ન્યાયાધીશો
૧ યહોશુઆના મરણ પછી+ ઇઝરાયેલીઓએ* યહોવાને* પૂછ્યું:+ “કનાનીઓ સામે લડવા અમારામાંથી કોણ પહેલો જાય?” ૨ યહોવાએ જવાબ આપ્યો: “યહૂદા જાય.+ જુઓ, મેં એ દેશ તેના હાથમાં સોંપી દીધો છે.” ૩ યહૂદા કુળે પોતાના ભાઈઓને, એટલે કે શિમયોન કુળને કહ્યું: “અમને મળેલા વિસ્તારમાં*+ કનાનીઓ સામે લડવા અમારી સાથે આવો. પછી તમને મળેલા વિસ્તારમાં અમે પણ તમારી સાથે આવીશું.” એટલે શિમયોન કુળ એની સાથે ગયું.
૪ યહૂદા કુળના માણસો લડવા ગયા ત્યારે, યહોવાએ કનાનીઓને અને પરિઝ્ઝીઓને તેઓના હાથમાં સોંપી દીધા.+ તેઓએ બેઝેકમાં ૧૦,૦૦૦ માણસોને હરાવ્યા. ૫ કનાનીઓ+ અને પરિઝ્ઝીઓને+ હરાવતી વખતે, તેઓને બેઝેકમાં અદોની-બેઝેક સામે મળ્યો. તેઓ ત્યાં તેની સામે લડ્યા. ૬ અદોની-બેઝેક ત્યાંથી નાસી છૂટ્યો. તેઓએ પીછો કરીને તેને પકડી પાડ્યો અને તેના હાથ-પગના અંગૂઠા કાપી નાખ્યા. ૭ અદોની-બેઝેકે કહ્યું: “મેં ૭૦ રાજાઓના હાથ-પગના અંગૂઠા કાપી નાખ્યા હતા અને તેઓ મારી મેજ નીચે પડેલા ટુકડા વીણી વીણીને ખાતા હતા. મેં તેઓના જેવા હાલ કર્યા હતા, એવા જ હાલ ભગવાને મારા કર્યા છે.” તેઓ તેને યરૂશાલેમ+ લઈ આવ્યા અને ત્યાં તે મરી ગયો.
૮ યહૂદાના માણસોએ યરૂશાલેમ પર ચઢાઈ કરી+ અને એને જીતી લીધું. તેઓએ એના લોકોને તલવારથી મારી નાખ્યા અને શહેરને આગ લગાડી દીધી. ૯ પછી યહૂદાના માણસો પહાડી વિસ્તારમાં, નેગેબમાં અને શેફેલાહમાં+ રહેતા કનાનીઓ સામે લડવા ગયા. ૧૦ યહૂદાના માણસોએ હેબ્રોનમાં રહેતા કનાનીઓ પર હુમલો કર્યો. (હેબ્રોનનું નામ અગાઉ કિર્યાથ-આર્બા હતું.) તેઓએ શેશાય, અહીમાન અને તાલ્માયનો નાશ કર્યો.+
૧૧ ત્યાંથી તેઓ દબીરના લોકો સામે લડવા ગયા.+ (દબીરનું નામ અગાઉ કિર્યાથ-સેફેર હતું.)+ ૧૨ એટલે કાલેબે+ કહ્યું: “જે માણસ કિર્યાથ-સેફેર પર હુમલો કરીને એને જીતી લેશે, તેની સાથે હું મારી દીકરી આખ્સાહને પરણાવીશ.”+ ૧૩ કાલેબના નાના ભાઈ કનાઝના+ દીકરા ઓથ્નીએલે+ એ જીતી લીધું. કાલેબે પોતાની દીકરી આખ્સાહ તેની સાથે પરણાવી. ૧૪ તે પોતાના પતિના ઘરે જતી હતી ત્યારે, તેણે ઓથ્નીએલને કાલેબ પાસેથી ખેતર માંગવા કહ્યું. તે પોતાના ગધેડા પરથી ઊતરી પડી.* કાલેબે તેને પૂછ્યું: “તારે શું જોઈએ છે?” ૧૫ તેણે કાલેબને કહ્યું: “કૃપા કરીને મને આશીર્વાદ આપો. તમે મને દક્ષિણમાં* જમીન આપી છે; મને ગુલ્લોથ-માઈમ* પણ આપો.” કાલેબે તેને ઉપરનું ગુલ્લોથ અને નીચેનું ગુલ્લોથ આપ્યું.
