. એમ કરવું યોગ્ય પણ હતું, કેમ કે એ ખોરાક ઈશ્વરે જ પૂરો પાડ્યો હતો. ઈસુનો દાખલો અનુસરીને આપણે પણ જમતા પહેલાં પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થના કર્યા બાદ ઈસુએ પોતાના શિષ્યોને ખોરાક વહેંચી દેવા કહ્યું. બધા લોકોએ ધરાઈને ખાધું. w૨૪.૧૨ ૨-૩ ¶૩-૪

રવિવાર, ફેબ્રુઆરી ૧૫

“યહોવા તમારા ઈશ્વરનો જયજયકાર કરો.”—૧ કાળ. ૨૯:૨૦.

ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે પોતાના પિતાને મહિમા આપ્યો. કઈ રીતે? તેમણે લોકોને જણાવ્યું કે ચમત્કાર કરવાની શક્તિ તેમને પિતા યહોવાએ આપી છે. (માર્ક ૫:૧૮-૨૦) તેમણે બીજી એક રીતે પણ યહોવાને મહિમા આપ્યો. તેમણે લોકોને પિતા યહોવા વિશે શીખવ્યું અને યહોવા ચાહે છે એ રીતે લોકો સાથે વર્ત્યા. એક વખતે ઈસુ સભાસ્થાનમાં શીખવતા હતા. ત્યાં એક સ્ત્રી પણ આવી હતી, જે ૧૮ વર્ષથી દુષ્ટ દૂતના કાબૂમાં હતી. એના લીધે તે એટલી વાંકી વળી ગઈ હતી કે જરાય સીધી ઊભી રહી શકતી ન હતી. બિચારી સ્ત્રી! ઈસુને એ સ્ત્રી પર ખૂબ દયા આવી. એટલે તેમણે તેની પાસે જઈને પ્રેમથી કહ્યું: “હે સ્ત્રી, તને તારી બીમારીમાંથી સાજી કરવામાં આવે છે.” પછી તેમણે પોતાના હાથ તેના પર મૂક્યા અને તરત તે સીધી ઊભી રહી શકી. “તે ઈશ્વરને મહિમા આપવા લાગી.” (લૂક ૧૩:૧૦-૧૩) તે યહોવાની ખૂબ આભારી હતી, કેમ કે તેમની મદદથી તેને તંદુરસ્તી અને સન્માન પાછાં મળ્યાં હતાં. એ સ્ત્રી પાસે યહોવાને મહિમા આપવાનું જોરદાર કારણ હતું. આપણી પાસે પણ છે! w૨૫.૦૧ ૩ ¶૩-૪

સોમવાર, ફેબ્રુઆરી ૧૬

“અમારાં પાપ માફ કરો.”—લૂક ૧૧:૪.

આદમ-હવાએ જે ગુમાવ્યું એ આપણે પોતાની જાતે પાછું મેળવી શકતા નથી. (ગીત. ૪૯:૭-૯) મદદ વગર આપણી પાસે હંમેશ માટે જીવવાની કે મરણમાંથી જીવતા થવાની કોઈ જ આશા ન હોત. આપણું જીવન પ્રાણીઓ જેવું હોત, જેઓ પાસે ફરી જીવન મેળવવાની કોઈ આશા નથી. (સભા. ૩:૧૯; ૨ પિત. ૨:૧૨) આદમથી મળેલા પાપનું દેવું ચૂકવવા આપણા પ્રેમાળ પિતા યહોવા આપણી મદદે આવ્યા છે. એ સમજાવતા ઈસુએ કહ્યું હતું: “ઈશ્વરે દુનિયાને એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, જેથી જે કોઈ તેનામાં શ્રદ્ધા મૂકે તેનો નાશ ન થાય, પણ હંમેશ માટેનું જીવન મેળવે.” (યોહા. ૩:૧૬) વધુમાં, યહોવાએ પોતાના દીકરાની જે ભેટ આપી, એનાથી આપણે તેમની સાથે ગાઢ સંબંધ બાંધી શકીએ છીએ. યહોવાએ જે જોરદાર ભેટ આપી છે, એના લીધે આપણને પાપની માફી મળી શકે છે. એ ભેટમાંથી આપણને ફાયદો મળી શકે છે. w૨૫.૦૨ ૩ ¶૩-૬

મંગળવાર, ફેબ્રુઆરી ૧૭

‘પછી શાઉલ ઊઠ્યો અને તેણે બાપ્તિસ્મા લીધું.’—પ્રે.કા. ૯:૧૮.

