અયૂબ
૨૨ અલીફાઝ+ તેમાનીએ કહ્યું:
૨ “શું માણસ ઈશ્વરને ઉપયોગી થઈ શકે?
શું મનુષ્યની સમજણથી ઈશ્વરને લાભ થઈ શકે?+
૩ તું ન્યાયી છે, તો એનાથી સર્વશક્તિમાનને શો ફરક પડે છે?*
તું વફાદારીના માર્ગે ચાલે છે, તો એનાથી તેમને શો ફાયદો થાય છે?+
૪ શું તું તેમની ભક્તિ કરે છે એટલે તે તને સજા કરશે
અને અદાલતમાં ઘસડી જશે?
૫ શું એનું કારણ એ નથી કે તારી દુષ્ટતા વધી ગઈ છે,
અને તારી ભૂલો પાર વગરની છે?+
૬ તારા ભાઈઓએ ગીરવે મૂકેલી વસ્તુઓ તું કારણ વગર પડાવી લે છે,
તું લોકોનાં કપડાં ઉતારીને તેઓને નગ્ન કરી દે છે.+
૭ તું થાકેલાને પાણી નથી આપતો
અને ભૂખ્યાને ખોરાક નથી આપતો.+
૮ તારા જેવા શક્તિશાળી લોકોએ જમીન પર કબજો કર્યો છે+
અને મોટા મોટા લોકો જ એમાં વસી ગયા છે.
૯ તું વિધવાને ખાલી હાથે મોકલી દે છે
અને અનાથ* બાળકોના હાથ ભાંગી નાખે છે.
૧૦ એટલે જ તારી ચારે બાજુ જાળ* પથરાયેલી છે,+
આફત અચાનક આવીને તને ગભરાવે છે;
૧૧ અંધારું એટલું ગાઢ છે કે તું જોઈ શકતો નથી,
અને પૂરનું પાણી તને ડુબાડી દે છે.
૧૨ શું ઈશ્વર સ્વર્ગમાં ઉચ્ચ સ્થાને બિરાજેલા નથી?
તારાઓને જો! તેઓ કેટલે ઊંચે છે!
૧૩ પણ તું કહે છે, ‘ઈશ્વરને શું ખબર?
શું તે ગાઢ વાદળોની પાર જોઈને ન્યાય કરી શકે?
૧૪ તે સ્વર્ગના ગુંબજ પર ચાલે છે ત્યારે,
વાદળો તેમને ઢાંકી દે છે, જેથી તે જોઈ ન શકે.’
૧૫ શું તું એ માર્ગ પર ચાલીશ,
જેના પર દુષ્ટો વર્ષોથી ચાલ્યા છે?
૧૭ તેઓ તો સાચા ઈશ્વરને કહેતા હતા: ‘અમને એકલા છોડી દો!’
અને ‘સર્વશક્તિમાન અમારું શું બગાડી લેશે?’
૧૮ તોપણ ઈશ્વરે જ તેઓનાં ઘરો સારી વસ્તુઓથી ભર્યાં છે.
(એવા દુષ્ટ વિચારો મારા મનમાં પણ ન આવે.)
૧૯ નેક માણસ દુષ્ટોની પડતી જોઈને હરખાશે,
નિર્દોષ માણસ તેઓની મજાક ઉડાવીને કહેશે:
૨૦ ‘આપણા વિરોધીઓનો નાશ થયો છે,
તેઓનું જે બચ્યું હોય, એને અગ્નિ ભસ્મ કરી દેશે.’
૨૧ તું ઈશ્વરને ઓળખ અને તને મનની શાંતિ મળશે;
સુખ તારે આંગણે આવશે.
૨૨ તેમના મોંમાંથી નીકળતા નિયમોનો સ્વીકાર કર,
તેમની વાતો તારા દિલમાં સંઘરી રાખ.+
૨૩ જો તું સર્વશક્તિમાન પાસે પાછો આવીશ, તો તારી સમૃદ્ધિ તને પાછી મળશે;+
જો તું તારા તંબુમાંથી દુષ્ટતા દૂર કરીશ,
૨૪ જો તું તારું સોનું* ધૂળમાં ફેંકી દઈશ,
અને ઓફીરનું*+ સોનું પથરાળ ખીણમાં નાખી દઈશ,
૨૫ તો સર્વશક્તિમાન તારા માટે સોના* જેવા,
હા, મૂલ્યવાન ચાંદી જેવા થશે.
૨૬ પછી તું સર્વશક્તિમાનને લીધે આનંદ કરીશ,
અને તું ઈશ્વર સામે તારું મોં આનંદથી ઊંચું કરીશ.
૨૭ તું આજીજી કરીશ અને તે તારું સાંભળશે,
તું તારી માનતાઓ પૂરી કરીશ.
૨૮ તું જે કરવાનું નક્કી કરીશ, એ સફળ થશે,
તારો માર્ગ ઝળહળી ઊઠશે.
૨૯ પણ તું ઘમંડથી બોલીશ ત્યારે, તને નીચો કરવામાં આવશે,
કેમ કે ઈશ્વર નમ્ર લોકોને બચાવે છે.
૩૦ તે નિર્દોષ લોકોને ઉગારે છે;
એટલે જો તારા હાથ શુદ્ધ હશે, તો તે ચોક્કસ તને પણ ઉગારી લેશે.”