ખેદકારક શબ્દોને
ખુશકારક શબ્દોથી બદલવા
“મરણ તથા જીવન જીભની સત્તામાં છે.”
બાઇબલમાં નિંદા—અપમાનજનક, અત્યાચારી વાણીનો ઇરાદાપૂર્વક કરેલો ઉપયોગ—કરવાની સ્પષ્ટપણે મના કરવામાં આવી છે. મુસાના નિયમશાસ્ત્ર હેઠળ, પોતાના માબાપની નિંદા કરતી વ્યક્તિને મરણની શિક્ષા થઈ શકતી. (નિર્ગમન ૨૧:૧૭) આમ, યહોવાહ દેવ બાબતને હળવી ગણતા નથી. તેમનો શબ્દ, બાઇબલ, એવા વિચારને ટેકો આપતું નથી કે વ્યક્તિ દેવની સેવા કરવાનો દાવો કરતી હોય ત્યાં સુધી ‘બંધ બારણા પાછળ’ જે કંઈ થાય એ મહત્ત્વનું નથી. બાઇબલ જણાવે છે: “જો તમારામાંનો કોઈ માને કે હું પોતે ધાર્મિક છું, પણ પોતાની જીભને વશ કરતો નથી, તે પોતાના મનને છેતરે છે, અને એવા માણસની ધાર્મિકતા વ્યર્થ છે.” (યાકૂબ ૧:૨૬; ગીતશાસ્ત્ર ૧૫:૧, ૩) તેથી, એક પુરુષ તેની પત્ની પ્રત્યે મૌખિક રીતે અત્યાચાર કરે તો, તે બજાવી શકે એવા બીજા બધા ખ્રિસ્તી કાર્યો દેવની નજરમાં નકામાં છે.a—૧ કોરીંથી ૧૩:૧-૩.
a આપણે અપરાધી તરીકે પુરુષને રજૂ કરીએ છીએ છતાં, અહીંયાના સિદ્ધાંતો સ્ત્રીઓને સરખી રીતે જ લાગુ પડે છે.
વધુમાં, નિંદા કરનાર ખ્રિસ્તીને મંડળમાંથી કાઢી મૂકવામાં આવી શકે. તે દેવના રાજ્યના આશીર્વાદો પણ ગુમાવી શકે. (૧ કોરીંથી ૫:૧૧; ૬:૯, ૧૦) સ્પષ્ટપણે જ, પોતાના શબ્દોથી હાનિ કરનાર વ્યક્તિએ નાટકીય બદલાણ કરવાની જરૂર છે. પરંતુ એ કઈ રીતે સિદ્ધ થઈ શકે?
કોયડાને પ્રકાશમાં લાવવો
દેખીતી રીતે, અપરાધી સ્પષ્ટપણે સમજે નહિ કે તેને એક ગંભીર કોયડો છે ત્યાં સુધી તે બદલાશે નહિ. દુઃખની વાત છે કે, એક સલાહકારે અવલોક્યું તેમ, અત્યાચારી વાણી વાપરનારા ઘણા પુરુષો “પોતાના વર્તનને બિલકુલ અત્યાચારી ગણતા હોતા નથી. એ પુરુષો માટે એવાં કૃત્યો સંપૂર્ણપણે સામાન્ય હોય છે અને પતિપત્નીના વ્યવહારમાં ‘સ્વાભાવિક’ હોય છે.” આમ, ઘણાને પરિસ્થિતિ સીધેસીધી તેઓના ધ્યાનમાં લાવવામાં ન આવે ત્યાં સુધી તેઓ બદલાણ કરવાની જરૂર જોશે નહિ.
