બુધવાર, ઑગસ્ટ ૫
“દૃઢ ઊભા રહેવા તમારી કમરે સત્યનો પટ્ટો બાંધી લો.”—એફે. ૬:૧૪.
યહોવાના લોકોને બાઇબલનું સત્ય બહુ જ વહાલું છે. એ આપણી શ્રદ્ધાનો પાયો છે. (રોમ. ૧૦:૧૭) આપણને ખાતરી થઈ છે કે યહોવાએ ખ્રિસ્તી મંડળની સ્થાપના કરી છે, “જે સત્યનો સ્તંભ અને આધાર છે.” (૧ તિમો. ૩:૧૫) શેતાન ચાહે છે કે આપણે બાઇબલની વાતો પર અથવા સંગઠન તરફથી મળતા માર્ગદર્શન પર ભરોસો મૂકવાનું છોડી દઈએ. (એફે. ૪:૧૪) બહુ જલદી શેતાન એવી જૂઠી વાતો ફેલાવશે, જેથી બધાં રાષ્ટ્રો યહોવાની વિરુદ્ધ થઈ જશે. (પ્રકટી. ૧૬:૧૩, ૧૪) આપણે એ પણ જાણીએ છીએ કે યહોવાના લોકોને ગેરમાર્ગે દોરવા શેતાન પહેલાં કરતાં પણ વધારે જોર લગાવશે. (પ્રકટી. ૧૨:૯) એટલે એ બહુ જરૂરી છે કે આપણે ખરા-ખોટા વચ્ચેનો ફરક પારખતા શીખીએ અને સત્યને વળગી રહીએ. (રોમ. ૬:૧૭; ૧ પિત. ૧:૨૨) એમ કરીશું તો જ મોટી વિપત્તિમાંથી બચી શકીશું. w૨૪.૦૭ ૮ ¶૧-૩
ગુરુવાર, ઑગસ્ટ ૬
“હું તમને જે આજ્ઞાઓ આપું છું એ સમજવી તમારા માટે અઘરી નથી કે તમારી પહોંચની બહાર પણ નથી.”—પુન. ૩૦:૧૧.
જ્યારે યહોવાએ ઇઝરાયેલીઓને નિયમો આપ્યા હતા, ત્યારે તેઓએ એ નિયમો પાળવાનું વચન આપ્યું હતું. બદલામાં યહોવા તેઓનું રક્ષણ કરવાના હતા અને તેઓને આશીર્વાદ આપવાના હતા. પણ જો ઇઝરાયેલીઓ એ આજ્ઞાઓ ન પાળતા અથવા બીજા દેવોની ભક્તિ કરતા, તો યહોવા તેઓનું રક્ષણ ન કરતા અને તેઓએ દુઃખ સહેવું પડતું. જો એવું થતું તોપણ તેઓ ઈશ્વરની કૃપા મેળવી શકતા હતા. તેઓ પોતાના ઈશ્વર યહોવા પાસે ‘પાછા ફરી’ શકતા હતા અને તેમની ‘આજ્ઞાઓ પાળી’ શકતા હતા. (પુન. ૩૦:૧-૩, ૧૭-૨૦) બીજા શબ્દોમાં, તેઓ પસ્તાવો કરી શકતા હતા. જો તેઓ એમ કરતા, તો યહોવા તેઓને પોતાની પાસે દોરી લાવતા અને ફરીથી આશીર્વાદ આપતા. યહોવાએ પસંદ કરેલી પ્રજાએ વારેઘડીએ તેમની વિરુદ્ધ બળવો પોકાર્યો. પરિણામે તેઓએ ભોગવવું પડ્યું. પણ યહોવા પોતાની વંઠી ગયેલી પ્રજાને મદદ કરતા રહ્યા, જેથી તેઓ ફરીથી તેમની ભક્તિ કરે. તેમણે વારંવાર પ્રબોધકો મોકલીને તેઓને પસ્તાવો કરવાની અને પાછા ફરવાની અરજ કરી.—૨ રાજા. ૧૭:૧૩, ૧૪. w૨૪.૦૮ ૯ ¶૪-૫
શુક્રવાર, ઑગસ્ટ ૭
“યરૂશાલેમના મંડળની ભારે સતાવણી શરૂ થઈ.”—પ્રે.કા. ૮:૧.
ઈસવીસન ૩૩માં ઈસુનું મરણ થયું એ પછી યરૂશાલેમ અને યહૂદિયામાં રહેતા હિબ્રૂ ખ્રિસ્તીઓએ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો. ખ્રિસ્તી મંડળની શરૂઆત થઈ એ પછી તરત જ તેઓની આકરી સતાવણી થઈ. વીસેક વર્ષ પછી તેઓએ દુકાળ અને ગરીબીને લીધે આર્થિક મુશ્કેલીઓ સહેવી પડી. (પ્રે.કા. ૧૧:૨૭-૩૦) પણ ૬૧ની સાલની આસપાસનો સમય તેઓ માટે શાંતિનો સમય હતો. આ તો તોફાન પહેલાંની શાંતિ હતી. કેમ કે બહુ જલદી મુસીબતોનું ભારે તોફાન આવવાનું હતું. એ સમયગાળા દરમિયાન યહોવાએ પ્રેરિત પાઉલ દ્વારા તેઓને એક પત્ર મોકલ્યો. એ પત્રમાં આપેલી સલાહ તેઓ માટે એકદમ સમયસરની હતી. હિબ્રૂઓને લખેલો પત્ર સમયસરનો હતો, કેમ કે ખ્રિસ્તીઓ જે શાંતિ અનુભવી રહ્યા હતા એ બહુ જલદી છીનવાઈ જવાની હતી. પાઉલે તેઓને જરૂરી સલાહ આપી. એનાથી તેઓને આવનાર મુશ્કેલીઓનો ધીરજથી સામનો કરવા મદદ મળવાની હતી. w૨૪.૦૯ ૮ ¶૧-૨