નહેમ્યા
૮ પછી બધા લોકો એકમનના થઈને પાણી દરવાજા+ સામે ચોકમાં ભેગા થયા. તેઓએ એઝરા+ શાસ્ત્રીને* મૂસાનું નિયમશાસ્ત્ર*+ લાવવા કહ્યું, જેમાં યહોવાએ ઇઝરાયેલીઓને આપેલા નિયમો હતા.+ ૨ સાતમા મહિનાના+ પહેલા દિવસે એઝરા યાજક લોકો*+ આગળ એ નિયમશાસ્ત્ર લઈ આવ્યો. ત્યાં સ્ત્રી-પુરુષો હતાં અને એવાં બાળકો પણ હતાં, જેઓ સાંભળીને સમજી શકતાં હતાં. ૩ તેણે પાણી દરવાજા સામે ચોકમાં સવારથી લઈને બપોર સુધી નિયમશાસ્ત્રમાંથી મોટે અવાજે વાંચી સંભળાવ્યું.+ ત્યાં હાજર લોકોએ ધ્યાનથી સાંભળ્યું.+ ૪ એઝરા શાસ્ત્રી આ પ્રસંગ માટે બનાવેલા લાકડાના મંચ પર ઊભો હતો. તેના જમણા હાથે માત્તિથ્યા, શેમા, અનાયા, ઊરિયા, હિલ્કિયા અને માઅસેયા ઊભા હતા. તેના ડાબા હાથે પદાયા, મીશાએલ, માલ્કિયા,+ હાશુમ, હાશ્બાદાનાહ, ઝખાર્યા અને મશુલ્લામ ઊભા હતા.
૫ એઝરા બધા લોકો કરતાં ઊંચી જગ્યાએ ઊભો હતો. તેણે લોકોના દેખતાં નિયમશાસ્ત્ર ખોલ્યું. તેણે એ ખોલ્યું ત્યારે લોકો ઊભા થઈ ગયા. ૬ પછી એઝરાએ સાચા અને મહાન ઈશ્વર યહોવાની સ્તુતિ કરી. બધા લોકોએ પોતાના હાથ ઊંચા કરીને કહ્યું, “આમેન!* આમેન!”+ તેઓ યહોવા આગળ ઘૂંટણિયે પડ્યા અને પોતાનું માથું જમીન સુધી નમાવ્યું. ૭ નિયમશાસ્ત્રમાંથી આ લેવીઓ લોકોને સમજાવતા હતા:+ યેશૂઆ, બાની, શેરેબ્યા,+ યામીન, આક્કૂબ, શાબ્બાથાય, હોદિયા, માઅસેયા, કલીટા, અઝાર્યા, યોઝાબાદ,+ હાનાન અને પલાયા. લોકો ઊભા ઊભા તેઓનું સાંભળતા હતા. ૮ તેઓ સાચા ઈશ્વરના નિયમશાસ્ત્રમાંથી મોટે અવાજે વાંચતા, સારી રીતે સમજાવતા અને એનો અર્થ જણાવતા. આમ જે વાંચવામાં આવી રહ્યું હતું એ સમજવા તેઓએ લોકોને મદદ કરી.+
૯ નિયમશાસ્ત્રમાંથી સાંભળીને બધા લોકો રડવા લાગ્યા. એટલે એ સમયના રાજ્યપાલ* નહેમ્યાએ, યાજક અને શાસ્ત્રી એઝરાએ+ તથા લોકોને શીખવતા લેવીઓએ કહ્યું: “તમારા ઈશ્વર યહોવા માટે આજનો દિવસ પવિત્ર છે.+ એટલે રડશો નહિ કે વિલાપ કરશો નહિ.” ૧૦ નહેમ્યાએ તેઓને કહ્યું: “જાઓ, સારું સારું* ખાઓ અને મીઠો દ્રાક્ષદારૂ પીઓ. જેઓ પાસે કંઈ ખાવાનું નથી, તેઓને ખોરાક મોકલો.+ આપણા પ્રભુ માટે આજનો દિવસ પવિત્ર છે. તમે ઉદાસ થશો નહિ, કેમ કે યહોવા તરફથી મળતો આનંદ તમારો મજબૂત કિલ્લો* છે.” ૧૧ લેવીઓ આમ કહીને લોકોને શાંત કરતા હતા: “છાના રહો! આજનો દિવસ પવિત્ર છે. ઉદાસ થશો નહિ.” ૧૨ તેથી લોકોએ જઈને ખાધું-પીધું અને બીજાઓને ખોરાક મોકલ્યો. તેઓએ ખૂબ આનંદ કર્યો,+ કેમ કે નિયમશાસ્ત્રમાંથી જે કહેવામાં આવ્યું હતું, એ તેઓ સારી રીતે સમજ્યા હતા.+
૧૩ બીજા દિવસે લોકોના પિતાનાં કુટુંબોના વડા, યાજકો અને લેવીઓ નિયમશાસ્ત્રમાંથી વધારે સમજણ મેળવવા એઝરા શાસ્ત્રી પાસે ભેગા થયા. ૧૪ તેઓને નિયમશાસ્ત્રમાંથી એ આજ્ઞા જાણવા મળી જે યહોવાએ મૂસા દ્વારા આપી હતી. એ આજ્ઞા મુજબ ઇઝરાયેલીઓએ સાતમા મહિનામાં તહેવાર* દરમિયાન માંડવાઓમાં રહેવાનું હતું+ ૧૫ અને બધાં શહેરો તેમજ આખા યરૂશાલેમમાં જાહેર કરવાનું હતું,+ “પહાડી વિસ્તારમાં જાઓ અને લખ્યું છે એ પ્રમાણે માંડવા બનાવવા જૈતૂન, ચીડ, મેંદી, ખજૂરી અને બીજાં ઝાડની પાંદડાંવાળી ડાળીઓ લઈ આવો.”
૧૬ તેથી લોકો ગયા અને પોતાના માટે માંડવા બનાવવા ડાળીઓ લઈ આવ્યા. તેઓએ પોતાના ઘરના ધાબા પર, પોતાનાં આંગણાંમાં, સાચા ઈશ્વરના મંદિરનાં આંગણાંમાં,*+ પાણી દરવાજાના ચોકમાં+ અને એફ્રાઈમના દરવાજાના+ ચોકમાં માંડવા ઊભા કર્યા. ૧૭ આમ ગુલામીમાંથી પાછા ફર્યા હતા એ લોકોએ* માંડવા બનાવ્યા અને એમાં રહેવા લાગ્યા. ઇઝરાયેલીઓએ એ તહેવાર નૂનના દીકરા યહોશુઆના+ સમયથી લઈને એ દિવસ સુધી આ રીતે ક્યારેય ઊજવ્યો ન હતો. તેથી બધે આનંદ આનંદ છવાઈ ગયો.+ ૧૮ તહેવારના પહેલા દિવસથી લઈને છેલ્લા દિવસ સુધી દરરોજ સાચા ઈશ્વરના નિયમશાસ્ત્રમાંથી વાંચવામાં આવ્યું.+ તેઓએ સાત દિવસ સુધી તહેવાર ઊજવ્યો અને નિયમશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે આઠમા દિવસે ખાસ સંમેલન* રાખ્યું.+