ઘણીવાર, પોતાની પરિસ્થિતિનો પ્રાર્થનાપૂર્વક વિચાર કર્યા પછી, પત્નીને—પોતાના તથા પોતાના બાળકોના ભલા માટે અને તેના પતિના દેવ સાથેના સ્થાનની ચિંતા ખાતર—બોલવાની ફરજ જણાશે. સાચું, હંમેશા સંભાવના હોય છે કે બોલવાથી બાબત વણસી શકે અને પત્નીના શબ્દો અસ્વીકારના પુષ્કળ શબ્દોનો સામનો કરી શકે. કદાચ એક પત્ની એ વિષય કઈ રીતે ઉપાડવો એ વિષે કાળજીપૂર્વક પૂર્વવિચાર કરશે અને એમ એને પહોંચી વળી શકે. “પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ રૂપાની ટોપલીમાંનાં સોનાનાં ફળ જેવો છે,” બાઇબલ કહે છે. (નીતિવચન ૨૫:૧૧) શાંત ક્ષણે નમ્ર તોપણ નિખાલસ પ્રસ્તાવ તેમના હૃદય સુધી પહોંચી શકે.—નીતિવચન ૧૫:૧.
એક પત્નીએ દોષારોપણ કરવાને બદલે, હાનિકારક વાણી પોતાને કઈ રીતે અસર કરે છે એ દૃષ્ટિબિંદુથી પોતાને વ્યક્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ. “હું/મને” કથન ઘણીવાર સૌથી સારી રીતે સફળ થાય છે. દાખલા તરીકે, ‘મને દુઃખ થાય છે કેમ કે . . . ’ કે ‘મને કચડાઈ ગયાની લાગણી થાય છે જ્યારે તમે મને કહો છો કે . . . ’ એવા કથનો હૃદય સુધી પહોંચવાની વધારે શક્યતા છે, કેમ કે એ વ્યક્તિને બદલે કોયડા પર ત્રાટકે છે.—સરખાવો ઉત્પત્તિ ૨૭:૪૬–૨૮:૧.
પત્નીનો મક્કમ પરંતુ કુનેહપૂર્વકનો હસ્તક્ષેપ સારા પરિણામો લાવી શકે. (સરખાવો ગીતશાસ્ત્ર ૧૪૧:૫.) એક માણસ જેને આપણે સ્ટીવન કહીશું તેને એ ખરું લાગ્યું. “મારી પત્નીએ મારામાંના અત્યાચારીને ઓળખી નાખ્યો જેને હું જોઈ શક્યો ન હતો, અને મને નિખાલસપણે કહેવાની તેણે હિંમત કરી,” તે કહે છે.
મદદ મેળવવી
પરંતુ પતિ કોયડો સ્વીકારવાની ના પાડે તો, પત્ની શું કરી શકે? એ મુદ્દાએ કેટલીક પત્નીઓ બહારની મદદ શોધે છે. એવા સંતાપના સમયે યહોવાહના સાક્ષીઓ પોતાના મંડળના વડીલો પાસે પહોંચી શકે. બાઇબલ એ માણસોને દેવના આત્મિક ટોળાનું પ્રતિપાલન કરતી વખતે ત્યારે પ્રેમાળ તથા માયાળુ બનવાની અરજ કરે છે અને, એ જ સમયે, દેવના શબ્દના હિતકર શિક્ષણનો “વિરોધ કરનારાઓને ઠપકો” આપવા અરજ કરે છે. (તીતસ ૧:૯, NW; ૧ પીતર ૫:૧-૩) વડીલોએ વિવાહિત યુગલોની વ્યક્તિગત બાબતોમાં હસ્તક્ષેપ ન કરવાનો હોવા છતાં, એક સાથીની કઠોર વાણીથી બીજું સાથી દુઃખી થાય છે ત્યારે તેઓ સાચે જ ચિંતાતુર થાય છે. (નીતિવચન ૨૧:૧૩) બાઇબલ સિદ્ધાંતોને સમીપતાથી વળગી રહેનારા એ માણસો અત્યાચારી વાણીની દરગુજર કરતા નથી કે એની ગંભીરતા ઓછી કરતા નથી.b
b વડીલ તરીકે સેવા આપવા લાયક ઠરવા કે સેવા ચાલુ રાખવા, માણસ મારનાર ન હોવો જોઈએ. તે લોકોને શારીરિકપણે મારનાર કે ડોળા કાઢીને નિર્દય ટીકા આપનારો ન હોય શકે. વડીલો તથા સેવકાઈ ચાકરો પોતાના કુટુંબો પર સારી રીતે પ્રમુખપણું આચરતા હોવા જોઈએ. તે ઘર બહાર ગમે તેટલી સારી રીતે વર્તે, પણ ઘરમાં તે એક અત્યાચારી હોય તો તે લાયક ઠરતો નથી.—૧ તીમોથી ૩:૨-૪, ૧૨.
