યહોવાહના સાક્ષીઓ શું માને છે?
યહોવાહના સાક્ષીઓની માન્યતાઓમાં સંતાડવા જેવું કંઈ જ નથી. એના વિષે તેઓનું સાહિત્ય ખુલ્લેઆમ જણાવે છે, જે ઘણી ભાષાઓમાં મળી આવે છે. ચાલો આપણે તેઓની અમુક માન્યતાઓનો વિચાર કરીએ.
૧. બાઇબલ યહોવાહના સાક્ષીઓ માને છે કે “પવિત્ર બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી આપવામાં આવ્યું છે.” (૨ તિમોથી ૩:૧૬, IBSI) જેસન ડી. બેદુન ધર્મો પર અભ્યાસ કરનાર પ્રોફેસર છે. તેમણે લખ્યું કે ‘યહોવાહના સાક્ષીઓએ શરૂઆતથી જ પોતાની માન્યતાઓ બાઇબલને આધારે ઘડી છે. બાઇબલ જે કહે છે એ જ તેઓ માને છે. એવું નથી કે પોતે જે માનવું હોય એ પહેલેથી નક્કી કરીને એ પ્રમાણે બાઇબલની સમજણ આપે.’ તેઓ બાઇબલ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરે છે, એવું નથી કે પોતાના સંજોગોને બંધબેસે એવો એનો અર્થ કાઢે. તેઓ એ પણ જાણે છે કે બાઇબલમાં જે લખેલું છે, એ બધું જ શાબ્દિક રીતે લેવાનું નથી. જેમ કે, ઉત્પત્તિના સાત દિવસો શાબ્દિક લેવાના નથી, પણ એ એક સમયગાળાને રજૂ કરે છે.—ઉત્પત્તિ ૧:૩૧; ૨:૪.
૨. સર્જનહાર સાચા ઈશ્વરે પોતે પોતાનું નામ આપ્યું છે, જે તેમને ખોટા દેવ-દેવીઓથી અલગ પાડે છે. એ નામ છે યહોવાહ (અથવા કોમન લેંગ્વેજ બાઇબલ અને આજના અમુક સ્કૉલરો પ્રમાણે, યાહવે).a (ગીતશાસ્ત્ર ૮૩:૧૮) બાઇબલની મૂળ ભાષાઓમાંની એક, હેબ્રીમાં એ નામ લગભગ ૭,૦૦૦ વાર જોવા મળે છે. જ્યારે ઈસુએ શિષ્યોને પ્રાર્થના કરવાનું શીખવ્યું, ત્યારે ભાર મૂક્યો કે એ નામ કેટલું મહત્ત્વનું છે. તેમણે પ્રાર્થનામાં કહ્યું કે “તારૂં નામ પવિત્ર મનાઓ.” (માત્થી ૬:૯) ઈશ્વરને એવી માંગ કરવાનો હક્ક છે કે બધા તેમની જ ભક્તિ કરે, બીજા કોઈની નહિ. એટલે યહોવાહના સાક્ષીઓ કોઈ પણ મૂર્તિ કે ચિત્રોની ભક્તિ કરતા નથી.—૧ યોહાન ૫:૨૧.
૩. ઈસુ ખ્રિસ્ત તે આપણો ઉદ્ધાર કરનાર અને ‘ઈશ્વરના દીકરા છે.’ તે ‘સર્વ સૃષ્ટિના પ્રથમજનિત છે.’ (યોહાન ૧:૩૪; કોલોસી ૧:૧૫; પ્રેરિતોનાં કૃત્યો ૫:૩૧) ઈસુને યહોવાહે ઉત્પન્ન કર્યા હતા. એટલે ઘણાં ચર્ચો શીખવે છે તેમ, ઈસુ અને યહોવાહ એક જ વ્યક્તિ નથી. ઈસુએ કહ્યું: ‘મારા કરતાં પિતા મોટા છે.’ (યોહાન ૧૪:૨૮) ઈસુ ધરતી પર આવ્યા પહેલાં, સ્વર્ગમાં રહેતા હતા. પૃથ્વી પર આવીને તેમણે પોતાનું બલિદાન આપ્યું. એ પછી તેમને સજીવન કરવામાં આવ્યા અને તે સ્વર્ગમાં ગયા. તેમણે કહ્યું કે ‘મારા વિના પિતાની પાસે કોઈ આવતું નથી.’—યોહાન ૧૪:૬.
૪. ઈશ્વરનું રાજ્ય એ ઈશ્વરની સરકાર છે, જે સ્વર્ગમાં છે. એના રાજા ઈસુ ખ્રિસ્ત છે. તેમની સાથે રાજ કરવા ૧,૪૪,૦૦૦ લોકોને ‘પૃથ્વી પરથી ખરીદવામાં આવ્યા’ છે. (પ્રકટીકરણ ૫:૯, ૧૦; ૧૪:૧, ૩, ૪; દાનીયેલ ૨:૪૪; ૭:૧૩, ૧૪) તેઓ સ્વર્ગમાંથી ધરતી પર રાજ કરશે અને સર્વ દુષ્ટતા કાઢી નાખશે. પછી, એમાં ફક્ત ઈશ્વરનો ડર રાખનારા લાખો લોકો રહેશે.—નીતિવચનો ૨:૨૧, ૨૨.
