ગીતશાસ્ત્ર
ઘરના ઉદ્ઘાટન* વખતનું દાઉદનું ગીત.
૩૦ હે યહોવા, હું તમને મોટા મનાવીશ, કેમ કે તમે મને બચાવી લીધો છે.
તમે દુશ્મનોને મારા પર ખુશ થવા દીધા નથી.+
૨ હે યહોવા મારા ઈશ્વર, મેં તમને મદદનો પોકાર કર્યો અને તમે મને સાજો કર્યો.+
૩ હે યહોવા, તમે મને કબરમાંથી* બહાર ખેંચી લાવ્યા છો.+
તમે મને જીવતો રાખ્યો છે. તમે મને કબરમાં* ઊતરી જતા બચાવ્યો છે.+
૪ હે યહોવાના વફાદાર ભક્તો, તેમની સ્તુતિનાં ગીત ગાઓ,*+
તેમના પવિત્ર નામનો+ જયજયકાર કરો;
૫ કેમ કે તેમનો કોપ પળ બે પળનો છે,+
પણ તેમની કૃપા જીવનભર રહે છે.+
સાંજે ભલે રુદન આવે, પણ સવાર આનંદનો પોકાર લાવે છે.+
૬ જ્યારે હું સુખી હતો, ત્યારે મેં કહ્યું હતું:
“કોઈ મારો વાળ પણ વાંકો નહિ કરી શકે.”
૭ હે યહોવા, તમારી કૃપા મારા પર હતી ત્યારે, તમે મને પર્વત જેવો અડગ બનાવ્યો.+
પણ તમે મુખ ફેરવી લીધું ત્યારે, મારા હાંજા ગગડી ગયા.+
૮ હે યહોવા, હું તમને પોકારતો રહ્યો.+
હું યહોવાની કૃપા મેળવવા કાલાવાલા કરતો રહ્યો.
૯ મારા મરણથી શું ફાયદો? હું કબરમાં* જાઉં, એનાથી શું લાભ?+
શું ધૂળ તમારી સ્તુતિ કરી શકે?+ શું માટી તમારી વફાદારી વિશે જણાવી શકે?+
૧૦ હે યહોવા, સાંભળો અને મારા પર કૃપા કરો.+
હે યહોવા, મને મદદ કરો.+
૧૧ તમે મારા વિલાપને ખુશીમાં* બદલી નાખ્યો છે,
તમે મારા શોકનાં વસ્ત્રો* ઉતારીને આનંદનાં વસ્ત્રો પહેરાવ્યાં છે,
૧૨ જેથી હું તમારો જયજયકાર કરું અને ચૂપ બેસી ન રહું.
હે યહોવા મારા ઈશ્વર, હું સદાને માટે તમારી આરાધના કરીશ.