સ્વચ્છતા કેટલી મહત્ત્વની છે?
સ્વચ્છતાની જુદા જુદા લોકો જુદી જુદી વ્યાખ્યા આપે છે. દાખલા તરીકે, એક નાના બાળકને તેની માતા તેના હાથ અને મોં ધોવાનું કહે ત્યારે, તે નળ ચાલુ કરીને હાથ પલાળશે અને મોં પર ફેરવી લેશે. પરંતુ, માતા સ્વચ્છતા વિષે સભાન છે. તેથી બાળક ગમે એટલાં નખરા કરે તોપણ, તે તેને ફરી વાર બાથરૂમમાં લઈ જાય છે અને સાબુ તથા પાણીથી તેના હાથ-મોંને બરાબર ધુએ છે.
જોકે, દુનિયા ફરતે સ્વચ્છતાનું ધોરણ એક સરખું નથી. લોકોના મનમાં સ્વચ્છતા વિષે અલગ અલગ ધોરણો હોય છે. ભૂતકાળમાં, ઘણા દેશોમાં શાળાના શુદ્ધ અને શિસ્તબદ્ધ વાતાવરણે વિદ્યાર્થીઓને સ્વચ્છતાની સારી ટેવો પાડવામાં મદદ કરી હતી. આજે, કેટલીક શાળાઓનાં મેદાનો કચરા અને ભંગાર વસ્તુઓથી ભરેલાં હોય છે કે જે રમતગમત અથવા કસરત કરવાની જગ્યા કરતાં કચરાપેટી જેવા વધારે લાગતા હોય છે. વિદ્યાર્થીઓના વર્ગખંડો વિષે શું? ઑસ્ટ્રેલિયાની માધ્યમિક શાળાના દારેન નામના દરવાને કહ્યું: “હવે એ ગંદવાડ વર્ગખંડોમાં પણ જોવા મળે છે.” કેટલાક વિદ્યાર્થીઓને શિક્ષા કરવા માટે, “કચરો ઉઠાવવાનું” કે “સાફસફાઈ કરવાનું” કહેવામાં આવે છે. સમસ્યા તો એ છે કે કેટલાક શિક્ષકો, વિદ્યાર્થીઓ પાસે શિક્ષાના રૂપે જ સફાઈકામ કરાવતા હોય છે.
બીજી બાજુ, સફાઈની બાબતમાં મોટેરાઓ હંમેશા સારું ઉદાહરણ બેસાડતા નથી, પછી ભલે એ રોજિંદા જીવનમાં હોય કે વેપાર ધંધામાં હોય. દાખલા તરીકે, ઘણી જાહેર જગ્યાઓ અસ્તવ્યસ્ત અને ગંદકીથી ખદબદતી હોય છે. કેટલાક ઉદ્યોગો વાતાવરણને પ્રદૂષિત કરે છે. તેમ છતાં, ઉદ્યોગો અને વેપાર કરતાં લોકો વધારે પ્રદૂષણ કરે છે. જગતવ્યાપી પ્રદૂષણની સમસ્યાનું મુખ્ય કારણ લોભ છે અને એનાથી ઘણી બીમારીઓ થાય છે. આ સમસ્યાઓ વ્યક્તિગત ખરાબ ટેવોમાંથી પરિણમે છે. ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સ્વાસ્થ્ય અધિકારીએ આ નિષ્કર્ષને ટેકો આપતા કહ્યું: “દરેક વ્યક્તિ સ્વચ્છતા વિષે વિચાર કરીને જાહેર સ્વાસ્થ્યની બધી જ સમસ્યાઓને ઓછી કરી શકે છે.”
તોપણ, કેટલાક લોકોને એવું લાગે છે કે સ્વચ્છતા એ વ્યક્તિગત બાબત છે અને બીજાઓએ એમાં માથું મારવું જોઈએ નહિ. પરંતુ, શું ખરેખર બાબત એમ છે?
