તિતસને પત્ર
૩ તું ભાઈઓને યાદ કરાવતો રહેજે કે સરકારો અને અધિકારીઓને આધીન રહે, તેઓની આજ્ઞાઓ પાળે,+ સર્વ સારાં કામ કરવા તૈયાર રહે, ૨ કોઈના વિશે ખરાબ ન બોલે, ઝઘડા ન કરે, પણ સમજદાર બને+ અને બધા લોકો સાથે એકદમ નરમાશથી* વર્તે.+ ૩ કારણ કે, આપણે પણ એક સમયે અણસમજુ, આજ્ઞા ન માનનારા, ભટકી ગયેલા અને અનેક પ્રકારની ઇચ્છાઓ અને વાસનાના ગુલામ હતા. આપણું જીવન ખરાબ કામો અને ઈર્ષાથી ભરેલું હતું. આપણે ખૂબ દુષ્ટ હતા અને એકબીજાને નફરત કરતા હતા.
૪ પણ આપણા તારણહાર ઈશ્વરે+ મનુષ્યો પર કૃપા કરી અને તેઓને પ્રેમ બતાવ્યો. ૫ (આપણે કરેલાં સારાં* કામોને લીધે નહિ,+ પણ ઈશ્વરે પોતાની દયાને લીધે આપણો ઉદ્ધાર કર્યો.)+ એ માટે તેમણે આપણને શુદ્ધ કરીને* જીવન આપ્યું+ અને તેમની પવિત્ર શક્તિ* દ્વારા આપણને નવા બનાવ્યા.+ ૬ તેમણે એ પવિત્ર શક્તિ આપણા તારણહાર ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણા પર ભરપૂર રીતે* રેડી.+ ૭ તેમણે એવું કર્યું, જેથી આપણે એવા લોકો બની શકીએ, જેઓને વચન પ્રમાણે હંમેશ માટેનું જીવન મળવાની આશા છે.+ તેમની અપાર કૃપા આપણને ન્યાયી ઠરાવે છે+ અને એના લીધે આપણે એ વારસો મેળવી શકીએ છીએ.+
૮ આ વાતો ભરોસાપાત્ર છે અને હું ઇચ્છું છું કે આ વાતો પર તું ખાસ ભાર મૂકતો રહે, જેથી જેઓ ઈશ્વરમાં વિશ્વાસ મૂકે છે, તેઓ સારાં કામ કરવામાં મન લગાડી શકે. આ વાતો લોકો માટે સારી અને લાભકારક છે.
૯ તું મૂર્ખતાભરી દલીલો, વંશાવળીઓ, ઝઘડા અને નિયમશાસ્ત્ર* વિશેની તકરારોથી દૂર રહેજે, કેમ કે એનાથી કંઈ લાભ થતો નથી અને એ બધું નકામું છે.+ ૧૦ જે માણસ ભાગલા પાડે છે,+ તેને બે વાર કડક સલાહ આપ.*+ પછી પણ જો તે ન સાંભળે, તો તેની સાથે કોઈ સંગત ન રાખ.+ ૧૧ કારણ કે, તું જાણે છે કે એ માણસ ખરા માર્ગથી ફંટાઈ ગયો છે, તે પાપ કરે છે અને તેનાં કામોને લીધે તેનો ન્યાય થઈ ચૂક્યો છે.
૧૨ જ્યારે હું આર્તિમાસ કે તુખિકસને+ તારી પાસે મોકલું, ત્યારે તું મને મળવા નિકોપુલિસ આવવાની પૂરી કોશિશ કરજે, કેમ કે મેં ત્યાં શિયાળો પસાર કરવાનું નક્કી કર્યું છે. ૧૩ ઝેનાસ, જે નિયમશાસ્ત્રનો સારો જાણકાર છે તેને અને અપોલોસને મુસાફરી માટે બનતી મદદ કરજે, જેથી તેઓને કંઈ ખોટ ન પડે.+ ૧૪ આપણા ભાઈઓ પણ સારાં કામ કરતા રહેવાનું શીખે, જેથી તેઓ મુસીબતના સમયે બીજાઓની જરૂરિયાતો પૂરી પાડી શકે+ અને તેઓની સેવાનું સારું પરિણામ મળતું રહે.+
૧૫ મારી સાથેના બધા તને સલામ કહે છે. આપણને ચાહતા બધાં ભાઈ-બહેનોને મારી યાદ આપજે.
ઈશ્વરની અપાર કૃપા તમારા બધા પર રહે.