પાઠ ૭
આ વાર્તામાંથી શીખો
આ જગતનો અંત આવે ત્યારે પાપી લોકોનો નાશ થશે. ફક્ત સારા લોકો જ બચી જશે. આપણે શા માટે એમ કહી શકીએ? લગભગ ચાર હજાર વર્ષ પહેલાં, આખા જગતમાં લોકો બહુ જ ખરાબ થઈ ગયા હતા. તેઓનો નાશ કરવા માટે યહોવા એક જળપ્રલય લાવ્યા. નુહ ભગવાનનો માણસ હતો. તેનું કુટુંબ પણ ઈશ્વરપ્રેમી હતું. તેઓને પૂરમાંથી બચાવવા માટે, યહોવાએ એક મોટું વહાણ બાંધવાનું કહ્યું.—ઉત્પત્તિ ૬:૯-૧૮.
નુહે સમાજને ચેતવણી આપી: ‘જાગો, તમારો જીવ બચાવો! પૂર આવે છે, જલદી જલદી વહાણમાં આવો!’ પણ કોઈએ નુહનું સાંભળ્યું જ નહિ. તેથી, ફક્ત નુહ અને તેનું કુટુંબ જ વહાણમાં ગયા. તેઓ જાતજાતનાં પશુપક્ષીઓને પણ વહાણની અંદર લઈ ગયા. પછી યહોવા એક મહાપૂર લાવ્યા. ચાળીસ દિવસ સુધી ધોધમાર વરસાદ વરસ્યો અને આખી દુનિયા ડૂબી ગઈ.—ઉત્પત્તિ ૭:૭-૧૨.
નુહ અને તેમનું આખું કુટુંબ બચી ગયું. તેઓએ યહોવાનું કહ્યું માન્યું હતું. (ઉત્પત્તિ ૭:૨૨, ૨૩; ૨ પીતર ૨:૫, ૬, ૯) પણ આપણે આ વર્ષો જૂની વાર્તામાંથી શું શીખી શકીએ?
આજે પાપી લોકો રોગની જેમ ફેલાયા છે. યહોવા થોડા જ સમયમાં તેઓનો પણ નાશ કરશે. નુહની જેમ આજે યહોવાના ભક્તો દરેકને ચેતવણી આપે છે. ઘણા તેઓનું સાંભળતા નથી. આ પાપી જગતના દિવસો હવે ગણાઈ રહ્યા છે.—ગીતશાસ્ત્ર ૯૨:૭.
પૃથ્વીનો નાશ થશે નહિ. આખી પૃથ્વી એક સુંદર બાગ બનશે. પછી ફક્ત યહોવાના ભક્તો જ એના પર હંમેશ માટે જીવશે.—ગીતશાસ્ત્ર ૩૭:૨૯.