૧૬ કેનીઓ,+ એટલે કે મૂસાના સસરાના+ વંશજો ખજૂરીઓના શહેરથી*+ યહૂદાના લોકો સાથે આવ્યા. તેઓ અરાદની+ દક્ષિણે યહૂદાના વેરાન પ્રદેશમાં આવ્યા અને ત્યાંના લોકોમાં વસી ગયા.+ ૧૭ પણ યહૂદા કુળે પોતાના ભાઈ શિમયોન કુળ સાથે ભેગા મળીને સફાથમાં રહેતા કનાનીઓ પર હુમલો કર્યો અને તેઓનો નાશ કર્યો.+ તેઓએ એ શહેરનું નામ હોર્માહ*+ પાડ્યું. ૧૮ પછી યહૂદા કુળે ગાઝા,+ આશ્કલોન,+ એક્રોન+ અને એ શહેરોના વિસ્તારો જીતી લીધા. ૧૯ યહૂદા કુળને યહોવાનો સાથ હતો. તેઓએ પહાડી વિસ્તાર કબજે કરી લીધો. પણ તેઓ મેદાનમાં* રહેતા લોકોને હાંકી કાઢી શક્યા નહિ, કારણ કે એ લોકો પાસે યુદ્ધના એવા રથો* હતા, જેનાં પૈડાંમાં તલવારો લાગેલી હતી.+ ૨૦ મૂસાએ આપેલા વચન પ્રમાણે યહૂદા કુળે કાલેબને હેબ્રોન આપ્યું.+ કાલેબે એમાંથી અનાકના ત્રણ દીકરાઓને હાંકી કાઢ્યા.+
૨૧ બિન્યામીનના લોકોએ યરૂશાલેમમાં રહેતા યબૂસીઓને હાંકી કાઢ્યા નહિ. એટલે યબૂસીઓ આજ સુધી યરૂશાલેમમાં બિન્યામીનના લોકો સાથે રહે છે.+
૨૨ એ દરમિયાન યૂસફના વંશજોએ+ બેથેલ ઉપર ચઢાઈ કરી. તેઓને યહોવાનો સાથ હતો.+ ૨૩ તેઓએ બેથેલની જાસૂસી કરવા માણસો મોકલ્યા. (બેથેલનું નામ અગાઉ લૂઝ હતું.)+ ૨૪ જાસૂસોએ એક માણસને શહેરની બહાર જતાં જોયો. તેઓએ તેને કહ્યું: “અમને શહેરની અંદર જવાનો રસ્તો બતાવ અને અમે તારા પર દયા* બતાવીશું.” ૨૫ એ માણસે તેઓને શહેરમાં જવાનો રસ્તો બતાવ્યો. તેઓએ એ શહેરના લોકોને તલવારથી માર્યા. પણ તેઓએ પેલા માણસને અને તેના આખા કુટુંબને જીવતા છોડી દીધા.+ ૨૬ એ માણસ હિત્તીઓના દેશમાં ગયો અને ત્યાં શહેર બાંધ્યું. તેણે એ શહેરનું નામ લૂઝ પાડ્યું, જે આજ સુધી એ નામથી ઓળખાય છે.
૨૭ બેથ-શેઆન, તાઅનાખ,+ દોર, યિબ્લઆમ, મગિદ્દો અને એ શહેરોની આસપાસનાં* નગરોનો મનાશ્શાએ કબજો લીધો નહિ.+ કનાનીઓ હઠીલા બનીને એ વિસ્તારોમાં જ રહ્યા. ૨૮ ઇઝરાયેલીઓ બળવાન થયા ત્યારે, તેઓએ કનાનીઓને પોતાના ગુલામ બનાવ્યા.+ પણ કનાનીઓને ત્યાંથી પૂરી રીતે હાંકી કાઢ્યા નહિ.+
૨૯ એફ્રાઈમ કુળે પણ ગેઝેરમાં રહેતા કનાનીઓને હાંકી કાઢ્યા નહિ. કનાનીઓ તેઓની સાથે ગેઝેરમાં રહ્યા.+
૩૦ ઝબુલોન કુળે કિટ્રોનના લોકો અને નાહલોલના લોકોને+ હાંકી કાઢ્યા નહિ. કનાનીઓ તેઓની સાથે રહ્યા. તેઓએ કનાનીઓને પોતાના ગુલામ બનાવ્યા.+
૩૧ આશેરીઓએ આક્કો, સિદોન,+ અહલાબ, આખ્ઝીબ,+ હેલ્બાહ, અફીક+ અને રહોબમાં+ રહેતા લોકોને હાંકી કાઢ્યા નહિ. ૩૨ આશેરીઓ ત્યાં કનાનીઓ સાથે જ રહેવા લાગ્યા, કેમ કે તેઓએ કનાનીઓને ત્યાંથી હાંકી કાઢ્યા ન હતા.
૩૩ નફતાલી કુળે બેથ-શેમેશના લોકો અને બેથ-અનાથના+ લોકોને હાંકી કાઢ્યા નહિ. નફતાલીઓ એ વિસ્તારમાં રહેતા કનાનીઓ સાથે રહ્યા.+ બેથ-શેમેશ અને બેથ-અનાથના લોકો નફતાલીઓના ગુલામ બન્યા.
૩૪ અમોરીઓએ દાન કુળના લોકોને મેદાનમાં આવવા દીધા નહિ. એટલે દાનના લોકોએ પહાડી વિસ્તારમાં જ રહેવું પડ્યું.+ ૩૫ અમોરીઓએ હઠીલા બનીને હેરેસ પર્વત, આયાલોન+ અને શાઆલ્બીમ+ શહેરોમાં રહેવાનું ચાલુ રાખ્યું. પણ યૂસફના વંશજો બળવાન થયા* ત્યારે, તેઓએ અમોરીઓને ગુલામ બનાવ્યા. ૩૬ અમોરીઓનો વિસ્તાર આક્રાબ્બીમના ચઢાણથી+ શરૂ થતો હતો અને એ સેલાથી પણ શરૂ થઈને ઉપર જતો હતો.