યશાયા
૪૬ બેલ દેવ નમી ગયો છે,+ નબો દેવ વાંકો વળી ગયો છે.
થાકેલાં જાનવરો પર સામાન નાખવામાં આવે તેમ,
તેઓની મૂર્તિઓ જાનવરો પર નાખવામાં આવી છે.+
૨ તેઓ બંને એકસાથે વાંકા વળી ગયા છે અને નમી ગયા છે.
તેઓનો સામાન* લઈ જવામાં આવે છે, પણ તેઓ એને બચાવી શકતા નથી.
તેઓ પોતે પણ ગુલામીમાં જાય છે.
૩ “હે યાકૂબના વંશજો, ઇઝરાયેલી પ્રજામાંથી બચેલા બધા લોકો,+ મારું સાંભળો!
મેં તમને જન્મથી સાથ આપ્યો છે અને ગર્ભમાં હતા ત્યારથી સંભાળી રાખ્યા છે.+
૪ તમારા ઘડપણમાં પણ હું જે છું, એ જ રહીશ.+
તમારા વાળ સફેદ થાય ત્યારે પણ હું તમને ઊંચકી લઈશ.
મેં હમણાં સુધી કર્યું છે તેમ, હું તમારી સંભાળ રાખીશ, તમને ઊંચકી લઈશ અને બચાવી લઈશ.+
૫ તમે મને કોની સાથે સરખાવશો? કોના જેવો ગણશો?+
તમે મારી સરખામણી કોની સાથે કરશો, જેથી અમે એકસરખા દેખાઈએ?+
૬ એવા લોકો પણ છે, જેઓ પોતાની થેલીમાંથી સોનું ઠાલવે છે.
તેઓ ત્રાજવામાં ચાંદી તોળે છે.
તેઓ સોનીને બોલાવે છે અને તે એમાંથી દેવની મૂર્તિ બનાવે છે.+
પછી તેઓ એને પગે લાગે છે અને એની પૂજા કરે છે.+
૭ તેઓ એને પોતાના ખભા પર ઊંચકી જાય છે.+
તેઓ એને ઊંચકીને એની જગ્યાએ મૂકે છે અને એ ત્યાં ને ત્યાં જ ઊભી રહે છે.
એ પોતાની જગ્યાએથી ખસતી નથી.+
તેઓ એને પોકારે છે પણ એ કોઈ જવાબ આપતી નથી.
એ કોઈને મુસીબતમાંથી બચાવી શકતી નથી.+
૮ ઓ પાપીઓ, એ યાદ રાખો!
એ ભૂલતા નહિ, જેથી તમે હિંમતથી કામ લો.
૯ લાંબા સમય પહેલાંની* વાતો યાદ કરો.
હું જ ઈશ્વર છું અને બીજો કોઈ નથી.
હું ઈશ્વર છું અને મારા જેવો બીજો કોઈ નથી.+
૧૦ શરૂઆતથી હું પરિણામ જાહેર કરું છું,
જે બનાવો હજી બન્યા નથી એ વિશે હું લાંબા સમય અગાઉથી જણાવું છું.+
હું કહું છું, ‘મેં ધાર્યું છે એ ચોક્કસ થશે.*+
હું જે ચાહું છું એ જરૂર પૂરું કરીશ.’+
૧૧ હું પૂર્વથી* શિકારી પક્ષીને બોલાવું છું.+
મેં ધાર્યું છે એ પૂરું કરવા* દૂર દેશથી હું એક માણસને બોલાવું છું.+
હું જે બોલ્યો છું, એ પૂરું પણ કરીશ.
મેં જે હેતુ ઘડ્યો છે, એ ચોક્કસ પૂરો કરીશ.+
૧૨ ઓ હઠીલાં દિલના લોકો,
સચ્ચાઈથી દૂર ચાલ્યા ગયેલા લોકો, મારું સાંભળો!
૧૩ મારી સચ્ચાઈ બતાવવાનો સમય હું પાસે લાવ્યો છું,
હા, એ દૂર નથી.
હું જે ઉદ્ધાર લાવવાનો છું, એમાં મોડું નહિ થાય.+
હું સિયોનનો ઉદ્ધાર કરીશ, હું ઇઝરાયેલને મારું ગૌરવ આપીશ.”+