લૂક
૧ માનનીય થિયોફિલ, આપણે જે વાતોનો પૂરો ભરોસો રાખીએ છીએ,* એવી હકીકતોનો અહેવાલ આપવાનો ઘણાએ પ્રયત્ન કર્યો છે; ૨ તેઓએ એ જ રીતે કર્યું, જેમ શરૂઆતથી નજરે જોનાર સાક્ષીઓ અને ઈશ્વરનો સંદેશો જણાવનાર સેવકોએ આપણને હકીકતો જણાવી હતી; ૩ મેં પણ એ વિગતો તમને યોગ્ય ક્રમમાં લખવાનું નક્કી કર્યું છે, કેમ કે મેં શરૂઆતથી એ બધી વાતોની ચોકસાઈથી શોધ કરી છે; ૪ અને એનાથી તમને પૂરેપૂરો ખ્યાલ આવશે કે જે વાતો તમને મૌખિક રીતે શીખવવામાં આવી હતી, એ ખરી છે.
૫ યહુદિયાના રાજા હેરોદના* દિવસોમાં ઝખાર્યા નામનો એક યાજક હતો, જે અબિયાના વર્ગનો હતો. તેની પત્નીનું નામ એલિસાબેત હતું, જે હારૂનના કુટુંબની હતી. ૬ તેઓ બંને ઈશ્વરની આગળ નેક હતા, યહોવાની* આજ્ઞાઓ અને કાયદા-કાનૂનો પાળીને તેઓ નિર્દોષ રીતે ચાલતા હતા. ૭ પણ તેઓને કોઈ બાળક ન હતું, કારણ કે એલિસાબેત વાંઝણી હતી અને તેઓ બંને ઘણી મોટી ઉંમરના હતા.
૮ હવે, ઈશ્વર આગળ સેવા કરવાની તેના વર્ગની જવાબદારી હોવાથી ઝખાર્યા યાજક તરીકે સેવા આપતો હતો; ૯ યાજકપદના રિવાજ* પ્રમાણે ધૂપ ચઢાવવાનો તેનો વારો આવ્યો ત્યારે, તે યહોવાના* પવિત્ર સ્થાનમાં ગયો; ૧૦ ધૂપ ચઢાવવાના સમયે ઘણા બધા લોકો બહાર પ્રાર્થના કરતા હતા. ૧૧ તેને ધૂપવેદીની જમણી બાજુ યહોવાનો* દૂત ઊભેલો દેખાયો. ૧૨ પણ, એ જોઈને ઝખાર્યા મૂંઝાઈ ગયો અને ઘણો ગભરાઈ ગયો. ૧૩ જોકે, દૂતે તેને કહ્યું: “ઝખાર્યા, બીશ નહિ, કેમ કે તારી વિનંતી સાંભળવામાં આવી છે; તારી પત્ની એલિસાબેત તારા માટે દીકરાને જન્મ આપશે અને તું તેનું નામ યોહાન પાડશે. ૧૪ તને આનંદ અને ઘણી ખુશી મળશે અને તેના જન્મથી ઘણા લોકો હર્ષ પામશે, ૧૫ કેમ કે તે યહોવાની* નજરમાં મહાન બનશે. પણ, તેણે દ્રાક્ષદારૂ કે કોઈ પણ પ્રકારનો શરાબ જરાય પીવો નહિ; તે જન્મ પહેલાંથી* જ પવિત્ર શક્તિથી ભરપૂર થશે ૧૬ અને તે ઇઝરાયેલના ઘણા દીકરાઓને તેઓના ઈશ્વર યહોવા* તરફ પાછા લાવશે. ૧૭ તેમ જ, તે ઈશ્વરની આગળ એલિયા જેવી શક્તિ અને તાકાત સાથે જશે, જેથી પિતાઓના હૃદય બાળકો તરફ ફેરવે અને આજ્ઞા ન માનનારાઓને સત્યતાથી ચાલનારાઓની સમજણ આપે; આમ, તે યોગ્ય લોકોને યહોવા* માટે તૈયાર કરે.”
