દાનિયેલ
૧૧ પછી તેણે કહ્યું: “માદી રાજા દાર્યાવેશના+ રાજના પહેલા વર્ષે, મેં ઊભા થઈને મિખાયેલને* દૃઢ અને મજબૂત કર્યો.* ૨ હવે હું તને એક સત્ય જણાવું છું:
“સાંભળ! ઈરાનમાં બીજા ત્રણ રાજાઓ ઊભા થશે અને ચોથો એ બધા કરતાં વધારે સંપત્તિ ભેગી કરશે. તે પોતાની સંપત્તિથી બળવાન થશે ત્યારે, ગ્રીસના રાજ્ય+ વિરુદ્ધ બધાને ઊભા કરશે.
૩ “પછી એક શક્તિશાળી રાજા ઊભો થશે. તે પૂરી તાકાતથી* રાજ કરશે+ અને મનમાની કરશે. ૪ પણ તેના ઊભા થયા પછી તેનું રાજ્ય ભાંગી પડશે અને આકાશની ચાર દિશાઓમાં* વહેંચાઈ જશે.+ એ રાજ્ય તેના વંશજોને આપવામાં નહિ આવે અને તેની જેમ પૂરી તાકાતથી રાજ ચલાવવામાં નહિ આવે. કેમ કે તેના રાજ્યને જડમૂળથી ઉખેડી નાખવામાં આવશે અને બીજાઓને સોંપી દેવામાં આવશે.
૫ “તેના આગેવાનોમાંથી એક, એટલે કે દક્ષિણનો રાજા બળવાન થશે. પણ બીજો એક* તેનાથી વધારે બળવાન થશે, તે પૂરી તાકાતથી રાજ કરશે અને તેના કરતાં પણ વધારે અધિકાર મેળવશે.
૬ “થોડાં વર્ષો પછી તેઓ એક સંધિ કરશે. દક્ષિણના રાજાની દીકરી ઉત્તરના રાજા પાસે આવશે, જેથી તેઓ કરાર* કરી શકે. પણ એ દીકરી પાસે તાકાત નહિ રહે, રાજા પણ ટકશે નહિ અને તેની તાકાતનો અંત આવશે. એ દીકરીને બીજાઓના હાથમાં સોંપવામાં આવશે. તેને અને તેને લાવનારાઓને, તેના પિતાને અને એ દિવસોમાં તેને મજબૂત કરનારને પણ બીજાઓના હાથમાં સોંપવામાં આવશે. ૭ એ દીકરીના મૂળમાંથી ફૂટેલો ફણગો પોતાના પિતાની* જગ્યાએ ઊભો થશે. તે સેના પાસે આવશે અને ઉત્તરના રાજાના કિલ્લા પર ચઢાઈ કરશે. તે તેઓ વિરુદ્ધ પગલાં ભરશે અને જીત મેળવશે. ૮ તે તેઓના દેવો, ધાતુની મૂર્તિઓ, સોના-ચાંદીની કીમતી* ચીજવસ્તુઓ અને ગુલામો સાથે ઇજિપ્ત આવશે. તે અમુક વર્ષો સુધી ઉત્તરના રાજા પર ચઢાઈ નહિ કરે. ૯ પણ ઉત્તરનો રાજા દક્ષિણના રાજાના રાજ્ય પર હુમલો કરશે, પણ પાછો પોતાના દેશ ચાલ્યો જશે.
૧૦ “તેના* દીકરાઓ યુદ્ધની તૈયારી કરશે, તેઓ ખૂબ મોટી અને વિશાળ સેના ભેગી કરશે. તે ચોક્કસ આગળ વધશે અને પૂરની જેમ બધું તાણી જશે. પણ તે પાછો ફરશે અને યુદ્ધ કરતાં કરતાં પોતાના કિલ્લાએ પાછો જશે.
