બીજો કાળવૃત્તાંત
૧૯ પછી યહૂદાનો રાજા યહોશાફાટ યરૂશાલેમ પોતાના મહેલમાં સલામત પાછો આવ્યો.+ ૨ દર્શન જોનાર હનાનીનો+ દીકરો યેહૂ+ તેને મળવા આવ્યો. તેણે યહોશાફાટ રાજાને કહ્યું: “શું દુષ્ટ માણસને તમારે મદદ કરવી જોઈએ?+ શું યહોવાને નફરત કરનારને તમારે પ્રેમ કરવો જોઈએ?+ તમે એમ કર્યું હોવાથી યહોવા તમારા પર ક્રોધે ભરાયા છે. ૩ તોપણ તમારામાં કંઈક સારું જોવા મળ્યું છે.+ તમે દેશમાંથી ભક્તિ-થાંભલાઓ કાઢી નાખ્યા છે. તમે સાચા ઈશ્વરની ભક્તિ કરવા માટે પોતાનું દિલ તૈયાર* કર્યું છે.”+
૪ યહોશાફાટ યરૂશાલેમમાં રહેતો હતો. પણ લોકોને પોતાના બાપદાદાઓના ઈશ્વર યહોવા પાસે પાછા લાવવા,+ તે બેર-શેબાથી લઈને એફ્રાઈમના પહાડી વિસ્તાર+ સુધી ફરીથી ગયો. ૫ તેણે આખા યહૂદા દેશનાં કોટવાળાં શહેરોમાં, એટલે કે એકેએક શહેરમાં ન્યાયાધીશો નીમ્યા.+ ૬ તેણે ન્યાયાધીશોને કહ્યું: “તમે બહુ સમજી-વિચારીને ન્યાય કરજો. તમે માણસ તરફથી નહિ, યહોવા તરફથી ન્યાય કરો છો. તમે ન્યાય કરો ત્યારે તે તમારી સાથે છે.+ ૭ તમે યહોવાથી ડરીને ચાલજો.+ જે કંઈ કરો એ સંભાળીને કરજો. આપણા ઈશ્વર યહોવા અન્યાય નથી કરતા,+ ભેદભાવ નથી રાખતા+ કે લાંચ નથી લેતા.”+
૮ યહોશાફાટે યરૂશાલેમમાં પણ લેવીઓ, યાજકો અને ઇઝરાયેલના પિતાનાં કુટુંબોના વડાઓમાંથી અમુકને ન્યાયાધીશો બનાવ્યા. તેઓએ યહોવા તરફથી ન્યાય કરવાનો હતો અને યરૂશાલેમના લોકો જે મુકદ્દમો લાવે એનો ઉકેલ લાવવાનો હતો.+ ૯ તેણે તેઓને આજ્ઞા આપી કે “યહોવાનો ડર રાખીને તમે વફાદારીથી અને પૂરાં દિલથી આમ કરજો: ૧૦ એવું થાય કે પોતાનાં શહેરોમાં રહેતા તમારા ભાઈઓ એવો કોઈ મુકદ્દમો લઈને આવે, જે ખૂનને લગતો હોય;+ અથવા એવો કોઈ સવાલ લઈને આવે, જે નિયમ, આજ્ઞા, કાયદા-કાનૂન અથવા ચુકાદાને લગતો હોય. એ સમયે તમે તેઓને ચેતવો, જેથી તેઓ યહોવા આગળ ગુનેગાર ન બને. જો તમે એમ નહિ કરો તો તેમનો કોપ તમારા પર અને તમારા ભાઈઓ પર ઊતરી આવશે. જો તમે એમ કરશો તો તમે ગુનેગાર નહિ બનો. ૧૧ મુખ્ય યાજક* અમાર્યા તમને બધી રીતે યહોવાની ઇચ્છા જાણવા મદદ કરશે.+ ઇશ્માએલનો દીકરો ઝબાદ્યા યહૂદા કુળનો આગેવાન છે, જે રાજાનાં બધાં કામો કરશે. લેવીઓ તમને મદદ કરશે. હિંમતથી કામ લો. સારાં કામો કરનારની સાથે યહોવા રહો.”+