વડીલો પતિપત્ની વચ્ચે સંચાર સુગમ બનાવી શકે. દાખલા તરીકે, એક સ્ત્રી જેણે પોતાના પતિ, એક સાથી ઉપાસક, દ્વારા વર્ષોથી મૌખિક હિંસા ભોગવી હતી, તે એક વડીલ પાસે પહોંચી. વડીલે તે બન્ને સાથે મળવાની ગોઠવણ કરી. દરેક સાથી બોલ્યું તેમ, તેમણે બીજા સાથીને હસ્તક્ષેપ કર્યા વગર સાંભળવા કહ્યું. પત્નીનો વારો આવ્યો ત્યારે, તેણે કહ્યું કે તે તેના પતિનો વિસ્ફોટક ગુસ્સો હવે પછી સાંખી શકતી નથી. તેણે સમજાવ્યું કે વર્ષો સુધી તેને રોજ સાંજે ડર રહેતો કે તે સાંજે ઘરે આવશે ત્યારે ગુસ્સાવાળા મિજાજમાં હશે કે કેમ એ તે જાણતી ન હતી. તે ઝઘડો કરતા ત્યારે, તે તેના કુટુંબ, તેની સખીઓ, અને ખુદ તેના વિષે હલકટ બાબતો કહેતા.
વડીલે પત્નીને તેના પતિના શબ્દોથી તેને કેવું લાગતું એ સમજાવવા કહ્યું. “મને લાગ્યું કે જાણે હું એટલી ખરાબ વ્યક્તિ હતી કે જેને કોઈ પ્રેમ ન કરી શકે,” તેણે જવાબ આપ્યો. “હું કેટલીકવાર મારા મમ્મીને પૂછતી, ‘મમ્મી, શું હું સાથે ન રહી શકાય એટલી મુશ્કેલ વ્યક્તિ છું? શું હું પ્રેમ ન કરી શકાય એવી વ્યક્તિ છું?’” તેને તેના શબ્દોથી કેવું લાગ્યું હતું એ વર્ણવ્યું ત્યારે, તેનો પતિ રડવા લાગ્યો. પહેલી વખત તે જોઈ શક્યો કે તેણે પોતાના શબ્દોથી તેની પત્નીને કેટલી ગહનપણે દુઃખ પહોંચાડ્યું હતું.
તમે બદલાઈ શકો છો
પ્રથમ સદીના કેટલાક ખ્રિસ્તીઓને અત્યાચારી વાણીનો કોયડો હતો. ખ્રિસ્તી પ્રેષિત પાઊલે તેઓને “રીસ, ક્રોધ, અદાવત, નિંદા [“અત્યાચારી વાણી,” NW], . . . બિભત્સ વચન” મૂકી દેવાની સલાહ આપી. (કોલોસી ૩:૮) જોકે, કઠોર વાણી જીભનો કોયડો હોવા કરતાં હૃદયનો કોયડો વધારે છે. (લુક ૬:૪૫) એટલા માટે પાઊલે ઉમેર્યું: ‘તમે જૂના માણસપણાને તેની કરણીઓ સુદ્ધાં ઉતારી મૂકો અને નવું માણસપણું પહેરો.’ (કોલોસી ૩:૯, ૧૦) તેથી બદલાણ કરવામાં ફક્ત જુદી રીતે બોલવાનો જ નહિ પરંતુ જુદી રીતે અનુભવવાનો પણ સમાવેશ થાય છે.