બાપ્તિસ્માનું પગલું ભરવા શાઉલને શાનાથી મદદ મળી? જ્યારે સ્વર્ગમાંથી ઈસુએ શાઉલ સાથે વાત કરી, ત્યારે ઝળહળતા પ્રકાશને લીધે તે આંધળા થઈ ગયા. (પ્રે.કા. ૯:૩-૯) ત્રણ દિવસ સુધી તેમણે ઉપવાસ કર્યા. હાલમાં બનેલા બનાવ પર તેમણે ચોક્કસ મનન કર્યું હશે. શાઉલને પાકી ખાતરી થઈ ગઈ કે ઈસુ જ મસીહ છે અને તેમના શિષ્યો સાચી ભક્તિ કરે છે. શાઉલના દાખલામાંથી આપણને ઘણું શીખવા મળે છે. ઘમંડ અથવા માણસોના ડરને લીધે તે બાપ્તિસ્મા લેવામાં પાછી પાની કરી શક્યા હોત. પણ તેમણે એવું ન કર્યું. પોતાની સતાવણી થશે એ વાત જાણતા હોવા છતાં તે ખ્રિસ્તી બનવા માંગતા હતા. (પ્રે.કા. ૯:૧૫, ૧૬; ૨૦:૨૨, ૨૩) બાપ્તિસ્મા પછી મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરવા તેમણે હંમેશાં યહોવા પર આધાર રાખ્યો. (૨ કોરીં. ૪:૭-૧૦) બાપ્તિસ્મા લઈને તમે યહોવાના સાક્ષી બનો એ પછી કદાચ તમારી શ્રદ્ધાની કસોટી થાય અથવા તમને સતાવવામાં આવે. પણ તમે એકલા નથી. ભરોસો રાખજો કે યહોવા અને ઈસુ ખ્રિસ્ત તમને કસોટીઓનો સામનો કરવા અને વફાદાર રહેવા ચોક્કસ મદદ કરશે.—ફિલિ. ૪:૧૩. w૨૫.૦૩ ૪ ¶૮-૯

બુધવાર, ફેબ્રુઆરી ૧૮

“હું કોઈ ધ્યેય વગર દોડતો નથી.”—૧ કોરીં. ૯:૨૬.

બાઇબલ વાંચવાનો ધ્યેય રાખવો સારું કહેવાય. પણ જો બાઇબલ વાંચનથી ફાયદો મેળવવા માંગતા હોઈએ, તો કંઈક વધારે કરવાની જરૂર છે. આ દાખલાનો વિચાર કરો: ફૂલછોડ માટે પાણી જરૂરી છે. પણ જો થોડા જ સમયમાં મુશળધાર વરસાદ પડે, તો શું થશે? બધે પાણી પાણી થઈ જશે. પણ પાણી જમીનમાં ઊંડે નહિ ઊતરે અને ફૂલછોડને વરસાદના પાણીનો ફાયદો નહિ થાય. પણ જ્યારે વરસાદ ધીરે ધીરે પડે છે, ત્યારે એ પાણી જમીનમાં ઊંડે ઊતરે છે અને એનાથી ફૂલછોડનો વિકાસ થાય છે. એવી જ રીતે, આપણે ઉતાવળે બાઇબલ વાંચવું ન જોઈએ. એમ કરીશું તો બાઇબલની વાતો દિલમાં ઊંડે ઊતરશે નહિ. એનો અર્થ થાય કે શીખેલી વાતોને યાદ રાખી નહિ શકીએ અને એને જીવનમાં લાગુ પાડી નહિ શકીએ. (યાકૂ. ૧:૨૪) શું તમને લાગે છે કે અમુક વાર તમે ફટાફટ બાઇબલ વાંચો છો? જો એમ હોય, તો શું કરી શકો? ધીરે ધીરે બાઇબલ વાંચો. આમ બાઇબલ વાંચતી વખતે અથવા વાંચી લીધા પછી એના પર મનન કરી શકશો. તમે કદાચ અભ્યાસ માટે થોડો વધારે સમય લેવાનું વિચારો, જેથી અભ્યાસ દરમિયાન મનન કરી શકો. w૨૪.૦૯ ૪ ¶૭-૯

ગુરુવાર, ફેબ્રુઆરી ૧૯

“જેઓ તમારામાં આગેવાની લે છે, તેઓનું કહેવું માનો.”—હિબ્રૂ. ૧૩:૧૭.

