શું તમારા પર ઈશ્વરની કૃપા છે?
આપણા સર્જનહાર યહોવાહ બધું જ જોઈ શકે છે. બાઇબલ કહે છે કે “જે આંખનો રચનાર છે, તે શું નહિ જુએ?” (ગીતશાસ્ત્ર ૯૪:૯) આપણે બહારથી કેવા છીએ એ યહોવાહ જુએ છે. અંદરથી કેવા છીએ એ પણ જાણે છે. તે ‘અંતરના પારખનાર છે.’ (નીતિવચનો ૧૭:૩; ૨૧:૨) યહોવાહ આપણા વિચારો જાણે છે. ઇરાદા પારખી શકે છે.
આપણા પર આવતી તકલીફોથી તે અજાણ નથી. આપણી પ્રાર્થના તે સાંભળે છે. એક કવિએ કહ્યું કે ‘ન્યાયીઓ પર યહોવાહની કૃપા છે, તેઓની અરજ પ્રત્યે તેના કાન ઉઘાડા છે. નિરાશ થયેલા પાસે યહોવાહ છે, અને નમ્ર લોકોને તે બચાવે છે.’ (ગીતશાસ્ત્ર ૩૪:૧૫, ૧૮) દરેક દુઃખ-તકલીફોની યહોવાહને ખબર છે. તે આપણી વિનંતીનો જવાબ પણ આપે છે. એ જાણીને મનને કેટલી શાંતિ મળે છે.
આપણે ખાનગીમાં જે કંઈ કરીએ, એ યહોવાહ જુએ છે. ‘તેમની નજર આગળ બધું જ ખુલ્લું અને ઉઘાડું છે. તેમને આપણે હિસાબ આપવાનો છે.’ (હિબ્રૂ ૪:૧૩, સંપૂર્ણ) આપણે સારું કરીએ કે ખરાબ, યહોવાહ એ બધું જ જુએ છે. (નીતિવચનો ૧૫:૩) ચાલો એક ઈશ્વરભક્તનો દાખલો લઈએ. બાઇબલ જણાવે છે કે જૂના જમાનામાં ‘નુહ યહોવાહની નજરમાં કૃપા પામ્યા. તે ઈશ્વરની સાથે ચાલતા.’ (ઉત્પત્તિ ૬:૮, ૯) નુહે યહોવાહના બધા જ નીતિ-નિયમો પાળ્યા. એટલે તે યહોવાહની કૃપા પામ્યા. (ઉત્પત્તિ ૬:૨૨) પણ એ જમાનાના લોકો તો દુષ્ટ અને પાપી હતા. બાઇબલ જણાવે છે કે ‘યહોવાહે જોયું કે માણસની ભૂંડાઈ પૃથ્વીમાં ઘણી થઈ, ને તેઓનાં હૃદયના વિચારો ભૂંડા જ છે.’ એ જોઈને તેમણે શું કર્યું? તેમણે પ્રલય લાવીને દુષ્ટ લોકોનો નાશ કર્યો. એકલા નુહ અને તેમના કુટુંબને બચાવ્યા.—ઉત્પત્તિ ૬:૫; ૭:૨૩.
નુહના જમાનાની જેમ યહોવાહ જલદી જ દુષ્ટ લોકોનો નાશ કરશે. જેઓ યહોવાહની આજ્ઞા પાળે છે તેઓ પર જ તેમની કૃપા છે. તે એવા લોકોને જ બચાવશે. (ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧) ‘યહોવાહની નજર આખી પૃથ્વી પર ફરે છે, જેથી જેઓનું દિલ તેમની તરફ સંપૂર્ણ છે, તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ દેખાડી આપે.’ (૨ કાળવૃત્તાંત ૧૬:૯) શું તમારા પર યહોવાહની કૃપા છે? (w 07 8/1)