કોરીંથીઓને પહેલો પત્ર
૮ હવે મૂર્તિઓને ચઢાવેલા ખોરાક વિશે+ હું જણાવું છું: આપણા બધા પાસે જ્ઞાન છે+ એ આપણે જાણીએ છીએ. જ્ઞાનથી વ્યક્તિ ફુલાઈ જાય છે, પણ પ્રેમથી તે મજબૂત થાય છે.+ ૨ ભલે કોઈ કહે, “મને બધું ખબર છે,” પણ હકીકતમાં તેને કંઈ ખબર હોતી નથી. ૩ જે ઈશ્વરને પ્રેમ કરે છે, ઈશ્વર તેને ઓળખે છે.
૪ હવે મૂર્તિઓને ચઢાવેલો ખોરાક ખાવા વિશે વાત કરીએ. આપણે જાણીએ છીએ કે મૂર્તિ કંઈ જ નથી+ અને ફક્ત એક જ ઈશ્વર છે.+ ૫ સ્વર્ગમાં કે પૃથ્વી પર કહેવાતા દેવો તો ઘણા છે+ અને એવા તો ઘણા “દેવો” તથા ઘણા “પ્રભુઓ” છે. ૬ પણ આપણા તો એક જ ઈશ્વર છે.+ તે આપણા પિતા છે,+ જેમણે બધું બનાવ્યું છે અને આપણે તેમના છીએ.+ આપણા એક જ માલિક છે, ઈસુ ખ્રિસ્ત. તેમના દ્વારા બધું છે+ અને તેમના દ્વારા આપણે છીએ.
૭ પણ બધા પાસે આવું જ્ઞાન નથી.+ અમુક લોકો પહેલાં મૂર્તિઓને ભજતા હતા, એટલે તેઓ ખોરાક ખાય છે ત્યારે, તેઓને એ ખોરાક મૂર્તિને અર્પણ કરેલો હોય એવો લાગે છે.+ તેઓનું અંતઃકરણ* કમજોર હોવાને લીધે તેઓ પોતાને દોષિત સમજે છે.*+ ૮ ખોરાક આપણને ઈશ્વરની નજીક લાવી શકતો નથી.+ જો આપણે ન ખાઈએ તો કંઈ ગુમાવતા નથી અને ખાઈએ તો કંઈ મેળવતા નથી.+ ૯ સાવચેત રહો કે પસંદગી કરવાનો તમારો હક એવા લોકોને ઠોકર ન ખવડાવે, જેઓ કમજોર છે.+ ૧૦ જો એવી વ્યક્તિ તારા જેવા જ્ઞાનીને મંદિરમાં* ભોજન લેતા જુએ, તો શું તેને મૂર્તિઓને ચઢાવેલો ખોરાક ખાવાની હિંમત નહિ મળે? ૧૧ આમ તારા જ્ઞાનને લીધે એક કમજોર ભાઈનો નાશ થાય છે, જે ભાઈ માટે ખ્રિસ્તે પોતાનો જીવ આપ્યો છે.+ ૧૨ એ જ રીતે, જ્યારે તમે તમારા ભાઈઓ વિરુદ્ધ પાપ કરો છો અને તેઓના કમજોર અંતઃકરણને હાનિ પહોંચાડો છો,+ ત્યારે તમે ખ્રિસ્ત વિરુદ્ધ પાપ કરો છો. ૧૩ એટલે જો ખોરાક મારા ભાઈને ઠોકર ખવડાવતો હોય, તો તેને ઠોકર ન લાગે એ માટે હું ફરી ક્યારેય માંસ નહિ ખાઉં.+