વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w20 સપ્ટેમ્બર પાન ૨૦-૨૫
  • ઈશ્વરભક્ત બહેનોને સાથ આપીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વરભક્ત બહેનોને સાથ આપીએ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • મથાળાં
  • સરખી માહિતી
  • બહેનોને કીમતી ગણીએ
  • બહેનોની કદર કરીએ
  • બહેનોના પક્ષમાં બોલીએ
  • બધી બહેનોને આપણા સાથની જરૂર છે
  • મંડળમાં વડીલો પાસે કયો અધિકાર છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • યહોવાની ભક્તિમાં વધારે કરવા બહેનો શું કરી શકે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • યહોવાહની નજરમાં મૂલ્યવાન બહેનો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
w20 સપ્ટેમ્બર પાન ૨૦-૨૫

અભ્યાસ લેખ ૩૯

ઈશ્વરભક્ત બહેનોને સાથ આપીએ

“ખબર કહેનારી સ્ત્રીઓનું તો મોટું ટોળું છે.”—ગીત. ૬૮:૧૧.

ગીત ૩ “ઈશ્વર પ્રેમ છે”

ઝલક*

ચિત્રો: ઉત્સાહી બહેનો વ્યસ્ત છે. ૧. એક બહેન પ્રચારમાં છે અને તેમની પાસે બાઇબલ અને પત્રિકાઓ છે. ૨. એક બહેન બાંધકામમાં મદદ કરી રહ્યાં છે. ૩. એક બહેન પ્રાર્થનાઘરની સાફસફાઈ કરી રહ્યાં છે. ૪. એક બહેન વૃદ્ધ બહેનને ટેબ્લેટ વાપરવાનું શીખવી રહ્યાં છે. ૫. એક બહેન પોતાની દીકરીને સભામાં જવાબ આપવા મદદ કરી રહ્યાં છે. ૬. બે બહેનો કડકડતી ઠંડીમાં પ્રચાર કરી રહ્યાં છે.

આપણી બહેનો જોરશોરથી સભાઓમાં અને ખુશખબર ફેલાવવામાં ભાગ લે છે, પ્રાર્થનાઘરની સારસંભાળ રાખવા મહેનત કરે છે અને સાથી ભાઈ-બહેનોનું ધ્યાન રાખે છે (ફકરો ૧ જુઓ)

૧. (ક) બહેનો સંગઠનને કેવી મદદ કરે છે? (ખ) બહેનોએ કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

આપણા મંડળમાં ઘણી બહેનો બહુ મહેનત કરે છે. એ માટે આપણે તેઓની કદર કરીએ છીએ. દાખલા તરીકે, તેઓ સભાઓમાં અને ખુશખબર ફેલાવવામાં ભાગ લે છે. અમુક બહેનો પ્રાર્થનાઘરની સારસંભાળ રાખવા મહેનત કરે છે. કેટલીક બહેનો સાથી ભાઈ-બહેનોનું ધ્યાન રાખે છે. જોકે, એ બહેનોને પણ ઘણી મુશ્કેલીઓ છે. જેમ કે, અમુક બહેનો પોતાનાં ઘરડાં માબાપની કાળજી રાખે છે. બીજી અમુક બહેનોએ કુટુંબ તરફથી વિરોધ સહેવો પડે છે. કેટલીક બહેનોએ એકલા હાથે પોતાનાં બાળકોની કાળજી રાખવા સખત મહેનત કરવી પડે છે.

૨. આપણે શા માટે બહેનોને સાથ આપવો જોઈએ?

૨ આપણે શા માટે બહેનોને સાથ આપવો જોઈએ? કારણ કે આજે દુનિયામાં સ્ત્રીઓને માન આપવામાં આવતું નથી. વધુમાં, બાઇબલમાં ઉત્તેજન આપવામાં આવ્યું છે કે તેઓને સાથ આપીએ. દાખલા તરીકે, પ્રેરિત પાઊલે રોમનાં ભાઈ-બહેનોને કહ્યું કે ફેબીને આવકારે અને ‘તેને જે કંઈ મદદ જોઈએ એ પૂરી પાડે.’ (રોમ. ૧૬:૧, ૨) પાઊલ અગાઉ ફરોશી હતા. તેમના સમાજમાં સ્ત્રીઓને ઉતરતી ગણવામાં આવતી, એવું વલણ કદાચ પાઊલમાં પણ હશે. પરંતુ તે શિષ્ય બન્યા પછી ઈસુના પગલે ચાલ્યા. તે સ્ત્રીઓ સાથે પ્રેમ અને આદરથી વર્ત્યા.—૧ કોરીં. ૧૧:૧.

