પોલીસની મદદ—લોકોની આશાઓ અને શંકાઓ
ઓગણીસમી સદીની શરૂઆતમાં ઇંગ્લૅંડના લોકોને કહેવામાં આવ્યું કે હવેથી પોલીસ યુનિફોર્મ પહેરશે ત્યારે, તેઓએ એનો વિરોધ કર્યો. કેમ કે, તેઓને ભય લાગ્યો કે સરકારના આ શસ્ત્રસજ્જ પોલીસો તેઓની સ્વતંત્રતા છીનવી લેશે. કેટલાક લોકોને એવો ભય લાગ્યો કે એનાથી પોલીસ, સરકાર માટે જ કામ કરતી જોસેફસ ફુશના હાથ નીચેની ફ્રાંસની છૂપી પોલીસ જેવી બની જશે. તેમ છતાં, તેઓને આ પ્રશ્ન વિચારવાની ફરજ પડી, ‘આપણે પોલીસ વિના શું કરીશું?’
લંડન દુનિયાનું સૌથી મોટું અને ધનવાન શહેર થયું. તેથી, ગુના વધતા ગયા અને વેપારને જોખમ ઊભું થયું. રાતપાલી કરનારા ચોકીદાર, ચોર પકડવામાં અનુભવી લોકો કે ડિટેક્ટિવ પણ લોકોનું અને તેઓની મિલકતનું રક્ષણ કરી શકતા ન હતા. અંગ્રેજ પોલીસ: રાજકીય અને સામાજિક ઇતિહાસ અંગ્રેજી પુસ્તકમાં ક્લાઈવ એમસ્લી કહે છે: “સમાજમાં ગુના અને અન્યાય હોવા જોઈએ નહિ.” તેથી, લંડનના લોકોએ સર રોબર્ટ પીલના માર્ગદર્શન હેઠળ, પ્રોફેસનલ પોલીસ સફળ થશે એવી આશા રાખી. સપ્ટેમ્બર ૧૮૨૯માં, યુનિફોર્મ પહેરેલા પોલીસોએ મોટા શહેરોમાં પેટ્રોલિંગ કરવાનું શરૂ કર્યું.
પોલીસની શરૂઆત થઈ ત્યારથી જ, લોકોને તેઓમાં આશાઓ અને શંકાઓ હતી. તેઓ પોલીસ પાસેથી મદદની આશા રાખતા હતા. તેઓને એવો ડર પણ હતો કે પોલીસ પોતાની સત્તાનો દુરુપયોગ કરશે.
અમેરિકન પોલીસની શરૂઆત
અમેરિકાના ન્યૂયૉર્ક શહેરમાં સૌ પ્રથમ, યુનિફોર્મ પહેરેલી પોલીસની શરૂઆત થઈ હતી. શહેર સમૃદ્ધ થતું ગયું તેમ એમાં ગુનાનું પ્રમાણ પણ વધતું ગયું. પછી ૧૮૩૦ના દાયકાથી, પેન્ની પ્રેસ છાપામાંથી દરેક કુટુંબ ગુના વિષે ભયંકર અહેવાલ વાંચતું. જનતાનો પોકાર વધ્યો હોવાથી ન્યૂયૉર્ક શહેરમાં ૧૮૪૫માં પોલીસ દળ આવ્યું. ત્યારથી, ન્યૂયૉર્ક અને લંડનના રહેવાસીઓ એકબીજાની પોલીસમાં રસ લેતા થયા.
અંગ્રેજોની જેમ અમેરિકનોને પણ હથિયારધારી પોલીસનો ડર હતો. પરંતુ બંને રાષ્ટ્રોએ જુદો જુદો હલ શોધી કાઢ્યો. અંગ્રેજ પોલીસે લાંબી ટોપી અને ઘાટા ભૂરા રંગનો યુનિફોર્મ પહેરવાનું નક્કી કર્યું. તેઓ ફક્ત ટૂંકા હાથાની લાકડી રાખતા હતા. આ સમયમાં બ્રિટીશ પોલીસ જરૂર હોય ત્યારે જ બંદૂક વાપરતી હતી. તોપણ એક અહેવાલ બતાવે છે, ‘બ્રિટીશ પોલીસ સમય જતાં હથિયારનો વધારે ઉપયોગ કરશે, એ ભય તો હજુ રહેલો જ છે.’
