વાચકો તરફથી પ્રશ્નો
મસીહની ‘રાહ જોવા’ માટે પ્રથમ સદીના યહુદીઓ પાસે શું આધાર હતો?
યોહાન બાપ્તિસ્મકના દિવસોમાં, ‘લોકો મસીહની રાહ જોતા હતા અને તેઓ યોહાન વિશે વિચારતા હતા કે તે ખ્રિસ્ત હશે કે નહિ.’ (લુક ૩:૧૫) યહુદીઓને શા માટે એમ લાગતું હતું કે મસીહ એ સમયે આવશે? એનાં ઘણાં કારણો હતાં.
ઈસુનો જન્મ થયો એ પછી, યહોવાનો દૂત ઘેટાંપાળકોને દેખાયો. એ ઘેટાંપાળકો બેથલેહેમ નજીક ખેતરોમાં પોતાનાં ટોળાંની સંભાળ રાખતા હતા. (૧) દૂતે જાહેર કર્યું: ‘આજ દાઊદના શહેરમાં તમારે માટે એક તારનાર, એટલે ખ્રિસ્ત પ્રભુ, જન્મ્યા છે.’ (લુક ૨:૮-૧૧) ત્યાર બાદ, એ “દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો; તેઓ ઈશ્વરની સ્તુતિ કરીને કહેતા હતા:a પરમ ઊંચામાં ઈશ્વરને મહિમા થાઓ, તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે, તેઓને શાંતિ થાઓ.”—લુક ૨:૧૩, ૧૪.
એ ઘોષણાની નમ્ર ઘેટાંપાળકો પર ચોક્કસ ઊંડી અસર પડી હશે. તેઓ તરત બેથલેહેમ જવાં નીકળ્યા. તેઓએ યુસફ, મરિયમ અને બાળક ઈસુને જોયા પછી, “જે વાત એ છોકરા વિશે તેઓને કહેવામાં આવી હતી, તે તેઓએ જાહેર કરી.” પરિણામે, “જે વાતો ઘેટાંપાળકોએ તેમને કહી, તેથી સર્વ સાંભળનારાઓ અચરત થયા.” (લુક ૨:૧૭, ૧૮) “સર્વ સાંભળનારાઓ”નો અર્થ થાય કે ઘેટાંપાળકોએ ફક્ત યુસફ અને મરિયમને જ નહિ, બીજાઓને પણ જણાવ્યું હતું. ઘેટાંપાળકોને ‘જેમ કહેવામાં આવ્યું હતું તેમ તેઓએ બધું સાંભળ્યું તથા જોયું, તેને લીધે તેઓ ઈશ્વરનો મહિમા તથા સ્તુતિ કરતા’ ઘરે પાછા ફર્યા. (લુક ૨:૨૦) ખ્રિસ્ત વિશે જે સારી બાબતો તેઓએ સાંભળી હતી, એ બીજાઓને પણ જણાવી.
મરિયમ પોતાના પ્રથમ પુત્રને યહોવાની આગળ રજૂ કરવા યરૂશાલેમ લાવ્યાં. મુસાને આપેલા નિયમ પ્રમાણે એમ કરવું જરૂરી હતું. એ વખતે, હાન્ના પ્રબોધિકાએ ‘પ્રભુની સ્તુતિ કરી, ને જેઓ યરૂશાલેમના ઉદ્ધારની રાહ જોતા હતા તે સર્વને તેના વિશે વાત’ કરી. (૨) (લુક ૨:૩૬-૩૮; નિર્ગ. ૧૩:૧૨) આમ, મસીહની હાજરી વિશે સમાચાર ફેલાવવા લાગ્યા.
પછીથી, જ્યોતિષીઓએ “પૂર્વથી યરૂશાલેમમાં આવીને પૂછ્યું, કે યહુદીઓનો જે રાજા જન્મ્યો છે, તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ.” (માથ. ૨:૧, ૨) એ સાંભળીને, “હેરોદ રાજા ગભરાયો, ને તેની સાથે આખું યરૂશાલેમ પણ ગભરાયું. પછી તેણે સર્વ મુખ્ય યાજકોને તથા લોકોના શાસ્ત્રીઓને એકઠા કરીને તેઓને પૂછ્યું, કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ?” (૩) (માથ. ૨:૩, ૪) તેથી, ઘણા લોકોને ખ્યાલ આવ્યો: આવનાર મસીહ આવી પહોંચ્યા છે!b
આગળ જણાવેલી કલમ લુક ૩:૧૫ પ્રમાણે અમુક યહુદીઓ ધારતા હતા કે યોહાન બાપ્તિસ્મક ખ્રિસ્ત છે. પરંતુ, યોહાન આ શબ્દોથી ચોખવટ કરે છે: ‘જે મારી પાછળ આવનાર છે તે મારા કરતાં સમર્થ છે, ને તેનાં ચંપલ હું ઊંચકવા યોગ્ય નથી; તે તમારું બાપ્તિસ્મા પવિત્ર શક્તિએ તથા અગ્નિએ કરશે.’ (માથ. ૩:૧૧) યોહાને નમ્ર રીતે જે જણાવ્યું એના લીધે મસીહના આવવા વિશે વધુ આતુરતા જાગી હશે.
