યર્મિયા
૧૮ યહોવાનો આ સંદેશો યર્મિયાને મળ્યો: ૨ “ઊભો થા અને કુંભારના ઘરે જા.+ ત્યાં હું તને મારો સંદેશો જણાવીશ.”
૩ એટલે હું કુંભારના ઘરે ગયો. તે ચાક પર કામ કરતો હતો. ૪ તે જે વાસણ બનાવતો હતો, એ તેના હાથમાં બગડી ગયું. એટલે કુંભારે માટીને ફરી ઘાટ આપ્યો અને તેને ઠીક લાગ્યું* એ પ્રમાણે બીજું વાસણ બનાવ્યું.
૫ પછી યહોવાનો આ સંદેશો મને મળ્યો: ૬ “યહોવા કહે છે, ‘હે ઇઝરાયેલના લોકો, જેમ કુંભાર માટી સાથે કરે છે, તેમ શું હું તમારી સાથે ન કરી શકું? હે ઇઝરાયેલના લોકો, જેમ કુંભારના હાથમાં માટી છે, તેમ તમે મારા હાથમાં છો.+ ૭ જો હું કોઈ પ્રજા કે રાજ્યને ઉખેડી નાખવાની, તોડી પાડવાની કે નાશ કરવાની ચેતવણી આપું+ ૮ અને જો એ પ્રજા પોતાનાં દુષ્ટ કામો છોડી દે, તો હું મારું મન બદલીશ.* હું એના પર જે આફત લાવવાનો હતો એ નહિ લાવું.+ ૯ જો હું કોઈ પ્રજા કે રાજ્યને બાંધવાનું કે એને સ્થાપવાનું* જાહેર કરું ૧૦ અને જો એ પ્રજા મારી નજરમાં જે ખરાબ છે એ કરે અને મારું ન સાંભળે, તો હું મારું મન બદલીશ.* હું એના પર જે આશીર્વાદ લાવવાનો હતો એ નહિ લાવું.’
૧૧ “યહૂદાના માણસો અને યરૂશાલેમના રહેવાસીઓને કહે, ‘યહોવા કહે છે: “હું આફત લાવવાની તૈયારી કરી રહ્યો છું, તમને સજા કરવાની યોજના ઘડી રહ્યો છું. કૃપા કરીને તમારા ખરાબ માર્ગોથી પાછા ફરો. તમારાં વાણી-વર્તનમાં અને કામોમાં સુધારો કરો.”’”+
૧૨ પણ તેઓએ કહ્યું: “ના, અમે એવું નહિ કરીએ!+ અમે તો મન ફાવે એમ વર્તીશું. અમે અડિયલ બનીને અમારા દુષ્ટ હૃદય પ્રમાણે કરીશું.”+
૧૩ યહોવા કહે છે,
“જરા બીજી પ્રજાઓને પૂછો:
શું કોઈએ આવું કંઈ સાંભળ્યું છે?
ઇઝરાયેલની કુંવારી દીકરીએ ખૂબ ભયંકર કામ કર્યું છે.+
૧૪ શું લબાનોનના ઊંચા ખડકો પરનો બરફ કદી ઓગળી શકે?
શું દૂરથી વહી આવતું ઠંડું પાણી કદી સુકાઈ શકે?
૧૫ પણ મારા લોકો મને ભૂલી ગયા છે.+
તેઓ મૂર્તિઓને બલિદાનો ચઢાવે છે.+
૧૬ એટલે તેઓના દેશના એવા હાલ થશે કે લોકો એ જોઈને ધ્રૂજી ઊઠશે.+
એની મજાક ઉડાવવા લોકો કાયમ સીટી મારશે.+
ત્યાંથી પસાર થનાર એકેએક માણસ ચોંકી જશે
અને માથું ધુણાવીને મશ્કરી કરશે.+
૧૭ જેમ પૂર્વના પવનથી ફોતરાં વિખેરાઈ જાય છે, તેમ હું તેઓને દુશ્મનો સામે વિખેરી નાખીશ.
આફતના દિવસે તેઓની સામે જોવાને બદલે હું તેઓથી મારી પીઠ ફેરવી લઈશ.”+
૧૮ તેઓએ કહ્યું: “યાજકો આપણને હંમેશાં નિયમો* શીખવતા રહેશે, જ્ઞાની માણસો સલાહ આપતા રહેશે અને પ્રબોધકો ઈશ્વરનો સંદેશો જણાવતા રહેશે. કશું બદલાવાનું નથી. ચાલો, આપણે યર્મિયા પર આરોપ મૂકીએ, તેની વિરુદ્ધ કાવતરું ઘડીએ.+ તેની વાત કેમ સાંભળીએ?”
૧૯ હે યહોવા, મારા પર ધ્યાન આપો.
મારા વિરોધીઓ કેવી કેવી વાતો કરે છે, એ સાંભળો.
૨૦ શું સારાનો બદલો ખરાબથી આપવો જોઈએ?
તેઓએ મારો જીવ લેવા ખાડો ખોદ્યો છે.+
યાદ કરો, હું વારંવાર તમારી આગળ આવીને તેઓનું સારું બોલ્યો હતો,
જેથી તમારો ગુસ્સો શાંત પડે.
૨૧ હવે તેઓના દીકરાઓને દુકાળથી મરવા દો,
તેઓને તલવારના હવાલે કરી દો.+
તેઓની પત્નીઓ પાસેથી બાળકો છીનવી લો અને તેઓને વિધવા બનાવી દો.+
તેઓના પુરુષોને ભયંકર બીમારીથી મારી નાખો,
તેઓના યુવાનોને યુદ્ધમાં તલવારથી કાપી નાખો.+
૨૨ લુટારાઓ અચાનક તેઓ પર ધાડ પાડે ત્યારે,
તેઓનાં ઘરોમાં ચીસાચીસ થવા દો.
તેઓએ મને પકડવા ખાડો ખોદ્યો છે
અને મારા પગો માટે ફાંદો મૂક્યો છે.+
૨૩ હે યહોવા, તમે સારી રીતે જાણો છો,
મારો જીવ લેવા તેઓએ કેવાં કેવાં કાવતરાં ઘડ્યાં છે.+
તેઓના અપરાધો ઢાંકશો નહિ.
તેઓનાં પાપો ભૂંસી નાખશો નહિ.