રૂથ
૪ બોઆઝ શહેરના દરવાજે જઈને બેઠો.+ બોઆઝે જે છોડાવનાર વિશે વાત કરી હતી+ તે ત્યાંથી પસાર થયો. બોઆઝે તેને કહ્યું: “મિત્ર,* અહીં આવીને બેસ.” એટલે તે ત્યાં જઈને બેઠો. ૨ બોઆઝે શહેરના દસ વડીલોને+ બોલાવીને કહ્યું: “અહીં બેસો.” એટલે તેઓ પણ બેઠા.
૩ બોઆઝે પેલા છોડાવનારને+ કહ્યું: “મોઆબથી+ પાછી આવેલી નાઓમીએ આપણા ભાઈ અલીમેલેખની+ જમીન વેચવી પડે એમ છે. ૪ એટલે મને થયું કે તને આ વાત જણાવવી જોઈએ: ‘શહેરના લોકો અને વડીલોની સામે તું એ ખરીદી લે.+ જો તું એ જમીન છોડાવી શકતો હોય તો છોડાવ. પણ જો તું એમ ન કરી શકતો હોય તો મને જણાવ, કેમ કે એ છોડાવવાનો હક પહેલા તારો છે અને પછી મારો.’” પેલા માણસે જવાબ આપ્યો: “હું એ જમીન છોડાવવા તૈયાર છું.”+ ૫ એટલે બોઆઝે કહ્યું: “તું નાઓમી પાસેથી જમીન ખરીદે ત્યારે, મોઆબી રૂથ પાસેથી પણ એ ખરીદવી પડશે, જે વિધવા છે. આમ એ વારસો ગુજરી ગયેલા માણસના વંશજો પાસે જળવાઈ રહેશે.”+ ૬ એ સાંભળીને પેલા માણસે કહ્યું: “હું એ જમીન છોડાવી શકતો નથી. એમ કરવાથી હું કદાચ મારો વારસો ગુમાવી બેસું. મારો એ હક તું લઈ લે, કેમ કે હું છોડાવનાર તરીકેની જવાબદારી નિભાવી નહિ શકું.”
૭ અગાઉના સમયમાં મિલકત છોડાવવાના હક વિશે અને બીજાને એ હક આપવા વિશે ઇઝરાયેલમાં આવો રિવાજ હતો: માણસ પોતાનું એક ચંપલ કાઢીને+ સામેવાળાને આપતો. ઇઝરાયેલમાં એ કરારને આવી રીતે કાયદેસર મંજૂરી અપાતી હતી. ૮ છોડાવનારે બોઆઝને કહ્યું, “તું ખરીદી લે.” તેણે પોતાનું ચંપલ કાઢી નાખ્યું અને બોઆઝને આપ્યું. ૯ એટલે બોઆઝે વડીલોને અને સર્વ લોકોને કહ્યું: “તમે બધા સાક્ષી છો+ કે જે અલીમેલેખનું હતું અને જે કિલ્યોન તથા માહલોનનું હતું, એ બધું હું આજે નાઓમી પાસેથી ખરીદું છું. ૧૦ માહલોનની પત્ની મોઆબી રૂથને હું મારી પત્ની તરીકે સ્વીકારું છું. આમ કરવાથી ગુજરી ગયેલા માણસનો વારસો તેના વંશજો પાસે જ રહેશે.+ તેના ભાઈઓ અને શહેરના લોકોમાંથી મરનાર માણસનું નામ ભૂંસાઈ નહિ જાય. આજે તમે એના સાક્ષી છો.”+
૧૧ શહેરના દરવાજે હતા એ લોકોએ અને વડીલોએ કહ્યું: “અમે સાક્ષી છીએ! તારા ઘરમાં આવનાર પત્નીને યહોવા આશીર્વાદ આપે. તે રાહેલ અને લેઆહ જેવી બને, જેઓમાંથી ઇઝરાયેલના વંશજો આવ્યા છે.+ તું એફ્રાથાહમાં+ આબાદ થાય અને બેથલેહેમમાં+ તારું નામ વધારે સારું થાય. ૧૨ યહોવા તને આ સ્ત્રીથી જે વંશજ આપે,+ એનાથી તારું ઘર યહૂદા અને તામારના દીકરા પેરેસના ઘર+ જેવું થાય.”
૧૩ બોઆઝે રૂથ સાથે લગ્ન કર્યા અને તેની સાથે જાતીય સંબંધ બાંધ્યો. યહોવાની કૃપાથી રૂથ મા બની અને તેણે દીકરાને જન્મ આપ્યો. ૧૪ સ્ત્રીઓએ નાઓમીને કહ્યું: “યહોવાની સ્તુતિ થાઓ! તેમણે આજે તને છોડાવનાર વગર રહેવા દીધી નથી. ઇઝરાયેલમાં આ બાળકનું નામ મોટું થાઓ! ૧૫ તેણે* તને નવું જીવન આપ્યું છે. તે તારા ઘડપણનો સહારો બનશે, કેમ કે તેને જન્મ આપનાર તારી વહુ તને ખૂબ ચાહે છે.+ તારી વહુ તો સાત દીકરાઓ કરતાં પણ વધારે છે.” ૧૬ નાઓમીએ બાળક ગોદમાં લીધું. તેણે તેની સંભાળ રાખી. ૧૭ અડોશ-પડોશની સ્ત્રીઓએ તેનું નામ ઓબેદ પાડ્યું અને કહ્યું, “નાઓમીને દીકરો થયો છે.” ઓબેદ+ યિશાઈનો પિતા હતો અને યિશાઈ+ દાઉદનો પિતા હતો.
૧૮ પેરેસની+ વંશાવળી* આ પ્રમાણે છે: પેરેસથી હેસરોન+ થયો; ૧૯ હેસરોનથી રામ થયો; રામથી અમિનાદાબ+ થયો; ૨૦ અમિનાદાબથી+ નાહશોન થયો; નાહશોનથી સલ્મોન થયો; ૨૧ સલ્મોનથી બોઆઝ થયો; બોઆઝથી ઓબેદ થયો; ૨૨ ઓબેદથી યિશાઈ+ થયો અને યિશાઈથી દાઉદ+ થયો.