હૃદય સાચવો, તંદુરસ્ત રહો
“હૃદયની શાંતિ શરીરનું જીવન છે.”—નીતિવચનો ૧૪:૩૦.
“આનંદી હૃદય એ ઉત્તમ ઔષધ છે.”—નીતિવચનો ૧૭:૨૨.
● ઇઝરાયલના રાજા સુલેમાને આ શબ્દો ત્રણ હજારથી વધારે વર્ષ પહેલાં કહ્યા હતા. એ સાદા શબ્દો પાછળ ઊંડો અર્થ રહેલો છે.a પણ તેમણે જે કહ્યું એ શું ખરું છે? આજના ડૉક્ટરોનું શું કહેવું છે?
ગુસ્સા અને શાંત મગજવાળી વ્યક્તિની સરખામણી કરતા જર્નલ ઑફ ધી અમેરિકન કૉલેજ ઑફ કાર્ડિયોલૉજી જણાવે છે: ‘તાજેતરમાં જાણવા મળ્યું છે કે ગુસ્સા અને ક્રોધથી હૃદયની બીમારી વધે છે. હૃદયની બીમારી હોય તેઓ માટે ફક્ત સારવાર અને દવા જ પૂરતા નથી. પણ ગુસ્સાને કાબૂમાં રાખવાની અને ઠંડું મગજ રાખવાની જરૂર છે.’ બાઇબલ કહે છે તેમ સાદા શબ્દોમાં શાંત મગજ રાખવાથી તંદુરસ્તી સુધરે છે.
એ જ રીતે આનંદી રહેવાથી સારી અસર પડે છે. સ્કૉટલૅન્ડના આરોગ્ય ખાતાના અધિકારી ડૉ. ડેરીક કૉક્ષે બી.બી.સી. ન્યૂઝના એક રિપોર્ટમાં જણાવ્યું: “ખુશમિજાજ લોકોને બીમાર પડવાની શક્યતા ઓછી છે. જ્યારે કે નાખુશ લોકો વધારે બીમાર પડે છે.” એ જ રિપોર્ટ આગળ જણાવે છે, “ખુશમિજાજના લોકોને જલદી હૃદયરોગ અને પક્ષઘાત (સ્ટ્રોક) થતો નથી.”
તો સવાલ થાય કે બાઇબલના લેખકો અને સુલેમાન પાસે એવું જ્ઞાન ક્યાંથી આવ્યું? સાદો જવાબ છે, ‘ઈશ્વરે સુલેમાનને ઘણું જ્ઞાન, સમજશક્તિ આપ્યા’ હતા. (૧ રાજાઓ ૪:૨૯) એટલું જ નહિ એ જ્ઞાન આજે પણ બાઇબલમાં રહેલું છે, જેથી બધા જ એમાંથી લાભ લઈ શકે. એ મેળવવાના કોઈ પૈસા નથી.
તો પછી, કેમ નહિ કે તમે પણ દરરોજ બાઇબલ વાંચો. લાખોને લાખો લોકોએ એમ કર્યું છે, તેઓએ આ વચન અનુભવ્યું છે: ‘તમારા હૃદયમાં જ્ઞાન પ્રવેશ કરશે, અને વિદ્યા તમારા મનને ખુશકારક લાગશે; વિવેકબુદ્ધિ તમારા પર ચોકી કરશે. બુદ્ધિ તમારું રક્ષણ કરશે.’ (નીતિવચનો ૨:૧૦, ૧૧) આ શબ્દોથી કેટલું ઉત્તેજન અને દિલાસો મળે છે! (g11-E 08)
[ફુટનોટ]
a બાઇબલ ‘હૃદયʼનો ઉલ્લેખ કરે છે ત્યારે, મોટા ભાગે એ વ્યક્તિના દિલના વિચારો, ભાવના, લાગણીઓને બતાવે છે.