ગણના
૨૦ પહેલા મહિને બધા ઇઝરાયેલીઓ ઝીનના વેરાન પ્રદેશમાં આવ્યા અને કાદેશમાં રહેવા લાગ્યા.+ ત્યાં મરિયમ+ મરણ પામી અને તેને દફનાવવામાં આવી.
૨ હવે ત્યાં પાણી ન હતું,+ એટલે લોકો મૂસા અને હારુન વિરુદ્ધ ભેગા થયા. ૩ લોકો મૂસા જોડે ઝઘડવા લાગ્યા+ અને કહેવા લાગ્યા: “કાશ! અમે અમારા ભાઈઓ સાથે જ યહોવા આગળ મરી ગયા હોત! ૪ તમે યહોવાના લોકોને* આ વેરાન પ્રદેશમાં કેમ લઈ આવ્યા? શું અમે અને અમારાં ઢોરઢાંક અહીં મરી જઈએ એ માટે?+ ૫ તમે શા માટે અમને ઇજિપ્તમાંથી કાઢીને આ નકામી જગ્યાએ લઈ આવ્યા?+ આ જગ્યાએ તો બી વાવી શકાય એમ નથી. અંજીર, દ્રાક્ષ અને દાડમ પણ ઊગતાં નથી. અરે, પીવા માટે પાણી પણ નથી.”+ ૬ પછી મૂસા અને હારુન લોકો પાસેથી નીકળીને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ગયા અને તેઓએ જમીન સુધી પોતાનું માથું નમાવ્યું. ત્યાર બાદ, યહોવાનું ગૌરવ તેઓ આગળ પ્રગટ થયું.+
૭ પછી યહોવાએ મૂસાને કહ્યું: ૮ “લાકડી લે અને બધા ઇઝરાયેલીઓને ભેગા કર. તું અને તારો ભાઈ હારુન લોકોના દેખતાં ખડકને કહો કે એ તમને પાણી આપે. આમ, તું તેઓ માટે ખડકમાંથી પાણી બહાર કાઢીશ અને સર્વ લોકો અને તેઓનાં ઢોરઢાંકને પીવા માટે આપીશ.”+
૯ તેથી મૂસાએ યહોવા આગળથી લાકડી લીધી.+ તેમના કહ્યા પ્રમાણે જ મૂસાએ કર્યું. ૧૦ મૂસા અને હારુને બધા લોકોને ખડક આગળ ભેગા કર્યા. પછી મૂસાએ લોકોને કહ્યું: “હે બળવાખોરો! શું અમે તમારા માટે આ ખડકમાંથી પાણી કાઢીએ?”+ ૧૧ એટલું કહીને મૂસાએ પોતાનો હાથ ઊંચો કર્યો અને ખડકને બે વાર પોતાની લાકડી મારી. તરત જ પુષ્કળ પાણી વહેવા લાગ્યું અને એમાંથી લોકો અને તેઓનાં ઢોરઢાંક પીવા લાગ્યાં.+
૧૨ પછી યહોવાએ મૂસા અને હારુનને કહ્યું: “તમે મારામાં શ્રદ્ધા ન રાખી અને આ ઇઝરાયેલીઓ આગળ મને પવિત્ર ન મનાવ્યો, એટલે આ લોકોને જે દેશ હું આપવાનો છું, એમાં તમે તેઓને લઈ જઈ શકશો નહિ.”+ ૧૩ એ મરીબાહનું* પાણી છે,+ જ્યાં ઇઝરાયેલીઓએ યહોવા સાથે ઝઘડો કર્યો હતો અને તેમણે તેઓ મધ્યે પોતાને પવિત્ર મનાવ્યા હતા.