કોઈ માર્ગદર્શન મળે ત્યારે વડીલો એને ધ્યાનથી વાંચે અને એ પ્રમાણે કરવાની પૂરેપૂરી કોશિશ કરે. વડીલોને જણાવવામાં આવે છે કે સભાના ભાગ કઈ રીતે લેવા અને સભામાં કઈ રીતે પ્રાર્થના કરાવવી. તેઓને એ પણ જણાવવામાં આવે છે કે ખ્રિસ્તનાં ઘેટાં, એટલે કે ભાઈ-બહેનોની સંભાળ કઈ રીતે રાખવી. જ્યારે વડીલો સંગઠન તરફથી મળતું માર્ગદર્શન પાળે છે, ત્યારે ભાઈ-બહેનો યહોવાનો પ્રેમ અને હૂંફ અનુભવી શકે છે. વડીલો પાસેથી કોઈ માર્ગદર્શન મળે ત્યારે એને રાજીખુશીથી પાળવું જોઈએ. એમ કરીશું તો આગેવાની લેતા ભાઈઓ પોતાનું કામ સહેલાઈથી કરી શકશે. બાઇબલમાં જણાવ્યું છે કે આપણે એ ભાઈઓનું કહેવું માનીએ અને તેઓને આધીન રહીએ. (હિબ્રૂ. ૧૩:૭, ૧૭) પણ એમ કરવું અમુક વાર અઘરું બની શકે છે. શા માટે? કેમ કે એ ભાઈઓમાં પણ અમુક નબળાઈઓ છે. પણ તેઓના સારા ગુણોને બદલે તેઓની ખામીઓ પર જ ધ્યાન આપીશું તો, એ તો આપણા દુશ્મનોને સાથ આપવા બરાબર છે. કઈ રીતે? જો વડીલોની ખામીઓ પર જ ધ્યાન આપીશું, તો સંગઠનમાં પણ ખામીઓ જ દેખાશે અને સંગઠન પરથી આપણો ભરોસો ઊઠી જશે. w૨૪.૦૪ ૧૦ ¶૧૧-૧૨

શુક્રવાર, ફેબ્રુઆરી ૨૦

“તે લોકોને એકબીજાથી અલગ પાડશે.”—માથ. ૨૫:૩૨.

જેઓ મોટી વિપત્તિ દરમિયાન માર્યા જશે, તેઓનો શું કાયમ માટે વિનાશ થઈ જશે? શું તેઓને જીવતા કરવામાં નહિ આવે? બાઇબલમાંથી સ્પષ્ટ જોવા મળે છે કે આર્માગેદન વખતે યહોવા અને તેમના સૈન્યો એ લોકોનો કાયમ માટે વિનાશ કરશે, જેઓ તેમનો વિરોધ કરે છે. તેઓને જીવતા કરવામાં નહિ આવે. (૨ થેસ્સા. ૧:૬-૧૦) પણ એવા લોકો વિશે શું, જેઓ બીમારી કે ઘડપણને લીધે અથવા કોઈ અકસ્માતમાં કે કોઈના હાથે માર્યા ગયા હોય? (સભા. ૯:૧૧; ઝખા. ૧૪:૧૩) શું તેઓમાંથી અમુક લોકો એ ‘ખરાબ લોકોમાં’ હશે, જેઓને નવી દુનિયામાં જીવતા કરવામાં આવશે? (પ્રે.કા. ૨૪:૧૫) એ વિશે આપણે કંઈ નથી જાણતા. પણ, ભાવિના બનાવો વિશે ઘણી બધી બાબતો આપણે જાણીએ છીએ. દાખલા તરીકે, ખ્રિસ્તના ભાઈઓ સાથે લોકો જે રીતે વર્ત્યા છે, એના આધારે ઈસુ તેઓનો ઘેટાં અથવા બકરાં તરીકે ન્યાય કરશે. (માથ. ૨૫:૪૦) અને જેઓનો ન્યાય ઘેટાં તરીકે થશે, તેઓએ બતાવી આપ્યું હશે કે તેઓ અભિષિક્તોને અને ખ્રિસ્તને ટેકો આપે છે.—પ્રકટી. ૧૨:૧૭. w૨૪.૦૫ ૧૦-૧૧ ¶૯-૧૧

શનિવાર, ફેબ્રુઆરી ૨૧

“યહોવા જીવતા-જાગતા ઈશ્વર છે! મારા ખડકની સ્તુતિ થાઓ! મારા ઉદ્ધારના ઈશ્વરનો મહિમા થાઓ.”—ગીત. ૧૮:૪૬.

