વાચકો તરફથી પ્રશ્નો
યહોવાહ પરમેશ્વર ઈસુના ખંડણી બલિદાનના આધારે પાપ માફ કરવા તૈયાર હોય તો, શા માટે ખ્રિસ્તીઓએ મંડળના વડીલો સમક્ષ પોતાનાં પાપ કબૂલવાં જોઈએ?
આપણે દાઊદ અને બાથ-શેબાના કિસ્સામાંથી સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે, દાઊદે ગંભીર પાપ કર્યું હોવા છતાં યહોવાહે તેમને માફ કર્યા હતા. કેમ કે દાઊદે સાચો પસ્તાવો કર્યો હતો. પ્રબોધક નાથાન તેમની પાસે આવ્યા ત્યારે, દાઊદે સ્વીકાર્યું કે, “મેં યહોવાહની વિરૂદ્ધ પાપ કર્યું છે.”—૨ શમૂએલ ૧૨:૧૩.
તેમ છતાં, યહોવાહ પાપ કરનાર વ્યક્તિની હૃદયપૂર્વકની કબૂલાત સ્વીકારીને ફક્ત માફ જ કરતા નથી, પરંતુ વ્યક્તિ ફરીથી આત્મિક રીતે દૃઢ બની શકે એ માટે તેમણે પ્રેમાળ જોગવાઈ પણ કરી છે. દાઊદના કિસ્સામાં, નાથાન પ્રબોધક દ્વારા મદદ આપવામાં આવી હતી. આજે, ખ્રિસ્તી મંડળોમાં, આત્મિક રીતે પરિપક્વ વડીલો છે. શિષ્ય યાકૂબે સમજાવ્યું: “તમારામાં શું કોઈ [આત્મિક રીતે] માંદો છે? જો હોય તો તેણે મંડળીના વડીલોને બોલાવવા; અને તેઓએ પ્રભુના નામથી તેને તેલ ચોળીને તેને માટે પ્રાર્થના કરવી; અને વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના માંદાને બચાવશે, ને પ્રભુ તેને ઉઠાડશે; અને જો તેણે પાપ કર્યાં હશે તો તે તેને માફ કરવામાં આવશે.”—યાકૂબ ૫:૧૪, ૧૫.
અનુભવી વડીલો, પસ્તાવો કરનાર વ્યક્તિના હૃદયનું દુઃખ હળવું કરવા માટે ઘણી મદદ કરી શકે છે. તેઓ યહોવાહનું અનુકરણ કરીને તેઓની સાથે સારી રીતે વર્તે છે. સખત ઠપકાની જરૂર હોય તોપણ, તેઓ કઠોર બનતા નથી. એને બદલે, તેઓ પ્રેમાળ રીતે વ્યક્તિને તાત્કાલિક શું મદદ આપી શકાય એ વિચારે છે. તેઓ બાઇબલનો ઉપયોગ કરીને ભૂલ કરનાર વ્યક્તિને ધીરજપૂર્વક મદદ કરવાનો પ્રયત્ન કરે છે. (ગલાતી ૬:૧) વ્યક્તિ સ્વેચ્છાએ પોતાનાં પાપ ન કબૂલે તોપણ, નાથાન પ્રબોધક દાઊદ પાસે આવ્યા અને તેમણે પસ્તાવો કર્યો હતો તેમ, વડીલો વ્યક્તિ પાસે આવે ત્યારે તેઓ પણ પસ્તાવો કરી શકે. આમ, વડીલો દ્વારા આપવામાં આવતી મદદથી વ્યક્તિ એવું જ પાપ ફરીથી કરવાનું ટાળશે અને જાણીજોઈને પાપ કરવાના ખરાબ પરિણામનો ભોગ બનવાથી બચી જશે.—હેબ્રી ૧૦:૨૬-૩૧.
ખરેખર, પોતે કરેલાં શરમજનક પાપને બીજાઓ સમક્ષ કબૂલવાં અને માફી માંગવી એ કંઈ સહેલું નથી. એમ કરવા માટે હિંમતની જરૂર પડે છે. તેમ છતાં, જરા વિચારો કે વ્યક્તિ માફી માંગવાનું ન વિચારે તો શું? નીચેના ઉદાહરણનો વિચાર કરો. વડીલો સમક્ષ પોતાનું ગંભીર પાપ નહિ કબૂલનાર એક વ્યક્તિએ કહ્યું: “મારા હૃદયમાં પાપના કારણે થતો દુખાવો ઓછો થતો ન હતો. આથી, હું પ્રચાર કાર્યમાં વધારે સમય આપવા લાગ્યો, પરંતુ મને પસ્તાવાની લાગણી હંમેશા રહેતી હતી.” તેને લાગ્યું કે પ્રાર્થનામાં પરમેશ્વર સમક્ષ કબૂલાત કરવી પૂરતું છે, પરંતુ ખરેખર એ પૂરતું ન હતું, કેમ કે તે પણ રાજા દાઊદ જેવું અનુભવતા હતા. (ગીતશાસ્ત્ર ૫૧:૮, ૧૧) તેથી, યહોવાહ પરમેશ્વર વડીલો દ્વારા જે મદદ પૂરી પાડે છે એ સ્વીકારવી કેટલું સારું છે!