૩. ઈસુ બધી સ્ત્રીઓ સાથે કઈ રીતે વર્ત્યા? યહોવાની ઇચ્છા પ્રમાણે ચાલનારી સ્ત્રીઓ સાથે તે કઈ રીતે વર્ત્યા?

૩ ઈસુ બધી સ્ત્રીઓ સાથે માનથી વર્ત્યા હતા. (યોહા. ૪:૨૭) તેમના જમાનાના યહુદી ધર્મગુરુઓ તો સ્ત્રીઓને નીચી નજરે જોતા હતા. તેઓમાં અને ઈસુમાં આભ-જમીનનો ફરક હતો. એક પુસ્તક જણાવે છે: ‘ઈસુ ક્યારેય સ્ત્રીઓનું અપમાન થાય એવા શબ્દો બોલ્યા નથી.’ યહોવાની ઇચ્છા પ્રમાણે ચાલનારી સ્ત્રીઓ માટે ઈસુના દિલમાં ઘણો આદર હતો. એવી સ્ત્રીઓને તે પોતાની બહેનો ગણતા અને પોતાના કુટુંબનો ભાગ ગણતા.—માથ. ૧૨:૫૦.

૪. આ લેખમાં શાની ચર્ચા કરીશું?

૪ યહોવાની ભક્તિ કરતી સ્ત્રીઓને મદદ કરવા તે હંમેશાં તૈયાર રહેતા. તે તેઓની કદર કરતા અને તેઓના પક્ષમાં બોલતા. ચાલો જોઈએ કે ઈસુની જેમ બહેનોની કદર કરવા આપણે શું કરી શકીએ.

બહેનોને કીમતી ગણીએ

૫. અમુક બહેનોને કેવી મુશ્કેલીઓ હતી?

૫ આપણને બધાને હળવા-મળવાનું ગમે છે. બહેનોને પણ એવું ગમે છે. પણ અમુક વાર એમ કરવામાં તેઓને મુશ્કેલી પડે છે. ચાલો જોઈએ કે એ વિશે કેટલીક બહેનો શું કહે છે. જોર્ડનબહેન* કહે છે: ‘હું કુંવારી છું, એટલે ઘણી વાર લાગે છે કે હું મંડળનો ભાગ બની શકતી નથી.’ ક્રીસ્ટીનબહેન પાયોનિયર છે. તે વધુ જરૂર છે ત્યાં સેવા આપવાં ગયાં છે. તે કહે છે: ‘તમે મંડળમાં નવા હો ત્યારે એકલું-એકલું લાગી શકે.’ અમુક એકલા ભાઈઓને પણ એવું લાગતું હશે. કુટુંબમાંથી એકલી સત્યમાં હોય, એવી વ્યક્તિને એકલું-એકલું લાગી શકે. તે પોતાના કુટુંબથી દૂર થઈ ગઈ હોય એવું તેને લાગી શકે. અરે, મંડળથી પણ દૂર થઈ ગઈ હોય એવું તેને લાગી શકે. અમુક બહેનો બીમારીને લીધે ઘરની બહાર નીકળી શકતી નથી તેઓને એકલું-એકલું લાગી શકે. કુટુંબના બીમાર સભ્યની સંભાળ રાખનાર અમુક બહેનોને લાગી શકે કે તે એકલી પડી ગઈ છે. એનેટબહેન કહે છે: ‘ભાઈ-બહેનો હળતા-મળતાં ત્યારે મને બોલાવતા પણ હું જઈ શકતી નહિ. કારણ કે મારે એકલીએ મમ્મીની કાળજી રાખવી પડતી હતી.’

