પહેલો શમુએલ
૭ કિર્યાથ-યઆરીમના લોકો આવીને યહોવાનો કરારકોશ લઈ ગયા. તેઓએ એને અબીનાદાબના ઘરે+ મૂક્યો, જે ટેકરી પર આવેલું હતું. યહોવાના કરારકોશની સંભાળ રાખવા તેઓએ તેના દીકરા એલઆઝારને પવિત્ર કર્યો.
૨ તેઓ કરારકોશ કિર્યાથ-યઆરીમમાં લાવ્યા એને ઘણાં વર્ષો, એટલે કે ૨૦ વર્ષો વીતી ગયાં. પછી ઇઝરાયેલના બધા લોકો મદદ લેવા યહોવા તરફ ફર્યા.+ ૩ એટલે શમુએલે બધા ઇઝરાયેલીઓને કહ્યું: “તમારા પૂરા દિલથી યહોવા પાસે આવો.+ તમારી વચ્ચેથી બીજા દેવોને+ અને આશ્તોરેથ દેવીની મૂર્તિઓને+ કાઢી નાખો. તમારું પૂરું દિલ યહોવા પર લગાડો અને ફક્ત તેમની જ ભક્તિ કરો.+ જો એમ કરશો તો તે તમને પલિસ્તીઓના હાથમાંથી બચાવશે.”+ ૪ એ પછી ઇઝરાયેલીઓએ બઆલ* દેવો અને આશ્તોરેથ દેવીની મૂર્તિઓ કાઢી નાખી અને તેઓ ફક્ત યહોવાને જ ભજવા લાગ્યા.+
૫ શમુએલે કહ્યું: “બધા ઇઝરાયેલીઓને મિસ્પાહમાં ભેગા કરો.+ હું તમારા માટે યહોવાને પ્રાર્થના કરીશ.”+ ૬ એટલે તેઓ મિસ્પાહમાં ભેગા થયા. તેઓએ પાણી લાવીને યહોવા આગળ રેડ્યું* અને એ દિવસે ઉપવાસ કર્યો.+ તેઓએ કહ્યું: “અમે યહોવા વિરુદ્ધ પાપ કર્યું છે.”+ એ સમયથી શમુએલ મિસ્પાહમાં ઇઝરાયેલીઓનો ન્યાય કરવા લાગ્યો.+
૭ પલિસ્તીઓએ સાંભળ્યું કે ઇઝરાયેલીઓ મિસ્પાહમાં ભેગા થયા છે. પલિસ્તીઓના શાસકો+ ઇઝરાયેલીઓ સામે લડવા નીકળી પડ્યા. એ સાંભળીને ઇઝરાયેલીઓને પલિસ્તીઓનો ઘણો ડર લાગ્યો. ૮ ઇઝરાયેલીઓએ શમુએલને કહ્યું: “આપણા ઈશ્વર યહોવાને પ્રાર્થના કરવાનું ચાલુ રાખજો કે તે આપણને મદદ કરે+ અને પલિસ્તીઓના હાથમાંથી બચાવે.” ૯ પછી શમુએલે એક ધાવણું ઘેટું લીધું અને અગ્નિ-અર્પણ+ તરીકે આખેઆખું યહોવાને ચઢાવ્યું. શમુએલે ઇઝરાયેલ માટે યહોવાને મદદનો પોકાર કર્યો અને યહોવાએ તેની વિનંતી સાંભળી.+ ૧૦ શમુએલ અગ્નિ-અર્પણ ચઢાવતો હતો ત્યારે, પલિસ્તીઓ ઇઝરાયેલીઓ સામે લડવા પાસે ને પાસે આવી રહ્યા હતા. યહોવાએ એ દિવસે પલિસ્તીઓ વિરુદ્ધ આકાશમાંથી ભારે ગાજવીજ કરાવી+ અને તેઓને ગૂંચવી નાખ્યા.+ એટલે તેઓ ઇઝરાયેલીઓ સામે હારી ગયા.+ ૧૧ એ જોઈને ઇઝરાયેલી માણસો મિસ્પાહથી નીકળ્યા અને પલિસ્તીઓનો પીછો કર્યો. પલિસ્તીઓને મારતાં મારતાં તેઓ છેક બેથ-કારની દક્ષિણે પહોંચી ગયા. ૧૨ પછી શમુએલે એક પથ્થર લીધો+ અને મિસ્પાહ તથા યશાનાહની વચ્ચે ઊભો કર્યો. તેણે એનું નામ એબેન-એઝેર* પાડ્યું અને કહ્યું: “યહોવાએ અત્યાર સુધી આપણને મદદ કરી છે.”+ ૧૩ આમ પલિસ્તીઓએ હાર ખાધી અને તેઓ ઇઝરાયેલના વિસ્તારમાં ફરી કદી પાછા આવ્યા નહિ.+ શમુએલ જીવ્યો ત્યાં સુધી યહોવાનો હાથ પલિસ્તીઓ વિરુદ્ધ હતો.+ ૧૪ પલિસ્તીઓએ લઈ લીધેલાં શહેરો, એટલે કે એક્રોનથી ગાથ સુધીનાં શહેરો ઇઝરાયેલીઓના હાથમાં પાછાં આવ્યાં. પલિસ્તીઓએ પચાવી પાડેલો વિસ્તાર ઇઝરાયેલીઓએ પાછો મેળવ્યો.
ઇઝરાયેલીઓ અને અમોરીઓ વચ્ચે પણ શાંતિ હતી.+
૧૫ શમુએલે જીવનભર ઇઝરાયેલનો ન્યાય કર્યો.+ ૧૬ તે દર વર્ષે બેથેલ,+ ગિલ્ગાલ+ અને મિસ્પાહની+ મુલાકાત લેતો. આ બધી જગ્યાઓએ તે ઇઝરાયેલીઓનો ન્યાય કરતો. ૧૭ પણ તે રામા પાછો આવતો,+ કેમ કે તેનું ઘર ત્યાં હતું. તે ત્યાંના ઇઝરાયેલીઓનો પણ ન્યાય કરતો. તેણે ત્યાં યહોવા માટે એક વેદી બાંધી હતી.+