કોરીંથીઓને પહેલો પત્ર
૧ હું પાઉલ, ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત* ઈસુનો પ્રેરિત* થવા પસંદ થયો છું.*+ હું આપણા ભાઈ સોસ્થનેસ સાથે મળીને ૨ કોરીંથમાં+ આવેલા ઈશ્વરના મંડળને આ પત્ર લખું છું. ખ્રિસ્ત ઈસુના શિષ્યો તરીકે તમને અલગ કરવામાં આવ્યા છે.+ ઈશ્વરે તમને પવિત્ર જનો બનવા પસંદ કર્યા છે. હું એ બધા ભાઈઓને પણ લખું છું, જેઓ આપણા માલિક ઈસુ ખ્રિસ્તનું નામ જાહેર કરે છે,+ જે તેઓના અને આપણા માલિક છે:
૩ ઈશ્વર આપણા પિતા પાસેથી અને માલિક ઈસુ ખ્રિસ્ત પાસેથી તમને અપાર કૃપા* અને શાંતિ મળે.
૪ ઈશ્વરે ખ્રિસ્ત ઈસુ દ્વારા જે અપાર કૃપા તમારા પર બતાવી છે, એ માટે હું હંમેશાં ઈશ્વરનો આભાર માનું છું. ૫ ખ્રિસ્ત ઈસુ સાથે એકતામાં હોવાને લીધે તમને બધું મળ્યું છે. તમને ઈશ્વરનો સંદેશો સારી રીતે જણાવવાની આવડત મળી છે અને એ સંદેશાનું પૂરું જ્ઞાન મળ્યું છે.+ ૬ ખ્રિસ્ત વિશેની સાક્ષીએ+ તમને મક્કમ કર્યા છે, ૭ જેથી આપણા માલિક ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની તમે આતુરતાથી રાહ જુઓ+ એ દરમિયાન તમને કશાની ખોટ ન પડે. ૮ ઈશ્વર તમને છેલ્લે સુધી એવા અડગ કરશે કે આપણા માલિક ઈસુ ખ્રિસ્તના દિવસે તમે એકદમ નિર્દોષ સાબિત થશો.+ ૯ ઈશ્વર વિશ્વાસુ છે,+ તેમણે પોતાના દીકરા, આપણા માલિક ઈસુ ખ્રિસ્ત સાથે ભાગીદાર થવા* તમને આમંત્રણ આપ્યું છે.
૧૦ હવે ભાઈઓ, હું તમને આપણા માલિક ઈસુ ખ્રિસ્તના નામે અરજ કરું છું કે તમે બધા એકમતના થાઓ. તમારામાં ભાગલા પડવા ન દો,+ પણ તમે એકમનના અને એકવિચારના થઈને પૂરેપૂરી એકતામાં રહો.+ ૧૧ કેમ કે મારા ભાઈઓ, ક્લોએના ઘરના અમુકે મને તમારા વિશે ખબર આપી છે કે તમારામાં મતભેદ ઊભા થયા છે. ૧૨ મારો કહેવાનો મતલબ એ છે કે તમારામાંથી અમુક કહે છે, “હું પાઉલનો છું,” અમુક કહે છે, “હું અપોલોસનો છું,”+ અમુક કહે છે, “હું કેફાસનો* છું” અને અમુક કહે છે, “હું ખ્રિસ્તનો છું.” ૧૩ શું ખ્રિસ્તના ભાગલા પડ્યા છે? શું પાઉલને તમારા માટે વધસ્તંભ* પર મારી નાખવામાં આવ્યો હતો? શું તમે પાઉલના નામે બાપ્તિસ્મા* લીધું હતું? ૧૪ હું ઈશ્વરનો આભાર માનું છું કે ક્રિસ્પુસ+ અને ગાયસ+ સિવાય તમારામાંથી કોઈને મેં બાપ્તિસ્મા આપ્યું નથી. ૧૫ એટલે કોઈ એમ ન કહી શકે કે તમે મારા નામે બાપ્તિસ્મા લીધું છે. ૧૬ મેં સ્તેફનાસના ઘરના લોકોને+ પણ બાપ્તિસ્મા આપ્યું છે. પણ એ સિવાય મેં બીજા કોઈને બાપ્તિસ્મા આપ્યું હોય, એવું મને યાદ નથી. ૧૭ ખ્રિસ્તે મને બાપ્તિસ્મા આપવા નહિ, ખુશખબર જણાવવા મોકલ્યો છે.+ મારે એ ખુશખબર જ્ઞાનીઓની ભાષામાં* જણાવવાની નથી, નહિતર ખ્રિસ્તનો વધસ્તંભ નકામો થઈ જશે.
