ટ્યૂબરક્યુલોસીસ ફરીથી હુમલો કરે છે!
યુનાઈટેડ સ્ટેટ્સમાં ૧૯૫૦ના દાયકાથી માંડીને ટ્યૂબરક્યુલોસીસ (ટીબી)ના કેસો વર્ષના ૫ ટકાને દરે ઘટ્યા છે. તેમ છતાં, ૧૯૮૫થી માંડીને નોંધાવવામાં આવેલા ટીબીના કેસોમાં ૧૮ ટકા વધારો થયો છે. વધુ વિહ્વળ કરતી બાબત તો એ રોગના નવા પ્રકારની હાજરી છે જે ડ્રગ્સની સારવારને પ્રત્યુત્તર આપતો નથી. હવે ટીબી અંદાજ પ્રમાણે ૩૦ લાખ લોકોને દર વર્ષે મારી નાખે છે. શા માટે ટીબી સામેની લડત હારવામાં આવી રહી છે?
એક કારણ એ છે કે ઘણા દર્દીઓ ફક્ત જરૂરી સમયગાળા—ઘણીવાર છથી નવ મહિના—સુધી દવા લેવામાં નિષ્ફળ જાય છે. દાખલા તરીકે, એક અભ્યાસે પ્રગટ કર્યું કે ન્યૂ યોર્ક સિટીમાં સક્રિય ટીબીવાળા કંઈક ૨૦૦ દર્દીઓના એક વૃંદના ૮૯ ટકાએ પોતાની સારવાર પૂરી કરી નહિ. “એ ભયંકર છે,” અમેરિકન લંગ એસોસિએશનના પ્રમુખ ડો. લી રીકમન કહે છે, “કેમ કે એ લોકો (અ) સાજા થવાના નથી, અને (બ) શક્યપણે તેઓ એવો ટીબી વિકસાવશે જે સામાન્ય રીતે વપરાતા ડ્રગ્સનો પ્રતિકાર કરતો હોય.” પરંતુ એ દર્દીઓ પોતાની તંદુરસ્તી કરતા વધુને અસર કરે છે. “પોતાની દવા ન લઈને,” ડો. રીકમન ઉમેરે છે, “તેઓ બીજા લોકોને ચેપ લગાડી શકે.” નિઃશંક દર વર્ષે જગતવ્યાપી નિદાન કરવામાં આવતા અંદાજ પ્રમાણે ૮૦ લાખ નવા કેસોમાં ફાળો આપતો એ એક ઘટક છે.
બાઇબલ વિદ્યાર્થીઓ સમજે છે કે ‘ઠામેઠામ મરકીઓ’ આપણે આ વસ્તુવ્યવસ્થાના ‘છેલ્લા દિવસોʼમાં જીવી રહ્યા છીએ એની નિશાનીનો ભાગ છે. (લુક ૨૧:૧૧; ૨ તીમોથી ૩:૧) પછી શું થશે? એક નવી પૃથ્વી, જેમાં “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.” (યશાયાહ ૩૩:૨૪) હા, યહોવાહ દેવ માંદગી અને મરણમાંથી હંગામી રાહત નહિ, પરંતુ કાયમી છુટકારાનું વચન આપે છે.—પ્રકટીકરણ ૨૧:૧-૪. (g96 6/22)