-
૨ રાજાઓ ૨૨:૧૪-૨૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ એટલે હિલ્કિયા યાજક, અહીકામ, આખ્બોર, શાફાન અને અસાયા હુલ્દાહ પ્રબોધિકાને+ મળવા ગયા. તે યરૂશાલેમના નવા વિસ્તારમાં રહેતી હતી. તેનો પતિ શાલ્લૂમ હતો, જે તિકવાહનો દીકરો અને હાર્હાસનો પૌત્ર હતો. શાલ્લૂમ તો પોશાકનો ભંડારી હતો. તેઓએ હુલ્દાહ સાથે વાત કરી.+ ૧૫ હુલ્દાહે તેઓને કહ્યું: “ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે, ‘જે માણસે તમને મારી પાસે મોકલ્યા છે તેને જણાવો: ૧૬ “યહોવા કહે છે, ‘હું આ જગ્યા પર અને એમાં રહેનારા લોકો પર સંકટ લઈ આવીશ. યહૂદાના રાજાએ એ પુસ્તકમાં જે જે વાંચ્યું છે, એ હું તેઓ પર લઈ આવીશ.+ ૧૭ તેઓએ મારો ત્યાગ કર્યો છે. તેઓએ બીજા દેવો આગળ આગમાં બલિદાનો ચઢાવીને+ મને રોષ ચઢાવ્યો છે. પોતાનાં કામોથી તેઓએ મને કોપાયમાન કર્યો છે.+ આ જગ્યા પર મારો ક્રોધ ભભૂકી ઊઠશે અને એ શાંત પડશે નહિ.’”+ ૧૮ પણ યહૂદાના રાજા જેમણે તમને મારી પાસે યહોવાની સલાહ લેવા મોકલ્યા છે, તેમને તમારે આમ કહેવું: “તમે જે વાતો સાંભળી છે એના વિશે ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે: ૧૯ ‘મેં આ જગ્યા વિશે અને એમાં રહેનારા વિશે કહ્યું હતું કે તેઓની દશા જોઈને લોકો થથરી જશે અને શ્રાપ આપશે. એ સાંભળીને યહોવા આગળ તારું દિલ પીગળી ગયું અને તું નમ્ર બની ગયો.+ તેં તારાં કપડાં ફાડ્યાં+ અને તું મારી આગળ રડ્યો. એટલે મેં પણ તારી વિનંતી સાંભળી છે, એવું યહોવા કહે છે. ૨૦ તને તારા બાપદાદાઓની જેમ દફનાવવામાં આવશે.* તું શાંતિથી પોતાની કબરમાં દટાશે. હું આ જગ્યા પર જે બધી આફતો લાવીશ, એ તારે જોવી નહિ પડે.’”’” પછી તેઓએ રાજા પાસે આવીને બધી વાત જણાવી.
-