ઈસુ બેસીને શીખવી રહ્યા છે. માર્થા અને મરિયમ તેમના પગ પાસે બેસીને સાંભળી રહ્યા છે. ચિત્રો: ૧. યુગલ ઘરડાં બહેનના ઘરે મુલાકાત લેવા ગયાં છે. બહેન સાથે ભાઈ વાત કરી રહ્યા છે અને તેમના પત્ની સામાન મૂકી રહ્યા છે. ૨. યુગલ એક બહેન અને તેમની દીકરી સાથે કુટુંબ તરીકેની ભક્તિ કરી રહ્યાં છે. ૩. એક ભાઈ બે બહેનોને કારનું ટાયર બદલવા મદદ કરી રહ્યા છે.

ઈસુની જેમ આપણે વફાદાર બહેનોની પ્રેમથી સંભાળ રાખી શકીએ (ફકરા ૬-૯ જુઓ)*

૬. લુક ૧૦:૩૮-૪૨માં જણાવ્યા પ્રમાણે ઈસુએ માર્થા અને મરિયમને કઈ રીતે મદદ કરી?

૬ યહોવાની ભક્તિ કરતી સ્ત્રીઓ સાથે ઈસુ હળતા-મળતા. તે તેઓ માટે સાચા મિત્ર બન્યા હતા. મરિયમ અને માર્થા કુંવારી હતી. તેઓ ઈસુની મિત્ર હતી. (લુક ૧૦:૩૮-૪૨ વાંચો.) ઈસુનાં વાણી-વર્તનથી તેઓને ઘણી રાહત મળતી. મરિયમને શિષ્યોની જેમ ઈસુના પગ પાસે બેસવું ગમતું.* એકવાર મરિયમે માર્થાને કામમાં મદદ ન કરી એટલે માર્થાએ ઈસુને તેની ફરિયાદ કરી, ત્યારે તેમણે શું કર્યું? તેમણે એ બે બહેનોને ભક્તિમાં દૃઢ થવા મદદ કરી. ઈસુને એ બે બહેનોની અને તેઓના ભાઈની ચિંતા હતી એટલે તેઓને ઘણી વાર મળવા જતા. (યોહા. ૧૨:૧-૩) જ્યારે લાજરસ બીમાર પડ્યા, ત્યારે તેમની બહેનોને ભરોસો હતો કે તેઓ ઈસુ પાસે મદદ માંગી શકે છે.—યોહા. ૧૧:૩, ૫.

૭. બહેનોને ઉત્તેજન આપવાની એક રીત કઈ છે?

૭ અમુક બહેનો માટે પ્રાર્થનાઘર એવી જગ્યા છે, જ્યાં તેઓ બધા સાથે હળી-મળી શકે છે. એટલે સભામાં આપણે તેઓને આવકારીએ, તેઓ સાથે વાત કરીએ અને તેઓનું ધ્યાન રાખીએ. અગાઉ જોર્ડનબહેન વિશે જોઈ ગયા, તે કહે છે: ‘બીજાઓ મારો જવાબ ધ્યાનથી સાંભળે, પ્રચારમાં મારી સાથે આવે કે બીજી રીતે મારી કાળજી લે તો મને બહુ ગમે છે.’ બહેનો આપણા માટે મહત્ત્વની છે, એવું તેઓને મહેસૂસ કરાવીએ. કીઆબહેન કહે છે: ‘જો સભામાં ન જાઉં, તો મારી ખબરઅંતર જાણવા કોઈનો ને કોઈનો મેસેજ તો આવે જ. એનાથી મને ખબર પડે છે કે ભાઈ-બહેનોને મારી ચિંતા છે.’

૮. બીજી કઈ રીતોએ આપણે ઈસુની જેમ કરી શકીએ?