દાનીયેલ ૯:૨૪-૨૭માં ૭૦ અઠવાડિયાં વિશેની ભવિષ્યવાણી છે. શું પહેલી સદીના યહુદીઓએ મસીહના આવવા વિશે, એના આધારે ગણતરી કરી હતી? કદાચ એમ બની શકે, પણ એના કોઈ નક્કર પુરાવા નથી. હકીકતમાં, ઈસુના સમય દરમિયાન ૭૦ અઠવાડિયાં વિશે જુદી જુદી સમજણ હતી, જે એકબીજા જોડે મેળ નહોતી ખાતી અને આપણી હાલની સમજણથી એકદમ અલગ હતી.c
એસેનેસ નામનો યહુદી સાધુઓનો પંથ શીખવતો કે, ૪૯૦ વર્ષના અંતમાં બે મસીહ આવશે. પણ, આપણે ખાતરીથી કહી નથી શકતા કે તેઓએ એ ગણતરી દાનીયેલની ભવિષ્યવાણીના આધારે કરી હતી. ભલે તેઓએ ગણતરી એના આધારે કરી હોય, તોપણ એ માનવું અઘરું છે કે એકલા-અટૂલા રહેતા એ સમૂહે બીજા યહુદીઓ પર પ્રભાવ પાડ્યો હશે.
બીજી સદીમાં અમુક યહુદીઓ ૭૦ અઠવાડિયાં વિશે શું માનતા હતા? તેઓ ઈ.સ. પૂર્વે ૬૦૭માં પ્રથમ મંદિરનો નાશ થયો ત્યારથી લઈને ઈસવીસન ૭૦માં બીજા મંદિરનો નાશ થયો એ સમયગાળાને ૭૦ અઠવાડિયાં ગણતા હતા. જ્યારે બીજા અમુક યહુદીઓ માનતા હતા કે, એ ભવિષ્યવાણી ઈ.સ. પૂર્વે બીજી સદીમાં મક્કાબીઓના સમયમાં પૂરી થઈ હતી. તેથી, કહી શકાય કે ૭૦ અઠવાડિયાંની ગણતરી વિશે એક મત ન હતો.
શાના પરથી કહી શકાય કે, પ્રેરિતો અને પહેલી સદીના ખ્રિસ્તીઓ પાસે ૭૦ અઠવાડિયાં વિશે ખરી સમજણ ન હતી? જો તેઓ પાસે ખરી સમજણ હોત, તો મસીહ તરીકે ઈસુ ખ્રિસ્ત એ જ સમયે આવ્યા છે એ સાબિત કરવા એનો ઉપયોગ કર્યો હોત. પણ, એવા કોઈ પુરાવા નથી કે પહેલી સદીના ખ્રિસ્તીઓએ એમ કર્યું હોય.
બીજી એક બાબત પણ નોંધવા જેવી છે. સુવાર્તાના લેખકોએ અનેક વાર ધ્યાન દોર્યું હતું કે, હિબ્રૂ શાસ્ત્રવચનોની અમુક ભવિષ્યવાણીઓ ઈસુ ખ્રિસ્તમાં પૂરી થતી હતી. (માથ. ૧:૨૨, ૨૩; ૨:૧૩-૧૫; ૪:૧૩-૧૬) પરંતુ, એમાંના કોઈ પણ લેખક ઈસુના પૃથ્વી પર આવવાને ૭૦ અઠવાડિયાંની ભવિષ્યવાણી સાથે સાંકળતા નથી.
ટૂંકમાં કહીએ તો: આપણે પૂરા ભરોસાથી કહી નથી શકતા કે, ઈસુના દિવસોના લોકો ૭૦ અઠવાડિયાં વિશેની ભવિષ્યવાણી ખરી રીતે સમજતા હતા કે નહિ. છતાં, સુવાર્તાના લેખકો બીજાં કારણો આપે છે કે શા માટે લોકો મસીહની ‘રાહ જોતા’ હતા.
a બાઇબલ એમ જણાવતું નથી કે દૂતોએ ઈસુના જન્મ વખતે ગીત “ગાયું” હતું.
b આપણને કદાચ થાય કે, પૂર્વમાં “તારા”નું દેખાવું અને ‘યહુદીઓના રાજાʼનો જન્મ થવો એકબીજા સાથે સંકળાયેલા છે, એવું જ્યોતિષીઓને શાના આધારે લાગ્યું હશે? શું એવું બની શકે કે તેઓ ઈસ્રાએલ આવવા મુસાફરી કરી રહ્યા હતા ત્યારે, તેઓને ઈસુના જન્મ વિશે ખબર પડી હશે?
c ૭૦ અઠવાડિયાં વિશે આપણી હાલની સમજણ માટે દાનીયેલની ભવિષ્યવાણીને ધ્યાન આપો! પુસ્તકનું પ્રકરણ ૧૧ જુઓ.