પ્રકરણ ૯૬
ધનવાન આગેવાનને ઈસુ જવાબ આપે છે
માથ્થી ૧૯:૧૬-૩૦ માર્ક ૧૦:૧૭-૩૧ લુક ૧૮:૧૮-૩૦
ધનવાન માણસ હંમેશ માટેના જીવન વિશે પૂછે છે
ઈસુ હજુ પણ પેરીઆ થઈને યરૂશાલેમ જતા માર્ગમાં હતા. ત્યારે એક યુવાન માણસ દોડીને તેમની પાસે આવ્યો અને ઘૂંટણિયે પડ્યો. તે ‘યહુદી આગેવાનોમાંનો એક’ હતો. તે કદાચ સભાસ્થાનનો અધિકારી અથવા યહુદી ન્યાયસભાનો સભ્ય હતો. તેણે પૂછ્યું: “ઉત્તમ શિક્ષક, હંમેશ માટેના જીવનનો વારસો મેળવવા મારે શું કરવું જોઈએ?”—લુક ૮:૪૧; ૧૮:૧૮; ૨૪:૨૦.
ઈસુએ જવાબ આપ્યો: “તું શા માટે મને ઉત્તમ કહે છે? ઈશ્વર સિવાય બીજું કોઈ ઉત્તમ નથી.” એ સમયે, રાબ્બીઓમાં એવો ખિતાબ વાપરવાનું ચલણ હતું, એટલે કદાચ આ યુવાને પણ ઈસુને “ઉત્તમ” કહીને સંબોધ્યા. ભલે ઈસુ શીખવવામાં કુશળ હતા, તોપણ તેમણે યુવાનને સ્પષ્ટ જણાવ્યું કે, “ઉત્તમ” ખિતાબ ફક્ત ઈશ્વર માટે હોવો જોઈએ.
ઈસુએ તેને સલાહ આપી: “જો તારે જીવન મેળવવું હોય તો તું આજ્ઞાઓ પાળતો રહે.” એટલે તેણે પૂછ્યું: “કઈ આજ્ઞાઓ?” ઈસુએ દસમાંથી પાંચ આજ્ઞાઓ જણાવી, ખૂન ન કરવું, વ્યભિચાર ન કરવો, ચોરી ન કરવી, જૂઠી સાક્ષી ન આપવી અને માતાપિતાને માન આપવું. પછી, તેમણે મહત્ત્વની આજ્ઞા ઉમેરતા કહ્યું: “તું પોતાના પર રાખે છે એવો પ્રેમ પડોશી પર રાખ.”—માથ્થી ૧૯:૧૭-૧૯.
યુવાને જવાબ આપ્યો: “હું આ બધું તો પાળું છું, હજુ મારે શું કરવાની જરૂર છે?” (માથ્થી ૧૯:૨૦) તેને લાગ્યું હશે કે હંમેશ માટેનું જીવન મેળવવા તે કોઈ સારું અને મોટું કામ ચૂકી રહ્યો છે. યુવાનની આતુરતા જોઈને ઈસુને તેના માટે ‘પ્રેમ’ ઊભરાઈ આવ્યો. (માર્ક ૧૦:૨૧) પરંતુ, એ યુવાન સામે એક નડતર હતું.
એ માણસને પોતાની માલમિલકત ખૂબ વહાલી હતી, એટલે ઈસુએ કહ્યું: “તારામાં એક વાત ખૂટે છે: જા, તારી પાસે જે કંઈ છે એ વેચી દે અને ગરીબોને આપી દે અને સ્વર્ગમાં તને ખજાનો મળશે; આવ, મારો શિષ્ય બન.” હા, તે માણસ પોતાની બધી માલમિલકત એવા ગરીબોને આપી શકતો હતો, જેઓ તેને પાછું વાળી શકવાના ન હતા. પછી, તે ઈસુનો શિષ્ય બની શકતો હતો. પણ, તે માણસ ઊભો થયો અને દુઃખી થઈને ચાલ્યો ગયો. એ જોઈને ઈસુને તેની હાલત પર દયા આવી. “ઘણી માલમિલકત”ના પ્રેમમાં તે એટલો આંધળો બની ગયો હતો કે સાચી સંપત્તિ જોઈ ન શક્યો. (માર્ક ૧૦:૨૧, ૨૨) ઈસુએ કહ્યું: “પૈસાદાર લોકો માટે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું કેટલું અઘરું થઈ પડશે!”—લુક ૧૮:૨૪.
