બાળકો ઇન્ટરનેટ વાપરે ત્યારે માબાપે શું કરવું જોઈએ?
જો તમે માબાપ હો તો તમને કઈ બાબતની વધારે ચિંતા હશે? તમારું બાળક નાની ઉંમરે બાઇક લઈને નીકળી પડે અથવા તે તમારા ધ્યાન બહાર ઇન્ટરનેટનો ઉપયોગ કરે? બંનેવ બાબતોમાં જો ધ્યાન ન રાખવામાં આવે તો જોખમ રહેલું છે. જોકે બાળક એક ને એક દિવસે તો બાઇક ચલાવતા શીખશે જ. એટલે તમારે એ ધ્યાન રાખવાની જરૂર છે, કે તે સંભાળીને બાઇક ચલાવતા શીખે. એવી જ રીતે માબાપ એ પણ ધ્યાન રાખશે કે તે ઇન્ટરનેટનો ઉપયોગ સમજી-વિચારીને કરે. નીચે અમુક બાઇબલના સિદ્ધાંતો આપ્યા છે, જે તમને મદદ કરી શકે.
“પ્રત્યેક ડાહ્યો માણસ બુદ્ધિથી કામ કરે છે.” (નીતિવચનો ૧૩:૧૬) શું તમારા બાળકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે? શું તેઓ ઇન્સ્ટન્ટ મેસેજ મોકલે છે? શું તેઓની પોતાની વેબસાઈટ છે? કે પછી બીજી કોઈ રીતે ઇન્ટરનેટ વાપરે છે? એમ હોય તો માબાપે પણ એ બધા વિષે જાણવું જોઈએ. એ વિષે બે બાળકોની માતા મર્શા જણાવે છે, ‘જો મેં એમ વિચાર્યું હોત કે આ ઉંમરે મારે ઇન્ટરનેટ વિષે જાણવાની શી જરૂર, તો મારા છોકરાઓએ ઇન્ટરનેટ મન ફાવે એમ વાપર્યું હોત. એટલે માબાપની ઉંમર ગમે તે હોય તેઓએ ઇન્ટરનેટના લાભ અને ગેરલાભ વિષે જાણવું જોઈએ.’
“જ્યારે તું નવું ઘર બાંધે ત્યારે તારે ધાબાને ફરતી પાળ બાંધવી, એ માટે કે તે પરથી કોઈ માણસ પડ્યાના કારણથી તારા પર ખૂનનો દોષ આવે નહિ.” (પુનર્નિયમ ૨૨:૮) બાળકો ખરાબ સાઈટ જુએ નહિ એ માટે માબાપ શું કરી શકે? આજકાલ ઇન્ટરનેટ સર્વિસ આપનાર સ્કીમમાં એવા સોફ્ટવેર પણ આપે છે, જેથી મોટા ભાગની ખરાબ સાઈટ અટકાવી શકાય. એવું સોફ્ટવેર માબાપ મેળવી શકે. એનાથી અમુક બાળકો અજાણ્યાઓને સરનામું કે નામ જણાવી નહિ શકે. પણ માબાપે આ સોફ્ટવેર પર પૂરો ભરોસો રાખવો નહિ, કેમ કે હંમેશાં આ સોફ્ટવેર ખરાબ સાઈટ અટકાવશે નહિ. અરે ઘણા બાળકો એટલા હોશિયાર છે કે સોફ્ટવેરને હેક કરીને તેઓ ખરાબ સાઈટ જોઈ શકે છે.
“જે જુદો પડે છે તે પોતાની ઇચ્છા સાધવા મથે છે, તે રીસથી સઘળા સુજ્ઞાનની વિરૂદ્ધ થાય છે.” (નીતિવચનો ૧૮:૧) બ્રિટનમાં નવથી ઓગણીસ વર્ષના બાળકોનો સર્વે કરવામાં આવ્યો. એમાંથી વીસ ટકાએ જણાવ્યું કે તેઓ પોતાના રૂમમાં ઇન્ટરનેટ વાપરે છે. એટલે તમારા બાળકો ઇન્ટરનેટ પર કેવી સાઈટ જુએ છે એ જોવા માટે બધા જોઈ શકે એવી કોમન જગ્યાએ કૉમ્પ્યુટર રાખવું જોઈએ. એમ કરવાથી બાળકો ખરાબ સાઈટ જોતા અચકાશે.
‘કાળજીપૂર્વક સંભાળ રાખો કે તમે નિર્બુદ્ધની જેમ નહિ, પણ ડાહ્યા માણસની જેમ, ચાલો; સમયનો સદુપયોગ કરો, કેમ કે દહાડા ભૂંડા છે.’ (એફેસી ૫:૧૫, ૧૬) તમારા બાળકો સાથે ચર્ચા કરો કે તેઓ ઇન્ટરનેટ ક્યારે અને કેટલો સમય વાપરશે તેમ જ કઈ સાઈટ જોશે. તેઓને સમજાવું જોઈએ કે તમે શા માટે એવું ઇચ્છો છો.
તમે બાળક સાથે ચર્ચા કરી છે કે ઇન્ટરનેટમાં શું સારું છે અને શું ખરાબ છે, તેમ છતાં જો તેઓ જાણીજોઈને ઇન્ટરનેટનો દુરુપયોગ કરે તો તેઓને શિક્ષા કરવી જોઈએ. પણ જ્યારે તેઓ સ્કૂલે જાય, કોઈ મિત્રના ઘરે જાય અથવા એકલા હોય ત્યારે તેમના પર નજર રાખવી શક્ય નથી.a એટલે સૌથી સારું એ છે કે તમારા બાળકોના દિલમાં સારા સંસ્કાર કેળવો, જેથી તેઓ એકલા હોય ત્યારે પણ ખરાબ સાઈટ નહિ જુએ.—ફિલિપી ૨:૧૨.