૧૪ પછી મૂસાએ કાદેશથી સંદેશવાહકો મોકલીને અદોમના રાજાને કહેવડાવ્યું:+ “તમારો ભાઈ ઇઝરાયેલ કહે છે,+ ‘અમે જે બધી મુસીબતો વેઠી, એ તમે સારી રીતે જાણો છો. ૧૫ અમારા બાપદાદાઓ ઇજિપ્ત ગયા હતા+ અને અમે ઇજિપ્તમાં ઘણાં વર્ષો* રહ્યા.+ ઇજિપ્તના લોકોએ અમારા પર અને અમારા બાપદાદાઓ પર ખૂબ જુલમ ગુજાર્યો.+ ૧૬ આખરે અમે યહોવાને પોકાર કર્યો+ અને તેમણે અમારું સાંભળ્યું. તેમણે એક દૂત* મોકલ્યો+ અને અમને ઇજિપ્તમાંથી બહાર કાઢ્યા. હવે અમે કાદેશ શહેરમાં છીએ, જે તમારા વિસ્તારની સરહદે છે. ૧૭ કૃપા કરીને અમને તમારા દેશમાંથી પસાર થવા દો. અમે તમારાં ખેતરો કે દ્રાક્ષાવાડીઓ વચ્ચેથી પસાર થઈશું નહિ કે તમારા કૂવાનું પાણી પીશું નહિ. અમે તમારો વિસ્તાર પસાર કરીએ+ ત્યાં સુધી ફક્ત મુખ્ય રસ્તા* ઉપર જ ચાલીશું, ડાબે કે જમણે વળીશું નહિ.’”
૧૮ પણ અદોમે મૂસાને કહ્યું: “તારે મારા વિસ્તારમાં થઈને જવું નહિ. જો તું એમ કરીશ, તો હું તલવાર લઈને તારી સામે આવીશ.” ૧૯ ત્યારે ઇઝરાયેલીઓએ અદોમને કહ્યું: “અમે ફક્ત મુખ્ય રસ્તા ઉપર જ ચાલીશું. જો અમે અને અમારાં ઢોરઢાંક તમારું પાણી પીશું, તો એની કિંમત ભરપાઈ કરી આપીશું.+ અમને ફક્ત પગપાળા તમારા વિસ્તારમાંથી પસાર થવા દો.”+ ૨૦ તોપણ અદોમે* કહ્યું: “તારે મારા વિસ્તારમાં થઈને જવું નહિ.”+ પછી અદોમ ઘણા લોકો અને શક્તિશાળી સૈન્ય* લઈને તેઓ સામે આવ્યો. ૨૧ અદોમે ઇઝરાયેલીઓને પોતાના વિસ્તારમાંથી પસાર થવા દીધા નહિ. તેથી ઇઝરાયેલીઓ તેની પાસેથી ફરીને બીજે રસ્તે ગયા.+
૨૨ ઇઝરાયેલના સર્વ લોકો કાદેશથી નીકળીને હોર પર્વત+ પાસે આવ્યા, ૨૩ જે અદોમની સરહદે હતો. ત્યાં યહોવાએ મૂસા અને હારુનને કહ્યું: ૨૪ “હારુન અહીં મરણ પામશે+ અને તેને તેના બાપદાદાઓની જેમ દફનાવવામાં આવશે.* જે દેશ હું ઇઝરાયેલીઓને આપવાનો છું એમાં તે પ્રવેશી શકશે નહિ, કેમ કે મરીબાહના પાણી વિશે આપેલી મારી આજ્ઞા વિરુદ્ધ જઈને તમે બંનેએ બળવો કર્યો હતો.+ ૨૫ હવે હારુન અને તેના દીકરા એલઆઝારને હોર પર્વત ઉપર લઈ આવ. ૨૬ હારુને પહેરેલાં યાજકનાં કપડાં+ ઉતારીને તું તેના દીકરા એલઆઝારને+ પહેરાવ. એ પર્વત ઉપર હારુન મરણ પામશે.”*
૨૭ મૂસાએ યહોવાની આજ્ઞા પ્રમાણે જ કર્યું. બધા ઇઝરાયેલીઓના દેખતાં તેઓ હોર પર્વત પર ગયા. ૨૮ હારુને પહેરેલાં યાજકનાં કપડાં ઉતારીને મૂસાએ તેના દીકરા એલઆઝારને પહેરાવ્યાં. પર્વતના શિખર પર હારુન મરણ પામ્યો.+ પછી મૂસા અને એલઆઝાર પર્વત પરથી નીચે ઊતર્યા. ૨૯ જ્યારે બધા ઇઝરાયેલીઓએ જોયું કે હારુન મરણ પામ્યો છે, ત્યારે તેઓએ તેના માટે ૩૦ દિવસ સુધી શોક પાળ્યો.+