૮ ઈસુની જેમ આપણે પણ બહેનો સાથે હળવા-મળવા સમય કાઢવો જોઈએ. આપણે તેઓને ઘરે જમવા બોલાવી શકીએ. કે પછી બધા ભેગા મળીએ ત્યારે તેઓને બોલાવી શકીએ. એ સમયે આપણે તેઓને ઉત્તેજન મળે એવી વાતો કરીએ. (રોમ. ૧:૧૧, ૧૨) ઈસુના જેવું વલણ રાખવા વડીલોએ પ્રયત્ન કરવો જોઈએ. ઈસુ જાણતા હતા કે અમુક માટે એકલા રહેવું મુશ્કેલ બની શકે છે. પણ તેમણે એ વાત પર ધ્યાન દોર્યું કે લગ્‍ન કરવાથી કે બાળકો હોવાથી શાંતિ મળી જતી નથી. (લુક ૧૧:૨૭, ૨૮) મનની શાંતિ તો યહોવાની સેવાને જીવનમાં પ્રથમ રાખવાથી મળે છે.—માથ. ૧૯:૧૨.

૯. બહેનોને મદદ કરવા વડીલો શું કરી શકે?

૯ યહોવાની ઇચ્છા પૂરી કરતી બહેનોને વડીલોએ પોતાની માતા કે બહેનો જેવી ગણવી જોઈએ. (૧ તિમો. ૫:૧, ૨) સભા પહેલાં અને પછી વડીલોએ બહેનો સાથે વાત કરવા સમય કાઢવો જોઈએ. ક્રીસ્ટનબહેન કહે છે: ‘એક વડીલે જોયું કે હું ઘણી બીઝી રહું છું ત્યારે, તેમણે મને મારા કામકાજ વિશે પૂછ્યું. તે દિલથી મારી ચિંતા કરે છે એ જાણીને મને ઘણું સારું લાગ્યું.’ બહેનો સાથે વાત કરવા વડીલો સમય કાઢે ત્યારે, દેખાય આવે છે કે તેઓને બહેનોની ચિંતા છે.* અગાઉ એનેટબહેન વિશે જોઈ ગયા હતા. વડીલો સાથે વાત કરવાથી કેવો ફાયદો થાય છે, એ વિશે તે જણાવે છે: ‘હું તેઓને અને તેઓ મને, સારી રીતે ઓળખી શક્યા છે. એટલે મુશ્કેલી આવે તો હું સહેલાઈથી તેઓ પાસે મદદ માટે દોડી જાઉં છું.’

બહેનોની કદર કરીએ

૧૦. બહેનોને કઈ વાત ગમે છે?

૧૦ આપણે ભાઈ હોઈએ કે બહેન, પણ બીજાઓ આપણાં કામ અને આવડતની કદર કરે તો આપણને ગમે છે. ખરું ને! પણ જો આપણાં કામ અને આવડતની કોઈ કદર ન કરે, તો આપણે નિરાશ થઈ જઈએ છીએ. અબીગાયેલબહેન પાયોનિયર છે અને એકલાં છે. તેમને અમુક વાર લાગે છે કે કોઈને તેમની પડી નથી. તે કહે છે: ‘લોકોની નજરે હું ફલાણા ફલાણાની બહેન કે દીકરી છું. અમુક વાર લાગે કે મારી પોતાની કોઈ ઓળખ નથી.’ હવે પેમબહેનનો દાખલો જોઈએ. તે એકલાં છે અને વર્ષો સુધી તેમણે મિશનરી તરીકે સેવા આપી છે. પોતાનાં માબાપની કાળજી લેવા તે ઘરે પાછા ફર્યાં. હવે તે સિત્તેરેક વર્ષનાં છે, પણ તે હજી પાયોનિયરીંગ કરે છે. તે કહે છે: ‘લોકો આવીને કહે કે તેઓ મારી કદર કરે છે ત્યારે, મને ઘણું સારું લાગે છે.’

૧૧. શા પરથી કહી શકાય કે ઈસુ બહેનોની કદર કરતા હતા?

