હૃદયની શસ્ત્રક્રિયાની પ્રગતિમાં યહોવાહના સાક્ષીઓ સાધનરૂપ
ઓગસ્ટ ૨૭, ૧૯૯૫ના ન્યૂ યોર્કના ડેઈલી ન્યૂઝએ પોતાના અહેવાલનું શીર્ષક આપ્યું, “લોહી વિનાની શસ્ત્રક્રિયા.” એણે જણાવ્યું કે ન્યૂ યોર્ક હોસ્પિટલ-કોરનલ મેડિકલ સેન્ટર “એક ટીપું લોહી ગુમાવ્યા વિના ધમનીની શસ્ત્રક્રિયા—જે શસ્ત્રક્રિયાની તાજેતરમાં માજી મેયર ડેવિડ ડિન્કિન્સને જરૂર પડી હતી—કરવાની ક્રાંતિકારી રીત પ્રગટ કરવાનું” હતું.
“યહોવાહના સાક્ષીઓને લગતી બાબતથી પ્રેરિત,” વર્તમાનપત્રએ કહ્યું, “નવી પદ્ધતિની અદ્ભુતતા . . . હોસ્પિટલોના લાખો ડોલર બચાવવામાં અને દર્દીઓ માટે દૂષિત લોહીના ઘણા જ ઘટેલા જોખમમાં પ્રતિબિંબિત થશે.” હોસ્પિટલના લોહી વિનાની શસ્ત્રક્રિયાના કાર્યક્રમના ડાયરેક્ટર ડો. ટોડ રોઝનગાર્ટે કહ્યું: “હવે અમે એ શસ્ત્રક્રિયા દરમ્યાન જરૂરિયાત મુજબ આપવામાં આવતા લોહીનું પ્રમાણ દર્દી દીઠ બેથી ચાર યુનિટમાંથી શૂન્ય સુધી ઘટાડી શક્યા છીએ.”
એ પદ્ધતિને આગળ ધપાવવામાં મદદ કરનાર, એ હોસ્પિટલના હૃદય સર્જન ડો. કાર્લ ક્રીગરે કહ્યું: “અમે આપવામાં આવતા લોહી અને લોહીની બનાવટો માટેની જરૂર નાબૂદ કરીને, સામાન્ય રીતે લોહીની આપલે સાથે સંકળાયેલા શસ્ત્રક્રિયા પછીના અમુક તાવ તથા ચેપનું જોખમ પણ ઓછું કર્યું છે.”
બીજા નિષ્ણાતો કહે છે કે “ધમનીની લોહી વિનાની શસ્ત્રક્રિયાને લીધે શસ્ત્રક્રિયા પછી ઇન્ટેન્સિવ કેરમાં વિતાવવામાં આવતો સમય ઘટે છે—૨૪ કે તેથી વધુ કલાકોમાંથી ફક્ત છ કલાક સુધી. પ્રયોગમાંના દર્દીઓ ૪૮ કલાક વહેલા જલદી સારા થઈને હોસ્પિટલમાંથી બહાર આવી શક્યા હતા.” એનો અર્થ હોસ્પિટલો, સરકાર, અને વીમા કંપનીઓ માટે ઘણી બચત થાય છે. ડો. રોઝનગાર્ટે અંદાજ કાઢ્યો છે કે “એ પ્રકારની શસ્ત્રક્રિયા દર્દી દીઠ $૧,૬૦૦ બચાવી શકે.”
ડેઈલી ન્યૂઝના અહેવાલે કહેવાનું ચાલુ રાખ્યું:
“કટાક્ષપૂર્ણ બાબત તો એ છે કે, નવા પ્રકારની શસ્ત્રક્રિયાની ચળવળ આર્થિક કે તબીબી તાકીદને લીધે નહિ, પરંતુ ધાર્મિક નિષ્ઠાને લીધે કરવામાં આવી. યહોવાહના સાક્ષીઓનો સમાજ—જેઓની માન્યતાઓ લોહીની આપલે પર પ્રતિબંધ મૂકે છે—હૃદયરોગનો ભોગ બનેલા વૃદ્ધ સભ્યો માટે મદદ શોધી રહ્યો હતો. . . .
“યહોવાહના સાક્ષીઓના સમાજની અરજને લીધે, ડોક્ટરોએ લોહી વહી જતું અટકાવવાની તરકીબોને નવા ડ્રગ્સ સાથે સાંકળી. તેઓએ હૃદયની શસ્ત્રક્રિયા દરમ્યાન દર્દીને જીવંત રાખવા ઉપયોગમાં લેવાતા હૃદય અને ફેફસાંના રૂઢિગત યંત્રનો ઉપયોગ કરવાની નવી રીત પણ શોધી કાઢી.
“ન્યૂ યોર્ક-કોરનલ ટુકડીએ શરૂઆતના પ્રયોગમાંના ૪૦ યહોવાહના સાક્ષીઓ ઉપરાંત, છ મહિના પહેલાં દર્દીઓના સામાન્ય સમાજની શસ્ત્રક્રિયામાં એની પ્રસ્તાવના કરી. ‘ત્યારથી માંડીને, તેઓએ ધમનીની લોહી વિનાની એકધારી ૧૦૦ શસ્ત્રક્રિયાઓ પૂરી કરી છે જેમાં એક પણ મરણ થયું નથી,’ ક્રીગરે કહ્યું. ધમનીની સામાન્ય શસ્ત્રક્રિયામાં મરણનો દર લગભગ ૨.૩% હોય છે.”
જગતવ્યાપી ૧૦૨ હોસ્પિટલોએ પોતાની સવલતોમાં લોહી વિનાની શસ્ત્રક્રિયાના કાર્યક્રમનો ઉમેરો કરી શસ્ત્રક્રિયાની એ વધુ સલામત પદ્ધતિ પૃથ્વીવ્યાપી દર્દીઓના સામાન્ય સમાજ માટે પ્રાપ્ય બનાવી છે. (g96 1/22)