બીજી બાજુ, અમેરિકામાં લોકોને ડર હતો કે, સરકાર પોતાની સત્તાનો દુરુપયોગ કરશે. તેથી, બીજો એક કાયદો પસાર કરવામાં આવ્યો કે, “લોકો પોતાની સાથે હથિયાર રાખીને ગમે ત્યાં જઈ શકે છે.” આથી, પોલીસોએ પણ બંદૂક રાખવાની માંગ કરી. સમય જતાં, બંદૂકના ઉપયોગને કારણે રસ્તાઓ પર પોલીસો અને ગુનેગારો વચ્ચે ગોળીબાર સામાન્ય થઈ ગયો. અમેરિકાના લોકોએ બંદૂક રાખવાનું બીજુ એક કારણ હતું કે અમેરિકાનો સમાજ લંડન સમાજથી એકદમ જુદો છે. ન્યૂયૉર્કની વસ્તીમાં ઝડપથી વધારો થયો તેમ અવ્યવસ્થા વધતી ગઈ. વર્ષ ૧૮૬૧-૬૫માં આંતરવિગ્રહ શરૂ થયા પછી, યુરોપ અને આફ્રિકાથી અમેરિકામાં હજારો લોકો જઈને વસી ગયા હતા. એ પછી અમેરિકામાં જાતિય હિંસા પણ થઈ. પોલીસોએ વધારે કડક પગલાં લેવાની જરૂર અનુભવી.
આથી, લોકો પોલીસને હંમેશાં જરૂરી કડવી દવા તરીકે ગણતા હતા. લોકો તેઓના હદ પાર વિનાના વર્તન અને કાર્યો સહન કરવા તૈયાર હતા, જેથી કંઈક અંશે વ્યવસ્થા અને સલામતી જળવાઈ રહે. તેમ છતાં, કેટલાક દેશોમાં, અલગ પ્રકારની પોલીસ હતી.
ખતરનાક પોલીસ
આધુનિક પોલીસ વ્યવસ્થાની શરૂઆત ૧૯મી સદીની શરૂઆતમાં થઈ ત્યારે, મોટા ભાગના દેશો યુરોપના સામ્રાજ્ય હેઠળ હતા. સામાન્ય રીતે, યુરોપના પોલીસો લોકોના બદલે શાસકોનું રક્ષણ કરતા હતા. બ્રિટીશરોને પોતાના દેશમાં પોલીસ પાસે હથિયાર હોય એ બિલકુલ ગમતું ન હતું. પરંતુ, બીજા દેશની પોલીસ હથિયારનો ઉપયોગ કરે એમાં બ્રિટીશરોને કંઈ વાંધો ન હતો. રોબ મૉબી પોતાનું પુસ્તક આખા જગતમાં અંકુશ (અંગ્રેજી)માં કહે છે: “બીજા દેશોની બ્રિટીશ વસાહતોમાં લશ્કરી પોલીસની ક્રૂરતા, ભ્રષ્ટાચાર, હિંસા, ખૂન અને સત્તાનો દુરુપયોગ પોલીસના ઇતિહાસમાં લગભગ દરેક દાયકામાં જોવા મળ્યો છે.” એ જ પુસ્તક ઉમેરે છે કે બ્રિટીશ સામ્રાજ્યમાં પોલીસના અંકુશ હેઠળ એની વસાહતોને અમુક લાભો પણ થયા હતા. એને લીધે “આખા જગતના લોકો પર એવી છાપ પડી કે પોલીસ લોકોની સેવા નથી કરતી. પરંતુ એ લોકોને સરકારના અંકુશમાં રાખતી હતી.”