‘માબાપ પોતાના ઘરનાં માણસોની ચાલચલનની બરાબર તપાસ રાખે છે.’ (નીતિવચનો ૩૧:૨૭) બાળકો ઇન્ટરનેટ પર કેવી સાઈટ જુએ છે એની તપાસ તમારે રાખવી જોઈએ. કદાચ તેઓને લાગે કે તમે તેઓ પર ભરોસો મૂકતા નથી. પણ અમેરિકાની ગુના-શોધક સંસ્થા જણાવે છે કે માબાપે બાળકોના પાસવર્ડ જાણવા જોઈએ. તેઓએ અમુક વખતે જોવું જોઈએ કે તેઓના બાળકો કેવી સાઈટ જુએ છે. અને તેઓના ઇ-મેઇલ પણ અમુક વખતે વાંચવા જોઈએ.
‘વિવેકબુદ્ધિ તારા પર ચોકી કરશે. બુદ્ધિ તારૂં રક્ષણ કરશે; તેઓ તને દુષ્ટ માણસોના માર્ગમાંથી, તથા આડું બોલનાર માણસોથી છુટકારો અપાવશે.’ (નીતિવચનો ૨:૧૧, ૧૨) બાળકો ઇન્ટરનેટ પર કેવી સાઈટ જુએ છે એના પર નજર રાખો. પણ જ્યારે બાળકો એકલા હોય ત્યારે શું? એ માટે જરૂરી છે કે બાળકોના દિલમાં સારા ગુણો કેળવો. તેમ જ તમે પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં સારો દાખલો બેસાડો. બાળકોને ઇન્ટરનેટના જોખમોથી રક્ષણ આપવા તેમની સાથે દિલ ખોલીને વાત કરો. એના વિષે એક પિતા કહે છે કે ‘અમે બંનેવ દીકરાઓને સમજાવ્યું હતું કે ઇન્ટરનેટ પર બીભત્સ ચિત્રો અને ખરાબ લોકોનું જોખમ રહેલું છે. એટલે તેઓને ચેતવ્યા હતા કે એવી સાઈટ ન જોવી જોઈએ અને અજાણ્યા લોકો સાથે ચેટિંગ ન કરવું જોઈએ.’ આ રીતે જો તમે બાળકોમાં સારા સંસ્કાર કેળવશો તો તેઓ ઇન્ટરનેટનો દુરુપયોગ નહિ કરે.
યુવાનોનું રક્ષણ તમારા હાથમાં
આ મૉડર્ન યુગમાં નવા નવા ઇલેક્ટ્રોનિક સાધનો આવતા જ રહે છે. ખરું કે એ સાધનો લાભદાયક છે, પણ એમાં જોખમ રહેલું છે. બાળકને એવા જોખમથી રક્ષણ આપવું એ કંઈ રમત વાત નથી. એ માટે તમારે ઘણા પ્રયત્ન કરવા પડશે. એ માટે તમને ક્યાંથી મદદ મળી શકે? બાઇબલ તમને મદદ કરી શકે છે, જે કહે છે કે ‘જેમ સંપત્તિ આશ્રય છે તેમ બુદ્ધિ પણ આશ્રય છે.’—સભાશિક્ષક ૭:૧૨.
એટલે તમારા બાળકનો ઉછેર એવી રીતે કરો, જેથી કોઈ પણ કામમાં તે બુદ્ધિ વાપરીને સારો નિર્ણય લે. ઇન્ટરનેટની બાબતમાં પણ તેમને જણાવો કે ક્યાં જોખમ રહેલું છે. આ રીતે તેઓ ઇન્ટરનેટમાં પણ સારી બાબતો જ પસંદ કરશે. (g08 10)
[Footnotes]
a માબાપે યાદ રાખવું જોઈએ કે બાળકો પાસે મોબાઇલ-લેપટોપ જેવા બીજા ઇલેક્ટ્રોનિક સાધનો હોય છે, જેના દ્વારા તેઓ ખરાબ સાઈટ જોઈ શકે છે.
[Blurb on page 16]
બ્રિટનમાં નવથી ઓગણીસ વર્ષના બાળકો અઠવાડિયામાં એક વખત ઇન્ટરનેટ વાપરે છે. એમાંથી ૫૭ ટકા બાળકો પોર્નોગ્રાફિક ચિત્રો જુએ છે. પણ દુઃખની વાત એ છે કે ફક્ત ૧૬ ટકાના માબાપો જ સ્વીકારે છે કે તેઓના બાળકોએ આવી સાઈટ જોઈ હશે.
[Blurb on page 17]
ઘણા ઇન્ટરનેટ ઍક્સ્પર્ટ માને છે કે રોજ લગભગ ૭ લાખ ૫૦ હજાર હવસખોરો ઇન્ટરનેટ ચેટિંગમાં બીજાઓને છેતરવાની કોશિશ કરે છે.
[Blurb on page 17]
અમેરિકામાં બારથી સત્તર વર્ષના યુવાનોમાંથી ૯૩ ટકા ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.
[Blurb on page 17]
શું તમે તમારા બાળકને ઈન્ટરનેટ સારી રીતે વાપરતા શીખવો છો?