૧૮ ઝખાર્યાએ દૂતને કહ્યું: “આ કઈ રીતે શક્ય છે? કેમ કે હું વૃદ્ધ થયો છું અને મારી પત્નીની ઉંમર ઘણી થઈ છે.” ૧૯ જવાબમાં દૂતે તેને કહ્યું: “હું ઈશ્વરની આગળ ઊભો રહેનાર ગાબ્રિયેલ છું અને મને તારી સાથે વાત કરવા અને તને આ ખુશખબર જણાવવા મોકલવામાં આવ્યો છે. ૨૦ પણ જો, તું મૂંગો થઈ જઈશ અને આ બધું બને નહિ એ દિવસ સુધી બોલી શકીશ નહિ, કેમ કે તેં મારા શબ્દો પર વિશ્વાસ કર્યો નહિ, જે નક્કી કરેલા સમયે પૂરા થશે.” ૨૧ એ દરમિયાન, લોકો ઝખાર્યાની રાહ જોતા હતા અને તેને પવિત્ર સ્થાનમાં ઘણી વાર લાગી એટલે તેઓ અચંબો પામ્યા. ૨૨ જ્યારે તે બહાર આવ્યો, ત્યારે તેઓ સાથે બોલી ન શક્યો. તેઓને ખબર પડી કે તેણે પવિત્ર સ્થાનમાં દર્શન જોયું છે. તે તેઓને ઇશારા કરતો રહ્યો, પણ બોલી શક્યો નહિ. ૨૩ તેની પવિત્ર સેવાના* દિવસો પૂરા થયા ત્યારે, તે પોતાના ઘરે ગયો.
૨૪ અમુક દિવસો પછી તેની પત્ની એલિસાબેત ગર્ભવતી થઈ અને તે પાંચ મહિના સુધી ઘરમાંથી બહાર નીકળી નહિ; તેણે કહ્યું: ૨૫ “યહોવા* મારી સાથે આમ વર્ત્યા છે. હવે, તેમણે પોતાનું ધ્યાન મારી તરફ ફેરવ્યું છે, જેથી લોકોમાં મારી નિંદા ન થાય.”
૨૬ તેના છઠ્ઠા મહિને, ઈશ્વરે ગાબ્રિયેલ દૂતને ગાલીલના નાઝરેથ શહેરમાં મોકલ્યો. ૨૭ તે જઈને મરિયમ નામની એક કુંવારીને મળ્યો, જેની સગાઈ દાઊદના વંશજ યુસફ નામના માણસ સાથે કરવામાં આવી હતી. ૨૮ દૂત તેની સામે ગયો અને કહ્યું: “હે ઈશ્વરની કૃપા પામેલી, સલામ! યહોવા* તારી સાથે છે.” ૨૯ પણ, તેના શબ્દોથી તે ઘણી મૂંઝાઈ ગઈ અને એ સલામ કયા પ્રકારની હોય શકે, એ સમજવાનો પ્રયત્ન કરવા લાગી. ૩૦ એટલે દૂતે તેને કહ્યું: “મરિયમ, બીશ નહિ, કેમ કે તારા પર ઈશ્વરની કૃપા થઈ છે. ૩૧ અને જો, તું ગર્ભવતી થઈશ, દીકરાને જન્મ આપીશ અને તું તેનું નામ ઈસુ પાડજે. ૩૨ તે મહાન થશે અને સર્વોચ્ચ ઈશ્વરનો દીકરો કહેવાશે અને યહોવા* ઈશ્વર તેના પિતા દાઊદનું રાજ્યાસન તેને આપશે; ૩૩ તે રાજા તરીકે યાકૂબના કુટુંબ પર હંમેશાં રાજ કરશે અને તેના રાજ્યનો કદી અંત નહિ આવે.”
૩૪ પણ મરિયમે દૂતને કહ્યું: “મને કઈ રીતે બાળક થઈ શકે? હું તો કુંવારી છું.”* ૩૫ જવાબમાં દૂતે તેને કહ્યું: “પવિત્ર શક્તિ તારા પર આવશે અને સર્વોચ્ચ ઈશ્વરની શક્તિ તારા પર છવાઈ જશે. એ કારણને લીધે, જે જન્મ પામશે તે ઈશ્વરનો દીકરો અને પવિત્ર કહેવાશે. ૩૬ અને જો, તારા સગામાં જે એલિસાબેત છે, તેને પણ મોટી ઉંમરે પુત્રનો ગર્ભ રહ્યો છે અને જે વાંઝણી કહેવાતી હતી તેને છઠ્ઠો મહિનો ચાલે છે. ૩૭ કેમ કે એવી કોઈ વાત નથી* જે ઈશ્વર માટે અશક્ય હોય.” ૩૮ ત્યારે મરિયમે કહ્યું: “જો, હું યહોવાની* દાસી છું! તારા જણાવ્યા પ્રમાણે મને થાઓ.” પછી, દૂત તેની પાસેથી ગયો.