સરમુખત્યાર શાહી સરકારો આંદોલન ફાટી નીકળવાના ભયથી પોતાના નાગરિકો પર જાસૂસો રાખતા હતા. આ પોલીસો લોકોને રિબાવીને માહિતી કઢાવતા અને બળવો થવાની જરા પણ ગંધ આવે તો, તેઓ વ્યક્તિઓને મારી નાખતા અથવા મુકદ્દમા વગર ગિરફતાર કરતા. આવા જાસુસોમાં નાઝીઓને તેઓના ગેસ્ટાપો, સોવિયત યુનિયનના કેજીબી અને પૂર્વ જર્મનીના સ્ટાશી હતા. સ્ટાશીએ કંઈક ૧.૬ કરોડની વસ્તીને કાબૂમાં રાખવા ૧,૦૦,૦૦૦ અધિકારીઓને અને પાંચ લાખ કરતાં વધારે લોકોને બાતમીદાર તરીકે રાખ્યા હતા. અધિકારીઓ ચોવીસ કલાક ટેલિફોન પર વાતો સાંભળતા અને આખી વસ્તીના ત્રીજા ભાગનો અહેવાલ રાખતા હતા. જોન કોઓલ પોતાના પુસ્તક સ્ટાશીમાં બતાવે છે, “સ્ટાશીના અધિકારીઓને કોઈ માન-મર્યાદા કે શરમ ન હતી. પ્રોટેસ્ટંટ અને કૅથલિક પાદરી સહિતના ઉચ્ચ અધિકારીઓને ખાનગી માહિતી આપવા ભરતી કર્યા હતા. તેઓના કાર્યાલયો અને પાપ કબૂલ કરતા સ્થળે સાંભળી શકે એવા મશીનો મૂક્યા હતા.”
તેમ છતાં, સરમુખત્યારશાહી દેશોમાં જ ફક્ત ખતરનાક પોલીસ જોવા મળતી નથી. મોટા શહેરના પોલીસો પર પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે તેઓ કાયદા લાગુ પાડવા જબરજસ્તી કરે છે અને ખાસ કોઈ જાતિ પર દબાણ લાવે છે. લોસ એન્જલસમાં પ્રખ્યાત કૌભાંડ વિષે ટીકા આપતા ન્યૂઝમેગેઝિને જણાવ્યું કે “પોલીસની ખરાબ વર્તણૂકને લીધે તેઓને નવું નામ માફિયા પોલીસ આપવામાં આવ્યું.”
તેથી, સરકારી અધિકારીઓ સવાલ પૂછે છે, પોલીસ ખાતું પોતાની શાખ સુધારવા શું કરી શકે? તેઓને જાહેર સેવાની ભૂમિકા પર ભાર આપવા પોલીસ દળે સમાજને થતા લાભો પર ભાર મૂકવાનો પ્રયત્ન કર્યો છે.
સમાજ સેવા કરતી પોલીસો તરફથી આશા
જાપાનમાં પાડોશીઓની સંભાળ રાખનારા પોલીસોમાં પરદેશીઓને રસ પડ્યો છે. અમુક વિસ્તારોની સંભાળ રાખવા માટે દરેક અધિકારીને નાની પોલીસ ચોકી છે. એમાં લગભગ ૧૨ અધિકારીઓ પાળીમાં કામ કરે છે. જાપાનમાં લાંબા સમયથી રહેતા અપરાધ-વિજ્ઞાનના પ્રોફેસર ફ્રેન્ક લાઈશમૅન કહે છે: “કોબન [નાની પોલીસ ઓફિસ] લોકોની સારી સેવા કરે છે: જેમ કે જાપાનના બેનામ રસ્તાઓ પર સરનામુ શોધી આપવું; કોઈ છત્રી ભૂલી ગયું હોય એવી છત્રીઓને અચાનક વરસાદમાં ફસાયેલા લોકોને આપવી; પીધેલા સારરીમાન અર્થાત્ વેપારીઓ કે કર્મચારીઓને ઘરે પહોંચાડવા છેલ્લી ગાડીમાં ચઢાવવા; અને ‘શહેરના લોકો મુશ્કેલીઓમાં’ હોય ત્યારે, આ પોલીસ તેઓને દિલાસો આપતી હોય છે.” પાડોશીઓની સંભાળ રાખતી આ પોલીસને કારણે લોકોને ઘણા લાભો થયા છે અને રસ્તાઓ ભયમુક્ત બન્યા છે.
