નિર્ગમન
૧૭ યહોવાની આજ્ઞા પ્રમાણે ઇઝરાયેલીઓ સીનના વેરાન પ્રદેશમાંથી નીકળ્યા.+ એક પછી બીજી જગ્યાએ પડાવ નાખતાં નાખતાં તેઓ રફીદીમ પહોંચ્યા+ અને ત્યાં છાવણી નાખી. પણ ત્યાં પીવા માટે ટીપુંય પાણી ન હતું.
૨ લોકોએ મૂસા સાથે ઝઘડો કરીને+ કહ્યું: “અમને પીવા પાણી આપો.” મૂસાએ તેઓને કહ્યું: “તમે મારી સાથે કેમ ઝઘડો છો? તમે યહોવાની કસોટી કેમ કરો છો?”+ ૩ લોકો ખૂબ તરસ્યા હતા, એટલે તેઓએ મૂસા વિરુદ્ધ કચકચ કરીને+ કહ્યું: “તમે શા માટે અમને ઇજિપ્તમાંથી બહાર લઈ આવ્યા? શું અમને, અમારા દીકરાઓને અને અમારાં ઢોરઢાંકને તરસે મારવા અહીં લઈ આવ્યા છો?” ૪ છેવટે મૂસાએ યહોવાને પોકાર કરીને કહ્યું: “હું આ લોકોનું શું કરું? થોડી વારમાં આ લોકો મને પથ્થરે મારી નાખશે!”
૫ યહોવાએ મૂસાને કહ્યું: “તું તારી સાથે ઇઝરાયેલના અમુક વડીલોને લઈને લોકોની આગળ આગળ ચાલ. નાઈલ નદી પર તેં જે લાકડી મારી હતી+ એ તારા હાથમાં રાખ. ૬ હું હોરેબ ખડક પાસે તારી સામે ઊભો હોઈશ. તું લાકડીથી ખડકને મારજે, એટલે એમાંથી પાણી નીકળશે અને લોકો એ પાણી પીશે.”+ તેથી મૂસાએ ઇઝરાયેલીઓના વડીલોના દેખતા એમ જ કર્યું. ૭ મૂસાએ એ જગ્યાનું નામ માસ્સાહ*+ અને મરીબાહ*+ પાડ્યું. કેમ કે ઇઝરાયેલીઓએ ત્યાં ઝઘડો કર્યો હતો અને યહોવાની કસોટી કરીને+ કહ્યું હતું: “યહોવા આપણી સાથે છે કે નહિ?”
૮ પછી અમાલેકીઓએ+ રફીદીમમાં આવીને ઇઝરાયેલીઓ વિરુદ્ધ લડાઈ કરી.+ ૯ ત્યારે મૂસાએ યહોશુઆને કહ્યું:+ “આપણા માટે માણસો પસંદ કર અને તેઓને લઈને અમાલેકીઓ વિરુદ્ધ લડવા જા. આવતી કાલે હું સાચા ઈશ્વરની લાકડી હાથમાં લઈને ટેકરીની ટોચ પર ઊભો રહીશ.” ૧૦ મૂસાએ કહ્યું હતું એ પ્રમાણે જ યહોશુઆએ અમાલેકીઓ વિરુદ્ધ લડાઈ કરી.+ મૂસા, હારુન અને હૂર+ ટેકરીની ટોચ પર ગયા.
૧૧ મૂસા જ્યાં સુધી પોતાના હાથ ઊંચા રાખતો, ત્યાં સુધી ઇઝરાયેલીઓ જીત મેળવતા. પણ તે પોતાના હાથ નીચા કરતો ત્યારે, અમાલેકીઓ જીત મેળવતા. ૧૨ મૂસાના હાથ દુખવા લાગ્યા ત્યારે, હારુને અને હૂરે એક પથ્થર લઈને તેને એના પર બેસાડ્યો. તેઓએ મૂસાના હાથ ઊંચા પકડી રાખ્યા, એક જણે એક બાજુથી અને બીજાએ બીજી બાજુથી. સૂર્ય આથમતા સુધી મૂસાના હાથ ઊંચા રહ્યા. ૧૩ આ રીતે, યહોશુઆએ અમાલેકીઓને તલવારથી હરાવ્યા.+
૧૪ યહોવાએ મૂસાને કહ્યું: “આ બનાવ યાદ રહે માટે પુસ્તકમાં લખી લે અને યહોશુઆને જણાવ કે, ‘હું અમાલેકીઓનું નામનિશાન આકાશ નીચેથી મિટાવી દઈશ અને તેઓને યાદ પણ કરવામાં નહિ આવે.’”+ ૧૫ પછી મૂસાએ એક વેદી* બાંધી અને એનું નામ યહોવા-નિસ્સી* પાડ્યું, ૧૬ કેમ કે મૂસાએ કહ્યું: “અમાલેકનો હાથ યાહની રાજગાદી વિરુદ્ધ છે,+ એટલે યહોવા પેઢી દર પેઢી અમાલેકીઓ સાથે યુદ્ધ કરશે.”+