૧૧ જે બહેનોએ “પોતાની સંપત્તિમાંથી” ઈસુની સેવા કરી તેઓની ઈસુએ કદર કરી. (લુક ૮:૧-૩) પોતાને મળેલી મદદ માટે ઈસુ તેઓની કદર કરતા હતા. ઈસુએ તેઓને પોતાની સેવા કરવાનો લહાવો આપ્યો. એટલું જ નહિ, ઈસુએ તેઓને શાસ્ત્રમાંથી શીખવ્યું. દાખલા તરીકે, તે બલિદાન આપવાના છે અને પછી તેમને સજીવન કરવામાં આવશે, એ વિશે ઈસુએ બહેનોને માહિતી આપી. (લુક ૨૪:૫-૮) આવનાર કસોટીઓનો સામનો કરવા શિષ્યોને ઈસુએ તૈયાર કર્યા હતા. એવી જ રીતે તેમણે બહેનોને પણ તૈયાર કરી હતી. (માર્ક ૯:૩૦-૩૨; ૧૦:૩૨-૩૪) ઈસુને પકડવામાં આવ્યા ત્યારે શિષ્યો તેમને છોડીને નાસી ગયા. પણ તે વધસ્તંભ પર છેલ્લી ઘડીઓ ગણી રહ્યા હતા ત્યારે, તેમની સાથે અમુક બહેનો ઊભી હતી.—માથ. ૨૬:૫૬; માર્ક ૧૫:૪૦, ૪૧.

૧૨. ઈસુએ બહેનોને કયું કામ સોંપ્યું હતું?

૧૨ ઈસુએ બહેનોને મહત્ત્વનું કામ સોંપ્યું હતું. દાખલા તરીકે, ઈસુ સજીવન થયા ત્યારે સૌથી પહેલા તે અમુક બહેનોને દેખાયા હતા. તેમણે એ બહેનોને કામ સોંપ્યું. એ બહેનોએ પ્રેરિતોને જણાવવાનું હતું કે ઈસુને સજીવન કરવામાં આવ્યા છે. (માથ. ૨૮:૫, ૯, ૧૦) સાલ ૩૩ના પચાસમા દિવસે પવિત્ર શક્તિ રેડવામાં આવી ત્યારે ત્યાં બહેનો પણ હશે. જો એમ હોય, તો એ અભિષિક્ત બહેનોને બીજી ભાષા બોલવાનું દાન મળ્યું હશે. તેઓએ પણ બીજાઓને “ઈશ્વરનાં મહિમાવંત કાર્યો” વિશે જણાવ્યું હશે.—પ્રે.કા. ૧:૧૪; ૨:૨-૪, ૧૧.

૧૩. (ક) આપણી બહેનો યહોવાની સેવામાં કેવું કરી રહી છે? (ખ) આપણે તેઓની કદર કઈ રીતે કરી શકીએ?

૧૩ આપણી બહેનો યહોવાની સેવામાં ઘણું કરી રહી છે, એ માટે તેઓના વખાણ કરીએ. જેમ કે, તેઓ બાંધકામ, સમારકામ અને રાહત કામમાં મદદ કરે છે. તેઓ બીજી ભાષાના ગ્રૂપને મદદ કરે છે અને બેથેલમાં સેવા આપે છે. તેઓ સાહિત્યનું અનુવાદ કરવામાં મદદ કરે છે. તેઓ પાયોનિયર અને મિશનરી તરીકે સેવા આપે છે. ભાઈઓની જેમ બહેનો પણ પાયોનિયર શાળા, રાજ્ય પ્રચારકો માટેની શાળા અને ગિલયડ શાળામાં જાય છે. વધુમાં બહેનોના પતિ મંડળમાં અને સંગઠનમાં મોટી જવાબદારી ઉપાડી શકે માટે બહેનો મદદ કરે છે. એવી જવાબદારી ઉપાડી રહેલા ભાઈઓને તેઓની પત્નીએ સાથ આપ્યો ન હોત તો શું થાત? તેઓના પતિ બીજાઓ માટે “ભેટ તરીકે” સાબિત ન થઈ શક્યા હોત. (એફે. ૪:૮) એ બહેનો જે કામ કરી રહી છે એમાં સાથ આપવા તમે બીજું શું કરી શકો, એનો વિચાર કરો.

૧૪. ગીતશાસ્ત્ર ૬૮:૧૧માં જણાવ્યા પ્રમાણે સમજુ વડીલો શું કરે છે?