શું આ પ્રકારની સેવા બીજે ક્યાં જોવા મળી શકે? ગુના વિષે અભ્યાસ કરનારા કેટલાકને એમાં કંઈક બોધપાઠ જોવા મળ્યો. આધુનિક ટૅક્નોલૉજીમાં પ્રગતિને કારણે પોલીસો લોકોથી થોડા દૂર થયા છે. આજે ઘણા દેશોમાં, પોલીસ ખાસ કરીને બહુ જરૂરી હોય એવા કેસો પર જ ધ્યાન આપે છે. ઘણીવાર એવું લાગે છે કે ગુનાને રોકવાનો મુખ્ય હેતુ ક્યાંય ગુમ થઈ ગયો છે. આ બાબતના લીધે, પાડોશીઓની સંભાળ રાખનાર પોલીસ ફરી એક વાર પ્રખ્યાત થઈ ગઈ.
પડોશીઓની કાળજી રાખવી
વૅલ્સમાં પોતાના કામ વિષે એક પોલીસ ડ્યૂઈ કહે છે, “આ ખરેખર સફળ થયું છે; એનાથી ગુના ઓછા થયા છે. પડોશીઓની કાળજી રાખવાનો અર્થ, એકબીજાની સંભાળ રાખવા માટે સાવચેત બનવું થાય છે. અમે સભા ગોઠવતા જેથી પડોશીઓ એકબીજાને જાણી શકે, એકબીજાના નામ અને ફોન નંબર આપે અને અમે ગુના ઓછા કરવા વિષે વાત કરતા હતા. મને આ યોજના બહુ ગમે છે કારણ કે એ ફરીથી સમાજમાં એકતાની ભાવના લાવે છે. ઘણી વાર લોકોને પોતાના પાડોશી કોણ છે એની પણ ખબર હોતી નથી. આ યોજના ખરેખર સફળ છે, કેમ કે એનાથી પાડોશમાં શું થાય છે એ લોકોને ખબર પડે છે.” એ પોલીસ અને લોકો વચ્ચેના સંબંધને સુધારે છે.
પોલીસને અત્યાચાર થયેલા લોકો પર દયા બતાવવાનું ઉત્તેજન આપવામાં આવ્યું છે. એવા લોકોનો અભ્યાસ કરનાર યાન વાન દાઈકે લખ્યું: “એક ડૉક્ટર પોતાના દરદી સાથે વાત કરે છે એ રીતે પોલીસે પોતાના ટેબલની સામેની વ્યક્તિ સાથે વાત કરવી જોઈએ.” ઘણી જગ્યાઓએ પોલીસો હજુ પણ ઘરમાં થતી હિંસા અને બળાત્કારને ખરેખર ગુના તરીકે જોતી નથી. પરંતુ રોબ મૉબે કહે છે: “આજે ઘરમાં થતી હિંસા અને બળાત્કારને પોલીસ જે રીતે હાથ ધરે છે એમાં ખાસો એવો સુધારો થયો છે. તેમ છતાં, હજુ પણ એમાં ઘણો સુધારો કરી શકાય છે.” પોલીસ પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે એમાં પણ સુધારો કરવાની જરૂર છે.