૧૧ “પછી દક્ષિણનો રાજા ખૂબ ક્રોધે ભરાશે અને તેની સામે, એટલે કે ઉત્તરના રાજા સામે જઈને લડશે. તે* મોટું ટોળું ભેગું કરશે, પણ એ ટોળું પેલા રાજાના* હાથમાં સોંપવામાં આવશે ૧૨ અને તે ટોળાને લઈ જશે. તેનું દિલ ઘમંડી બનશે અને તે લાખોને પાડી નાખશે, પણ તે પોતાની મજબૂત સ્થિતિનો ફાયદો નહિ ઉઠાવે.
૧૩ “ઉત્તરનો રાજા પાછો આવશે અને અગાઉના કરતાં મોટું ટોળું ભેગું કરશે. સમયોના અંતે, અમુક વર્ષો પછી, તે હથિયારોથી સજ્જ થયેલી વિશાળ સેના લઈને જરૂર આવશે. ૧૪ એ સમયોમાં દક્ષિણના રાજા વિરુદ્ધ ઘણા ઊભા થશે.
“તારા લોકોમાંથી હિંસક માણસો* બીજાઓની વાતોમાં આવીને દર્શન સાચું પાડવાની કોશિશ કરશે, પણ તેઓ નિષ્ફળ જશે.*
૧૫ “ઉત્તરનો રાજા આવશે, તે હુમલો કરશે અને કોટવાળું શહેર જીતી લેશે. દક્ષિણની સેનાઓ કે તેના યોદ્ધાઓ ટકી નહિ શકે. તેઓમાં સામનો કરવાની તાકાત નહિ રહે. ૧૬ દક્ષિણના રાજા સામે ચઢી આવનાર પોતાની મરજી પ્રમાણે કરશે. તેની સામે કોઈ ટકી નહિ શકે. તે સુંદર દેશમાં*+ ઊભો રહેશે અને તેના હાથમાં નાશ કરવાની શક્તિ હશે. ૧૭ તે દૃઢ નિશ્ચય કરીને પોતાના રાજ્યની પૂરી તાકાત સાથે આવશે. તેની સાથે કરાર* કરવામાં આવશે અને તે પગલાં ભરશે. તેને સ્ત્રીઓની દીકરીનો નાશ કરવાની મંજૂરી આપવામાં આવશે. એ દીકરી સફળ થશે નહિ અને રાજાના* પક્ષમાં રહેશે નહિ. ૧૮ તે દરિયા કિનારાના વિસ્તારો તરફ નજર કરશે અને ઘણા પ્રદેશો કબજે કરશે. એક સેનાપતિ તેનું અપમાન દૂર કરશે, જેથી તેના અપમાનનો અંત આવે. એ સેનાપતિ અપમાન કરનારના માથે અપમાન પાછું વાળશે. ૧૯ પછી તે પોતાના દેશના કિલ્લાઓ તરફ ધ્યાન આપશે. તે ઠોકર ખાઈને પડી જશે અને ફરી કદી નજરે નહિ પડે.
૨૦ “તેની જગ્યાએ બીજો એક રાજા ઊભો થશે. તે પોતાના ભવ્ય રાજ્યમાં બધે એક કર ઉઘરાવનાર* મોકલશે, પણ થોડા દિવસોમાં તે મરી જશે. જોકે, હિંસા કે યુદ્ધને લીધે તેનું મોત નહિ થાય.
૨૧ “તેની જગ્યાએ એક તુચ્છ* માણસ ઊભો થશે, પણ તેઓ રાજ્યનો વૈભવ તેના હાથમાં નહિ સોંપે. તે સલામતીના સમયમાં* આવશે અને કપટથી* રાજ્ય મેળવી લેશે. ૨૨ તે પૂર જેવા લશ્કરોને તાબે કરશે. તેઓને કચડી નાખવામાં આવશે. કરારના+ આગેવાનને+ પણ કચડી નાખવામાં આવશે. ૨૩ તેઓ સાથે કરેલી સંધિને લીધે તે કપટ કરતો રહેશે. તે ઊભો થશે અને એક નાની પ્રજાથી શક્તિશાળી બનશે. ૨૪ સલામતીના સમયમાં* તે પ્રાંતના સૌથી ઉત્તમ પ્રદેશમાં આવશે. તેના બાપદાદાઓએ કે પૂર્વજોએ કર્યાં ન હોય એવાં કામ તે કરશે. તે લોકોમાં લૂંટનો માલ અને બીજી વસ્તુઓ વહેંચશે. તે કોટવાળી જગ્યાઓ વિરુદ્ધ કાવતરાં ઘડશે, પણ ફક્ત થોડા સમય માટે એમ કરી શકશે.
૨૫ “તે તાકાત અને હિંમત ભેગી કરશે અને મોટી સેના લઈને દક્ષિણના રાજા પર ચઢાઈ કરશે. દક્ષિણનો રાજા ખૂબ જ વિશાળ અને શક્તિશાળી સેના લઈને યુદ્ધની તૈયારી કરશે. પણ તે ટકી નહિ શકે, કેમ કે તેઓ તેની વિરુદ્ધ કાવતરાં ઘડશે. ૨૬ તેની સાથે સ્વાદિષ્ટ ભોજન ખાનારા તેને પાડી નાખશે.
“તેની સેનાનો સફાયો થઈ જશે* અને ઘણા માર્યા જશે.
૨૭ “એ બે રાજાઓનું દિલ બૂરાઈ કરવા તરફ ઢળેલું હશે. તેઓ એક મેજ પર બેસીને એકબીજાને જૂઠું કહેશે. પણ તેઓ કશામાં સફળ નહિ થાય, કેમ કે અંત તો ઠરાવેલા સમયે આવશે.+
૨૮ “તે* પુષ્કળ ધનદોલત લઈને પોતાના દેશ પાછો જશે. તેનું દિલ પવિત્ર કરારની વિરુદ્ધ હશે. તે પગલાં ભરશે અને પોતાના દેશમાં પાછો ફરશે.
૨૯ “ઠરાવેલા સમયે તે પાછો આવશે અને દક્ષિણ પર હુમલો કરશે. પણ આ સમયે સંજોગો અગાઉ જેવા નહિ હોય, ૩૦ કેમ કે કિત્તીમનાં+ વહાણો તેની વિરુદ્ધ આવશે અને તેને નીચો કરવામાં આવશે.
“તે પાછો જશે, પવિત્ર કરાર પર પોતાનો ક્રોધ* રેડશે+ અને પગલાં ભરશે. તે પાછો જશે અને પવિત્ર કરારનો ત્યાગ કરનાર લોકો પર ધ્યાન આપશે. ૩૧ તેની સેનાઓ ઊભી થશે. તેઓ પવિત્ર જગ્યાને અને કિલ્લાને ભ્રષ્ટ કરશે+ અને દરરોજનું અર્પણ બંધ કરશે.+
“તેઓ વિનાશ લાવનારી ધિક્કારપાત્ર વસ્તુને ઊભી કરશે.+
૩૨ “જેઓ કરાર વિરુદ્ધ દુષ્ટ કામો કરે છે, તેઓને તે* મીઠી મીઠી વાતો* કરીને બંડ* કરવા દોરશે. પણ જેઓ પોતાના ઈશ્વરને ઓળખે છે, તેઓ દૃઢ રહેશે અને પગલાં ભરશે. ૩૩ લોકોમાંથી જેઓ પાસે ઊંડી સમજણ છે,+ તેઓ ઘણાને સમજણ આપશે. તેઓ થોડા સમય માટે ઠોકર ખાશે. તેઓ તલવાર, આગ, ગુલામી અને લૂંટનો શિકાર બનશે. ૩૪ પણ તેઓને પાડી નાખવામાં આવશે ત્યારે તેઓને થોડી મદદ આપવામાં આવશે. ઘણા લોકો મીઠી મીઠી વાતો* કરીને તેઓની સાથે જોડાશે. ૩૫ જેઓ પાસે ઊંડી સમજણ છે, તેઓમાંથી અમુકને પાડી નાખવામાં આવશે, જેથી તેઓના લીધે શુદ્ધ કરવાનું કામ થાય તેમજ સાફ કરવાનું અને ઊજળા કરવાનું કામ+ અંત સુધી ચાલતું રહે. કેમ કે ઠરાવેલો સમય હજુ આવ્યો નથી.
૩૬ “રાજા* પોતાની મરજી પ્રમાણે કરશે. તે બીજા બધા દેવો કરતાં પોતાને ઊંચો અને મહાન કરશે. તે ઈશ્વરોના ઈશ્વર+ વિરુદ્ધ ઘમંડી વાતો કહેશે. ક્રોધના સમયનો અંત આવશે ત્યાં સુધી તે સફળ થશે, કેમ કે જે નક્કી કરવામાં આવ્યું છે, એ પૂરું થઈને જ રહેશે. ૩૭ તે પોતાના પિતાઓના ઈશ્વરને જરાય માન નહિ આપે. તે સ્ત્રીઓની ઇચ્છાને કે કોઈ દેવને ગણકારશે નહિ, પણ બધા કરતાં પોતાને મહાન ગણશે. ૩૮ તે કિલ્લાઓના દેવને મહિમા આપશે. તેના પિતાઓ જાણતા ન હતા એવા દેવને તે સોના-ચાંદી, મૂલ્યવાન પથ્થરો અને કીમતી* ચીજવસ્તુઓથી મહિમા આપશે. ૩૯ પારકા દેવ પર આધાર રાખીને* તે સૌથી મજબૂત કિલ્લાઓ વિરુદ્ધ પગલાં ભરશે. જેઓ તેને સ્વીકારે છે,* તેઓને તે ખૂબ માન-મહિમા આપશે. તે તેઓને ઘણા લોકો પર રાજ કરવાનો અધિકાર આપશે અને મૂલ્ય લઈને તે જમીન વહેંચી આપશે.
૪૦ “અંતના સમયે દક્ષિણનો રાજા તેની સામે થશે.* ઉત્તરનો રાજા વાવાઝોડાની જેમ રથો, ઘોડેસવારો અને વહાણોનો કાફલો લઈને તેની વિરુદ્ધ ચઢી આવશે. તે દેશોમાં જશે અને પૂરની જેમ બધું તાણી જશે. ૪૧ તે સુંદર દેશમાં*+ પણ જશે અને ઘણા દેશોને હરાવશે. પણ અદોમ, મોઆબ અને આમ્મોનીઓનો મુખ્ય ભાગ તેના હાથમાંથી બચી જશે. ૪૨ તે દેશો પર હાથ ઉગામતો રહેશે. ઇજિપ્ત પણ તેનાથી બચી નહિ શકે. ૪૩ તે સોના-ચાંદીના છૂપા ભંડારો પર અને ઇજિપ્તની કીમતી* ચીજવસ્તુઓ પર રાજ કરશે. લિબિયા અને ઇથિયોપિયાના લોકો તેની પાછળ જશે.*
૪૪ “પણ પૂર્વથી* અને ઉત્તરથી આવતા સમાચારો તેને બેચેન કરી દેશે. તે ખૂબ ગુસ્સે ભરાઈને ઘણાનો સંહાર અને સર્વનાશ કરવા નીકળી પડશે. ૪૫ તે વિશાળ સમુદ્ર અને સુંદર દેશના*+ પવિત્ર પર્વત વચ્ચે પોતાના શાહી* તંબુઓ ઊભા કરશે. આખરે તેનો અંત આવશે અને તેને મદદ કરનાર કોઈ નહિ હોય.