૧૪ સમજુ વડીલો જાણે છે કે ખુશીથી સેવા કરવામાં બહેનોનું “મોટું ટોળું” છે. અમુક બહેનો ખુશખબર ફેલાવવાનું કામ ઘણી સારી રીતે કરી શકે છે. (ગીતશાસ્ત્ર ૬૮:૧૧ વાંચો.) વડીલો તેઓના અનુભવમાંથી શીખવાનો પ્રયત્ન કરે છે. અગાઉ જેમના વિશે જોઈ ગયા એ અબીગાયેલબહેન કહે છે: ‘લોકો સાથે વાત કરવા હું કઈ રીત વાપરું છું, એ વિશે ભાઈઓ મને પૂછે ત્યારે મને ગમે છે. એનાથી હું જોઈ શકી કે યહોવાએ તેમના સંગઠનમાં મને પણ સ્થાન આપ્યું છે.’ અનુભવી બહેનો યુવાન બહેનોને મુશ્કેલીઓનો સામનો કરવાનું શીખવી શકે છે. વડીલો એ સારી રીતે જાણે છે. (તિત. ૨:૩-૫) આપણે દિલથી બધી બહેનોની કદર કરવી જોઈએ!

બહેનોના પક્ષમાં બોલીએ

૧૫. બહેનોના પક્ષે બોલવાની ક્યારે જરૂર પડી શકે?

૧૫ અમુક વાર બહેનો પર મુશ્કેલીઓ આવે ત્યારે, તેઓના પક્ષમાં કોઈ બોલે એવું તેઓ ચાહે છે. (યશા. ૧:૧૭) દાખલા તરીકે, એક વિધવા કે છુટાછેડા લીધેલી બહેનને અમુક કામ કરવા કે તેના વતી બોલવા કોઈની જરૂર પડે છે. કારણ કે એવાં કામ પહેલાં તેના પતિ કરતા હતા. એક મોટી ઉંમરનાં બહેનને ડોક્ટર સાથે વાત કરવા કોઈની મદદની જરૂર પડે છે. એક પાયોનિયર બહેન યહોવાની સેવામાં બીજા કામ કરે છે. એટલે બીજા પાયોનિયર જેટલું તે પ્રચારમાં જઈ શકતાં નથી. એવા સમયે લોકો તેમની ટીકા કરે ત્યારે, તેમના પક્ષે બોલવા કોઈની જરૂર પડે છે. આપણે બહેનોને બીજી કઈ રીતે મદદ કરી શકીએ? ચાલો ફરીથી ઈસુના દાખલા પર ધ્યાન આપીએ.

૧૬. માર્ક ૧૪:૩-૯માં જણાવ્યા પ્રમાણે ઈસુ કઈ રીતે મરિયમના પક્ષે બોલ્યા હતા?

૧૬ ઈશ્વરની ભક્તિ કરતી બહેનો વિશે લોકોને ગેરસમજ થતી ત્યારે, ઈસુ તરત તેઓના પક્ષે બોલતા. દાખલા તરીકે, માર્થાએ મરિયમની ફરિયાદ કરી ત્યારે ઈસુ મરિયમના પક્ષે બોલ્યા હતા. (લુક ૧૦:૩૮-૪૨) મરિયમ માટે ઈસુ બીજી વાર પણ બોલ્યા હતા. મરિયમે કરેલા કામને લોકોએ ખોટું ગણ્યું અને કચકચ કરી ત્યારે ઈસુ મરિયમના પક્ષે બોલ્યા હતા. (માર્ક ૧૪:૩-૯ વાંચો.) એ સમયે ઈસુના શબ્દોથી મરિયમના દિલને કેટલી ઠંડક મળી હશે! ઈસુ મરિયમનો ઇરાદો જાણતા હતા એટલે તેમણે તેના વખાણ કર્યા. તેમણે કહ્યું: ‘તેણે મારા માટે બહુ સારું કામ કર્યું છે. તે જે કરી શકતી હતી એ તેણે કર્યું.’ તેમણે એમ પણ કહ્યું કે “આખી દુનિયામાં જ્યાં પણ ખુશખબર જણાવવામાં આવશે” ત્યાં મરિયમે કરેલા કામને યાદ કરવામાં આવશે. જેમ કે આ લેખમાં પણ મરિયમના કામને યાદ કરવામાં આવ્યું છે. મરિયમે દિલથી કરેલા કામના વખાણ કરીને ઈસુએ એ પણ જણાવ્યું કે આખી દુનિયામાં પ્રચારકામ થશે.

