યાકૂબ
૨ મારા ભાઈઓ, શું એ ખરું નથી કે તમે આપણા મહિમાવાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર શ્રદ્ધા રાખો છો અને સાથે સાથે પક્ષપાત પણ કરો છો? ૨ માનો કે કોઈ માણસ ભપકાદાર કપડાં અને આંગળીઓ પર સોનાની વીંટીઓ પહેરીને તમારી સભામાં આવે છે અને ગંદાં કપડાં પહેરેલો એક ગરીબ માણસ પણ આવે છે. ૩ શું તમે ભપકાદાર કપડાં પહેરેલા માણસને વધારે માન આપીને એમ કહો છો કે, “તમે અહીં સારી જગ્યાએ બેસો”? પણ શું પેલા ગરીબ માણસને એમ કહો છો કે, “તું ઊભો રહે,” અથવા “ત્યાં નીચે મારા પગના આસન પાસે બેસ”? ૪ જો એમ હોય, તો શું તમારામાં ઊંચ-નીચનો ભેદભાવ નથી? શું તમે દુષ્ટતાથી ન્યાય કરનારા બનતા નથી?
૫ મારા વહાલા ભાઈઓ, સાંભળો. દુનિયાની નજરે ગરીબ છે, તેઓને શું ઈશ્વરે પસંદ કર્યા નથી, જેથી તેઓ શ્રદ્ધામાં ધનવાન થાય અને રાજ્યના વારસ બને? એ વચન ઈશ્વરે તેમના પર પ્રેમ રાખનારાને આપ્યું છે. ૬ પણ, તમે ગરીબોનું અપમાન કર્યું છે. શું ધનવાનો તમારા પર જુલમ કરતા નથી અને તમને અદાલતમાં ઘસડી જતા નથી? ૭ જે ઉત્તમ નામ તમને આપવામાં આવ્યું છે, એની શું તેઓ નિંદા કરતા નથી? ૮ શાસ્ત્રમાં લખેલું છે કે, “જેવો પોતાના પર એવો તારા પડોશી* પર પ્રેમ રાખ.” જો તમે આ રાજમાન્ય* નિયમ પાળતા હો, તો ઘણું સારું કરો છો. ૯ પણ જો તમે પક્ષપાત કરતા હો, તો તમે પાપ કરો છો અને એ નિયમનો ભંગ કરનારા તરીકે દોષિત ઠરો છો.
૧૦ કારણ, જો કોઈ વ્યક્તિ આખું નિયમશાસ્ત્ર* પાળે, પણ એક નિયમ તોડે તો તે સર્વ નિયમો તોડવાનો અપરાધી ઠરે છે. ૧૧ જે ઈશ્વરે કહ્યું છે કે, “તું વ્યભિચાર* ન કર,” તેમણે એમ પણ કહ્યું છે કે, “તું ખૂન ન કર.” હવે, જો તમે વ્યભિચાર* કરતા નથી પણ ખૂન કરો છો, તો તમે નિયમ તોડનાર બનો છો. ૧૨ તમારાં વાણી અને વર્તન એ લોકો જેવા રાખો, જેઓનો ન્યાય સ્વતંત્ર લોકો માટેના નિયમ* દ્વારા થવાનો છે. ૧૩ કારણ કે જે દયા બતાવતો નથી, તેનો ન્યાય દયા વગર કરવામાં આવશે. ન્યાય પર દયાનો વિજય થાય છે.
૧૪ મારા ભાઈઓ, જો કોઈ કહે કે તેને શ્રદ્ધા છે, પણ એ પ્રમાણે કાર્યો ન કરતો હોય, તો એનો શું ફાયદો? એવી શ્રદ્ધા તેને બચાવી નહિ શકે, ખરું ને? ૧૫ જો કોઈ ભાઈ કે બહેન પાસે પૂરતાં કપડાં ન હોય* અને દિવસ માટે પૂરતું ખાવાનું ન હોય ૧૬ તોપણ, તમારામાંથી કોઈક તેઓને કહે કે, “ખુશીથી જાઓ; સારું પહેરો અને ધરાઈને જમો.” પણ તેઓનાં શરીરને જે જરૂરી છે, એ તમે ન આપો તો એનો શું ફાયદો? ૧૭ એ જ રીતે, જો શ્રદ્ધા સાથે કાર્યો ન હોય, તો એ શ્રદ્ધા મરેલી છે.
૧૮ કોઈક કહેશે કે, “તારી પાસે શ્રદ્ધા છે અને મારી પાસે કાર્યો છે. તારી શ્રદ્ધા કાર્યો વગર મને બતાવ અને હું તને મારી શ્રદ્ધા મારાં કાર્યોથી બતાવીશ.” ૧૯ તમે માનો છો કે ઈશ્વર એક જ છે, ખરું ને? તમે બહુ સારું કરો છો. દુષ્ટ દૂતો પણ એવું માને છે અને ડરથી કાંપે છે. ૨૦ પણ ઓ મૂર્ખ માણસ! શું તને એ વાતની સાબિતી જોઈએ છે કે કાર્યો વગર શ્રદ્ધા નકામી છે? ૨૧ આપણા પિતા ઈબ્રાહીમે પોતાના દીકરા ઇસહાકનું બલિદાન ચડાવવા તેમને વેદી પર મૂક્યા; એટલે, ઈબ્રાહીમને તેમનાં કાર્યોને લીધે ન્યાયી ઠરાવાયા ન હતા શું? ૨૨ તમે જુઓ છો કે તેમની શ્રદ્ધાની સાથે સાથે તેમનાં કાર્યો પણ હતાં અને તેમનાં કાર્યો દ્વારા તેમની શ્રદ્ધા સંપૂર્ણ થઈ હતી; ૨૩ અને આ શાસ્ત્રવચન પૂરું થયું, જે કહે છે: “ઈબ્રાહીમે યહોવામાં* શ્રદ્ધા મૂકી જેના લીધે તે નેક ગણાયો” અને તે યહોવાના* મિત્ર કહેવાયા.
૨૪ હવે તમે જાણો છો કે માણસ ફક્ત શ્રદ્ધાથી જ નહિ, પણ કાર્યોથી ન્યાયી ઠરાવાય છે. ૨૫ એ જ રીતે, રાહાબ વેશ્યાએ પણ જાસૂસોની* પરોણાગત કરી અને તેઓને બીજે રસ્તે બહાર મોકલી દીધા ત્યારે, શું તેને તેનાં કાર્યોને લીધે ન્યાયી ઠરાવવામાં આવી ન હતી? ૨૬ સાચે જ, જેમ શ્વાસ* વગર શરીર મરેલું છે, તેમ કાર્યો વગર શ્રદ્ધા મરેલી છે.