પ્રકરણ ૧૧૪
ભાવિમાં ઘેટાં અને બકરાંનો ન્યાય
ઈસુ ઘેટાં અને બકરાંનું ઉદાહરણ આપે છે
જૈતૂન પહાડ પર ઈસુએ થોડી વાર પહેલાં દસ કન્યાઓ અને તાલંતનાં ઉદાહરણો આપ્યાં હતાં. તેમની હાજરી અને દુનિયાના અંતના સમય વિશે પ્રેરિતોના સવાલનો જવાબ તેમણે કઈ રીતે પૂરો કર્યો? ઘેટાં અને બકરાં વિશે છેલ્લું ઉદાહરણ આપીને.
ઈસુએ આમ કહેતા શરૂઆત કરી: “જ્યારે માણસનો દીકરો પોતાના ગૌરવમાં બધા દૂતો સાથે આવશે, ત્યારે તે પોતાના ભવ્ય રાજ્યાસન પર બેસશે.” (માથ્થી ૨૫:૩૧) આમ, ઈસુએ સ્પષ્ટ બતાવી આપ્યું કે પોતે આ ઉદાહરણના મુખ્ય પાત્ર છે. તેમણે ઘણી વાર પોતાને “માણસના દીકરા” કહ્યા હતા.—માથ્થી ૮:૨૦; ૯:૬; ૨૦:૧૮, ૨૮.
આ ઉદાહરણના શબ્દો ક્યારે પૂરા થવાના હતા? જ્યારે ઈસુ દૂતો સાથે “પોતાના ગૌરવમાં” આવશે અને “ભવ્ય રાજ્યાસન” પર બિરાજશે ત્યારે. તેમણે પહેલાં પણ જણાવ્યું હતું કે, ‘માણસનો દીકરો સામર્થ્ય તથા મહાન ગૌરવ સાથે આકાશનાં વાદળો પર’ પોતાના દૂતો સાથે આવશે. એવું ક્યારે બનશે? “વિપત્તિ પછી તરત જ.” (માથ્થી ૨૪:૨૯-૩૧; માર્ક ૧૩:૨૬, ૨૭; લુક ૨૧:૨૭) ભાવિમાં, ઈસુ પોતાના ગૌરવ સાથે આવશે ત્યારે એ ઉદાહરણના શબ્દો પૂરા થશે. એ સમયે તે શું કરશે?
ઈસુએ કહ્યું, ‘જ્યારે માણસનો દીકરો આવશે, ત્યારે સર્વ પ્રજાઓ તેમની આગળ ભેગી કરાશે અને જેમ ઘેટાંપાળક ઘેટાંને બકરાંથી અલગ પાડે છે, તેમ તે લોકોને એકબીજાથી અલગ પાડશે. અને તે ઘેટાંને પોતાને જમણે હાથે, પણ બકરાંને પોતાને ડાબે હાથે રાખશે.’—માથ્થી ૨૫:૩૧-૩૩.
ઘેટાં જેવા લોકોનું શું થશે, એ જણાવતા ઈસુએ કહ્યું: “પછી, રાજા પોતાની જમણી બાજુના લોકોને કહેશે: ‘મારા પિતાથી આશીર્વાદ પામેલા લોકો, આવો, દુનિયાનો પાયો નંખાયો ત્યારથી તમારા માટે તૈયાર કરેલા રાજ્યનો વારસો લો.’” (માથ્થી ૨૫:૩૪) શા માટે ઘેટાં જેવા લોકો પર રાજાની કૃપા હતી?
રાજાએ સમજાવતા કહ્યું, “હું ભૂખ્યો થયો અને તમે મને કંઈક ખાવા આપ્યું; હું તરસ્યો હતો અને તમે મને કંઈક પીવા આપ્યું. હું અજાણ્યો હતો અને તમે મને મહેમાન તરીકે રાખ્યો; મારી પાસે કપડાં ન હતાં અને તમે મને પહેરવાં કપડાં આપ્યાં. હું બીમાર થયો અને તમે મારી સંભાળ રાખી. હું કેદમાં હતો અને તમે મને મળવા આવ્યા.” જ્યારે ઘેટાં જેવા “નેક” લોકોએ પૂછ્યું કે તેઓએ કઈ રીતે આ બધી સારી બાબતો કરી હતી, ત્યારે તેમણે જણાવ્યું: “તમે મારા આ ભાઈઓમાંના સૌથી નાનાઓમાંથી એકને માટે જે કંઈ કર્યું, એ તમે મારે માટે કર્યું છે.” (માથ્થી ૨૫:૩૫, ૩૬, ૪૦, ૪૬) તેઓએ આ સારાં કાર્યો સ્વર્ગમાં કર્યાં ન હતાં, કેમ કે ત્યાં કોઈ બીમાર કે ભૂખ્યું હોતું નથી. આ કાર્યો તો ખ્રિસ્તના ભાઈઓ માટે પૃથ્વી પર કરવામાં આવ્યાં હતાં.
બકરાં જેવા લોકો વિશે શું, જેઓને ડાબી બાજુ રાખવામાં આવ્યા હતા? ઈસુએ જણાવ્યું: “ત્યાર બાદ, [રાજા] પોતાની ડાબી બાજુના લોકોને કહેશે: ‘ઓ શાપિત લોકો, મારી પાસેથી દૂર જાઓ, શેતાન અને તેના દૂતો માટે તૈયાર કરેલી હંમેશ માટેની આગમાં જાઓ. કારણ કે હું ભૂખ્યો થયો, પણ તમે મને કંઈ ખાવા ન આપ્યું; અને હું તરસ્યો હતો, પણ તમે મને કંઈ પીવા ન આપ્યું. હું અજાણ્યો હતો, પણ તમે મને મહેમાન તરીકે ન રાખ્યો; કપડાં ન હતાં, પણ તમે મને પહેરવાં કપડાં ન આપ્યાં; બીમાર અને કેદમાં હતો, પણ તમે મારી સંભાળ ન રાખી.’” (માથ્થી ૨૫:૪૧-૪૩) એ ન્યાયચુકાદો એકદમ યોગ્ય હતો, કેમ કે બકરાં જેવા લોકોએ પૃથ્વી પર ખ્રિસ્તના ભાઈઓ સાથે દયાથી વર્તવું જોઈતું હતું, પણ તેઓએ એમ ન કર્યું.
પ્રેરિતોને શીખવા મળ્યું કે, ભાવિમાં આ ન્યાયચુકાદાની અસરો કાયમી હશે. ઈસુએ કહ્યું: “[રાજા] તેઓને જવાબ આપશે કે ‘હું તમને સાચે જ કહું છું, તમે આ સૌથી નાનાઓમાંના એકને માટે જે ન કર્યું, એ મારે માટે ન કર્યું.’ આ લોકોનો હંમેશ માટે નાશ થશે, પણ નેક લોકો હંમેશ માટેનું જીવન મેળવશે.”—માથ્થી ૨૫:૪૫, ૪૬.
ઈસુએ પ્રેરિતોના સવાલનો જે જવાબ આપ્યો, એનાથી તેમના અનુયાયીઓ ઘણી બાબતો વિશે વિચારવા પ્રેરાય છે; તેઓને પોતાનાં સ્વભાવ અને કાર્યો વિશે તપાસવા મદદ મળે છે.