બાઇબલમાં જણાવ્યું છે કે આપણે જે સમયમાં જીવીએ છીએ, એ “સહન કરવા અઘરા” છે. (૨ તિમો. ૩:૧) શેતાનની દુનિયામાં જીવતા હોવાને લીધે બધા લોકો પર મુશ્કેલીઓ આવે છે. એ ઉપરાંત, યહોવાની ભક્તિ કરતા હોવાને લીધે આપણે વિરોધ અને સતાવણીનો પણ સામનો કરવો પડે છે. આટલી બધી મુસીબતો છતાં યહોવાની ભક્તિ કરતા રહેવા શાનાથી મદદ મળે છે? આ એક મુખ્ય કારણથી મદદ મળે છે: આપણે યહોવાની મદદનો અનુભવ કર્યો છે અને જાણીએ છીએ કે તે “જીવતા ઈશ્વર” છે. (યર્મિ. ૧૦:૧૦; ૨ તિમો. ૧:૧૨) યહોવા જીવતા ઈશ્વર છે, એનો અર્થ શું થાય? એનો અર્થ થાય કે યહોવા સાચે જ છે, તે આપણી એકેએક તકલીફ જુએ છે અને હંમેશાં મદદ કરવા તૈયાર હોય છે. (૨ કાળ. ૧૬:૯; ગીત. ૨૩:૪) એ વાત યાદ રાખવાથી કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકીશું. w૨૪.૦૬ ૨૦ ¶૧-૨

રવિવાર, ફેબ્રુઆરી ૨૨

“નેક માણસનો માર્ગ સવારના પ્રકાશ જેવો છે, જે બપોર થતાં સુધી વધતો ને વધતો જાય છે.”—નીતિ. ૪:૧૮.

આપણે યહોવાના સંગઠન પર ભરોસો રાખવો જોઈએ. જ્યારે આગેવાની લેતા ભાઈઓને આપણા શિક્ષણમાં અથવા રાજ્યના કામની રીતમાં કોઈ ફેરબદલ કરવાની જરૂર લાગે, ત્યારે તેઓ એમ કરવામાં પાછી પાની નથી કરતા. કારણ કે તેઓ માટે યહોવાને ખુશ કરવા સૌથી મહત્ત્વનું છે. એ ઉપરાંત, તેઓ ધ્યાન રાખે છે કે તેઓના નિર્ણયો બાઇબલને આધારે હોય. કારણ કે યહોવાના બધા લોકો માટે બાઇબલ ખરા શિક્ષણનું ધોરણ છે. પ્રેરિત પાઉલે સલાહ આપી હતી: ‘ખરા શિક્ષણના ધોરણને વળગી રહીએ.’ (૨ તિમો. ૧:૧૩, ફૂટનોટ) ‘ખરા શિક્ષણનું ધોરણ’ ઈસુએ શીખવેલી વાતોને અને બાઇબલમાં આપેલા બધા શિક્ષણને રજૂ કરે છે. (યોહા. ૧૭:૧૭) આપણી શ્રદ્ધાનો આધાર એ શિક્ષણ છે. યહોવાના સંગઠને આપણને શીખવ્યું છે કે આંખ બંધ કરીને બધું માની ન લઈએ. પણ જે માનીએ છીએ એ ખરા શિક્ષણના ધોરણને આધારે છે કે નહિ એ પારખીએ. જ્યાં સુધી એ શિક્ષણ પ્રમાણે ચાલતા રહીશું, ત્યાં સુધી યહોવા આશીર્વાદ આપતા રહેશે. w૨૪.૦૭ ૧૧ ¶૧૨-૧૩

સોમવાર, ફેબ્રુઆરી ૨૩

‘યહોવા ચાહે છે કે કોઈનો નાશ ન થાય, પણ બધાને પસ્તાવો કરવાની તક મળે.’—૨ પિત. ૩:૯.