પોલીસના ભ્રષ્ટાચારનો ભય
ચારેબાજુ પોલીસના ભ્રષ્ટાચાર વિષે સાંભળવા મળે છે. તેથી, પોલીસ પાસેથી રક્ષણ મેળવવાની આશા રાખવાનો કોઈ ફાયદો લાગતો નથી. પોલીસની શરૂઆત થઈ ત્યારથી આવા અહેવાલો જોવા મળે છે. વર્ષ ૧૮૫૫નો ઉલ્લેખ કરતા ન્યૂયૉર્ક પોલીસ વિભાગ—શહેર અને એની પોલીસ પુસ્તકે બતાવ્યું, “ન્યૂયૉર્કના ઘણા લોકોને ખૂની અને પોલીસ વચ્ચેનો તફાવત શોધવો ખૂબ મુશ્કેલ છે.” ડંકન ગ્રીન દ્વારા લખવામાં આવેલું પુસ્તક લેટિન અમેરિકાના ચહેરાઓ અહેવાલ આપે છે કે પોલીસોને “મોટા ભાગના લોકો ભ્રષ્ટાચારી, આવડત વગરના અને માનવ હક્કનો દૂરુપયોગ કરનારા તરીકે માને છે.” લેટિન અમેરિકામાં ૧૪,૦૦૦ પોલીસના એક ઉપરી અધિકારીએ કહ્યું: “પોલીસ એક મહિનામાં [૧૦૦ ડોલર] કરતાં ઓછું કમાતા હોય ત્યારે તમે શાની અપેક્ષા રાખી શકો? જો તેમને લાંચ આપવામાં આવે તો, તે શું કરશે?”
ભ્રષ્ટાચારની આ સમસ્યા કેટલી ગંભીર છે? આ પ્રશ્નનો જવાબ તમે કોને પૂછો છો એના પર આધારિત છે. ઉત્તર અમેરિકાનો એક પોલીસ વર્ષોથી ૧,૦૦,૦૦૦ની વસ્તીવાળા શહેરમાં પેટ્રોલિંગ કરે છે. તે જવાબ આપે છે: “હા, મારા અનુભવ પ્રમાણે અમુક ટકા પોલીસો પ્રમાણિક નથી, પરંતુ, મોટા ભાગની પોલીસ પ્રમાણિક છે.” બીજી બાજુ, બીજા એક દેશમાં ૨૬ વર્ષથી ગુનાની તપાસ કરનાર કહે છે: “મને લાગે છે કે ભ્રષ્ટાચાર આખી દુનિયામાં ફેલાયેલો છે. પોલીસોમાં બહુ ઓછી પ્રમાણિકતા જોવા મળે છે. જો પોલીસને લૂંટફાટ થયેલા ઘરની તપાસ કરતા પૈસા મળે તો, તે એ કદાચ લઈ લેશે. તેમ જ, તેને ખોવાયેલી વસ્તુઓ આપવામાં આવે તો, એમાંથી તે થોડીક પોતાના માટે રાખી મૂકશે.” શા માટે કેટલાક પોલીસો આટલા બધા ભ્રષ્ટાચારી થઈ ગયા છે?
કેટલાક પોલીસો શરૂઆતમાં ઊંચા ધોરણો બતાવે છે. પછીથી, ભ્રષ્ટ સાથીદારોની અસરમાં આવી જાય છે અને માફિયા સાથે વધતા જતા સંબંધને લીધે તેઓના ધોરણો પણ નીચા થતા જાય છે. પોલીસને શું ખબર છે પુસ્તકમાં શિકાગોના એક પોલીસે આમ કહ્યું: “ખરાબ બાબતો તેઓ પોતાના અનુભવથી શીખે છે. કેમ કે પોલીસો ભ્રષ્ટાચારીઓ સાથે જ ઊઠતા બેસતા હોવાથી તેઓની પણ દાનત બગડે છે.” આમ, પોલીસોને ભ્રષ્ટ કાર્યોનો ચેપ લાગે છે.
