વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w25 માર્ચ પાન ૨-૭
  • બાપ્તિસ્મા લેવામાં મોડું ન કરો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાપ્તિસ્મા લેવામાં મોડું ન કરો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • સમરૂનીઓએ બાપ્તિસ્મા લીધું
  • તાર્સસના શાઉલે બાપ્તિસ્મા લીધું
  • કર્નેલિયસે બાપ્તિસ્મા લીધું
  • કોરીંથના લોકોએ બાપ્તિસ્મા લીધું
  • શ્રદ્ધાથી તમે પહાડો ખસેડી શકો છો
  • બાપ્તિસ્મા તરફ આગળ વધતા રહો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
  • બાપ્તિસ્માનો અર્થ પૂરી રીતે સમજીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
  • બાપ્તિસ્મા પછી પણ ઈસુની ‘પાછળ ચાલતા રહો’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • શું તમે યહોવાને પોતાનું જીવન સમર્પિત કરવા તૈયાર છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
w25 માર્ચ પાન ૨-૭

અભ્યાસ લેખ ૯

ગીત ૭ હર ઘડી સોંપી દઉં યહોવાને

બાપ્તિસ્મા લેવામાં મોડું ન કરો

“તું કેમ મોડું કરે છે? ઊભો થા, બાપ્તિસ્મા લે.” —પ્રે.કા. ૨૨:૧૬.

આપણે શું શીખીશું?

આપણે સમરૂનીઓ, તાર્સસના શાઉલ, કર્નેલિયસ અને કોરીંથના લોકો વિશે જોઈશું. એ પણ જોઈશું કે બાપ્તિસ્માનું પગલું ભરવા તેઓના દાખલામાંથી કઈ રીતે હિંમત મળે છે.

૧. કયાં અમુક ખાસ કારણોને લીધે બાપ્તિસ્મા લેવું જોઈએ?

શું તમે યહોવા ઈશ્વરને પ્રેમ કરો છો, જેમણે તમને દરેક સારી ભેટ અને જીવન આપ્યું છે? શું તમે તેમના માટેનો પ્રેમ જાહેર કરવા માંગો છો? એમ કરવાની સૌથી સારી રીત છે, તેમને પોતાનું જીવન સમર્પિત કરવું અને બાપ્તિસ્મા લેવું. એ પગલાં ભર્યા પછી તમે યહોવાના કુટુંબનો ભાગ બનશો, તેમની અમાનત બનશો. એટલે તે એક પિતા અને દોસ્ત તરીકે તમને માર્ગદર્શન આપશે અને તમારી સંભાળ રાખશે. (ગીત. ૭૩:૨૪; યશા. ૪૩:૧, ૨) વધુમાં, સમર્પણ કરવાથી અને બાપ્તિસ્મા લેવાથી તમને હંમેશ માટે જીવવાની આશા પણ મળે છે.—૧ પિત. ૩:૨૧.

૨. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૨ શું તમે કોઈ કારણને લીધે બાપ્તિસ્મા લેતાં અચકાઓ છો? જો એમ હોય, તો તમે એકલા નથી. બાપ્તિસ્મા માટે યોગ્ય થવા લાખો લોકોએ પોતાનાં વિચારો અને વાણી-વર્તનમાં ફેરફારો કર્યા છે. તેઓ હવે ખુશી ખુશી અને પૂરા ઉત્સાહથી યહોવાની ભક્તિ કરી રહ્યા છે. પહેલી સદીમાં જેઓએ બાપ્તિસ્મા લીધું હતું, એવા અમુક લોકો પાસેથી તમે ઘણું શીખી શકો છો. ચાલો જોઈએ કે તેઓએ કઈ મુશ્કેલીઓનો સામનો કર્યો હતો અને તેઓના દાખલામાંથી શું શીખી શકીએ.

સમરૂનીઓએ બાપ્તિસ્મા લીધું

૩. બાપ્તિસ્મા લેતા પહેલાં અમુક સમરૂનીઓ સામે કઈ મુશ્કેલીઓ હતી?