આપણા ખોરાકની વાત આવે છે ત્યારે, સ્વચ્છતા ખૂબ જ મહત્ત્વની છે પછી ભલેને આપણે એને બજારમાંથી ખરીદતા હોઈએ કે હોટલ અથવા મિત્રના ઘરે જમતા હોઈએ. આપણે જે ખોરાક ખાઈએ છીએ એને પીરસનાર વ્યક્તિ એકદમ ચોખ્ખી હોય એવી અપેક્ષા રાખવામાં આવે છે. ભોજન પીરસનાર કે જમનારના હાથ ચોખ્ખા ન હોય તો, ઘણી બીમારીઓ થઈ શકે. આપણે જ્યાં સૌથી વધારે સ્વચ્છતાની અપેક્ષા રાખીએ છીએ એ હૉસ્પિટલો વિષે શું? ધ ન્યૂ ઇંગ્લૅંન્ડ જરનલ ઑફ મેડિસિન અહેવાલ આપે છે કે ડૉક્ટરો અને નર્સોએ બરાબર હાથ ધોયા ન હોવાથી, હૉસ્પિટલના દરદીઓને જે ચેપ લાગે છે એની સારવાર પાછળ જ ૪૬,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચાઈ જાય છે. તેથી, આપણે યોગ્ય રીતે જ અપેક્ષા રાખીએ છીએ કે કોઈ પણ વ્યક્તિની ખરાબ ટેવને લીધે આપણું સ્વાસ્થ્ય જોખમમાં ન મૂકાય.
આપણા પાણીના પુરવઠાને કોઈ જાણી જોઈને કે નિષ્કાળજીથી પ્રદૂષિત કરે ત્યારે એ બાબત બહુ ગંભીર બની જાય છે. વળી, દરિયા કાંઠે ડ્રગ્સના બંધાણીઓ કે બીજાઓએ વાપરેલી સિરિંજ જોવા મળતી હોય ત્યાં ખુલ્લા પગે ફરવું શું સલામત છે? પોતાને આ પ્રશ્ન પૂછવો સૌથી મહત્ત્વનું છે: શું આપણે પોતાના ઘરમાં સ્વચ્છતા જાળવીએ છીએ?
સુલેન હોઈ, પોતાના પુસ્તક ગંદકીને દૂર કરવી (અંગ્રેજી)માં પૂછે છે: “શું આપણે જેવા સ્વચ્છ હોવા જોઈએ એવા છીએ?” તે જવાબ આપે છે: “ના, કદાચ નથી.” તે બતાવે છે કે એનું મુખ્ય કારણ આજના બદલાયેલાં સામાજિક મૂલ્યો છે. લોકો ઘરમાં ખૂબ ઓછો સમય પસાર કરતા હોવાથી, તેઓ ઘરનું સફાઈકામ કરવા માટે બીજા કોઈને રાખે છે. પરિણામે, સ્વચ્છતા જાળવી રાખવાને વ્યક્તિગત મહત્ત્વ આપવામાં આવતું નથી. એક માણસે કહ્યું, “હું બાથરૂમ સાફ કરતો નથી, પરંતુ હું પોતાને સ્વચ્છ રાખું છું. ભલે મારું ઘર ગંદું હોય, પણ હું પોતે સ્વચ્છ છું.”
તેમ છતાં, સ્વચ્છતા એ બાહ્ય દેખાવ કરતાં વધારે મહત્ત્વની છે. તંદુરસ્ત જીવનમાં સર્વ બાબતોનો સમાવેશ થવો જોઈએ. આપણે મન અને હૃદયથી સ્વચ્છ રહીએ એ ખૂબ જરૂરી છે કે જેમાં આપણાં નૈતિક ધોરણો અને ઉપાસનાનો સમાવેશ થાય છે. એ કઈ રીતે શક્ય છે? ચાલો આપણે એ જોઈએ.