૧૭. કોઈ બહેનના પક્ષે બોલવા તમે શું કરી શકો? દાખલો આપો.

૧૭ શું તમે પણ જરૂર પડે ત્યારે બહેનો માટે બોલવા તૈયાર રહો છો? ચાલો આ સંજોગનો વિચાર કરીએ: એક બહેનના પતિ સત્યમાં નથી. અમુક ભાઈ-બહેનો જુએ છે કે તે ઘણી વાર સભામાં મોડી આવે છે અને સભા પત્યા પછી તરત જતી રહે છે. તેઓ જુએ છે કે તે ભાગ્યે જ પોતાનાં બાળકોને સભામાં લાવે છે. એટલે તેઓ એ બહેન વિરુદ્ધ કચકચ કરે છે. કારણ કે તેઓને લાગે છે કે તેણે પોતાના પતિને કહેવું જોઈએ કે બાળકોને સભામાં લઈ જવા દે. પણ હકીકતમાં તો એ બહેન પોતાનાથી બનતું બધું કરી રહી છે. સંજોગો તેના હાથ બહાર છે. બાળકો માટે નિર્ણય લેવો એ તેના હાથમાં નથી. જો તમે બીજાઓને એ વિશે વાત કરતા સાંભળો તો શું કરશો? જો તમે એ બહેનના વખાણ કરો અને બીજાઓને પણ તેની મહેનત વિશે જણાવો તો કદાચ તેઓ કદાચ કચકચ કરવાનું છોડી દે.

૧૮. બીજી કઈ રીતોએ બહેનોને મદદ કરી શકીએ?

૧૮ બહેનોને જરૂરી મદદ પૂરી પાડીને બતાવી શકીએ કે આપણને તેઓની ચિંતા છે. (૧ યોહા. ૩:૧૮) એનીટાબહેન પોતાનાં બીમાર મમ્મીની સંભાળ રાખે છે. તે કહે છે: ‘અમુક મિત્રો મને કામમાં મદદ કરે છે ત્યારે થોડી રાહત મળે છે. તેઓ અમારા માટે જમવાનું લાવે છે. એનાથી લાગે છે હું પણ મંડળનો ભાગ છું અને મને પણ ભાઈ-બહેનો પ્રેમ કરે છે.’ જોર્ડનબહેનને પણ મદદ મળી હતી. કારની સંભાળ રાખવા વિશે એક ભાઈએ તેમને માર્ગદર્શન આપ્યું હતું. એ બહેન કહે છે: ‘ભાઈ-બહેનોને મારી સલામતીની ચિંતા છે એ જાણીને મને ઘણી ખુશી થાય છે.’

૧૯. વડીલો બહેનોને બીજી કઈ મદદ આપી શકે?

૧૯ એવી જ રીતે વડીલો પણ જોશે કે બહેનોને શાની જરૂર છે. તેઓ જાણે છે, યહોવાની ઇચ્છા છે કે બહેનોનું ધ્યાન રાખવામાં આવે. (યાકૂ. ૧:૨૭) વડીલો ઈસુની જેમ સમજુ બને છે. એટલે જે કામ પ્રેમથી અને સમજી-વિચારીને થતા હોય ત્યારે તેઓ કડક નિયમો બનાવતા નથી. (માથ. ૧૫:૨૨-૨૮) વડીલો સામેથી મદદ માટે તૈયાર રહેશે તો શું ફાયદો થશે? એનાથી બહેનો જોઈ શકશે કે યહોવા અને તેમનું સંગઠન તેઓની કેટલી કાળજી રાખે છે. કીઆબહેનના ગ્રૂપ નિરીક્ષકને ખબર પડી કે તે ઘર બદલી રહ્યાં છે. એ સમયે બહેનને મદદ મળે માટે તેમણે તરત ગોઠવણ કરી. બહેન કહે છે: ‘એનાથી તો મારા માથા પરનો મોટો ભાર ઊતરી ગયો. તેઓએ જરૂરી મદદ આપી અને ઉત્તેજન મળે એવા શબ્દો કહ્યા. એનાથી હું જોઈ શકી કે વડીલો મને મંડળનો મહત્ત્વનો ભાગ ગણે છે. હું એ પણ જોઈ શકી કે મુશ્કેલી આવશે ત્યારે હું એકલી નથી.’