પ્રેરિત પિતર પોતાના અનુભવથી બીજાઓને પસ્તાવા અને માફી વિશે શીખવી શક્યા. પચાસમા દિવસના તહેવારના અમુક સમય પછી તેમણે યહૂદીઓના એક ટોળાને સમજાવ્યું કે તેઓએ મસીહને મારી નાખ્યા હતા. છતાં તેમણે પ્રેમથી તેઓને અરજ કરી: “તમે પસ્તાવો કરો અને પાછા ફરો, જેથી તમારાં પાપ ભૂંસી નાખવામાં આવે. આમ યહોવા પાસેથી તમારા માટે તાજગીના સમયો આવે.” (પ્રે.કા. ૩:૧૪, ૧૫, ૧૭, ૧૯) પિતરે શીખવ્યું કે એક પાપી વ્યક્તિ પાછી ફરીને બતાવે છે કે તેણે પસ્તાવો કર્યો છે. એનો અર્થ થાય કે તે પોતાના ખોટા વિચારો સુધારે છે, ખરાબ કામો કરવાનું બંધ કરે છે અને ઈશ્વર ખુશ થાય એવાં કામો કરવા લાગે છે. પ્રેરિત પિતરે એ પણ જણાવ્યું કે યહોવા વ્યક્તિને પૂરેપૂરી રીતે માફ કરે છે, જાણે તે પાપોને ભૂંસી નાખે છે, એનું નામનિશાન મિટાવી દે છે. ભલે ગમે એટલાં મોટાં પાપ કર્યાં હોય, પણ પસ્તાવો કરીએ છીએ ત્યારે યહોવા દિલથી માફ કરે છે. એ જાણીને મનની શાંતિ મળે છે! w૨૪.૦૮ ૧૨ ¶૧૪

મંગળવાર, ફેબ્રુઆરી ૨૪

“જીવનમાં પૈસાનો મોહ ન રાખો.”—હિબ્રૂ. ૧૩:૫.

જો આપણને પૂરો ભરોસો હશે કે આ દુનિયા અંતને આરે છે, તો ધનદોલત ભેગી કરવા મંડ્યા નહિ રહીએ. બાઇબલમાં લખ્યું છે કે લોકો “પોતાની ચાંદી રસ્તાઓ પર ફેંકી દેશે,” કેમ કે તેઓને ખ્યાલ આવી જશે કે “યહોવાના કોપના દિવસે તેઓનું સોનું કે ચાંદી તેઓને બચાવી શકશે નહિ.” (હઝકિ. ૭:૧૯) એટલે ધનસંપત્તિ માટે આપણું વલણ કેવું હોવું જોઈએ? આપણે માલ-મિલકત ભેગી કરવા પર ધ્યાન ન આપવું જોઈએ. એને બદલે, એવા નિર્ણયો લેવા જોઈએ, જેથી પોતાનું અને કુટુંબનું ગુજરાન ચલાવી શકીએ અને યહોવાની ભક્તિમાં લાગુ રહી શકીએ. આપણે વગર કામનું દેવું નહિ કરીએ અથવા વસ્તુઓની સાર-સંભાળ રાખવામાં વધારે પડતો સમય નહિ આપીએ. એ પણ ધ્યાન રાખીશું કે હમણાં આપણી પાસે જે માલ-મિલકત અને વસ્તુઓ છે, એ જીવનમાં સૌથી મહત્ત્વની ન બની જાય. (માથ. ૬:૧૯, ૨૪) અંત આવે એ પહેલાં ઘણી વાર આપણી શ્રદ્ધાની કસોટી થશે. એ સમયે નક્કી કરવું પડશે કે આપણે કોના પર ભરોસો કરીશું, યહોવા પર કે માલ-મિલકત પર. w૨૪.૦૯ ૧૧ ¶૧૩-૧૪

બુધવાર, ફેબ્રુઆરી ૨૫

“જેને લાગે છે કે પોતે સ્થિર ઊભો છે, તે ધ્યાન રાખે કે પોતે પડે નહિ.”—૧ કોરીં. ૧૦:૧૨.