૩૯ એટલે, એ દિવસોમાં મરિયમ નીકળી અને ઝડપથી યહુદાના એક શહેરમાં જવા પહાડી પ્રદેશમાં મુસાફરી કરી; ૪૦ તે ઝખાર્યાના ઘરે ગઈ અને એલિસાબેતને સલામ કરી. ૪૧ જ્યારે એલિસાબેતે મરિયમની સલામ સાંભળી, ત્યારે તેના ગર્ભમાંનું બાળક કૂદ્યું અને એલિસાબેત પવિત્ર શક્તિથી ભરપૂર થઈ ૪૨ અને તે મોટેથી બોલી ઊઠી: “સ્ત્રીઓમાં તું આશીર્વાદિત છે! તને થનાર બાળક આશીર્વાદિત છે! ૪૩ એ લહાવો મને ક્યાંથી કે મારા પ્રભુની મા મારી પાસે આવી? ૪૪ કેમ કે જો, જ્યારે તારી સલામ મારા કાને પડી, ત્યારે મારા ગર્ભમાંનું બાળક ખુશીથી કૂદ્યું. ૪૫ જે સ્ત્રીએ આ માન્યું છે તે સુખી પણ છે, કેમ કે યહોવા* દ્વારા તેને જે કહેવામાં આવ્યું છે એ બધું પૂરું થશે.”
૪૬ મરિયમે કહ્યું: “હું* યહોવાને* મોટા મનાવું છું ૪૭ અને મને છોડાવનાર ઈશ્વરમાં હું અપાર ખુશી પામું છું, ૪૮ કેમ કે તેમણે પોતાની મામૂલી દાસી પર ધ્યાન આપ્યું છે. અને જુઓ, હવેથી બધી પેઢીઓ મને આશીર્વાદિત કહેશે, ૪૯ કેમ કે શક્તિશાળી ઈશ્વરે મારા માટે મહાન કામ કર્યાં છે અને તેમનું નામ પવિત્ર છે. ૫૦ અને પેઢી દર પેઢી જેઓ તેમનો ડર રાખે છે, તેઓ પર તેમની દયા છે. ૫૧ તેમણે પોતાના હાથે શક્તિશાળી કામો કર્યાં છે; જેઓના હૃદયના ઇરાદાઓ ઘમંડી છે, તેઓને તેમણે વિખેરી નાખ્યા છે. ૫૨ તેમણે શાસકોને રાજ્યાસન પરથી ઉતારી પાડ્યા છે અને નમ્ર લોકોને ઉચ્ચ પદે મૂક્યા છે; ૫૩ તેમણે ભૂખ્યા લોકોને સારી ચીજોથી પૂરેપૂરો સંતોષ પમાડ્યો છે અને ધનવાનોને ખાલી હાથે પાછા મોકલ્યા છે. ૫૪ તે પોતાના સેવક ઇઝરાયેલની મદદે આવ્યા છે. જેમ તેમણે આપણા બાપદાદાઓને કહ્યું હતું, ૫૫ તેમ તેમણે ઈબ્રાહીમ અને તેમના વંશજને* હંમેશાં દયા બતાવી છે.” ૫૬ અને એલિસાબેતની સાથે મરિયમ ત્રણેક મહિના રહી, પછી પોતાના ઘરે આવી.