એ શબ્દોથી અને ઈસુએ આગળ જે કહ્યું, એ સાંભળીને શિષ્યોને નવાઈ લાગી: “હકીકતમાં, ધનવાન માણસનું ઈશ્વરના રાજ્યમાં જવું, એના કરતાં ઊંટનું સોયના નાકામાં થઈને જવું વધારે સહેલું છે.” એ સાંભળીને શિષ્યોએ પૂછ્યું: “તો પછી કોણ બચી શકે?” શું જીવન બચાવવું માણસના હાથ બહારની વાત છે? ઈસુએ શિષ્યો સામે જોતા કહ્યું: “માણસો માટે જે અશક્ય છે, એ ઈશ્વર માટે શક્ય છે.”—લુક ૧૮:૨૫-૨૭.
પીતરે જણાવ્યું કે તેઓએ પેલા યુવાન માણસથી કંઈક અલગ પસંદ કર્યું હતું. તેમણે કહ્યું: “જુઓ! અમે બધું છોડીને તમારી પાછળ આવ્યા છીએ; એ માટે અમને શું મળશે?” તેઓની યોગ્ય પસંદગી માટે મળનાર બદલા વિશે ઈસુએ કહ્યું: “બધું નવું બનાવવામાં આવશે ત્યારે માણસનો દીકરો પોતાના ભવ્ય રાજ્યાસન પર બેસશે; એ વખતે મારી પાછળ આવનારા તમે પણ, બાર રાજ્યાસનો પર બેસીને ઇઝરાયેલનાં બાર કુળોનો ન્યાય કરશો.”—માથ્થી ૧૯:૨૭, ૨૮.
ઈસુના મનમાં એ ભાવિ સમય હતો, જ્યારે આખી દુનિયા ફરીથી એદન બાગ જેવી સુંદર બની જશે. પીતર અને બીજા શિષ્યોને બાગ જેવી ધરતી પર ઈસુ સાથે રાજ કરવાનું ઇનામ મળશે. એક એવું ઇનામ કે જેના માટે કોઈ પણ બલિદાન નજીવું છે!
શિષ્યોએ બધા આશીર્વાદો મેળવવા ભાવિ સુધી રાહ જોવાની ન હતી. અમુક આશીર્વાદો તેઓ ત્યારે પણ અનુભવી રહ્યા હતા. ઈસુએ કહ્યું: “જે કોઈએ ઈશ્વરના રાજ્યને લીધે ઘર કે પત્ની કે ભાઈઓ કે માબાપ કે બાળકોને છોડ્યાં હોય, તેને આ સમય દરમિયાન અનેક ગણું વધારે અને આવનાર દુનિયામાં હંમેશ માટેનું જીવન મળ્યા વગર રહેશે નહિ.”—લુક ૧૮:૨૯, ૩૦.
શિષ્યો જ્યાં કંઈ પણ જાય, ત્યાં તેઓને સાથી ભક્તોનાં પ્રેમ અને હૂંફ મળવાનાં હતાં. કુટુંબીજનો પાસેથી મળે એના કરતાં પણ વધારે. એવું લાગે છે કે યુવાન ધનવાન માણસે એ આશીર્વાદો અને સ્વર્ગના રાજ્યમાં જીવન ગુમાવી દીધાં.
ઈસુએ આગળ ઉમેર્યું: “પરંતુ, ઘણા જેઓ પહેલા છે, તેઓ છેલ્લા અને છેલ્લા છે તેઓ પહેલા થશે.” (માથ્થી ૧૯:૩૦) તેમના કહેવાનો અર્થ શો હતો?
ધનવાન આગેવાન “પહેલા” વર્ગમાં ગણાતો હતો, કેમ કે તે એક યહુદી આગેવાન હતો. ઈશ્વરના નિયમો સારી રીતે જાણતો હોવાથી, તે ઈસુનો શિષ્ય બની શકતો હતો અને તેની પાસેથી ઘણી અપેક્ષાઓ રાખવામાં આવે એ વાજબી હતું. પરંતુ, તે ધનસંપત્તિને જીવનમાં પ્રથમ મૂકતો હતો. જોકે, એ વિસ્તારના સામાન્ય લોકો તેના જેવા ન હતા. તેઓને ઈસુના શિક્ષણમાં સત્ય અને જીવનનો માર્ગ દેખાતા હતા. તેઓ જાણે “છેલ્લા” હતા, પણ હવે તેઓ “પહેલા” થયા. તેઓ સ્વર્ગમાં ઈસુ સાથે રાજ્યાસન પર બેસીને બાગ જેવી સુંદર દુનિયા પર રાજ કરવાની રાહ જુએ છે.