કદાચ પોતાનામાંથી અમુક નબળાઈઓ દૂર કરી શકીએ છીએ, પણ અમુક નબળાઈઓ સામે લાંબો વખત લડવું પડી શકે છે. પ્રેરિત પિતરનો દાખલો લો. માણસોના ડરને લીધે તેમણે ત્રણ વાર ઈસુને ઓળખવાની ના પાડી દીધી હતી. (માથ. ૨૬:૬૯-૭૫) જ્યારે પિતરે યહૂદી ન્યાયસભા સામે ઈસુ વિશે હિંમતથી પ્રચાર કર્યો, ત્યારે તેમને લાગ્યું હશે કે તેમનો ડર દૂર થઈ ગયો છે. (પ્રે.કા. ૫:૨૭-૨૯) પણ અમુક વર્ષો પછી “સુન્‍નતને ટેકો આપતા લોકોના ડરથી” તેમણે થોડા સમય માટે બીજી પ્રજાના લોકો સાથે ખાવા-પીવાનું બંધ કરી દીધું. (ગલા. ૨:૧૧, ૧૨) ફરી એક વાર માણસોનો ડર પિતર પર હાવી થઈ ગયો હતો. કદાચ તે ક્યારેય એ ડર પૂરી રીતે મનમાંથી કાઢી શક્યા ન હતા. આપણી સાથે પણ એવું બની શકે છે. જો આપણી કોઈ નબળાઈ હજી દૂર થઈ ન હોય, તો ઈસુની આ સલાહ પાળતા રહીએ: “જાગતા રહો.” (માથ. ૨૬:૪૧) એટલે કે લાલચમાં ફસાઈ ન જઈએ એ માટે સાવધ રહીએ. ભલે તમને લાગતું હોય કે તમારું મન મક્કમ છે, તોપણ હંમેશાં એવા સંજોગોથી દૂર રહો, જે તમને લલચાવી શકે છે. એ નબળાઈ સામે લડવા તમે જે પગલાં ભર્યાં હતાં, એ પ્રમાણે આગળ પણ કરતા રહો.—૨ પિત. ૩:૧૪. w૨૪.૦૭ ૧૮ ¶૧૭-૧૯

ગુરુવાર, ફેબ્રુઆરી ૨૬

“તેમણે માણસો ભેટ તરીકે આપ્યા.”—એફે. ૪:૮.

ઈસુએ બીજાઓને જેટલી મદદ કરી છે, એટલી બીજા કોઈ મનુષ્યએ નથી કરી. પૃથ્વી પર હતા ત્યારે તેમણે ચમત્કારો કરીને ઘણી વાર બીજાઓને મદદ કરી. (લૂક ૯:૧૨-૧૭) તેમણે આપણા માટે પોતાનું જીવન આપીને આપણને સૌથી મોટી ભેટ આપી છે. (યોહા. ૧૫:૧૩) મરણમાંથી જીવતા થયા પછી પણ ઈસુ આપણને ઉદાર રીતે મદદ કરતા આવ્યા છે. પોતાના વચન પ્રમાણે તેમણે યહોવાને કહ્યું કે તે આપણા પર પવિત્ર શક્તિ રેડે, જેથી આપણે સત્ય સમજી શકીએ અને દિલાસો મેળવી શકીએ. (યોહા. ૧૪:૧૬, ૧૭, ફૂટનોટ; ૧૬:૧૩) ઈસુ આપણને મંડળની સભાઓ દ્વારા પણ તાલીમ આપે છે, જેથી આપણે આખી દુનિયામાં લોકોને બાઇબલમાંથી શીખવી શકીએ અને તેઓને શિષ્યો બનાવી શકીએ. (માથ. ૨૮:૧૮-૨૦) પ્રેરિત પાઉલે એ વિશે લખ્યું કે ઈસુ સ્વર્ગમાં ગયા એ પછી “તેમણે માણસો ભેટ તરીકે આપ્યા.” (એફે. ૪:૭, ૮) પાઉલે સમજાવ્યું કે મંડળને અલગ અલગ રીતે મદદ કરવા ઈસુએ આ ભેટ આપી છે. (એફે. ૧:૨૨, ૨૩; ૪:૧૧-૧૩) ખરું કે, પાપની અસર હોવાને લીધે આ માણસોથી ભૂલો થઈ જાય છે. (યાકૂ. ૩:૨) પણ આપણા માલિક ઈસુ ખ્રિસ્ત આપણને મદદ કરવા એ ભાઈઓનો ઉપયોગ કરે છે. સાચે જ, કેટલી મોટી ભેટ! w૨૪.૧૦ ૧૮ ¶૧-૨

શુક્રવાર, ફેબ્રુઆરી ૨૭

“પારખશક્તિ તારું રક્ષણ કરશે.”—નીતિ. ૨:૧૧.