૩ ઈસુના દિવસોમાં “સમરૂનીઓ” શબ્દ મોટા ભાગે એવા ધાર્મિક પંથના લોકો માટે વપરાતો હતો, જેઓ પ્રાચીન શખેમ અને સમરૂનની આસપાસ રહેતા હતા. બાપ્તિસ્મા લેતા પહેલાં સમરૂનીઓએ શાસ્ત્રવચનોનાં બધાં જ પુસ્તકોમાંથી શીખવાનું હતું. તેઓ માનતા હતા કે પહેલા પાંચ પુસ્તકો, એટલે કે ઉત્પત્તિથી પુનર્નિયમ, ઈશ્વરની પ્રેરણાથી લખાયાં હતાં. કદાચ યહોશુઆના પુસ્તક વિશે પણ તેઓ એવું જ માનતા હતા. જોકે પુનર્નિયમ ૧૮:૧૮, ૧૯માં આપેલા ઈશ્વરના વચન પ્રમાણે તેઓ માનતા હતા કે એક મસીહ આવશે. (યોહા. ૪:૨૫) બાપ્તિસ્મા માટે યોગ્ય થવા તેઓએ ઈસુને મસીહ તરીકે સ્વીકારવાના હતા. “ઘણા સમરૂનીઓએ” એવું જ કર્યું. (યોહા. ૪:૩૯) વધુમાં, સમરૂનીઓ અને યહૂદીઓ એકબીજા સાથે ભેદભાવ કરતા હતા. એટલે ઘણા સમરૂનીઓએ પોતાના મનમાંથી એ નફરત કાઢી નાખવાની હતી.—લૂક ૯:૫૨-૫૪.

૪. ફિલિપે પ્રચાર કર્યો ત્યારે પ્રેરિતોનાં કાર્યો ૮:૫, ૬, ૧૪ પ્રમાણે અમુક સમરૂનીઓએ શું કર્યું?

૪ બાપ્તિસ્માનું પગલું ભરવા સમરૂનીઓને શાનાથી મદદ મળી? જ્યારે પ્રચારક ફિલિપે “ખ્રિસ્ત વિશે પ્રચાર” કર્યો, ત્યારે અમુક સમરૂનીઓએ “ઈશ્વરનો સંદેશો સ્વીકાર્યો.” (પ્રેરિતોનાં કાર્યો ૮:૫, ૬, ૧૪ વાંચો.) ફિલિપ યહૂદી હતા, તોપણ તેઓએ તેમની વાત સાંભળી. તેઓને કદાચ પંચગ્રંથની અમુક કલમો યાદ આવી હશે, જેમાં જણાવ્યું છે કે ઈશ્વર પક્ષપાત કરતા નથી. (પુન. ૧૦:૧૭-૧૯) ફિલિપે “ખ્રિસ્ત વિશે” જે કંઈ જણાવ્યું, એ તેઓએ “ખૂબ ધ્યાનથી” સાંભળ્યું. ફિલિપ ઘણા ચમત્કારો પણ કરતા હતા, જેમ કે બીમારોને સાજા કરવા અને દુષ્ટ દૂતોના કાબૂમાંથી લોકોને આઝાદ કરવા. (પ્રે.કા. ૮:૭) એ પુરાવા જોઈને તેઓને ખાતરી થઈ કે ઈશ્વરે જ ફિલિપને મોકલ્યા હતા.

૫. સમરૂનીઓ પાસેથી તમને શું શીખવા મળે છે?

૫ એક તો ફિલિપ યહૂદી હતા. બીજું કે ફિલિપ જે શીખવતા હતા, એ સમરૂનીઓ માટે સાવ નવું હતું. એ કારણોને લીધે તેઓ ફિલિપ પાસેથી શીખવાની ના પાડી શક્યા હોત. પણ તેઓએ એવું ન કર્યું. જ્યારે સમરૂનીઓને સમજાઈ ગયું કે ફિલિપે સાચી વાતો શીખવી છે, ત્યારે તેઓએ મોડું કર્યા વગર બાપ્તિસ્મા લીધું. બાઇબલમાં જણાવ્યું છે: “ફિલિપે ઈશ્વરના રાજ્ય વિશે અને ઈસુ ખ્રિસ્તના નામ વિશે ખુશખબર જાહેર કરી ત્યારે, લોકોએ તેની વાત પર ભરોસો મૂક્યો અને સ્ત્રી-પુરુષોએ બાપ્તિસ્મા લીધું.” (પ્રે.કા. ૮:૧૨) શું તમને પૂરો ભરોસો છે કે બાઇબલમાં જ સાચી વાતો લખેલી છે? શું તમને પાકી ખાતરી છે કે યહોવાના સાક્ષીઓ ભેદભાવ કરતા નથી તેમજ એકબીજાને સાચો પ્રેમ બતાવે છે જે ઈસુના ખરા શિષ્યોની ઓળખ છે? (યોહા. ૧૩:૩૫) જો એમ હોય, તો બાપ્તિસ્માનું પગલું ભરતા જરાય અચકાતા નહિ. ખાતરી રાખજો કે યહોવા તમને ચોક્કસ આશીર્વાદ આપશે.

