૧ પિતર
૫ તેથી, હું તમારો સાથી વડીલ અને ખ્રિસ્તનાં દુઃખોનો સાક્ષી અને પ્રગટ થનાર મહિમાનો ભાગીદાર, તમારામાંના વડીલોને આ વિનંતી* કરું છું: ૨ ઘેટાંપાળક તરીકે ઈશ્વરના ટોળાની સંભાળ રાખો, જે તમને સોંપાયેલું છે. દેખરેખ રાખનારની* જેમ સેવા કરો, ફરજ પડ્યાથી નહિ, પણ ખુશીથી ઈશ્વર આગળ એમ કરો; બેઇમાનીથી પડાવી લેવાની લાલચથી નહિ, પણ ઉત્સાહથી કરો. ૩ જેઓ ઈશ્વરની સંપત્તિ છે તેઓ પર હુકમ ન ચલાવો, પણ ટોળા માટે ઉદાહરણ બેસાડો. ૪ જ્યારે મુખ્ય ઘેટાંપાળકને પ્રગટ કરવામાં આવશે, ત્યારે તમને મહિમાનો એવો મુગટ મળશે જે કદી નાશ નહિ પામે.
૫ એવી જ રીતે, યુવાનો, તમારાથી મોટી ઉંમરના ભાઈઓને* આધીન રહો. તમે બધા એકબીજા સાથે નમ્ર રીતે* વર્તો, કેમ કે ઈશ્વર અભિમાની લોકોનો વિરોધ કરે છે પણ તે નમ્ર લોકો પર અપાર કૃપા બતાવે છે.
૬ એટલે, ઈશ્વરના બળવાન હાથ નીચે પોતાને નમ્ર કરો, જેથી યોગ્ય સમયે તે તમને ઊંચા કરે; ૭ તમે તમારી સર્વ ચિંતાઓ તેમના પર નાખી દો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે. ૮ સમજી-વિચારીને વર્તો અને સાવધ રહો! તમારો દુશ્મન શેતાન* ગાજનાર સિંહની જેમ જે કોઈ મળે તેને ગળી જવા શોધતો ફરે છે. ૯ પરંતુ, તમે શ્રદ્ધામાં મક્કમ રહીને તેનો વિરોધ કરો. યાદ રાખો કે આખી દુનિયામાં તમારા બધા ભાઈઓએ આવાં જ દુઃખો સહન કરવા પડે છે. ૧૦ તમે થોડો સમય સહન કરો પછી, સર્વ અપાર કૃપાથી ભરપૂર ઈશ્વર પોતે તમારી તાલીમ પૂરી કરશે. તેમણે તમને ખ્રિસ્ત સાથે એકતામાં લાવીને પોતાના અનંત મહિમામાં બોલાવ્યા છે. તે તમને દૃઢ કરશે, તે તમને બળવાન કરશે, તે તમને સ્થિર કરશે. ૧૧ તેમનું સામર્થ્ય સદાને માટે રહો. આમેન.
૧૨ સિલ્વાનુસ,* જેને હું વિશ્વાસુ ભાઈ ગણું છું, તેના દ્વારા હું તમને થોડા શબ્દોમાં લખું છું, જેથી તમને ઉત્તેજન અને ખરી સાક્ષી આપું કે આ ઈશ્વરની સાચી અપાર કૃપા છે. એમાં દૃઢ ઊભા રહો. ૧૩ જે બાબેલોનમાં છે અને તમારી જેમ પસંદ કરાયેલી છે,* તે તમને સલામ મોકલે છે. મારો દીકરો માર્ક પણ તમને સલામ મોકલે છે. ૧૪ પ્રેમભર્યા ચુંબનથી એકબીજાને સલામ કહેજો.
તમે બધા ખ્રિસ્ત સાથે એકતામાં છો, તમારા સર્વ પર શાંતિ થાઓ.