શું ધાર્મિક વિશ્વાસ તર્ક પર આધારિત છે?
અમેરિકાના થિઓલોજીકલ સેમીનારીના અધ્યક્ષ લખે છે, “મોટા ભાગના આસ્તિકો પોતાની વિચારશક્તિનો ઉપયોગ કર્યા વગર ચુસ્તપણે પોતાના ધર્મને વળગી રહે છે. તેઓ ‘ધર્મને’ નામે બધું જ અપનાવી લે છે.”
ધર્મમાં માનવાનો દાવો કરનારા મોટા ભાગના લોકો જરાય વિચાર કરતા નથી કે શા માટે તેઓ ધર્મમાં માનતા હોય છે અને તેઓની ધાર્મિક માન્યતા તર્ક પર આધારિત છે કે નહિ. આથી, એમાં કંઈ આશ્ચર્ય નથી કે ઘણા લોકો ધર્મ વિષે બિલકુલ ચર્ચા કરવા ઇચ્છતા નથી.
દુઃખની બાબત છે કે ધર્મમાં મૂર્તિઓનો ઉપયોગ અને પ્રાર્થનાનું રટણ જેવાં આચરણો પણ લોકોને તર્કપૂર્ણ રીતે વિચારતા અટકાવે છે. આવાં આચરણો ઉપરાંત, કરોડો લોકો માટે તેઓના ભવ્ય અને વિશાળ ધાર્મિક ઇમારતો, રંગબેરંગી કાચની બારીઓ કે મન ડોલાવી દેતું સંગીત જ તેઓનો ધર્મ છે. જોકે, કેટલાંક ચર્ચ દાવો કરે છે કે તેઓની ધાર્મિક માન્યતાઓ બાઇબલ આધારિત છે. તેઓ સંદેશો આપે છે કે ‘ઈસુમાં વિશ્વાસ કરો અને તમારો બચાવ થશે’ છતાં, તેઓ બાઇબલનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનું ઉત્તેજન આપતા નથી. બીજા કેટલાક લોકો સામાજિક અને રાજકીય બાબતોને ભેળવીને પ્રચાર કરે છે. આ બધાનું શું પરિણામ આવ્યું છે?
ઉત્તર અમેરિકાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને એક ધાર્મિક લેખકે કહ્યું: “ખ્રિસ્તી ધર્મમાં . . . જ્ઞાનનો અભાવ છે, [અને] એમાં માનનારાઓનો વિશ્વાસ ખોખલો છે.” એક સંશોધકે તો અમેરિકાને “બાઇબલ શિક્ષણમાં નિરક્ષર રાષ્ટ્ર” કહ્યું. હકીકતમાં આવું અવલોકન, ખ્રિસ્તી ધર્મ પાળતા બીજા દેશોને પણ લાગુ પડે છે. એવી જ રીતે, બીજા ધર્મના લોકો પણ તર્કનો કે પોતાની વિચારશક્તિનો ઉપયોગ કરવાનું પણ ટાળે છે. એને બદલે, તેઓ ભજન-કીર્તન અને એકની એક પ્રાર્થના રટવા પર કે વિવિધ પ્રકારના ચિંતન પર ભાર મૂકે છે કે જેમાં તર્કપૂર્ણ અને લાભયી વિચારોને બદલે રહસ્યવાદનો સમાવેશ થાય છે.
આવા લોકો પોતાની ધાર્મિક માન્યતાઓમાં કેટલી સચ્ચાઈ અને ચોકસાઈ છે એના વિષે કંઈ જ વિચારતા નથી. પરંતુ, તેઓના રોજિંદા જીવનની બીજી બાબતો આવે છે ત્યારે, તેઓ ખૂબ કાળજીપૂર્વક વિચારે છે. એક કાર કે જે એક દિવસે ખખડી જવાની છે એને ખરીદવામાં ખૂબ જ જાંચ-તપાસ કરતી વ્યક્તિ પોતાના ધર્મ વિષે આમ કહે કે ‘જો મારા માબાપ એનાથી સંતુષ્ટ હતા તો એ મારા માટે પણ સારો છે’ ત્યારે, શું એ અજુગતું નથી લાગતું?
જો આપણે સાચે જ પરમેશ્વરને ખુશ કરવા માંગતા હોઈએ તો, આપણે તેમના વિષે જે માનીએ છીએ એની ચોકસાઈ વિષે શું ગંભીરતાથી ન વિચારવું જોઈએ? પ્રેષિત પાઊલે પોતાના સમયના અમુક ધાર્મિક લોકો વિષે કહ્યું કે તેઓને ‘દેવ ઉપર આસ્થા છે ખરી, પણ તે જ્ઞાન વગરની છે.’ (રૂમી ૧૦:૨) આવી વ્યક્તિઓ રંગકામ કરનાર એક કારીગર જેવા છે જે એક ઘર રંગવા માટે ખૂબ મહેનત કરે છે. પરંતુ, માલિકની સૂચનાને બરાબર સાંભળી ન હોવાને કારણે તે કોઈ ભલતા જ રંગનો ઉપયોગ કરે છે. રંગનાર વ્યક્તિ પોતાના કામથી ખુશ થશે, પરંતુ શું તેના માલિકને એનાથી ખુશી થશે?
સાચી ઉપાસનામાં પરમેશ્વરને શું સ્વીકાર્ય છે? બાઇબલ જણાવે છે: “કેમકે દેવ આપણા તારનારની નજરમાં એ સારૂં તથા પ્રિય છે. સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેની ઇચ્છા છે.” (૧ તીમોથી ૨:૩, ૪) ઘણા લોકોને એવું લાગી શકે કે આજના અનેક ધર્મોમાં આ પ્રકારનું જ્ઞાન મળવું અશક્ય છે. પરંતુ, વિચાર કરો કે જો પરમેશ્વર જ એવું ઇચ્છતા હોય કે લોકોએ સત્યનું ચોકસાઈભર્યું જ્ઞાન લેવું જોઈએ તો, તે એ જ્ઞાનને આપણાથી ગુપ્ત રાખે એ શું યોગ્ય છે? બાઇબલ પ્રમાણે એ યોગ્ય નથી કેમ કે એ બતાવે છે: “જો તું તેને [પરમેશ્વરને] શોધશે તો તે તને જડશે.”—૧ કાળવૃત્તાંત ૨૮:૯.
પરમેશ્વરને નિખાલસપણે શોધે છે તેઓને તે કઈ રીતે મળે છે? હવે પછીનો લેખ એનો જવાબ આપશે.