૫. પૃથ્વી સભાશિક્ષક ૧:૪ જણાવે છે કે “પૃથ્વી સદા ટકી રહે છે.” દુષ્ટ લોકોનો નાશ કર્યા પછી, પૃથ્વીને સુંદર બગીચા જેવી બનાવવામાં આવશે. એમાં યહોવાહની નજરે ન્યાયી લોકો અમર જીવશે. (ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧, ૨૯) ઈસુએ યહોવાહને કરેલી આ પ્રાર્થના પૂરી થશે: “પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.”—માત્થી ૬:૧૦.
૬. બાઇબલની ભવિષ્યવાણી ‘ઈશ્વર કદી જૂઠું બોલતા નથી.’ (તીતસ ૧:૨) એટલે તેમણે આપેલાં બધાં ભવિષ્યવચનો હંમેશાં સાચાં જ પડે છે. દુષ્ટતાના અંત વિષે તેમણે જે કહ્યું છે, એ પણ ચોક્કસ સાચું પડશે. (યશાયાહ ૫૫:૧૧; માત્થી ૨૪:૩-૧૪) એ વિનાશમાંથી કોણ બચી જશે? પહેલો યોહાન ૨:૧૭ કહે છે કે ‘ઈશ્વરની ઇચ્છા પૂરી કરે છે તે સદા રહે છે.’
૭.દુનિયાના અધિકારીઓ ઈસુએ આમ કહ્યું: ‘જે કાઈસારનાં છે તે કાઈસારને, ને જે ઈશ્વરનાં છે તે ઈશ્વરને ભરી આપો.’ (માર્ક ૧૨:૧૭) એટલે યહોવાહના સાક્ષીઓ જે જગ્યાએ રહે, ત્યાંના બધા નિયમો પાળે છે, જ્યાં સુધી એ ઈશ્વરના નિયમોની વિરુદ્ધ ન હોય.—પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯; રૂમી ૧૩:૧-૩.
૮. પ્રચારકામ ઈસુએ પહેલેથી જણાવ્યું હતું કે દુષ્ટતાના અંત પહેલાં, “રાજ્યની આ સુવાર્તા” આખી પૃથ્વી પર જણાવાશે. (માત્થી ૨૪:૧૪) યહોવાહના સાક્ષીઓ જીવન બચાવનાર એ કામને એક આશીર્વાદ ગણે છે. લોકો સાંભળે કે નહિ એ તેઓની મરજી. બાઇબલ જણાવે છે કે “જે ચાહે તે જીવનનું પાણી મફત લે.”—પ્રકટીકરણ ૨૨:૧૭.
૯. બાપ્તિસ્મા યહોવાહના સાક્ષીઓમાં કોને બાપ્તિસ્મા આપવામાં આવે છે? ફક્ત તેઓને જ જેઓ બાઇબલમાંથી સારી રીતે શીખીને, યહોવાહની ભક્તિ કરવાનો નિર્ણય લે. (હેબ્રી ૧૨:૧) તેઓ યહોવાહને પોતાનું જીવન પ્રાર્થનામાં સોંપે છે. એ નિર્ણય તેઓ બાપ્તિસ્મા દ્વારા જાહેર કરે છે.—માત્થી ૩:૧૩, ૧૬; ૨૮:૧૯.
૧૦. પાદરી અને લોકોમાં ઊંચ-નીચ ઈસુએ શિષ્યોને કહ્યું કે “તમે સઘળા ભાઈઓ છો.” (માત્થી ૨૩:૮) બાઇબલ લેખકો અને પહેલાંના ખ્રિસ્તીઓમાં કોઈ પોતાને એકબીજાથી ચડિયાતા ગણતા ન હતા, કોઈ પાદરી ન હતા. આજે યહોવાહના સાક્ષીઓમાં પણ કોઈ ભેદભાવ નથી. (g10-E 08)
[ફુટનોટ]
a યહોવાહના સાક્ષીઓએ પોતે “યહોવાહ” નામ બનાવી કાઢ્યું નથી. અંગ્રેજી અને જર્મન જેવી ઘણી ભાષાઓમાં પણ સદીઓ પહેલાં, ઈશ્વરને “યહોવાહ” નામ અપાયું હતું. મૂળ એવી ભાષાઓમાં બાઇબલ લખાયું ન હતું. અફસોસ કે આજે બાઇબલનું ભાષાંતર કરનારા અમુકે “યહોવાહ” નામ કાઢીને, ફક્ત “ઈશ્વર” કે “પ્રભુ” ખિતાબ રાખ્યું છે. એનાથી તેઓએ બાઇબલ આપનાર, યહોવાહનું અપમાન કર્યું છે.
[પાન ૧૨ પર બ્લર્બ]
‘મારા કરતાં પિતા મોટા છે.’—યોહાન ૧૪:૨૮
[પાન ૧૩ પર બ્લર્બ]
‘સર્વ પ્રજાઓને સાક્ષી મળે માટે રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે અને ત્યારે જ અંત આવશે.’—માત્થી ૨૪:૧૪