નહેમ્યા
૪ અમે કોટ ફરી બાંધી રહ્યા છીએ એ વિશે સાન્બાલ્લાટે+ સાંભળ્યું ત્યારે, તે ખૂબ ગુસ્સે ભરાયો અને તેને બહુ ખોટું લાગ્યું. તે યહૂદીઓની મજાક ઉડાવવા લાગ્યો. ૨ તેણે પોતાના ભાઈઓ અને સમરૂનના લશ્કરની હાજરીમાં કહ્યું: “આ માયકાંગલા યહૂદીઓ શું કરી રહ્યા છે? તેઓની હેસિયત શું કે પોતાની મેળે એ કામ પૂરું કરવા ઊભા થયા છે? શું તેઓ બલિદાનો ચઢાવશે? એક જ દિવસમાં એ કામ પૂરું કરશે? બળીને રાખ થઈ ગયેલા આ ઢગલામાંથી પાછો કોટ બનાવશે?”+
૩ તેની બાજુમાં ઊભેલા આમ્મોની+ ટોબિયાએ+ કહ્યું: “તેઓ પથ્થરનો જે કોટ બાંધી રહ્યા છે એના પર જો એક શિયાળ પણ ચઢે, તો એ કોટ તૂટી પડશે.”
૪ મેં પ્રાર્થના કરી: “હે અમારા ઈશ્વર, સાંભળો. આ લોકો અમારું અપમાન કરે છે.+ તેઓનાં મહેણાં તેઓને જ માથે લાવો.+ દુશ્મનો તેઓને પકડીને લઈ જાય અને તેઓને બીજા દેશમાં ગુલામ બનાવવામાં આવે એવું થવા દો. ૫ તેઓના અપરાધ ઢાંકી ન દો અને તેઓનું પાપ ભૂંસી ન નાખો,+ કેમ કે તેઓએ કોટ બાંધનારાઓનું અપમાન કર્યું છે.”
૬ અમે કોટનું બાંધકામ કરતા રહ્યા. અમે આખા કોટની મરામત કરી અને અડધી ઊંચાઈ સુધી એને ફરી બાંધી દીધો. લોકો પૂરા દિલથી એ કામ કરતા રહ્યા.
૭ હવે સાન્બાલ્લાટ, ટોબિયા,+ અરબીઓ,+ આમ્મોનીઓ અને આશ્દોદીઓએ+ સાંભળ્યું કે યરૂશાલેમના કોટની મરામતનું કામ આગળ વધી રહ્યું છે અને એનાં ગાબડાં પૂરવામાં આવી રહ્યાં છે. એ સાંભળીને તેઓ ખૂબ ગુસ્સે ભરાયા. ૮ તેઓએ યરૂશાલેમ પર હુમલો કરવા અને કામમાં ખલેલ પહોંચાડવા ભેગા મળીને કાવતરું ઘડ્યું. ૯ પણ અમે અમારા ઈશ્વરને પ્રાર્થના કરી અને દુશ્મનો વિરુદ્ધ રાત-દિવસ પહેરો રાખવા ચોકીદારો મૂક્યા.
૧૦ પણ યહૂદાના લોકો કહેતા: “મજૂરોની તાકાત ઘટી ગઈ છે અને પાર વગરનો કાટમાળ પડ્યો છે, આપણે કદી કોટ પૂરો નહિ કરી શકીએ.”
૧૧ અમારા દુશ્મનો કહેતા: “તેઓ કંઈ સમજે કે જુએ એ પહેલાં જ ચાલો, આપણે તેઓ પર ચઢાઈ કરીએ, તેઓને મારી નાખીએ અને કામ અટકાવી દઈએ.”
૧૨ દુશ્મનોની આસપાસ રહેતા યહૂદીઓ શહેરમાં આવતા ત્યારે વારંવાર* કહેતા: “ચારે બાજુથી દુશ્મનો આપણા પર હુમલો કરશે.”
૧૩ એટલે મેં કોટની પાછળની નીચાણવાળી અને ખુલ્લી જગ્યા પર માણસો ઊભા રાખ્યા. મેં તેઓને તલવાર, બરછી અને ધનુષ્ય આપ્યાં અને તેઓને પોતપોતાનાં કુટુંબો પ્રમાણે ઊભા રાખ્યા. ૧૪ મેં જોયું કે લોકો ખૂબ ડરી ગયા છે. મેં તરત જ ઊભા થઈને અધિકારીઓ,+ ઉપઅધિકારીઓ અને બાકીના લોકોને કહ્યું: “તેઓથી ડરશો નહિ.+ યહોવાને યાદ રાખો, તે મહાન અને અદ્ભુત* ઈશ્વર છે.+ તમારા ભાઈઓ, તમારાં દીકરા-દીકરીઓ, તમારી પત્નીઓ અને તમારાં ઘરો માટે લડો.”
૧૫ અમારા દુશ્મનોએ સાંભળ્યું કે અમને તેઓના ઇરાદાની ખબર પડી ગઈ છે અને સાચા ઈશ્વરે* તેઓની યોજના ઊંધી વાળી દીધી છે. એ પછી અમે ફરીથી કોટના બાંધકામમાં લાગી ગયા. ૧૬ એ દિવસથી મારા અડધા માણસો કોટ બાંધતા+ અને બાકીના અડધા બરછી, ઢાલ અને ધનુષ્ય લઈને તથા બખ્તર પહેરીને સજ્જ રહેતા. અધિકારીઓ+ પાછળ ઊભા રહીને યહૂદાના એ લોકોને ટેકો આપતા, ૧૭ જેઓ કોટનું બાંધકામ કરતા હતા. બોજો ઉપાડનારા મજૂરો એક હાથે કામ કરતા અને બીજા હાથમાં હથિયાર રાખતા. ૧૮ કોટ બાંધનારા બધા માણસો કમરે તલવાર લટકાવીને કામ કરતા. રણશિંગડું+ વગાડનાર મારી પાસે ઊભો હતો.
૧૯ પછી મેં અધિકારીઓ, ઉપઅધિકારીઓ અને બાકીના લોકોને કહ્યું: “કામ ઘણું વિશાળ અને ફેલાયેલું છે. આપણે કોટના અલગ અલગ ભાગમાં કામ કરી રહ્યા છીએ અને એકબીજાથી છૂટા પડી ગયા છીએ. ૨૦ એટલે રણશિંગડાનો અવાજ સાંભળો કે તરત જ અમારી પાસે એકઠા થઈ જજો. આપણા ઈશ્વર આપણા માટે યુદ્ધ કરશે.”+
૨૧ સવારે પોહ ફાટે ત્યારથી લઈને રાતે તારા દેખાય ત્યાં સુધી અમારામાંથી અડધા માણસો કોટ બાંધતા અને બાકીના અડધા માણસો બરછી લઈને પહેરો રાખતા. ૨૨ એ વખતે મેં લોકોને કહ્યું: “બધા માણસો પોતાના ચાકરો સાથે યરૂશાલેમમાં જ રાત વિતાવે. તેઓ રાતે પહેરો ભરશે અને સવારે કામ કરશે.” ૨૩ હું અને મારા ભાઈઓ, મારા ચાકરો+ અને મારા હાથ નીચેના પહેરેદારો પોતાનાં કપડાં પણ બદલતા ન હતા. અમે દરેક જણ જમણા હાથમાં હથિયાર રાખીને હંમેશાં તૈયાર રહેતા.