-
માર્ક ૯:૨-૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ ઈસુ છ દિવસ પછી પિતર, યાકૂબ અને યોહાનને લઈને ઊંચા પહાડ પર ગયા, જ્યાં તેઓ સિવાય બીજું કોઈ ન હતું. તેઓની આગળ ઈસુનો દેખાવ બદલાયો.+ ૩ તેમનો ઝભ્ભો ચમકવા લાગ્યો. એ એવો સફેદ થઈ ગયો કે દુનિયાનો કોઈ પણ ધોબી એવો સફેદ કરી ન શકે. ૪ ત્યાં તેઓને એલિયાની સાથે મૂસા દેખાયા. તેમણે તેઓને ઈસુ સાથે વાત કરતા જોયા. ૫ પિતરે ઈસુને કહ્યું: “ગુરુજી,* આપણે અહીં રહીએ એ સારું છે. અમને ત્રણ તંબુ ઊભા કરવા દો, એક તમારા માટે, એક મૂસા માટે અને એક એલિયા માટે.” ૬ પિતર જાણતો ન હતો કે શું કરવું. તેઓ ગભરાઈ ગયા હતા. ૭ એવામાં એક વાદળું ઘેરાયું અને તેઓ પર છવાઈ ગયું. વાદળમાંથી અવાજ આવ્યો:+ “આ મારો વહાલો દીકરો છે.+ તેનું સાંભળો.”+ ૮ પછી તરત જ તેઓએ આજુબાજુ જોયું તો ત્યાં ઈસુ સિવાય બીજું કોઈ દેખાયું નહિ.
-
-
લૂક ૯:૨૮-૩૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૮ ઈસુએ આ શબ્દો કહ્યા એના આશરે આઠ દિવસ પછી તે પિતર, યોહાન અને યાકૂબને લઈને પ્રાર્થના કરવા પહાડ પર ચઢ્યા.+ ૨૯ તે પ્રાર્થના કરતા હતા ત્યારે તેમના ચહેરાનો દેખાવ બદલાઈ ગયો. તેમનાં કપડાં સફેદ થઈને ચળકવા લાગ્યાં. ૩૦ જુઓ! બે માણસો તેમની સાથે વાત કરતા હતા. તેઓ મૂસા અને એલિયા હતા. ૩૧ તેઓનો મહિમા ઝળહળતો હતો. તેઓ ઈસુની વિદાય વિશે વાતો કરવા લાગ્યા, જે યરૂશાલેમથી થવાની હતી.+ ૩૨ પિતર અને તેની સાથેના બીજા ભરઊંઘમાં હતા. પણ તેઓ જાગી ગયા ત્યારે, તેઓએ ઈસુનો મહિમા જોયો.+ તેમની સાથે ઊભેલા બે માણસોને પણ જોયા. ૩૩ તેઓ તેમનાથી છૂટા પડતા હતા ત્યારે, પિતરે ઈસુને કહ્યું: “શિક્ષક, આપણે અહીં રહીએ એ સારું છે. અમને ત્રણ તંબુ ઊભા કરવા દો, એક તમારા માટે, એક મૂસા માટે અને એક એલિયા માટે.” તે શું બોલતો હતો એની તેને ખબર ન હતી. ૩૪ તે આ વાતો બોલતો હતો ત્યારે, એક વાદળું ઘેરાયું અને તેઓ પર છવાઈ ગયું. તેઓ વાદળથી ઘેરાવા લાગ્યા ત્યારે ગભરાયા. ૩૫ પછી વાદળમાંથી અવાજ+ આવ્યો: “આ મારો વહાલો દીકરો છે, જેને મેં પસંદ કર્યો છે.+ તેનું સાંભળો.”+ ૩૬ તેઓને અવાજ સંભળાયો ત્યારે ઈસુ એકલા જ નજરે પડ્યા. પણ તેઓ ચૂપ રહ્યા. તેઓએ જે જોયું, એના વિશે એ દિવસોમાં કોઈને કંઈ જણાવ્યું નહિ.+
-