હાનિકારક વાણી વાપરતા પતિએ નક્કી કરવા મદદની જરૂર હોય શકે કે તેના વર્તનને શાનાથી પ્રેરણા મળે છે.c તે ગીતકર્તાનું વલણ ધરાવવાનું ઇચ્છતો હોવો જોઈએ: “હે ઈશ્વર, મારી પરીક્ષા કર, અને મારું અંતઃકરણ ઓળખ; મને પારખ, અને મારા વિચારો જાણી લે; મારામાં કંઈ દુરાચાર હોય તો તે તું જોજે.” (ગીતશાસ્ત્ર ૧૩૯:૨૩, ૨૪) દાખલા તરીકે: તે શા માટે પોતાના સાથી પર અંકુશ કે કાબૂ રાખવાની જરૂર અનુભવે છે? મૌખિક હુમલા શાનાથી શરૂ થાય છે? શું તેના હુમલા ઊંડા રોષનું સૂચક છે? (નીતિવચન ૧૫:૧૮) શું તે નકામા હોવાની લાગણીથી પીડાય છે, જે કદાચ ટીકાત્મક વાણીવાળા ઉછેરથી પરિણમી હોય? એવા પ્રશ્નો એક માણસને તેના વર્તનના મૂળ ખુલ્લા કરવા મદદ કરી શકે.
c એક ખ્રિસ્તી સારવાર લેશે કે કેમ એ એક વ્યક્તિગત નિર્ણય છે. તેમ છતાં, તે લે એવી કોઈ પણ સારવાર બાઇબલ સિદ્ધાંતો સાથે વિગ્રહમાં ન આવે એની ખાતરી કરી લેવી જોઈએ.
જોકે, મૌખિક રીતે કટુ વચન બોલતા માબાપ દ્વારા કે કાબૂ જમાવવાના વર્તનને પ્રોત્સાહન આપતી સંસ્કૃતિ દ્વારા શીખવવામાં આવેલી અત્યાચારી વાણી નિર્મૂળ કરવી મુશ્કેલ હોય છે. પરંતુ શીખી શકાય એવી કોઈ પણ બાબત—સમય અને પ્રયત્નથી—ભૂલી શકાય છે. બાઇબલ એ સંબંધમાં સૌથી મોટી મદદ છે. એ વ્યક્તિને દૃઢપણે ઘર કરી ગયેલું વલણ છોડવા પણ મદદ કરી શકે. (સરખાવો ૨ કોરીંથી ૧૦:૪, ૫.) કઈ રીતે?
દેવે સોંપેલી ભૂમિકાની યોગ્ય દૃષ્ટિ
ઘણીવાર, મૌખિક રીતે હાનિકારક માણસો પાસે પતિપત્નીને દેવે સોંપેલી ભૂમિકાની વિકૃત દૃષ્ટિ હોય છે. દાખલા તરીકે, બાઇબલ લેખક પાઊલ જણાવે છે કે પત્નીઓએ “પોતાના પતિઓને આધીન” રહેવાનું છે અને “પતિ પત્નીનું શિર છે.” (એફેસી ૫:૨૨, ૨૩) પતિને લાગી શકે કે શિરપણું સંપૂર્ણ કાબૂ માટે તેને લાયક ઠરાવે છે. પરંતુ એમ નથી. તેની પત્ની આધીન હોવા છતાં પણ, તેની ગુલામ નથી. તે તેની “સહાયકારી” અને “પૂરક” છે. (ઉત્પત્તિ ૨:૧૮, NW) એમ, પાઊલ ઉમેરે છે: “પતિઓએ જેમ પોતાનાં શરીરો પર તેમ પોતાની પત્નીઓ પર પ્રેમ રાખવો જોઈએ. જે પોતાની પત્ની પર પ્રેમ રાખે છે, તે પોતા પર પ્રેમ રાખે છે; કેમકે કોઈ માણસ પોતાના દેહનો દ્વેષ કદી કરતો નથી; પણ તે તેનું પાલનપોષણ કરે છે, જેમ પ્રભુ પણ મંડળીનું કરે છે તેમ.”—એફેસી ૫:૨૮, ૨૯.
