પ્રકટીકરણ
૮ ઘેટાએ સાતમી મહોર ખોલી ત્યારે, આશરે અડધા કલાક માટે સ્વર્ગમાં મૌન રહ્યું. ૨ ઈશ્વર આગળ ઊભા રહેતા સાત દૂતોને મેં જોયા અને તેઓને સાત રણશિંગડાં આપવામાં આવ્યાં.
૩ બીજો એક દૂત સોનાની ધૂપદાની લઈને આવ્યો અને વેદી પાસે ઊભો રહ્યો અને તેને ઘણું ધૂપદ્રવ્ય આપવામાં આવ્યું, જેથી રાજ્યાસન સામેની સોનાની વેદી પર પવિત્ર લોકોની પ્રાર્થના સાથે આ ધૂપ ચઢાવે. ૪ દૂતના હાથમાંથી ધૂપનો ધુમાડો પવિત્ર લોકોની પ્રાર્થનાઓ સાથે ઉપર ઈશ્વર પાસે ચઢ્યો. ૫ પરંતુ, તરત જ દૂતે ધૂપદાની લીધી અને વેદીની કેટલીક આગ એમાં ભરી અને પૃથ્વી પર એ આગ નાખી. પૃથ્વી પર ગર્જના, અવાજો, વીજળીના ચમકારા તથા ધરતીકંપ થયા. ૬ અને સાત દૂતોએ સાત રણશિંગડાં વગાડવાની તૈયારી કરી.
૭ પહેલાએ પોતાનું રણશિંગડું વગાડ્યું. અને લોહી સાથે કરા તથા આગ ભળ્યા અને એ પૃથ્વી પર નાખવામાં આવ્યા; અને પૃથ્વીનો ત્રીજો ભાગ બળી ગયો અને વૃક્ષોનો ત્રીજો ભાગ બળી ગયો અને બધી લીલી વનસ્પતિ બળી ગઈ.
૮ બીજા દૂતે પોતાનું રણશિંગડું વગાડ્યું. અને અગ્નિથી બળતા મોટા પહાડ જેવું કંઈક સમુદ્રમાં નાખવામાં આવ્યું. અને સમુદ્રનો ત્રીજો ભાગ લોહી થઈ ગયો; ૯ અને સમુદ્રના ત્રીજા ભાગનાં જીવતાં પ્રાણીઓ* મરણ પામ્યા અને ત્રીજા ભાગનાં વહાણો ભાંગી ગયાં.
૧૦ ત્રીજા દૂતે પોતાનું રણશિંગડું વગાડ્યું. અને દીવાની જેમ બળતો એક મોટો તારો આકાશમાંથી નીચે પડ્યો અને નદીઓના ત્રીજા ભાગ પર અને પાણીનાં ઝરણાંના* ત્રીજા ભાગ પર એ પડ્યો. ૧૧ એ તારાનું નામ કડવો છોડ છે. અને પાણીનો ત્રીજો ભાગ કડવો થઈ ગયો અને ઘણા લોકો એ કડવા પાણીને લીધે મરણ પામ્યા.
૧૨ ચોથા દૂતે પોતાનું રણશિંગડું વગાડ્યું. અને સૂર્યના ત્રીજા ભાગ પર તથા ચંદ્રના ત્રીજા ભાગ પર તથા તારાઓના ત્રીજા ભાગ પર પ્રહાર થયો, જેથી તેઓના ત્રીજા ભાગ પર અંધારું છવાયેલું હોય અને દિવસના ત્રીજા ભાગ પર અજવાળું ન હોય, એવું જ રાતનું પણ થાય.
૧૩ અને મેં જોયું અને આકાશમાં ઊડતા ગરુડને મોટે અવાજે કહેતો સાંભળ્યો: “બીજા ત્રણ દૂતો રણશિંગડાં વગાડવાની તૈયારીમાં છે; એ રણશિંગડાઓના અવાજને લીધે પૃથ્વી પર રહેનારાઓને અફસોસ, અફસોસ, અફસોસ!”