૧૮ વિનાશ તરફ જઈ રહેલાઓ માટે વધસ્તંભ વિશેની વાતો મૂર્ખતા છે.+ પણ ઉદ્ધાર મેળવનાર લોકો માટે, એટલે કે આપણા માટે તો એ ઈશ્વરનું બળ છે.+ ૧૯ કેમ કે લખેલું છે: “હું બુદ્ધિશાળી માણસોની બુદ્ધિને ધૂળમાં મેળવી દઈશ અને જ્ઞાનીઓના જ્ઞાનનો સ્વીકાર કરીશ નહિ.”*+ ૨૦ આ દુનિયાના બુદ્ધિશાળી માણસો ક્યાં છે? શાસ્ત્રીઓ* ક્યાં છે? દલીલ કરનારાઓ ક્યાં છે? શું ઈશ્વરે બતાવી આપ્યું નથી કે આ દુનિયાની બુદ્ધિ મૂર્ખતા છે? ૨૧ આ દુનિયાના લોકો પોતાની જ અક્કલ પર ભરોસો રાખતા હોવાથી+ ઈશ્વરને ઓળખતા નથી.+ આપણે જે સંદેશાનો પ્રચાર કરીએ છીએ એ લોકોને નકામો લાગે છે.+ પણ એ સંદેશા દ્વારા ઈશ્વરે વિશ્વાસુ લોકોને બચાવવાનું નક્કી કર્યું છે. આ રીતે ઈશ્વરની બુદ્ધિ દેખાઈ આવે છે.
૨૨ યહૂદીઓ નિશાનીઓ માંગે છે+ અને ગ્રીકો બુદ્ધિ શોધે છે. ૨૩ પણ વધસ્તંભ પર મારી નાખેલા ખ્રિસ્તને અમે જાહેર કરીએ છીએ, એ વાત યહૂદીઓ માટે ઠોકરરૂપ છે, જ્યારે કે બીજી પ્રજાઓ માટે મૂર્ખતારૂપ છે.+ ૨૪ જેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, એવા યહૂદીઓ અને ગ્રીકો માટે ખ્રિસ્ત તો ઈશ્વરની તાકાત અને ઈશ્વરની બુદ્ધિ છે.+ ૨૫ કેમ કે ઈશ્વરની જે વાતોને લોકો મૂર્ખતા ગણે છે, એ વાતો માણસોના જ્ઞાન કરતાં બુદ્ધિશાળી છે અને ઈશ્વરની જે વાતોને લોકો કમજોર ગણે છે, એ વાતો માણસોની તાકાત કરતાં શક્તિશાળી છે.+
૨૬ ભાઈઓ, તમે પોતાના કિસ્સાથી જોઈ શકો છો કે ઈશ્વરે જેઓને બોલાવ્યા છે, તેઓમાંથી મોટા ભાગના લોકો માણસોની નજરમાં બુદ્ધિશાળી નથી,+ શક્તિશાળી નથી કે ખાનદાન કુટુંબમાં* જન્મેલા નથી.+ ૨૭ પણ બુદ્ધિશાળી લોકોને શરમાવવા ઈશ્વરે દુનિયાના મૂર્ખ લોકોને પસંદ કર્યા છે અને શક્તિશાળી લોકોને શરમાવવા ઈશ્વરે દુનિયાના કમજોર લોકોને પસંદ કર્યા છે.+ ૨૮ ઈશ્વરે એવા લોકોને પસંદ કર્યા છે, જેઓને દુનિયા તુચ્છ ગણે છે અને નીચી નજરે જુએ છે. ઈશ્વરે નકામા ગણાતા લોકોને પસંદ કર્યા છે, જેથી મહત્ત્વના ગણાતા લોકોને નકામા કરી દે.+ ૨૯ એટલે કોઈ પણ વ્યક્તિ ઈશ્વર આગળ અભિમાન કરી ન શકે. ૩૦ પણ ઈશ્વરને લીધે તમે ખ્રિસ્ત ઈસુ સાથે એકતામાં છો. તે આપણા માટે ઈશ્વર પાસેથી આવતી બુદ્ધિ અને સત્યનો માર્ગ* છે.+ ઈસુ દ્વારા મનુષ્યો પવિત્ર બની શકે છે+ અને તેમણે ચૂકવેલી છુટકારાની કિંમત* દ્વારા મુક્તિ મેળવી શકે છે.+ ૩૧ એ માટે કે જેમ લખેલું છે, એમ જ થાય: “જે કોઈ અભિમાન કરે, તે યહોવા* વિશે અભિમાન કરે.”+