દાઉદે પોતાના દીકરા સુલેમાનને કહ્યું હતું કે જ્યાં સુધી તે યહોવા ઈશ્વરની આજ્ઞાઓ પાળતો, ત્યાં સુધી જ તેને સફળતા મળવાની હતી. દુઃખની વાત છે કે તે વૃદ્ધ થયો ત્યારે બીજા દેવોની ભક્તિ કરવા લાગ્યો. એટલે યહોવાએ તેના પરથી પોતાની કૃપા લઈ લીધી. તેમણે સુલેમાનને સમજણ આપવાનું બંધ કર્યું, એટલે તે સારી રીતે રાજ કરી ન શક્યો. (૧ રાજા. ૧૧:૯, ૧૦; ૧૨:૪) આપણે શું શીખી શકીએ? આજ્ઞા પાળવાથી સફળતા મળે છે. (ગીત. ૧:૧-૩) ખરું કે, યહોવાએ એવું વચન નથી આપ્યું કે તે સુલેમાનની જેમ આપણને ધનદોલત અને વૈભવ આપશે. પણ જો તેમની આજ્ઞાઓ પાળીશું, તો તે આપણને બુદ્ધિ આપશે. એ બુદ્ધિથી આપણે યોગ્ય નિર્ણયો લઈ શકીશું. (નીતિ. ૨:૬, ૭; યાકૂ. ૧:૫) જેમ કે, તેમના સિદ્ધાંતો પાળવાથી નોકરી-ધંધા, ભણતર, મનોરંજન અને પૈસા વિશે યોગ્ય નિર્ણયો લેવા મદદ મળશે. તેમની સલાહ પાળીશું તો, તેમની સાથેના આપણા સંબંધનું રક્ષણ થશે અને આપણને હંમેશ માટેનું જીવન મળશે. (નીતિ. ૨:૧૦, ૧૧) સારા મિત્રો પણ બનાવી શકીશું. એટલું જ નહિ, યહોવાના માર્ગદર્શનથી કુટુંબમાં ખુશીઓ લાવી શકીશું. w૨૪.૧૧ ૧૦-૧૧ ¶૧૧-૧૨

શનિવાર, ફેબ્રુઆરી ૨૮

“બધી વસ્તુઓની પરખ કરો અને જે સારું છે એને વળગી રહો.”—૧ થેસ્સા. ૫:૨૧.

માતા-પિતાઓ, તમે ઘણા પ્રસંગોએ પોતાના બાળક સાથે બાઇબલ વિશે અથવા ઈશ્વરમાં શ્રદ્ધા રાખવા વિશે વાત કરી શકો છો. એ માટે તેને મ્યુઝિયમ જોવા લઈ જઈ શકો. ઇતિહાસની કોઈ વસ્તુ કે બનાવ પર તેનું ધ્યાન દોરો, જે વિશે બાઇબલમાં જણાવ્યું છે. આમ તેને સાબિતી મળશે કે બાઇબલ એકદમ સચોટ છે. કદાચ તમે બાળકને મોઆબી પથ્થર વિશે શીખવી શકો. એ પથ્થર ૩,૦૦૦ વર્ષ જૂનો છે અને એના પર યહોવાનું નામ જોવા મળે છે. એ પથ્થરની નકલ વૉરવિકમાં આવેલા યહોવાના સાક્ષીઓના જગત મુખ્યમથકના એક મ્યુઝિયમમાં રાખેલી છે. એ મ્યુઝિયમનું નામ ‘બાઇબલ અને ઈશ્વરનું નામ’ છે. એ પથ્થર પર લખ્યું છે કે મોઆબના રાજા મેશાએ ઇઝરાયેલીઓ વિરુદ્ધ બળવો કર્યો હતો. એ માહિતી બાઇબલ સાથે મેળ ખાય છે. (૨ રાજા. ૩:૪, ૫) બાઇબલમાં લખેલી વાતો ભરોસાપાત્ર અને સો ટકા સાચી છે, એ જોઈને બાળકની શ્રદ્ધા વધશે. w૨૪.૧૨ ૧૫ ¶૪, ૬

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો