હઝકિયેલ
૨૫ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, તારું મોં આમ્મોનીઓ+ તરફ ફેરવીને તેઓ વિરુદ્ધ ભવિષ્યવાણી કર.+ ૩ તું આમ્મોનીઓને કહે કે ‘વિશ્વના માલિક યહોવાનો સંદેશો સાંભળો. વિશ્વના માલિક યહોવા કહે છે: “જ્યારે મારું મંદિર અશુદ્ધ થયું, ઇઝરાયેલ દેશ બરબાદ થયો અને યહૂદાના લોકો ગુલામીમાં ગયા, ત્યારે તમે કહ્યું, ‘બહુ સારું થયું!’ ૪ એટલે હું તમને પૂર્વના લોકોના હાથમાં સોંપી દઉં છું. તેઓ તમારા પર કબજો જમાવશે. તેઓ તમારામાં છાવણીઓ* નાખશે અને તમારી વચ્ચે તંબુઓ બાંધશે. તેઓ તમારા દેશની ઊપજ ખાશે અને ઢોરઢાંકનું દૂધ પીશે. ૫ હું રાબ્બાહને+ ઊંટો ચરાવવાની જગ્યા અને આમ્મોનીઓના દેશને ઢોરઢાંકને આરામ કરવાની જગ્યા બનાવી દઈશ. પછી તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.”’”
૬ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તમે તાળીઓ પાડી+ અને આનંદથી ઝૂમી ઊઠ્યા.* આ રીતે તમે ઇઝરાયેલ દેશની મજાક ઉડાવી અને ખુશ થયા.+ ૭ એટલે હું તમારી વિરુદ્ધ હાથ લંબાવીને તમને બીજી પ્રજાઓના હાથમાં સોંપી દઈશ. તેઓ તમને લૂંટી લેશે. હું લોકોમાંથી તમારું નામનિશાન મિટાવી દઈશ અને દેશોમાંથી તમારો સફાયો કરી નાખીશ.+ હું તમારો વિનાશ કરીશ અને તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’
૮ “વિશ્વના માલિક યહોવા જણાવે છે: ‘મોઆબ+ અને સેઈર+ કહે છે કે “જુઓ! યહૂદાના લોકો બીજી બધી પ્રજાઓ જેવા છે.” ૯ એટલે હું મોઆબનાં સરહદ અને ઢોળાવ પરનાં સૌથી સુંદર શહેરો પર,* બેથ-યશીમોથ, બઆલ-મેઓન અને છેક કિર્યાથાઈમ+ સુધી હુમલો કરાવીશ. ૧૦ હું મોઆબીઓને પણ આમ્મોનીઓની સાથે સાથે પૂર્વના લોકોના હાથમાં સોંપી દઈશ+ અને એ લોકો તેઓ પર કબજો જમાવશે. પછી બીજી પ્રજાઓમાં આમ્મોનીઓને યાદ કરવામાં આવશે નહિ.+ ૧૧ હું મોઆબનો ન્યાય કરીશ અને તેને સજા કરીશ.+ તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’
૧૨ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘અદોમે યહૂદાના લોકો પર વેર વાળ્યું છે અને એમ કરીને એણે મોટો ગુનો કર્યો છે.+ ૧૩ એટલે વિશ્વના માલિક યહોવા કહે છે: “હું મારો હાથ અદોમ વિરુદ્ધ પણ લંબાવીશ. હું એના બધા માણસો અને ઢોરઢાંકનો સંહાર કરીશ. હું એને ઉજ્જડ બનાવી દઈશ.+ તેમાનથી છેક દદાન સુધી તેઓ તલવારથી માર્યા જશે.+ ૧૪ ‘હું મારા ઇઝરાયેલી લોકોના હાથે અદોમ પર વેર વાળીશ.+ મારા લોકો અદોમ પર મારો ગુસ્સો અને કોપ રેડી દેશે. એણે મારા વેરનો અનુભવ કરવો પડશે,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”’
૧૫ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘પલિસ્તીઓનાં દિલમાં નફરતની આગ સળગે છે. તેઓ દુશ્મની રાખીને વેર વાળવાનાં અને વિનાશ લાવવાનાં કાવતરાં ઘડે છે.+ ૧૬ એટલે વિશ્વના માલિક યહોવા કહે છે: “હું મારો હાથ પલિસ્તીઓ વિરુદ્ધ લંબાવું છું.+ હું કરેથીઓનું નામનિશાન મિટાવી દઈશ.+ દરિયા કિનારે રહેતા બાકીના લોકોનો હું સફાયો કરી નાખીશ.+ ૧૭ હું તેઓને આકરી સજા કરીને ભારે વેર વાળીશ. હું તેઓ પર વેર વાળીશ ત્યારે તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.”’”