જોકે પોલીસ કીંમતી સેવા આપે છે છતાં, તેઓ જોઈએ એવી સેવા આપતા નથી. શું આપણે એના કરતાં વધારે સારી બાબતોની આશા રાખી શકીએ?
[પાન ૮, ૯ પર બોક્સ/ચિત્રો]
“લાજવાબ બ્રિટીશ પોલીસ”
પોલીસની સેવા સૌ પ્રથમ બ્રિટીશરોએ શરૂ કરી હતી. તેઓ ઇચ્છતા હતા કે પોલીસ એકદમ વ્યવસ્થિત હોય. વર્ષ ૧૮૨૯માં ગૃહમંત્રી સર રોબર્ટ પીલે લોકસભાને લંડન મેટ્રોપૉલિટન પોલીસની હેડઑફિસને સ્કૉટલૅન્ડ યાર્ડ બનાવવા માટે મનાવ્યા. ફળિયામાં છાટકા થવું અને જુગાર રમવા જેવી બાબતો વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે એ શરૂઆતમાં લોકોને ગમતું ન હતું. પરંતુ, છેવટે આ પોલીસો લોકોને ગમવા માંડ્યા.
વર્ષ ૧૮૫૧માં, લંડને આખી દુનિયાને ભવ્ય પ્રદર્શનમાં આવવાનું અને બ્રિટીશરોએ કેટલી મહેનત કરી છે એ જોવાનું આમંત્રણ આપ્યું. મહેમાનોને એ જોઈને નવાઈ લાગી કે રસ્તા પર કોઈ પણ વ્યક્તિ પીધેલી અને રખડતી ન હતી, તેમ જ કોઈ વેશ્યા પણ ન હતી. પોલીસોએ લોકોને રસ્તો બતાવ્યો, મુસાફરોનો સામાન ઊંચકવા અને રસ્તો ઓળંગવા મદદ કરી. તેઓ વૃદ્ધ સ્ત્રીઓને ટેક્ષી સુધી ઊંચકી ગયા. આથી પરદેશી મુસાફરોને તેમ જ બ્રિટિશરોને આમ કહેતા સાંભળવું કંઈ નવાઈની વાત નથી કે, “બ્રિટીશ પોલીસ લાજવાબ” છે.
તેઓ ગુનો અટકાવવામાં એટલા હોંશિયાર બની ગયા કે ૧૮૭૩માં શહેરના મુખ્ય પોલીસે એવા સમયની કલ્પના કરી કે જ્યારે ગુનેગારો હશે જ નહિ! પોલીસોએ ઍમ્બ્યુલન્સ અને આગ હોલવવાની સેવાઓ પણ શરૂ કરી. તેઓએ ગરીબ લોકોને બૂટ અને કપડાં આપવાની ગોઠવણ કરીને તેઓનું ભલું કર્યું. તેમ જ, છોકરાઓ માટે ક્લબો, ટૂંકા પ્રવાસો અને રજાઓ ગાળવા માટે ઘરોની વ્યવસ્થા કરી.
જોકે, નવા પોલીસો માટે ભ્રષ્ટાચારી અને ક્રૂર પોલીસોને શિસ્ત આપવી ખૂબ મુશ્કેલ હતું. પરંતુ, ઘણા પોલીસો સારી રીતે રહીને લોકો પર ઓછું દબાણ કરતા હતા. વર્ષ ૧૮૫૩માં પોલીસોએ વિગન, લૅંકશીર ખાણમાં કામ કરનારાઓની હડતાલનો સામનો કર્યો. એક અધિકારી પાસે ફક્ત દશ માણસો હતા તોપણ તેમણે ખાણના માલિકના હથિયારોનો ઉપયોગ કરવાનો નકાર કર્યો. આવું જ વલણ પછીથી વર્ષ ૧૮૮૬માં હેક્ટર મૅકલીઓડમાં જોવા મળ્યું, તે પણ પોતાના પિતાની જેમ પોલીસ બન્યો. અંગ્રેજ પોલીસ પુસ્તકમાં ટાંકવામાં આવ્યું છે તેમ: “કઠોર બનવાથી તમે લોકોની વફાદારી અને ટેકો ગુમાવો છો . . . હું લોકોને મદદ કરવાને પ્રથમ સ્થાન આપું છું કારણ કે અમે સમાજના સેવકો છીએ. અમને હાલ પૂરતી આ જવાબદારી આપવામાં આવી છે અને સમાજના લોકોને તેમ જ અધિકારીઓને ખુશ કરવા એ અમારી ફરજ છે.”