૫૭ હવે, બાળકને જન્મ આપવાનો એલિસાબેતનો સમય આવ્યો અને તેણે દીકરાને જન્મ આપ્યો. ૫૮ પડોશીઓ અને સગાઓએ સાંભળ્યું કે યહોવાએ* તેના પર ઘણી દયા બતાવી છે અને તેઓએ તેની સાથે આનંદ કર્યો. ૫૯ આઠમા દિવસે તેઓ બાળકની સુન્નત* કરવા આવ્યા અને તેના પિતા ઝખાર્યા પરથી તેનું નામ પાડવાના હતા. ૬૦ પણ, તેની માએ જવાબ આપતા કહ્યું: “ના! પણ તે યોહાન કહેવાશે.” ૬૧ ત્યારે તેઓએ તેને કહ્યું: “તારાં સગાઓમાં એ નામનું કોઈ નથી.” ૬૨ પછી, તેઓ તેના પિતાને ઇશારાથી પૂછવા લાગ્યા કે તે તેનું નામ શું પાડવા માંગે છે. ૬૩ તેણે પાટી માંગીને એના પર લખ્યું: “તેનું નામ યોહાન છે.” એનાથી તેઓ બધા નવાઈ પામ્યા. ૬૪ તરત જ, તેનું મોં ઊઘડી ગયું અને તેની જીભ છૂટી થઈ અને તે ઈશ્વરની સ્તુતિ કરતા બોલવા લાગ્યો. ૬૫ અને આસપાસના વિસ્તારમાં રહેતા બધા ઉપર ભય છવાઈ ગયો અને યહુદિયાના આખા પહાડી પ્રદેશમાં આ બધા વિશે વાત થવા લાગી; ૬૬ આ બધું સાંભળનાર સર્વએ એ વાત મનમાં રાખીને કહ્યું: “આ બાળક કેવું થશે?” કેમ કે યહોવાનો* હાથ ચોક્કસ તેના પર હતો.
૬૭ તેના પિતા ઝખાર્યાએ પવિત્ર શક્તિથી ભરપૂર થઈને ભવિષ્યવાણી કરતા કહ્યું: ૬૮ “ઇઝરાયેલના ઈશ્વર યહોવાની* સ્તુતિ થાઓ, કેમ કે તેમણે પોતાના લોકો તરફ ધ્યાન આપ્યું છે અને તેઓનો ઉદ્ધાર કર્યો છે. ૬૯ તેમણે પોતાના સેવક દાઊદના ઘરમાંથી આપણા માટે શક્તિશાળી બચાવનાર* ઊભો કર્યો છે. ૭૦ પહેલાંના સમયના પવિત્ર પ્રબોધકોના* મોંથી તે બોલ્યા, એવી જ રીતે આ બન્યું છે. ૭૧ તેમણે કહ્યું હતું કે આપણા દુશ્મનો અને જેઓ આપણને નફરત કરે છે, તેઓના હાથમાંથી તે છોડાવશે. ૭૨ આપણા બાપદાદાઓને તેમણે જે કહ્યું એ પૂરું કરશે અને લોકોને દયા બતાવશે. અને તે તેમનો પવિત્ર કરાર યાદ કરશે. ૭૩ આ એ સોગન છે, જે તેમણે આપણા પૂર્વજ ઈબ્રાહીમ આગળ લીધા હતા. ૭૪ ઈશ્વર આપણને દુશ્મનોના હાથમાંથી બચાવ્યા પછી, કોઈ ડર વગર તેમની પવિત્ર સેવા કરવાનો લહાવો આપશે, ૭૫ જેથી આપણે વફાદાર રહીએ અને આખી જિંદગી જે ખરું છે એ કરીએ. ૭૬ પણ મારા દીકરા, તું તો સર્વોચ્ચ ઈશ્વરનો પ્રબોધક કહેવાશે, કેમ કે તું યહોવાના* માર્ગો તૈયાર કરવા તેમની આગળ જઈશ; ૭૭ તું તેમના લોકોને તેઓનાં પાપોની માફીથી મળતા તારણનું જ્ઞાન આપીશ, ૭૮ જે આપણા ઈશ્વરની કરુણાને લીધે થશે. ઉપરથી આવતી એ કરુણા સવારના પ્રકાશ જેવી હશે, ૭૯ જે અંધકારમાં બેઠેલાને અને મૃત્યુની છાયામાં બેઠેલાને પ્રકાશ આપશે અને આપણાં પગલાં શાંતિના માર્ગમાં દોરશે.”
૮૦ તે છોકરો મોટો થયો અને સમજણો થયો અને ઇઝરાયેલ સામે તેના જાહેર થવાનો દિવસ ન આવ્યો, ત્યાં સુધી તે રણપ્રદેશમાં રહ્યો.