બીજો કાળવૃત્તાંત
૧૪ પછી અબિયાનું મરણ થયું અને લોકોએ તેને દાઉદનગરમાં દફનાવ્યો.+ તેનો દીકરો આસા તેની જગ્યાએ રાજા બન્યો. આસાના દિવસોમાં દસ વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.
૨ આસાએ પોતાના ઈશ્વર યહોવાની નજરમાં જે સારું અને ખરું હતું એ જ કર્યું. ૩ તેણે બીજા દેવોની વેદીઓ અને ભક્તિ-સ્થળો કાઢી નાખ્યાં.+ તેણે ભક્તિ-સ્તંભોનો* ભાંગીને ભૂકો કરી નાખ્યો+ અને ભક્તિ-થાંભલાઓ* કાપી નાખ્યા.+ ૪ તેણે યહૂદાના લોકોને પોતાના બાપદાદાઓના ઈશ્વર યહોવાની ભક્તિ કરવાનું અને નિયમશાસ્ત્રની* આજ્ઞાઓ પાળવાનું ઉત્તેજન આપ્યું. ૫ તેણે યહૂદાનાં બધાં શહેરોમાંથી ભક્તિ-સ્થળો અને ધૂપવેદીઓનો* નાશ કર્યો.+ તેના રાજ દરમિયાન શાંતિ હતી. ૬ તેની સામે કોઈ યુદ્ધ ચાલતું ન હતું. યહોવાની કૃપાથી એ વર્ષોમાં આખા દેશમાં શાંતિ હતી.+ એટલે તેણે યહૂદાનાં શહેરો ફરતે કોટ બંધાવીને શહેરો મજબૂત કર્યાં.+ ૭ તેણે યહૂદાના લોકોને કહ્યું: “ચાલો આપણે એ શહેરો બાંધીએ. એની ફરતે દીવાલો, મિનારાઓ,+ દરવાજાઓ અને ભૂંગળો ઊભાં કરીએ. દેશ હજી આપણા કબજામાં છે, કેમ કે આપણે યહોવા આપણા ઈશ્વરની ભક્તિ કરીએ છીએ. આપણે તેમની મદદ માંગી હોવાથી, તેમણે ચારે બાજુ શાંતિ આપી છે.” આ રીતે તેઓ બાંધકામ કરવામાં સફળ થયા.+
૮ આસાના સૈન્યમાં યહૂદામાંથી ૩,૦૦,૦૦૦ માણસો હતા. તેઓ પાસે મોટી મોટી ઢાલો અને ભાલા હતાં. એ સૈન્યમાં બિન્યામીનમાંથી ૨,૮૦,૦૦૦ શૂરવીર યોદ્ધાઓ પણ હતા. તેઓ પાસે નાની ઢાલો* અને ધનુષ્યો હતાં.+
૯ પછી ઇથિયોપિયાનો ઝેરાહ તેઓ સામે લડવા આવ્યો. તેની સાથે ૧૦,૦૦,૦૦૦ માણસો અને ૩૦૦ રથોનું લશ્કર હતું.+ તે મારેશાહ આવી પહોંચ્યો.+ ૧૦ આસા પણ તેની સામે લડવા ગયો. તેઓ બંને મારેશાહમાં સફાથાહની ખીણમાં સામસામે ગોઠવાઈ ગયા. ૧૧ આસાએ પોતાના ઈશ્વર યહોવાને પોકાર કર્યો:+ “હે યહોવા, તમે જેઓને મદદ કરવા ચાહો, તેઓને ચોક્કસ મદદ કરી શકો છો, ભલે તેઓ બળવાન* હોય કે કમજોર.+ હે યહોવા અમારા ઈશ્વર, અમને સહાય કરો, કેમ કે અમે તમારા પર ભરોસો મૂકીએ છીએ.+ અમે તમારું નામ લઈને આ લોકો વિરુદ્ધ લડવા આવ્યા છીએ.+ હે યહોવા, તમે અમારા ઈશ્વર છો. મામૂલી માણસને તમારી સામે જીતવા ન દેશો.”+
૧૨ યહોવાએ આસા અને યહૂદા આગળ ઇથિયોપિયાને હરાવ્યું. ઇથિયોપિયાનું લશ્કર ત્યાંથી નાસી છૂટ્યું.+ ૧૩ આસા અને તેના લોકોએ ગેરાર+ સુધી તેઓનો પીછો કર્યો અને કતલ ચલાવી. ઇથિયોપિયાના સૈનિકોમાંથી એકેય બચી ગયો નહિ, કેમ કે યહોવાએ પોતાના સૈન્ય દ્વારા તેઓને ખતમ કરી નાખ્યા. પછી યહૂદાના માણસો પુષ્કળ લૂંટ ભેગી કરીને લઈ ગયા. ૧૪ તેઓ ગેરારની આસપાસનાં બધાં શહેરોનો વિનાશ કરી શક્યા, કેમ કે એ શહેરો પર યહોવાનો ડર છવાઈ ગયો હતો. તેઓએ બધાં શહેરોને લૂંટી લીધાં અને એમાંથી ઢગલાબંધ લૂંટ મેળવી. ૧૫ તેઓએ ઢોરઢાંક પાળનારા લોકોના તંબુઓ પર હુમલો કર્યો. તેઓ ઘણાં ઘેટાં-બકરાં અને ઊંટો લઈને યરૂશાલેમ પાછા આવ્યા.