મેટ્રોપૉલિટન પોલીસના નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર હાઈડન કહે છે: “અમને હંમેશાં સારી રીતે વર્તવાનું શીખવવામાં આવ્યું હતું કારણ કે સફળ પોલીસને સમાજની મદદની જરૂર છે. અમારી નાની લાકડીનો અમે જરૂર હોય ત્યારે જ ઉપયોગ કરતા, અમારામાંથી કેટલાક પોલીસોએ તો પોતાના સેવાકાળ દરમિયાન ક્યારેય એનો ઉપયોગ કર્યો નથી.” વળી, બ્રિટીશ પોલીસ પર પ્રખ્યાત ટીવી સિરિઅલ, ડિક્શન ઑફ ડોક ગ્રીનથી સારી અસર પડી હતી. આ સિરિઅલ ૨૧ વર્ષ ચાલી, એમાંનો પ્રમાણિક પોલીસ પોતાના વિસ્તારના દરેક લોકોને જાણતો હતો. એણે પોલીસને એ પ્રમાણે જીવવાનું ઉત્તેજન આપ્યું હોય શકે, પરંતુ, એનાથી બ્રિટનના લોકોને પોલીસની કદર કરવાનું ઉત્તેજન મળ્યું.
પરંતુ, ૧૯૬૦ના દાયકામાં બ્રિટનના લોકોનું વલણ બદલાયું. દેશના લોકો અધિકારીઓ સામે આંગળી ચિંધવા લાગ્યા. પોલીસે પડોશીઓની સંભાળ રાખવા, પોલીસ યોજના શરૂ કરીને લોકોના દિલ જીતવા પ્રયત્નો કર્યા. તેમ છતાં, પોલીસોના ભ્રષ્ટાચાર અને પક્ષપાતના બનાવોથી ૧૯૭૦ના દાયકામાં પોલીસોનું નામ બગડી ગયું. હમણાં, પક્ષપાતના આરોપથી છૂટવા અને લોકોનો ભરોસો જીતવા, ગુનેગારોને સજા કરવા જૂઠા પુરાવાઓ ભેગા કર્યા પછી, પોલીસ ખાતાએ પોતાના વર્તનમાં સુધારો કરવાના પ્રયત્નો કર્યા છે.
[ક્રેડીટ લાઈન]
Photograph above: http://www.constabulary.com
[પાન ૧૦ પર બોક્સ/ચિત્ર]
શું ન્યૂયૉર્કમાં ચમત્કાર થયો?
પોલીસ ખાતું ખાસ પ્રયત્ન કરે છે ત્યારે એના સારા પરિણામો દેખાઈ આવે છે. ન્યૂયૉર્કને દુનિયાનું સૌથી અસલામત શહેર ગણવામાં આવતું હતું. વર્ષ ૧૯૮૦ના દાયકા સુધીમાં એમ લાગતું હતું કે ગુના દૂર કરવા એ પોલીસ ખાતાના ગજાની વાત નથી. આર્થિક સમસ્યાઓના કારણે શહેરની સરકારે પગાર અને પોલીસો ઓછા કરવા પડ્યા. તેથી, ડ્રગ્સના વેપારીઓમાં અને હિંસામાં પુષ્કળ વધારો થયો. શહેરના લોકોને રાત્રે સૂતા પણ ઘણી વાર બંદૂકનો અવાજ સંભળાતો હતો. વર્ષ ૧૯૯૧માં જાતિના નામ પર હિંસા થઈ ત્યારે પોલીસોએ પણ પોતાની ફરિયાદોનો ઢગલો કર્યો.
તેમ છતાં, નવા મુખ્ય પોલીસ અધિકારીએ પોતાના અધિકારીઓને ઉત્તેજન આપવામાં રસ લીધો. દરેકના વ્યક્તિગત વિસ્તારોમાં કયા બનાવો બને છે એની તપાસ કરવા નિયમિત સભાઓ ગોઠવી. જેમ્સ લાર્ડનર અને થોમસ રીપૅટો પોતાના પુસ્તક ન્યૂ યૉર્ક પોલીસ વિભાગ (અંગ્રેજી)માં સમજાવે છે: “ગુનાશોધક પોલીસના અધિકારી કે નશાબંધી વિભાગના અધિકારીઓ વિષે દરેક વિસ્તારના પોલીસોએ છાપામાં વાંચ્યું હોય છે, પરંતુ તેઓ તેમને ભાગ્યે જ મળ્યા હોય છે. પરંતુ, હવે તો તેઓ પરિસ્થિતિ પર કઈ રીતે કાબૂ લાવવો એના વિષે કલાકો સુધી ચર્ચા કરે છે.” ગુનાઓનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું ગયું. ખૂન થવાના દરમાં ધીમે ધીમે ઘટાડો થયો, જેમ કે વર્ષ ૧૯૯૩માં લગભગ ૨,૦૦૦થી ૧૯૯૮માં ૬૩૩ થયા. આમ ૩૫ વર્ષમાં થયા હતા એના કરતાં એકદમ ઓછા ખૂન થયા. ન્યૂયૉર્કમાં રહેતા લોકો એને એક ચમત્કાર કહે છે. પોલીસોને મળતા ગુનાખોરીના રીપોર્ટમાં ગયા વર્ષે ૬૪ ટકાનો ઘટાડો થયો હતો.
કઈ રીતે આટલું સારું પરિણામ આવ્યું? જાન્યુઆરી ૧, ૨૦૦૨ના ધ ન્યૂયૉર્ક ટાઈમ્સે બતાવ્યું કે એનો યશ કૉમ્પ્યુટરોમાં રાખવામાં આવેલા આંકડાને જાય છે. આમ “કૉમ્પ્યુટરની મદદથી ગુના વિષે પૂરેપૂરી જાણકારી રાખવામાં આવે છે. દર અઠવાડિયે એક એક વિસ્તારમાં થતા ગુનાની જાણકારીને એકઠી કરીને તપાસવામાં આવતી હતી અને પોલીસ ગુનાની જડ સુધી પહોંચતી હતી જેથી ભવિષ્યમાં થનાર અપરાધ પર કાબૂ લાવી શકાય.” અગાઉના પોલીસ અધિકારી બર્નડ ક્રીકે બતાવ્યું: “અમે ધ્યાનમાં રાખીએ કે ક્યાં ગુના થાય છે, એ શા માટે બની રહ્યા છે અને ત્યાર પછી અમે [પોલીસ] દળને ત્યાં મોકલીએ છીએ અને એ વિસ્તારોને ખાસ ધ્યાન આપીએ છીએ. અને આ રીતે ગુના ઓછા થયા છે.”
[પાન ૭ પર ચિત્ર]
જાપાનનું પોલીસ સ્ટેશન
[પાન ૭ પર ચિત્ર]
હોંગ કોંગમાં ટ્રાફિક પોલીસ
[પાન ૮, ૯ પર ચિત્ર]
અંગ્રેજોની ફુટબોલ રમત વખતે ભીડને કાબૂમાં રાખતા
[પાન ૯ પર ચિત્ર]
પોલીસની ફરજમાં અકસ્માતમાં ઈજા પામેલાઓને મદદ કરવાનો સમાવેશ થાય છે