યશાયા
૬૩ અદોમથી+ આ કોણ આવે છે?
“એ તો હું છું, હું* સાચું બોલનાર છું,
મારી પાસે બચાવવાની મહાન શક્તિ છે.”
૨ તમારાં કપડાં લાલ કેમ છે?
દ્રાક્ષાકુંડ ખૂંદનારનાં કપડાં જેવાં કેમ છે?+
૩ “મેં એકલાએ દ્રાક્ષાકુંડ ખૂંદ્યો છે.
લોકોમાંથી કોઈએ મને સાથ ન આપ્યો.
મારા ગુસ્સામાં મેં દુશ્મનોને ખૂંદી નાખ્યા,
મારા ક્રોધમાં મેં તેઓને કચડી નાખ્યા.+
તેઓના લોહીના છાંટા મારાં કપડાં પર ઊડ્યા
અને મારાં બધાં કપડાં એનાથી રંગાઈ ગયાં.
૪ મેં વેર વાળવાનો દિવસ નક્કી કર્યો છે,+
મારા લોકોને છોડાવવાનું વર્ષ આવી પહોંચ્યું છે.
૫ મેં જોયું, પણ કોઈ મદદ કરનાર ન હતું.
મને નવાઈ લાગી, કેમ કે કોઈ સાથ આપનાર ન હતું.
૬ મારા ગુસ્સામાં મેં લોકોને કચડી નાખ્યા,
મારો કોપ પિવડાવીને મેં તેઓને ચકચૂર કર્યા,+
તેઓનું લોહી મેં ભૂમિ પર રેડી દીધું.”
૭ યહોવાએ અતૂટ પ્રેમને લીધે કરેલાં કામો હું જણાવીશ.
યહોવાએ આપણા માટે જે બધું કર્યું છે એના માટે,
યહોવાની સ્તુતિ થાય એવાં કામો જણાવીશ.+
તેમની દયા અને તેમના મહાન પ્રેમને* લીધે
તેમણે ઇઝરાયેલી પ્રજાનું ભલું કરવા કેટલું બધું કર્યું છે!
૮ તે કહે છે: “સાચે જ તેઓ મારા લોકો, મારા દીકરાઓ છે, જેઓ કદીયે બેવફા બનશે નહિ.”+
આમ તે તેઓના ઉદ્ધાર કરનાર બન્યા.+
૯ તેઓનાં બધાં દુઃખોમાં તે દુઃખી થયા.+
તેમના પોતાના સંદેશવાહકે* તેઓને બચાવી લીધા.+
તેમણે પોતાના પ્રેમ અને કરુણાને લીધે તેઓને છોડાવી લીધા.+
અગાઉના સમયમાં તેમણે તેઓને ઊંચકી લીધા અને તેઓની સંભાળ રાખી.+
૧૦ પણ તેઓએ બળવો પોકાર્યો+ અને પવિત્ર શક્તિનો વિરોધ કર્યો.+
૧૧ પછી તેઓએ જૂના દિવસો યાદ કર્યા,
ઈશ્વરભક્ત મૂસાના દિવસો યાદ કર્યા અને કહ્યું:
“તેમના લોકોને આગેવાનો+ સાથે સમુદ્રમાંથી બહાર લાવનાર ક્યાં છે?+
જેમણે તેને પવિત્ર શક્તિ આપી, તે ક્યાં છે?+
૧૨ જેમણે મૂસાના જમણા હાથને પોતાના શક્તિશાળી હાથનો સહારો આપ્યો,+
જેમણે પોતાનું નામ અમર બનાવવા+
તેઓ આગળ પાણીના બે ભાગ કરી દીધા, તે ક્યાં છે?+
૧૩ જેમણે લોકોને ઊછળતાં મોજાંમાંથી* ચલાવ્યા, તે ક્યાં છે?
જેમ ઘોડો ખુલ્લા મેદાનમાં* ચાલે,
તેમ તેઓ ઠોકર ખાધા વગર ચાલ્યા.
૧૪ યહોવાએ પોતાની શક્તિ દ્વારા તેઓને એવો આરામ આપ્યો,+
જેવો મેદાનમાં જનારાં ઘેટાં-બકરાંને થાય.”
તમે પોતાનું નામ મહાન બનાવવા,
તમારા લોકોને આ રીતે દોરી લાવ્યા.+
૧૫ સ્વર્ગમાંથી નીચે નજર કરો,
ઊંચાણમાં આવેલા તમારા પવિત્ર અને ભવ્ય* રહેઠાણમાંથી જુઓ.
એ મારાથી પાછી રાખવામાં આવી છે.
૧૬ તમે અમારા પિતા છો.+
ભલે ઇબ્રાહિમ અમને ન જાણે
અને ઇઝરાયેલ અમને ન ઓળખે,
પણ હે યહોવા, તમે અમારા પિતા છો.
જૂના જમાનાથી તમે અમારા છોડાવનાર છો, એ જ તમારું નામ છે.+
૧૭ હે યહોવા, કેમ અમને તમારા માર્ગમાંથી ભટકી જવા દો છો?
કેમ અમારાં દિલ કઠણ થવા દો છો, જેથી અમે તમારો ડર ન રાખીએ?+
તમારા ભક્તોને લીધે,
તમારા વારસાનાં કુળોને લીધે પાછા ફરો.+
૧૮ તમારા પવિત્ર લોકોએ થોડો જ સમય દેશનો વારસો લીધો.
અમારા દુશ્મનોએ તમારું મંદિર ખૂંદી નાખ્યું.+
૧૯ લાંબા સમયથી અમે તો એવા છીએ, જાણે તમે કદી અમારા પર રાજ કર્યું ન હોય,
જાણે અમે તમારા નામથી કદીયે ઓળખાયા ન હોઈએ.