કોરીંથીઓને બીજો પત્ર
૧૩ આ ત્રીજી વાર હું તમારી પાસે આવવાની તૈયારી કરું છું. “બે કે ત્રણ સાક્ષીઓના પુરાવાથી* જ દરેક વાત સાબિત થવી જોઈએ.”+ ૨ ખરું કે હું હમણાં હાજર નથી, પણ જાણે હું બીજી વાર તમારી સાથે હોઉં એમ મારી વાત સાંભળો. જેઓએ અગાઉ પાપ કર્યાં હતાં એ લોકોને અને બાકીના બધાને હું પહેલેથી ચેતવણી આપું છું કે જો હું ફરીથી આવીશ, તો તેઓમાંથી કોઈ સજાથી બચી શકશે નહિ. ૩ આ રીતે તમને સાબિતી મળશે કે ખ્રિસ્ત ખરેખર મારા દ્વારા બોલે છે. તે તમારી સાથેના વર્તનમાં કમજોર નથી, પણ શક્તિશાળી છે. ૪ કેમ કે તેમને વધસ્તંભ* પર કમજોર હાલતમાં* મારી નાખવામાં આવ્યા, પણ ઈશ્વરની શક્તિને લીધે તે જીવે છે.+ ખરું કે, અમે તેમની સાથે કમજોર હાલતમાં છીએ, પણ અમે તેમની સાથે જીવીશું પણ ખરા.+ ઈશ્વરની શક્તિને લીધે એ શક્ય થશે, જે શક્તિ તમારામાં પણ છે.+
૫ તમે શ્રદ્ધાથી જીવો છો કે નહિ, એની પરખ કરતા રહો. તમે સાચા માર્ગે ચાલો છો,* એની ખાતરી કરતા રહો.+ તમે ઈસુ ખ્રિસ્ત સાથે એકતામાં છો, એ શું તમે જાણતા નથી? પણ જો તમે તેમની કૃપા ગુમાવી હોય તો અલગ વાત છે. ૬ હું સાચે જ આશા રાખું છું કે, અમે પસંદ થયા છીએ એની તમને ખબર પડે.
૭ અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે તમે કંઈ ખોટું ન કરો. અમારો હેતુ એ બતાવવાનો નથી કે અમે લોકો દ્વારા પસંદ થયેલા છીએ. પણ અમે ચાહીએ છીએ કે તમે સારાં કામ કરો, પછી ભલે અમે નાપસંદ થયેલા ગણાઈએ. ૮ કેમ કે અમે સત્ય વિરુદ્ધ કંઈ કરી શકતા નથી, ફક્ત સત્ય માટે જ કરી શકીએ છીએ. ૯ જ્યારે અમે નબળા હોઈએ, પણ તમે શક્તિશાળી હો, ત્યારે અમે સાચે જ ઘણા ખુશ થઈએ છીએ. અમે એવી પણ પ્રાર્થના કરીએ છીએ કે તમારામાં સુધારો થતો રહે. ૧૦ હું ત્યાં હાજર નથી ત્યારે આ વાતો લખું છું, જેથી હું હાજર હોઉં ત્યારે, આપણા માલિક ઈસુએ મને આપેલો અધિકાર મારે કડક રીતે વાપરવો ન પડે.+ એ અધિકાર તોડી પાડવા માટે નથી, પણ દૃઢ કરવા માટે છે.
૧૧ છેવટે ભાઈઓ, હંમેશાં આનંદ કરો, સુધારો કરો, દિલાસો મેળવો,+ એકમનના થાઓ+ અને શાંતિમાં રહો.+ પછી પ્રેમ અને શાંતિના ઈશ્વર+ તમારી સાથે રહેશે. ૧૨ પ્રેમથી ભેટીને* એકબીજાને સલામ કહેજો. ૧૩ બધા પવિત્ર જનો તમને સલામ મોકલે છે.
૧૪ હું પ્રાર્થના કરું છું કે આપણા માલિક ઈસુ ખ્રિસ્તની અપાર કૃપા, ઈશ્વરનો પ્રેમ અને પવિત્ર શક્તિ, જે આપણને બધાને મળી છે, એ તમારી સાથે રહે.