૬. રૂબેનના દાખલામાંથી તમને કઈ રીતે મદદ મળી શકે?

૬ રૂબેન જર્મનીમાં રહે છે. તેનાં મમ્મી-પપ્પા યહોવાનાં સાક્ષી છે. જોકે, યુવાનીમાં ડગ માંડ્યાં ત્યારે તેને શંકા થવા લાગી કે યહોવા છે કે નહિ. પોતાની શંકા દૂર કરવા તેણે શું કર્યું? તેને ખ્યાલ આવ્યો કે તેની પાસે પૂરતું જ્ઞાન નથી. એટલે તેણે વધારે અભ્યાસ કરવાનું નક્કી કર્યું. તેણે કહ્યું: “મેં ઊંડો અભ્યાસ કર્યો, જેથી પારખી શકું કે સાચું શું અને ખોટું શું. મારે ઘણી વાર ઉત્ક્રાંતિના વિષય પર અભ્યાસ કરવો પડ્યો.” તેણે ઇઝ ધેર એ ક્રિએટર હુ કેર્સ અબાઉટ યુ? પુસ્તક વાંચ્યું. એ પુસ્તકની મદદથી તેને ઈશ્વર પર શ્રદ્ધા મજબૂત કરવા ઘણી મદદ મળી. તેણે વિચાર્યું: ‘વાહ! યહોવા સાચે જ છે.’ વધુમાં, તે જગત મુખ્યમથકની મુલાકાતે ગયો. ત્યાં તેને જોવા મળ્યું કે દુનિયા ફરતેના યહોવાના સાક્ષીઓ વચ્ચે પ્રેમ અને એકતા છે. એનાથી યહોવાના કુટુંબ માટે તેના દિલમાં કદર વધી. જર્મની પાછો આવ્યો એ પછી તેણે ૧૭ વર્ષની ઉંમરે બાપ્તિસ્મા લીધું. જો તમને ઈશ્વર વિશે અથવા બાઇબલમાંથી જે શીખ્યા છો એ વિશે શંકા થાય, તો આપણાં સાહિત્યમાં સંશોધન કરો. ‘ખરું જ્ઞાન’ લો, જે દરેક શંકા દૂર કરી શકે છે. (એફે. ૪:૧૩, ૧૪) એટલું જ નહિ, આખી દુનિયામાં રહેતા યહોવાના સાક્ષીઓ વચ્ચે સાચો પ્રેમ અને એકતા છે, એ સાબિત કરતા ઘણા અનુભવો તમે સાંભળશો. તમે તમારા મંડળમાં પણ એનો અનુભવ કરશો. આમ, યહોવાના કુટુંબ માટે તમારી કદર વધતી ને વધતી જશે.

તાર્સસના શાઉલે બાપ્તિસ્મા લીધું

૭. શાઉલે પોતાના કયા વિચારોમાં ફેરફાર કરવાનો હતો?

૭ હવે ચાલો તાર્સસના શાઉલનો વિચાર કરીએ. તે યહૂદી નિયમોના સારા જાણકાર હતા અને યહૂદી સમાજમાં તેમનું આગળ પડતું સ્થાન હતું. (ગલા. ૧:૧૩, ૧૪; ફિલિ. ૩:૫) એ સમયે ઘણા યહૂદીઓ માનતા હતા કે ખ્રિસ્તીઓ ઈશ્વર-વિરોધી છે. એટલે શાઉલે તેઓની આકરી સતાવણી કરી. શાઉલને લાગતું હતું કે એમ કરીને તે ઈશ્વરની ઇચ્છા પૂરી કરી રહ્યા છે. (પ્રે.કા. ૮:૩; ૯:૧, ૨; ૨૬:૯-૧૧) પણ એવો વિચાર સાવ ખોટો હતો. ઈસુને સ્વીકારવા અને બાપ્તિસ્માનું પગલું ભરવા શાઉલે પોતે પણ સતાવણી સહેવા તૈયાર રહેવાનું હતું.