બધી બહેનોને આપણા સાથની જરૂર છે

૨૦-૨૧. બહેનોને આપણે કુટુંબનો ભાગ ગણીએ છીએ એ કઈ રીતે બતાવી શકીએ?

૨૦ બધાં મંડળોમાં નજર કરીએ તો, એવી કેટલીય બહેનો છે જેઓ ખૂબ મહેનત કરે છે. તેઓને આપણા સાથની જરૂર છે. આપણે ઈસુના દાખલા પરથી શીખ્યા કે તેઓ માટે સમય કાઢીએ અને તેઓને સારી રીતે ઓળખીએ. ઈશ્વરની સેવામાં તેઓ જે કરી રહ્યા છે એ માટે કદર કરીએ. જરૂર પડે ત્યારે તેઓના પક્ષે બોલવા તૈયાર રહીએ.

૨૧ રોમનોના પત્રમાં અંતે પ્રેરિત પાઊલે ખાસ નવ બહેનોનાં નામ લખ્યા હતા. (રોમ. ૧૬:૧, ૩, ૬, ૧૨, ૧૩, ૧૫) તેમના તરફથી મળેલા વખાણ સાંભળીને એ બહેનોને ચોક્કસ ઉત્તેજન મળ્યું હશે. એવી જ રીતે આપણે મંડળની બહેનોને સાથ આપીએ. એમ કરીને બતાવીશું કે આપણે તેઓને કુટુંબનો ભાગ ગણીએ છીએ.

તમે કેવો જવાબ આપશો?

  • બહેનો સાથે સમય વિતાવીને આપણે કઈ રીતે તેઓની મદદ કરી શકીએ?

  • કઈ રીતોએ બતાવી શકીએ કે બહેનોનાં કામની આપણે કદર કરીએ છીએ?

  • કેવા સમયે બહેનોના પક્ષે બોલવાની જરૂર પડી શકે?

ગીત ૨૬ યહોવા સાથે ચાલ

ઈશ્વરભક્ત બહેનોએ ઘણી મુશ્કેલીઓ સહેવી પડે છે. આ લેખમાં ચર્ચા કરીશું કે ઈસુની જેમ આપણે કઈ રીતે એ બહેનોને સાથ આપી શકીએ. ઈસુએ સ્ત્રીઓ સાથે સમય વિતાવ્યો, તેઓની કદર કરી અને તેઓના પક્ષમાં બોલ્યા. એમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ.

અમુક નામ બદલ્યાં છે.

એક સંશોધન બતાવે છે: ‘શિષ્યો શિક્ષકના પગ પાસે બેસતા. જેઓ શિક્ષક બનવાની તૈયારી કરતા તેઓ ખાસ એવું કરતા. જોકે, સ્ત્રીઓને શિક્ષક બનવાની પરવાનગી ન હતી. એટલે મરિયમ શીખતી વખતે ઈસુના પગ પાસે બેસતી ત્યારે, ઘણા યહુદીઓને નવાઈ લાગતી.’

બહેનોને મદદ કરતી વખતે વડીલોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. દાખલા તરીકે, તેઓ એકલા એક બહેનને મળવા જવાનું ટાળશે.

ચિત્રની સમજ: ભાઈઓ ઈસુને પગલે ચાલીને બહેનોને મદદ કરી રહ્યા છે. એક ભાઈ બે બહેનોને કારનું ટાયર બદલવા મદદ કરી રહ્યા છે. એક ભાઈ બીમાર બહેનને મળવા જઈ રહ્યા છે. એક બહેન અને તેમની દીકરી સાથે એક ભાઈ અને તેમના પત્ની કુટુંબ તરીકેની ભક્તિ કરી રહ્યા છે.

    ગુજરાતી સાહિત્ય (૨૦૦૦-૨૦૨૨)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2022 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો