માફી માંગવી શા માટે અઘરું છે?
જુલાઈ ૨૦૦૦માં, યુનાઈટેડ સ્ટેટ્સમાં, કેલીફોર્નિયાની ધારાસભાએ એક કાયદો પસાર કર્યો. એ કાયદા પ્રમાણે, જો તમારાથી ઍક્સિડન્ટ થઈ જાય અને તમે ઘાયલ થયેલી વ્યક્તિને દયા બતાવીને મદદ કરો તો, તમને ઓછી સજા થશે. એ કાયદાની શું જરૂર હતી? એવું જોવા મળ્યું છે કે ઍક્સિડન્ટમાં બીજી વ્યક્તિને ઇજા થઈ હોય અથવા ગાડીને નુકસાન પહોંચ્યું હોય ત્યારે, લોકો પોતાની ભૂલ સ્વીકારતા અચકાય છે. કેમ કે અદાલતમાં એનો ફાયદો ઉઠાવવામાં આવી શકે. ઘણા લોકો અપેક્ષા રાખે છે કે સામેની વ્યક્તિએ પોતાની ભૂલની તરત માફી માગવી જોઈએ. જો એમ ન બને તો, ઘણા લોકો રજનું ગજ કરી શકે.
જો ઍક્સિડન્ટમાં તમારી ભૂલ ન હોય તો, માફી માગવાની જરૂર નથી. પરંતુ એવા સંજોગોમાં સમજી વિચારીને બોલવું ખૂબ જરૂરી છે. એક જૂની કહેવત કહે છે: ‘ઘણું બોલવામાં દોષની અછત હોતી નથી; પણ પોતાના હોઠો પર દાબ રાખનાર ડહાપણથી વર્તે છે.’ (નીતિવચનો ૧૦:૧૯; ૨૭:૧૨) તેમ છતાં, આપણે સામેની વ્યક્તિને દયા બતાવીને મદદ તો જરૂર કરી શકીએ.
આજે કંઈક ખોટું થયું હોય તો, લોકોને હરવખત અદાલતમાં લઈ જવામાં આવતા નથી. તોપણ તેઓ પોતાની ભૂલ સ્વીકારતા નથી. કદાચ એક પત્ની ઘરે ફરિયાદ કરશે કે ‘મારા પતિ કદી પોતાની ભૂલ સ્વીકારતા નથી.’ અથવા એક માલિક કંટાળીને કહેશે કે ‘મારા માણસો ક્યારેય પોતાની ભૂલ સ્વીકારતા નથી અને ભાગ્યે જ સોરી કહે છે.’ સ્કૂલના શિક્ષક ફરિયાદ કરશે કે ‘માબાપો બાળકોને માનથી વર્તતા પણ શીખવતા નથી.’
લોકો આજે માફી માગતા અચકાય છે. એનું એક કારણ એ હોય શકે કે, પોતાને નીચા પાડવામાં આવશે એવો તેઓને ડર લાગે છે. અથવા પોતાનો અનાદર થશે એવું માનીને તેઓ તેમના દિલની વાત જણાવતા નથી. અરે, ઘણી વાર તો જેને માઠું લાગ્યું હોય એ સામેની વ્યક્તિથી દૂર જ ભાગે છે અને તેઓ વચ્ચે મિત્રતા બાંધવી અઘરું બની જાય છે.
અમુક જણ એટલા માટે માફી માગતાં નથી, કેમ કે તેઓને બીજાઓની લાગણીની કંઈ જ પડી હોતી નથી. તેઓ કદાચ કહેશે કે, ‘માફી માગવાથી શું ફરક પડશે, એનાથી થયેલી ભૂલ તો સુધરવાની નથી.’ બીજા ઘણા લોકોને સજા થવાનો ડર હોવાથી, તેઓ માફી માગતા અચકાય છે. તેઓ વિચારે છે: ‘હું માફી માગીશ તો, તેઓ મારો જ દોષ કાઢશે અને મારે જ નુકસાની ભરી આપવી પડશે.’ ઘણા લોકો અભિમાની હોવાથી માફી માગતા અચકાય છે. તેઓ કદાચ વિચારશે કે ‘હું મારી ભૂલ સ્વીકારીશ તો, સમાજમાં મારે નીચું જોવું પડશે.’
ભલે ગમે એ કારણ હોય, આજે ઘણા લોકોને માફી માગવી ખૂબ જ અઘરું લાગે છે. પરંતુ માફી માગવી શા માટે જરૂરી છે? માફી માગવાથી કયા લાભો થઈ શકે?
[પાન ૩ પર ચિત્ર]
‘આજકાલ માબાપો બાળકોને માનથી વર્તતા પણ શીખવતા નથી’
[પાન ૩ પર ચિત્ર]
‘મારા માણસો ક્યારેય પોતાની ભૂલ સ્વીકારતા નથી’
[પાન ૩ પર ચિત્ર]
‘મારા પતિ ક્યારેય માફી માંગતા નથી’