૮. (ક) બાપ્તિસ્મા લેવા શાઉલને શાનાથી મદદ મળી? (ખ) પ્રેરિતોનાં કાર્યો ૨૨:૧૨-૧૬ પ્રમાણે અનાન્યાએ કઈ રીતે શાઉલને મદદ કરી? (ચિત્ર પણ જુઓ.)

૮ બાપ્તિસ્માનું પગલું ભરવા શાઉલને શાનાથી મદદ મળી? જ્યારે સ્વર્ગમાંથી ઈસુએ શાઉલ સાથે વાત કરી, ત્યારે ઝળહળતા પ્રકાશને લીધે તે આંધળા થઈ ગયા. (પ્રે.કા. ૯:૩-૯) ત્રણ દિવસ સુધી તેમણે ઉપવાસ કર્યા. હાલમાં બનેલા બનાવ પર તેમણે ચોક્કસ મનન કર્યું હશે. શાઉલને પાકી ખાતરી થઈ ગઈ કે ઈસુ જ મસીહ છે અને તેમના શિષ્યો સાચી ભક્તિ કરે છે. સ્તેફનના મરણમાં તેમનો હાથ હતો એ વાતને લીધે તેમને ઘણો અફસોસ થયો હશે. (પ્રે.કા. ૨૨:૨૦) ત્રણ દિવસને અંતે અનાન્યા નામના એક શિષ્ય પ્રેમથી તેમની પાસે આવ્યા. તેમણે શાઉલને દેખતા કર્યા અને મોડું કર્યા વગર બાપ્તિસ્મા લેવાનું ઉત્તેજન આપ્યું. (પ્રેરિતોનાં કાર્યો ૨૨:૧૨-૧૬ વાંચો.) શાઉલે નમ્ર બનીને અનાન્યાની મદદ સ્વીકારી અને જીવનની નવી શરૂઆત કરી.—પ્રે.કા. ૯:૧૭, ૧૮.

એક જગ્યાએ ઘણું પાણી છે અને શાઉલ બાપ્તિસ્મા લેવા પાણીમાં ઊતરે છે. અમુક લોકો એ જોઈને ખુશ છે.

જો કોઈ તમને બાપ્તિસ્મા લેવાનું ઉત્તેજન આપે, તો શાઉલની જેમ શું તમે એ સ્વીકારશો? (ફકરો ૮ જુઓ)


૯. શાઉલ પાસેથી તમને શું શીખવા મળે છે?

૯ શાઉલના દાખલામાંથી આપણને ઘણું શીખવા મળે છે. ઘમંડ અથવા માણસોના ડરને લીધે તે બાપ્તિસ્મા લેવામાં પાછી પાની કરી શક્યા હોત. પણ તેમણે એવું ન કર્યું. તે નમ્ર હતા અને ખ્રિસ્તના શિષ્ય બનવા જરૂરી ફેરફારો કરવા તૈયાર હતા. (પ્રે.કા. ૨૬:૧૪, ૧૯) પોતાની સતાવણી થશે એ વાત જાણતા હોવા છતાં તે ખ્રિસ્તી બનવા માંગતા હતા. (પ્રે.કા. ૯:૧૫, ૧૬; ૨૦:૨૨, ૨૩) બાપ્તિસ્મા પછી મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરવા તેમણે હંમેશાં યહોવા પર આધાર રાખ્યો. (૨ કોરીં. ૪:૭-૧૦) બાપ્તિસ્મા લઈને તમે યહોવાના સાક્ષી બનો એ પછી કદાચ તમારી શ્રદ્ધાની કસોટી થાય અથવા તમને સતાવવામાં આવે. પણ તમે એકલા નથી. ભરોસો રાખજો કે યહોવા અને ઈસુ ખ્રિસ્ત તમને કસોટીઓનો સામનો કરવા અને વફાદાર રહેવા ચોક્કસ મદદ કરશે.—ફિલિ. ૪:૧૩.

૧૦. એનાના દાખલામાંથી તમને કઈ રીતે મદદ મળી શકે?

૧૦ એના નામની બહેન પૂર્વ યુરોપમાં મોટી થઈ. તેની મમ્મીએ બાપ્તિસ્મા લીધું એ પછી પપ્પાની પરવાનગી લઈને તેણે ૯ વર્ષની ઉંમરે બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. જોકે તેનાં સગાંઓએ ઘણી મુશ્કેલીઓ ઊભી કરી. તેઓ બધાં એનાના કુટુંબ સાથે રહેતાં હતાં. તેનાં સગાઓને લાગતું હતું કે બાપદાદાઓનો ધર્મ છોડવો તો બહુ શરમની વાત કહેવાય. એના ૧૨ વર્ષની હતી ત્યારે તેણે બાપ્તિસ્મા લેવા પપ્પાની મંજૂરી માંગી. તેના પપ્પા જાણવા માંગતા હતા કે એ તેનો પોતાનો નિર્ણય છે, કે પછી એમ કરવા કોઈ તેને દબાણ કરી રહ્યું છે. એનાએ કહ્યું: “હું યહોવાને ખૂબ પ્રેમ કરું છું.” તેના પપ્પાએ બાપ્તિસ્મા માટે હા પાડી. બાપ્તિસ્મા પછી પણ એનાનાં સગાં-વહાલાં તેની મજાક ઉડાવતાં અને મહેણાં-ટોણાં મારતાં. તેના દાદાએ કહ્યું: “તું યહોવાની સાક્ષી બની એના કરતાં તો સારું થાત કે તું લફરાં કરતી અને ધૂમ્રપાન કરતી.” એનાએ કઈ રીતે એ સંજોગોનો સામનો કર્યો? તેણે કહ્યું: “યહોવાએ મને અડગ રહેવા મદદ કરી. મમ્મી-પપ્પાએ પણ મને પૂરો સાથ આપ્યો.” એનાએ ઘણી વાર પોતાના જીવનમાં યહોવાનો હાથ અનુભવ્યો છે. તે એવી દરેક પળને લખી લે છે. સમયે સમયે તે એ લિસ્ટ પર ધ્યાન આપે છે, જેથી ભૂલી ન જાય કે યહોવાએ તેને કઈ રીતે મદદ કરી છે. જો તમને સતાવણીનો ડર લાગતો હોય, તો યાદ રાખજો કે યહોવા તમને પણ મદદ કરશે.—હિબ્રૂ. ૧૩:૬.

કર્નેલિયસે બાપ્તિસ્મા લીધું

૧૧. શાના લીધે કર્નેલિયસ બાપ્તિસ્મા લેતા અચકાયા હોત?

૧૧ કર્નેલિયસના દાખલામાંથી પણ ઘણું શીખવા મળે છે. તે “લશ્કરી અધિકારી” હતા, એટલે કે રોમન સેનામાં ૧૦૦ સૈનિકોના ઉપરી હતા. (પ્રે.કા. ૧૦:૧, ફૂટનોટ) એના લીધે સમાજમાં અને લશ્કરમાં તેમનું ઘણું માન હતું. તે ‘લોકોને ઘણું દાન આપતા હતા.’ (પ્રે.કા. ૧૦:૨) તેમને ખુશખબર જણાવવા યહોવાએ પ્રેરિત પિતરને મોકલ્યા. શું પોતાના માન-મોભાને લીધે કર્નેલિયસ બાપ્તિસ્મા લેતા અચકાયા?

૧૨. કર્નેલિયસને બાપ્તિસ્મા લેવા શાનાથી મદદ મળી?

૧૨ બાપ્તિસ્માનું પગલું ભરવા કર્નેલિયસને શાનાથી મદદ મળી? બાઇબલમાં જણાવ્યું છે: “તે અને તેના ઘરના બધા લોકો ઈશ્વરનો ડર રાખતા હતા.” તે હંમેશાં ઈશ્વરને કરગરીને પ્રાર્થના કરતા હતા. (પ્રે.કા. ૧૦:૨) પિતરે કર્નેલિયસને ખુશખબર જણાવી ત્યારે તેમણે અને તેમના કુટુંબે ખ્રિસ્તનો સ્વીકાર કર્યો અને તરત બાપ્તિસ્મા લીધું. (પ્રે.કા. ૧૦:૪૭, ૪૮) સાચે જ, કર્નેલિયસ કોઈ પણ ફેરફાર કરવા તૈયાર હતા, જેથી કુટુંબ સાથે મળીને યહોવાની ભક્તિ કરી શકે.—યહો. ૨૪:૧૫; પ્રે.કા. ૧૦:૨૪, ૩૩.

૧૩. કર્નેલિયસ પાસેથી તમને શું શીખવા મળે છે?

૧૩ શાઉલની જેમ કર્નેલિયસ પણ પોતાના હોદ્દા કે માન-મોભાને લીધે ખ્રિસ્તી બનવાની ના પાડી શક્યા હોત. પણ તેમણે એવું ન કર્યું. બાપ્તિસ્મા લેવા શું તમારે મોટા મોટા ફેરફારો કરવાની જરૂર છે? એ માટે યહોવા તમને મદદ કરશે. જો યહોવાની ભક્તિ કરવા તમે બાઇબલના સિદ્ધાંતો પાળવાનો પાકો નિર્ણય લીધો હોય, તો યહોવા તમને જરૂર આશીર્વાદ આપશે.

૧૪. સુયોશીભાઈના દાખલામાંથી તમને કઈ રીતે મદદ મળી શકે?

૧૪ જાપાનમાં રહેતા સુયોશીભાઈનો દાખલો લો. બાપ્તિસ્મા માટે યોગ્ય થવા તેમણે પોતાની નોકરીમાં ફેરફાર કરવાનો હતો. તે ઇકાનોબો નામની એક પ્રખ્યાત શાળામાં નોકરી કરતા હતા, જ્યાં લોકોને ફૂલો સજાવવાનું શીખવવામાં આવે છે. તે એ શાળાના આચાર્યના હાથ નીચે કામ કરતા હતા. આચાર્ય અંતિમવિધિમાં ફૂલોથી સજાવટ કરતા અને બૌદ્ધ રીતરિવાજોમાં ભાગ લેતા. પણ જ્યારે તે ન જઈ શકતા, ત્યારે તેમના બદલે સુયોશી જતા અને એ બધા રીતરિવાજોમાં ભાગ લેતા. પછીથી સુયોશીને મરણ વિશેનું સત્ય જાણવા મળ્યું. તેમને સમજાઈ ગયું કે જો તે બૌદ્ધ રીતરિવાજોમાં ભાગ લેવાનું ચાલુ રાખશે, તો બાપ્તિસ્મા નહિ લઈ શકે. એટલે તેમણે એવા રીતરિવાજોમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો. (૨ કોરીં. ૬:૧૫, ૧૬) સુયોશીએ એ વિશે આચાર્ય સાથે વાત કરી. એનું શું પરિણામ આવ્યું? સુયોશીએ પોતાની નોકરી ગુમાવવી ન પડી અને કોઈ રીતરિવાજમાં ભાગ પણ લેવો ન પડ્યો. બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું એના એકાદ વર્ષ પછી તેમણે બાપ્તિસ્મા લીધું.a જો તમારે ઈશ્વરને ખુશ કરવા પોતાનાં નોકરી-ધંધામાં કોઈ ફેરફાર કરવાની જરૂર હોય, તો ખાતરી રાખજો કે યહોવા તમારી અને તમારા કુટુંબની જરૂરિયાતો ચોક્કસ પૂરી કરશે.—ગીત. ૧૨૭:૨; માથ. ૬:૩૩.

કોરીંથના લોકોએ બાપ્તિસ્મા લીધું

૧૫. બાપ્તિસ્મા માટે યોગ્ય થવા કોરીંથના લોકો સામે કઈ મુશ્કેલીઓ હતી?

૧૫ પ્રાચીન કોરીંથ શહેર ગંદાં કામોનો અડ્ડો હતું. લોકોનું ધ્યાન બસ ધનદોલત ભેગી કરવા પર હતું. ઘણા લોકો એવું જીવન જીવતા હતા, જેને ઈશ્વર ધિક્કારે છે. ખરેખર, એવા શહેરમાં રહેતા લોકો માટે ખુશખબરનો સ્વીકાર કરવો ઘણું અઘરું રહ્યું હશે. તેમ છતાં, પ્રેરિત પાઉલે એ શહેરમાં જઈને ખ્રિસ્ત વિશેની ખુશખબર જણાવી ત્યારે, “સંદેશો સાંભળનારા ઘણા કોરીંથીઓએ શ્રદ્ધા મૂકી અને બાપ્તિસ્મા લીધું.” (પ્રે.કા. ૧૮:૭-૧૧) પછીથી માલિક ઈસુએ પાઉલને દર્શનમાં કહ્યું: “આ શહેરમાં એવા ઘણા લોકો છે જેઓ મારા પર શ્રદ્ધા મૂકશે.” એટલે પાઉલે દોઢ વર્ષ સુધી ત્યાં પ્રચાર કર્યો.

૧૬. બાપ્તિસ્મા લેવા કોરીંથના અમુક લોકોને શાનાથી મદદ મળી? (૨ કોરીંથીઓ ૧૦:૪, ૫)

૧૬ બાપ્તિસ્માનું પગલું ભરવા કોરીંથના લોકોને શાનાથી મદદ મળી? (૨ કોરીંથીઓ ૧૦:૪, ૫ વાંચો.) પવિત્ર શાસ્ત્ર અને ઈશ્વરની પવિત્ર શક્તિની મદદથી તેઓ જીવનમાં મોટા મોટા ફેરફારો કરી શક્યા. (હિબ્રૂ. ૪:૧૨) કોરીંથમાં રહેતા જે લોકોએ ખ્રિસ્ત વિશેની ખુશખબર સ્વીકારી હતી, તેઓ ખોટી આદતોને જડમૂળથી ઉખેડી શક્યા. જેમ કે, દારૂનું વ્યસન, ચોરી કરવી અને સજાતીય સંબંધો બાંધવા.—૧ કોરીં. ૬:૯-૧૧.b

૧૭. કોરીંથના લોકો પાસેથી તમને શું શીખવા મળે છે?

૧૭ ધ્યાન આપો કે કોરીંથના અમુક લોકોએ ખોટી આદતો છોડવા મોટા મોટા ફેરફારો કરવાના હતા. પણ તેઓએ એવું વિચારી ન લીધું કે એ તેઓના ગજા બહારની વાત છે. એને બદલે, તેઓએ સખત મહેનત કરી, જેથી હંમેશ માટેના જીવન તરફ લઈ જતા મુશ્કેલ રસ્તા પર ચાલી શકે. (માથ. ૭:૧૩, ૧૪) શું તમે કોઈ ખોટી આદત છોડવા પ્રયત્ન કરી રહ્યા છો, જેથી બાપ્તિસ્મા લઈ શકો? જો એમ હોય, તો હિંમત ન હારો. ખોટી ઇચ્છાઓ સામે લડવા યહોવા પાસે પવિત્ર શક્તિ માંગો.

૧૮. મોનિકાના દાખલામાંથી તમને કઈ રીતે મદદ મળી શકે?

૧૮ જોર્જિયા દેશમાં રહેતી મોનિકાનો વિચાર કરો. તે બાપ્તિસ્મા લેવા માંગતી હતી. એ માટે તેણે ગંદા શબ્દો બોલવાનું અને અયોગ્ય મનોરંજન જોવાનું છોડવાનું હતું. તેણે કહ્યું: “બાપ્તિસ્મા પહેલાં યહોવાને પ્રાર્થના કરવાથી મને જરૂરી ફેરફારો કરવા હિંમત મળી. યહોવા જાણતા હતા કે હું તેમની નજરમાં જે ખરું છે એ કરવા માંગતી હતી. એટલે તેમણે હંમેશાં મને મદદ કરી અને માર્ગદર્શન આપ્યું.” મોનિકાએ ૧૬ વર્ષની ઉંમરે બાપ્તિસ્મા લીધું. યહોવા ચાહે છે એ રીતે તેમની ભક્તિ કરવા શું તમારે પણ કોઈ આદત છોડવાની જરૂર છે? જો એમ હોય, તો ફેરફારો કરવા યહોવા પાસે તાકાત માંગતા રહો. યાદ રાખો, યહોવા ઉદારતાથી પોતાની પવિત્ર શક્તિ આપે છે.—યોહા. ૩:૩૪.

