વાચકો તરફથી પ્રશ્ન
સાજા થવાના ચમત્કારો શું એ ઈશ્વર કરે છે?
આપણને ખબર છે કે યહોવાહ કોઈને પણ સાજા કરવા ચમત્કાર કરી શકે છે. યહોવાહ એવી શક્તિ પોતાના ભક્તોને પણ આપી શકે છે. દાખલા તરીકે, પહેલી સદીમાં ઈશ્વરે એવી શક્તિ તેમના અમુક ભક્તોને આપી હતી. એનાથી તેઓએ લોકોને સાજા તો કર્યા, સાથે સાથે બીજા ચમત્કારો પણ કર્યા. એ વિષે પાઊલે લખ્યું: ઈશ્વરની શક્તિ કે ‘આત્માનું પ્રકટીકરણ દરેકને સામાન્ય હિતને માટે આપવામાં આવ્યું છે. કોઈને જ્ઞાનની વાત આપવામાં આવેલી છે. કોઈને સાજાં કરવાનાં કૃપાદાન, તો કોઈને ચમત્કાર કરવાનું દાન. કોઈને પ્રબોધ, તો કોઈને ભિન્ન ભિન્ન ભાષાઓ’ બોલવાનું દાન આપવામાં આવ્યું છે.—૧ કોરીંથી ૧૨:૪-૧૧.
જોકે, યહોવાહની શક્તિથી થતા એ ચમત્કારો બંધ કરાશે, એના વિષે પણ પાઊલે લખ્યું: “ભવિષ્ય ભાખવાનું દાન હોય તો તે લોપ થશે; ભાષાઓ હોય, તો તેઓનો અંત આવશે; વિદ્યા હોય તો તે જતી રહેશે.”—૧ કોરીંથી ૧૩:૮.
પહેલી સદીમાં ઈસુ અને તેમના શિષ્યોએ ચમત્કારથી બીજાઓને સાજા કર્યા. એમ કરવાથી યહોવાહને માન મળ્યું. બીજું કે લોકો જોઈ શક્યા કે શરૂ થયેલા ખ્રિસ્તી મંડળ પર યહોવાહની કૃપા હતી. સમય જતાં એ મંડળ વધતું ને વધતું ગયું. એટલે ચમત્કારોને બદલે, ભક્તોના વિશ્વાસ, આશા અને પ્રેમથી યહોવાહની કૃપાની દેખાઈ આવતી હતી. (યોહાન ૧૩:૩૫; ૧ કોરીંથી ૧૩:૧૩) લગભગ એકસોની સાલથી ઈશ્વરની મદદથી લોકોને સાજાપણું આપવાનું બંધ થયું.a
પણ કદાચ તમને સવાલ થાય કે ‘કેમ હજી કોઈ વાર લોકો ચમત્કાર દ્વારા સાજા થયા હોવાનું સાંભળવા મળે છે?’ દાખલા તરીકે, એક પેપરમાં આવો અહેવાલ આવ્યો: એક માણસને કૅન્સર થયું હતું. તેના માથામાં ગાંઠ થઈ હતી. કિડની અને હાડકાનું કૅન્સર થયું હતું. તે માણસે એક દિવસ દાવો કર્યો કે ઈશ્વરે તેની સાથે વાત કરી હતી. એના થોડા દિવસ પછી તેનું કૅન્સર ગાયબ થઈ ગયું!
એવા અહેવાલ આંખ મીંચીને માની લેતા પહેલાં, આવા સવાલોનો વિચાર કરો: ‘ખરેખર આ અહેવાલ સાચો છે? જે વ્યક્તિ સાજા થવાનો દાવો કરે છે, એની મેડિકલ રીતે કોઈ સાબિતી છે? જો વ્યક્તિ સાજો થયો હોય તોપણ, શું બાઇબલ એવું શીખવે છે કે ઈશ્વર આજે એવા ચમત્કાર કરે છે?’
છેલ્લા પ્રશ્નનો જવાબ મેળવવો જરૂરી છે, કેમ કે ઈસુએ આ ચેતવણી આપી: ‘જે જૂઠા ઉપદેશકો ઘેટાંને વેશે તમારી પાસે આવે છે, તેઓ સંબંધી સાવધાન રહો. ઘણા મને કહેશે, કે પ્રભુ, પ્રભુ, શું અમે તારે નામે પ્રબોધ કર્યો નથી? અને તારે નામે ભૂતોને કાઢ્યાં નથી? અને તારે નામે ઘણાં પરાક્રમી કામો કર્યાં નથી? ત્યારે હું તેઓને સાફ કહીશ કે મેં તમને કદી પણ ઓળખ્યા નહિ; ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ.’—માત્થી ૭:૧૫, ૨૧-૨૩.
ઈસુના કહેવા પ્રમાણે આજે ચમત્કારથી લોકોને સાજા કરવાની શક્તિ ઈશ્વર પાસેથી આવતી નથી. લોકોને સાજા કરનારા જૂઠા ઉપદેશકોથી છેતરાઈ ન જઈએ એ માટે, આપણને શું મદદ કરી શકે? પહેલાં તો યહોવાહનું જ્ઞાન લઈએ. બીજું કે તેમની મદદથી પારખીએ સાચું શું છે અને ખોટું શું છે. છેવટે, એ પણ ખાતરી કરીએ કે કોણ ખરા દિલથી ઈશ્વરની ભક્તિ કરે છે.—માત્થી ૭:૧૬-૧૯; યોહાન ૧૭:૩; રૂમી ૧૨:૧, ૨. (w09 5/1)
[ફુટનોટ્સ]
a એવું લાગે છે કે બધા પ્રેરિતો મરણ પામ્યા પછી, ઈશ્વરની શક્તિ દ્વારા થતા ચમત્કારો બંધ થયા.