ખ્રિસ્તી મંડળના શિર તરીકે ઈસુ કદી પણ પોતાના શિષ્યોને એવી રીતે વઢ્યા નહિ, જેથી તેઓ અધીરતાથી ચિંતા કરે કે ક્યારે તે ટીકાખોરીનો બીજો ગુસ્સો ઠાલવશે. એને બદલે, તે કોમળ હતા અને એમ તેમણે તેઓની પ્રતિષ્ઠા જાળવી. “હું તમને વિસામો આપીશ,” તેમણે તેઓને વચન આપ્યું. “હું મનમાં નમ્ર તથા રાંકડો છું.” (માત્થી ૧૧:૨૮, ૨૯) ઈસુએ જે રીતે પોતાનું શિરપણું આચર્યું એના પર પ્રાર્થનાપૂર્વક મનન કરવાથી પતિને તેનું શિરપણું વધુ સમતુલિત પ્રકાશમાં જોવા મદદ મળી શકે.
તણાવ વધે ત્યારે
બાઇબલ સિદ્ધાંતો જાણવા એક બાબત છે; તણાવ હેઠળ એનો અમલ કરવો એ બીજી બાબત છે. તણાવ વધે ત્યારે, એક પતિ કઠોર વાણીની ઢબમાં ઊતરી પડવાનું કઈ રીતે ટાળી શકે?
પતિ વ્યાકુળ હોય ત્યારે મૌખિક રીતે ગુસ્સે કાઢવો એ તેના માટે મર્દાનગીનું ચિહ્ન નથી. બાઇબલ જણાવે છે: “જે ક્રોધ કરવે ધીમો તે પરાક્રમી કરતાં સારો છે; અને જે પોતાના મિજાજને કાબૂમાં રાખે છે તે શહેર જીતનારના કરતાં ઉત્તમ છે.” (નીતિવચન ૧૬:૩૨) ખરો માણસ પોતાના આત્મા પર કાબૂ રાખે છે. તે આમ વિચારીને સહાનુભૂતિ બતાવે છે: ‘મારા શબ્દો મારી પત્નીને કઈ રીતે અસર કરે છે? હું તેની જગ્યાએ હોઉં તો મને કેવું લાગશે?’—સરખાવો માત્થી ૭:૧૨.
જોકે, બાઇબલ સ્વીકારે છે કે કેટલીક પરિસ્થિતિ ગુસ્સો ભડકાવી શકે. એવી પરિસ્થિતિ વિષે ગીતકર્તાએ લખ્યું: “તેનાથી ભયભીત થાઓ, અને પાપ ન કરો; બિછાના પર પોતાના હૃદયમાં વિચાર કરો, ને છાના રહો.” (ગીતશાસ્ત્ર ૪:૪) એ આ રીતે પણ જણાવવામાં આવ્યું છે: “ગુસ્સે થવામાં કંઈ ખોટું નથી, પરંતુ કટાક્ષ કરીને, માનહાનિ કરીને કે ઉતારી પાડીને મૌખિક હુમલો કરવો ખોટી બાબત છે.”
પતિને લાગે કે તે વાણી પરથી પોતાનો કાબૂ ગુમાવી રહ્યો છે તો, તે વિરામ લેવાનું શીખી શકે. કદાચ ઘર બહાર જવું, ચાલવા નીકળવું, કે શાંત થવા એકાંત સ્થળ શોધવું ડહાપણભર્યું થશે. નીતિવચન ૧૭:૧૪ કહે છે: “વઢવાઢ થયા પહેલાં તકરાર મૂકી દો.” ગુસ્સો શાંત થાય પછી ચર્ચા ચાલુ રાખો.
અલબત્ત, કોઈ સંપૂર્ણ નથી. એક પતિ જેને કઠોર વાણીનો કોયડો હોય એને ફરીથી ઊથલો આવી શકે. એમ બને ત્યારે, તેણે માફી માગવી જોઈએ. “નવું માણસપણું” પહેરવું એ સતત ચાલતી પ્રક્રિયા છે, પરંતુ એ ભારે બદલો લણે છે.—કોલોસી ૩:૧૦.
ખુશકારક શબ્દો
હા, “મરણ તથા જીવન જીભની સત્તામાં છે.” (નીતિવચન ૧૮:૨૧) દુઃખી કરતી વાણીને લગ્નને સુદૃઢ અને મજબૂત કરતા શબ્દોથી બદલવી જ જોઈએ. બાઇબલનું એક નીતિવચન જણાવે છે: “માયાળુ શબ્દો મધ જેવા છે, તેઓ આત્માને મીઠા લાગે છે તથા હાડકાંને આરોગ્ય આપે છે.”—નીતિવચન ૧૬:૨૪.
કયા ઘટકોથી મજબૂત કુટુંબો અસરકારકપણે કાર્યરત હતા એ નક્કી કરવા માટે, કેટલાક વર્ષો અગાઉ, એક અભ્યાસનું સંચાલન કરવામાં આવ્યું. “અભ્યાસને જાણવા મળ્યું કે એ કુટુંબના સભ્યો એકબીજાને ગમતા, અને સતતપણે એકબીજાને કહેતા કે તેઓ એકબીજાને ગમતા હતા,” એમ વૈવાહિક નિષ્ણાત ડેવિડ આર. મેઈસ અહેવાલ આપે છે. “તેઓ એકબીજાને સાથ આપતા, એકબીજાને તેઓના વ્યક્તિગત મૂલ્યની સભાનતા કરાવતા, અને બોલવા તથા વહાલપૂર્વક વર્તવા દરેક વાજબી તકનો ઉપયોગ કરતા. પરિણામે, સ્વાભાવિક રીતે જ, તેઓએ ભેગા રહેવાનો આનંદ માણ્યો અને એકબીજાને એ રીતે સુદૃઢ કર્યા જેથી તેઓનો સંબંધ ખુબ જ સંતોષકારી બન્યો.”
દેવનું ભય રાખનાર પતિ ઇચ્છાપૂર્વક તેની પત્નીને શબ્દોથી હાનિ પહોંચાડે તો તે સત્યતાપૂર્વક કહી શકતો નથી કે તે તેની પત્નીને પ્રેમ કરે છે. (કોલોસી ૩:૧૯) અલબત્ત, પતિ પર મૌખિક રીતે પ્રહાર કરતી પત્ની માટે પણ એ સાચું છે. ખરેખર, એફેસીઓને પાઊલે આપેલી સલાહ અનુસરવી એ બન્ને સાથીઓની ફરજ છે: “તમારા મુખમાંથી કંઈ મલિન વચન નહિ, પણ જે ઉન્નતિને સારૂ આવશ્યક હોય તેજ નીકળે, કે તેથી સાંભળનારાઓનું કલ્યાણ થાય.”—એફેસી ૪:૨૯.
ખ્રિસ્તી વડીલ યુગલને સંચાર કરવા મદદ કરી શકે
પતિઓ અને પત્નીઓએ એકબીજાને સમજવા માટે ખરો પ્રયત્ન કરવો જોઈએ