શ્રદ્ધાથી તમે પહાડો ખસેડી શકો છો

૧૯. પહાડ જેવી મુશ્કેલીઓનો સામનો કરવા તમને શાનાથી મદદ મળી શકે? (ચિત્ર પણ જુઓ.)

૧૯ બની શકે કે બાપ્તિસ્મા લેવા તમારે પહાડ જેવી મુશ્કેલીઓ પાર કરવી પડે. પણ ખાતરી રાખજો કે યહોવા તમને ખૂબ જ પ્રેમ કરે છે અને તમને પોતાના કુટુંબનો ભાગ બનાવવા ઇચ્છે છે. ઈસુએ પહેલી સદીના પોતાના અમુક શિષ્યોને કહ્યું હતું: “જો તમારામાં રાઈના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પહાડને કહો કે ‘અહીંથી ત્યાં ખસી જા,’ તો એ ખસી જશે. તમારા માટે કંઈ અશક્ય નહિ હોય.” (માથ. ૧૭:૨૦) એ વખતે જે લોકો ત્યાં હાજર હતા, તેઓ અમુક જ વર્ષ ઈસુ સાથે હતા. એટલે તેઓએ પોતાની શ્રદ્ધા વધારવાની જરૂર હતી. પણ ઈસુએ તેઓને ખાતરી અપાવી કે જો તેઓ પોતાની શ્રદ્ધા વધારશે, તો યહોવા તેઓને પહાડ જેવી મુશ્કેલીઓ સામે લડવા મદદ કરશે. પૂરો ભરોસો રાખજો કે યહોવા તમને પણ મદદ કરશે.

અમુક ભાઈ-બહેનો એવા લોકોનું સ્વાગત કરી રહ્યાં છે, જેઓએ હમણાં જ બાપ્તિસ્મા લીધું છે.

ખાતરી રાખજો કે યહોવા તમને ખૂબ જ પ્રેમ કરે છે અને તમને પોતાના કુટુંબનો ભાગ બનાવવા ઇચ્છે છે (ફકરો ૧૯ જુઓ)c


૨૦. આ લેખમાં જણાવેલા પહેલી સદીના અને આજના સમયના ઈશ્વરભક્તોના દાખલામાંથી તમને કઈ રીતે ઉત્તેજન મળ્યું?

૨૦ સૌથી પહેલા તો એ પારખો કે બાપ્તિસ્મા લેતા તમને કઈ વાત રોકી રહી છે. પછી એને દૂર કરવા પગલાં ભરો અને એમ કરવામાં જરાય મોડું ન કરો. પહેલી સદીના અને આજના સમયના ઈશ્વરભક્તોના દાખલામાંથી દિલાસો અને હિંમત મેળવો. અમારી દુઆ છે કે તેઓના દાખલામાંથી તમને ઉત્તેજન મળે અને તમે યહોવાને જીવન સમર્પિત કરીને બાપ્તિસ્મા લો. એ તમારા જીવનનો સૌથી સારો નિર્ણય હશે!

બાપ્તિસ્માનું પગલું ભરવા તમે પહેલી સદીના આ ઈશ્વરભક્તો પાસેથી શું શીખ્યા?

  • સમરૂનીઓ

  • તાર્સસના શાઉલ અને કર્નેલિયસ

  • કોરીંથના લોકો

ગીત ૬૦ યહોવા આપશે તને સાથ

a ભાઈ સુયોશી ફૂજીની જીવન સફર વાંચવા ઑગસ્ટ ૮, ૨૦૦૫ સજાગ બનો! (અંગ્રેજી) પાન ૨૦-૨૩ જુઓ.

b jw.org/gu પર આ વીડિયો જુઓ: ‘બાપ્તિસ્મા માટે તમે કેમ મોડું કરો છો?’

c ચિત્રની સમજ: અમુક ભાઈ-બહેનો એવા લોકોનું સ્વાગત કરી રહ્યાં છે, જેઓએ હમણાં જ બાપ્તિસ્મા લીધું છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો